India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-13

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૩: બ્રિટિશ રાજરમતના ઓછાયા : લખનઉમાં શિયા-સુન્ની રમખાણ, કરાંચીમાં ‘ઓમ મંડળી’નો વિકાસ

ભૂમિકાઃ

કોંગ્રેસ સરકારોએ પ્રાંતોમાં સત્તા સંભાળી તેની કેટલીક સારી અસર હતી તો કેટલીક ખરાબઃ પણ કોમી સંબંધો પર એક અણધારી અસર થઈ અને એને બ્રિટિશ રાજરમતના ભાગ તરીકે ગણી શકાય. સ્થિતિ વિચિત્ર હતી. કોંગ્રેસ ટેનિસની સિંગલ્સની મૅચ રમતી હતી અને એ માનતી હતી કે એની સામે મુસ્લિમ લીગ ખેલાડી છે. પણ મુસ્લિમ લીગ ડબલ્સની મૅચ રમતી હતી, બ્રિટિશ સત્તા એના વતી શૉટ મારી દેતી હતી. આને કારણે કોમી ભાવના વધારે પ્રબળ બની, એટલું જ નહીં કોમની અંદર પણ સામસામાં જૂથો તૈયાર થયાં.

૧૮૫૭ પછી અંગ્રેજી સત્તાની ખફગી મુસલમાનો પર ઊતરી હતી, પણ સર સૈયદ અહમદે શિક્ષણ ક્ષેત્રે જેમ ઉચ્ચ કાઅમ કર્યું તેમ રાજભક્તિ દેખાડીને મુસલમાનોને અલગ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેથી મુસલમાનો તો રાજી થયા પણ હિન્દુઓમાં આક્રોશ વધ્યો. એના પછી મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને વાઇસરૉય મિંટોએ મુસલમાનોને સરકાર તરફ વાળ્યા.

લખનઉમાં શિયા-સુન્ની રમખાણ

૧૯૩૫ના બંધારણમાં અલગ મતદાર મંડળો મળ્યા પછી પણ મુસ્લિમ લીગનો ચૂંટણીમાં રકાસ થયો અને કોંગ્રેસે સત્તા કબજે કરી લીધી. કોમી વાતાવરણ વધારે વકરવા લાગ્યું. હિન્દુઓના પક્ષે ગૌરક્ષા સમિતિઓ, હિન્દી સમિતિઓ બની; આર્યસમાજની પ્રવૃત્તિઓ ધારદાર બની તો સામા પક્ષે મુસલમાનોએ ઉર્દુ બચાવો સમિતિઓ બનાવી અને મુસ્લિમ પ્રથાઓનું જોરશોરથી પાલન કરવાનું વલણ વધ્યું. બીજી બાજુ મુસ્લિમ લીગમાં સુન્નીઓનું જોર વધુ હતું. અંગ્રેજ સરકારે મુસ્લિમ તરફી નીતિઓ અપનાવી તેનો ઘણોખરો લાભ સુન્નીઓને મળ્યો હતો. આસિફુદ્દૌલા, વાજિદ અલી શાહ વગેરે નવાબોના વખતમાં શિયાઓને ઘીકેળાં હતાં પણ શિયાઓની આર્થિક પડતી શરૂ થઈ ગઈ હતી અને સુન્નીઓ શ્રીમંત બનવા લાગ્યા હતા. આથી સુન્નીઓનો અવાજ વધારે બુલંદ બનવા લાગ્યો હતો.

પયગંબર મહંમદના અવસાનથી જ સુન્નીઓ અને શિયાઓ વચ્ચે મતભેદો હતા તે નવા સંજોગોમાં નવી રીતે પ્રગટ થયા. ભારતમાં લખનઉ શિયાઓનું મોટું કેન્દ્ર છે.

શિયાઓ મોહર્રમમાં કરબલામાં ઈમામ હુસૈનની શહીદીની યાદમાં માતમ મનાવે, મરસિયા ગાય અને તાજિયા કાઢે. સુન્નીઓ અલીને રસૂલના પ્રતિનિધિ ન માને. પરંતુ ભારતની સંવાદી પરંપરાની અસર સુન્નીઓ પર પણ પડી હતી અને લખનઉમાં સુન્નીઓ પણ તાજિયામાં ભાગ લેતા.

પરંતુ પયગંબરના જન્મદિને સુન્નીઓ ‘મદ્‍હ-એ-સહબા’નું સરઘસ કાઢે. મદ્‍હ એટલે પ્રશંસા અને સહાબા એટલે પયગંબરના સાથીઓ. એ પયગંબરના સાથીઓની પ્રશંસામાં ગવાતી નાતિયા (ભક્તિભાવયુક્ત) કવ્વાલીઓ છે. ૧૯૦૫ સુધી શિયાઓ અને સુન્નીઓના તાઝિયા સંયુક્ત હતા અને ‘કરબલા’માં દફનાવતા. આ શોકનો દિવસ ધીમે ધીમે તહેવાર બનવા લાગ્યો હતો અને કરબલા પાસે મેળા જેવું વાતાવરણ થઈ હતું. શિયાઓએ આની સામે વાંધો લીધો. ૧૯૦૬માં સ્થાનિક સતાવાળાઓએ શિયાઓની લાગણીને માન આપીને ઉત્સવ બંધ કરાવ્યો, પણ હવે સુન્નીઓએ વાંધો લીધો કે તેઓ ઇસ્લામના એક વીરની યાદમાં આ દિવસ મનાવે છે એટલે આ શોકનો દિવસ નથી. મદ્‍હ-એ-સહબામાં સુન્નીઓ શિયાઓ વિશે ઘસાતું બોલે અને પહેલા ત્રણ ખલિફાઓ અબૂ બક્ર, ઉંમર અને ઉસ્માનની પ્રશંસા કરે. શિયાઓ માને છે કે એ ત્રણ સહબા રસૂલને ખરા અર્થમાં વફાદાર નહોતા. મહંમદ પયગંબરના જમાઈ અલી ચોથા સહબા હતા શિયાઓના મતે એ જ પયગંબરના ખરા વારસ હતા. બન્ને ફિરકાઓ વચ્ચેના આ ઝઘડાને કારણે ૧૯૦૭થી મદ્‍હ-એ-સહબા પર પ્રતિબંધ હતો. પરંતુ સુન્નીઓએ નાગરિક અસહકાર કરીને આ પ્રતિબંધનો ભંગ કર્યો. ગોવિંદ વલ્લભ પંતની કોંગ્રેસ સરકારે કંઈ વિચાર્યા વગર મદ્‍હ-એ-સહબા પરનો પ્રતિબંધ રદ કર્યો આથી શિયાઓ નારાજ થયા અને ૧૮,૦૦૦ શિયાઓએ ધરપકડ વહોરી લીધી. એમાં મુસ્લિમ લીગના અગ્રગણ્ય શિયા નેતાઓ પણ હતા. આ વિવાદ વધ્યો અને શિયા-સુન્ની રમખાણો ફાટી નીકળ્યાં.

મુસ્લિમ લીગની હાલત કફોડી થઈ ગઈ. એ કોનો પક્ષ લે? એના જ શિયા નેતાઓ જેલમાં પહોંચી ગયા હતા, પણ આનો ઝઘડો કંઈ કોંગ્રેસ સાથે કરી શકાય તેન નહોતું કારણ કે લીગના જ સુન્ની નેતાઓ માનતા હતા કે સરકારે મદ્‍હ-એ-સહબા પરનો પ્રતિબંધ હટાવીને અંગ્રેજોએ સુન્નીઓને કરેલા અન્યાયને દૂર કર્યો છે.

આમ મુસ્લિમ લીગને લકવો પડ્યો હોય એવી સ્થિતિ હતી. મુસ્લિમ લીગની નિષ્ક્રિયતા જોઈને પંજાબનું હિંસાવાદી સંગઠન ખાકસાર આગળ આવ્યું. એના નેતા અલમ્મા મશરિકી શિયા અને સુન્ની વચ્ચે સમાધાન કરાવવા લખનઉ આવ્યા. એમની દરમિયાનગીરી એટલી વધી ગઈ કે સરકારે એમની હકાલપટ્ટી કરી.

બીજી બાજુ, ૧૯૩૯માં બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનને યુદ્ધમાં જોતરી દીધું તેના વિરોધમાં કોંગ્રેસી પ્રધાનમંડળોએ બધા પ્રાંતોમાંથી રાજીનામાં આપી દીધાં, આથી લીગને ફરી ઊભા થવાની તક મળી. આ દરમિયાન ‘પાકિસ્તાન’ હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયું હતું.

સિંધમાં ઓમ મંડળી વિરુદ્ધ હિન્દુઓનું આંદોલન

સિંધમાં લીગ સિવાયના મુસ્લિમ પક્ષોની સરકાર હતી અને એમાં કોંગ્રેસ સિવાયના હિન્દુ નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ઓમ મંડળી વિરુદ્ધ હિન્દુઓએ આંદોલન કર્યું ત્યારે મુસ્લિમ પ્રભુત્વવાળી સરકારને તમાશો જોવાની મઝા થઈ પડી.

૧૯૩૫-૩૬માં એક શ્રીમંત વેપારી ભાઈ લેખરાજે વેપાર ધંધો છોડીને આધ્યાત્મિક માર્ગ લીધો સિંધના હૈદરાબાદમાં ‘ઓમ મંડળી’ બનાવી. આ ઓમ મંડળીનાં ધારા ધોરણો પરંપરાગત હિન્દુ ધર્મથી અલગ હતી. ભાઈ લેખરાજનો ઉપદેશ એ હતો કે સ્ત્રી-પુરુષ બધા આત્મા છે અને સમાન છે. ઓમ મંડળીએ ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એના આશ્રમમાં નાની વયની છોકરીઓ કિશોરીઓ, વિધવાઓની સંખ્યા વધારે હતી, એટલું જ નહીં બ્રહ્મચર્ય વિશેના એના વિચારોને કારણે લેખરાજના પ્રભાવમાં આવેલી પરિણીતા સ્ત્રીઓ પણ પતિને છોડીને ત્યાં વસવા લાગી. હૈદરાબાદમાં એની સામે હિન્દુઓએ પોતાના રાજકીય મતભેદો ભૂલીને ઓમ નિવાસ સામે પિકેટિંગ કર્યું. આખરે ભાઈ લેખરાજને ત્યાંથી ઉચાળા ભરીને કરાંચી આવવું પડ્યું.

અહીં ભાઈ લેખરાજ એમના અંતેવાસીઓમાં દાદા લેખરાજ તરીકે ઓળખાવા લાગ્યા. એ ગીતા સિવાયના કોઈ ગ્રંથને માનતા નહોતા અને એમની અનુયાયી સ્ત્રીઓ એમને જ ભગવાન માનતી. એ પોતે સૃષ્ટિના કર્તા બ્રહ્મા હતા અને સૌના પિતા હતા. એક ૨૨ વર્ષની રાધે રજવાણી નામની એમની શિષ્યાને એમણે પોતાની આધ્યાત્મિક પુત્રી બનાવી અને ‘ઓમ રાધે’ નામ આપીને પંથની પ્રમુખ બનાવી. કરાંચીમાં ઓમ નિવાસમાં બધાં સ્ત્રી-પુરુષોને આવવાજવાની છૂટ હતી. ખાસ કરીને ભાઈબંદ સમુદાય (સિંધી વેપારી વર્ગ)માં આ ‘અનૈતિકતા’ વિરુદ્ધ અસંતોષ વધી ગયો. એમના ઘર-કુટુંબની સ્ત્રીઓ ઓમ મંડળીમાં જોડાઈ ગઈ હતી અની ત્યાં જ રહેતી હતી. દાદા લેખરાજ વિરુદ્ધ અશ્લીલતાના આક્ષેપો થયા, એ હિપ્નોટીઝમ કરીને સ્ત્રીઓને વશ કરી લે છે એવું પણ કહેવાતું.

૧૯૩૮માં હિન્દુ સમાજના વિરોધને વાચા આપવા માટે કોંગ્રેસના નેતાઓ ચોઇથરામ ગિદવાણી, હિન્દુ મહાસભાના પ્રતિનિધિઓ, આર્યસમાજીઓ, વેપારીઓ વગેરે એકઠા થયા. એમણે ઓમ મંડળી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી પણ પ્રીમિયર ખાનબહાદુર અલ્લાહ બખ્શની સરકારે એ માગણી ન માની. એના પછી એક આગેવાન સાધુ વાસવાણીની આગેવાની હેઠળ હિન્દુઓનું મોટું સરઘસ સેક્રેટરિએટ તરફ નીકળ્યું. હિન્દુઓની માગણી હતી કે કોઈ પણ સગીર વયની છોકરી માતાપિતાની મંજૂરી વિના ત્યાં ન રહી શકે. સ્ત્રીઓના નિવાસમાં પુરુષો ન જઈ શકે, લેખરાજના ઘર અને ઓમ નિવાસ વચ્ચેનો રસ્તો બંધ થવો જોઈએ.

પરંતુ સરકારે સરઘસ સેક્રેટરિએટ પહોંચે તે પહેલાં ૧૪૪મી કલમ લગાડી દીધી અને સાધુ વાસવાણી અને એમના સાથીઓને પકડી લીધા. હજી થોડા જ દિવસો પહેલાં હજારો હાજીઓનું સરઘસ સેક્રેટરિએટ પહોંચ્યું હતું અને સરકારના પ્રધાનો એમને મળ્યા હતા. હિન્દુઓએ આ ભેદભાવ પર ભાર મૂક્યો. આ મુદ્દો ઍસેમ્બ્લીમાં પણ આવ્યો. હિન્દુ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં અને કોંગેસ અને બીજા હિન્દુ નેતાઓએ ઓમ મંડળી પર પ્રતિબંધ મૂકવાની, ત્યાંથી છોકરીઓને ઉગારી લેવાની માગણી કરી. પણ સરકારે કહ્યું કે જે વયસ્ક છોકરીઓ છે એમના વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર એ હુમલો ગણાય.

અંતે વાત દિલ્હી સુધી પહોંચી અને સિંધ સરકારને તપાસ માટે ટ્રાઇબ્યુનલ નીમવાની ફરજ પડી. જો કે ટ્રાઇબ્યુનલને નિવેદનો નોંધવાથી વધારે કંઈ સત્તા નહોતી એટલે એની સમક્ષ ઓમ મંડળીની પ્રમુખ ઓમ રાધેએ બધા આક્ષેપોના જવાબ આપ્યા પણ પંથના દૃષ્ટિકોણથી કહ્યું કે ઓમ મંડળીમાં આધ્યાત્મિક દૃષ્ટિએ સ્ત્રીપુરુષ વચ્ચે ભેદ નથી, સૌ આત્મા છે એટલે એમના પરસ્પર સંપર્કમાં કંઈ વાંધાજનક નથી.

સરવાળે ટ્રાઇબ્યુનલનો નિર્ણય ઓમ મંડળી વિરુદ્ધ ગયો. દાદા લેખરાજના ઘર અને ઓમ નિવાસ વચ્ચેનો સીધો રસ્તો બંધ કરવામાં આવ્યો, સગીર વયની છોકરીઓને એમનાં માબાપ લઈ ગયાં. પુરુષોની અવરજવર બંધ થઈ.

ભાગલા પછી ૧૯૫૦માં ઓમ મંડળી ભારત આવી અને આબુમાં પોતાનું હેડ ક્વાર્ટર બનાવ્યું અને બ્રહ્માકુમારીઓના સંગઠન તરીકે નવેસરથી કામકાજ શરૂ કર્યું.

૦૦૦

લખનઉ અને કરાંચીની આ બન્ને ઘટનાઓમાં કોમી વલણો તો બહાર આવ્યાં જ એટલું જ નહીં બન્ને કોમોની અંદર જ મતભેદો ઊભા થયા અને સમાજની એકતામાં ફાચર પડી, જે દેખાય નહીં તે રીતે, પણ અંગ્રેજ હકુમતના વિખવાદની નીતિના પ્રભાવને કારણે જ બન્યું. લખનઉમાં કોંગ્રેસ સરકારે ત્રણ દાયકાથી વધારે વખતથી ચાલતો પ્રતિબંધ શા માટે હટાવી લીધો તે આજે પણ એક કોયડો છે.મુસ્લિમ લીગમાં સુન્નીઓનું વર્ચસ્વ હોવાથી શિયા કૉન્ફરન્સ કોંગ્રેસની સાથે હતી. ગોવિંદ વલ્લભ પંતે મુસ્લિમ લીગમાં સુન્નીઓને પ્રભાવિત કરવા માટે પ્રતિબંધ હટાવી લીધો હોય તો એમણે શિયાઓની સહાનુભૂતિ ગુમાવી અને અંતે એ લીગની સામે નબળા પડીને એમાં ભળી ગયા અને કોંગ્રેસને નુકસાન થયું.

સિંધમાં મુસલમાનોની બહુમતી સરકારને હિન્દુઓની ભાવના સાથે હિન્દુઓ જ ચેડાં કરે એમાંથી આનંદ મળ્યો. પરિણામ એ આવ્યું કે બન્ને કોમો વચ્ચે વૈમનસ્ય વધી ગયું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1938 Vol. I

Traditional Rights and Contested Meanings – Mushirul Hasan Economic and Political Weekly, vol. 31, no. 9, 1996, pp. 543–550. JSTOR, www.jstor.org/stable/4403862. Accessed 25 Sept. 2020.

http://www.drpathan.com/index.php/notes/om-mandli-source-material-on-its-past

https://en.wikisource.org/wiki/Om_Mandli

%d bloggers like this: