India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-11

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૧:  ત્રિપુરી અધિવેશન

મધ્ય પ્રાંતના ત્રિપુરી (મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે) ગામે કોંગ્રેસનું બાવનમું અધિવેશન માર્ચની ૧૦-૧૧-૧૨મીએ મળ્યું તે ઘણી વાતમાં અનોખું રહ્યું.

એક તો, એના પ્રમુખ સીધી રીતે ચુંટાયા. બીજી વાત એ કે પ્રમુખ સુભાષચન્દ્ર બોઝ પોતે એટલા બીમાર હતા કે એ એમાં હાજર ન રહી શક્યા અને એમનું ભાષણ અંગ્રેજીમાં એમના ભાઈ શરત ચન્દ્ર બોઝે વાંચી સંભળાવ્યું અને હિન્દુસ્તાનીમાં એનો અનુવાદ આચાર્ય નરેન્દ્ર દેવે વાંચ્યો.

સુભાષબાબુ કલકત્તાના ડૉક્ટરોની સલાહને અવગણીને ત્રિપુરી આવવા નીકળ્યા પણ રસ્તામાં એમની તબીયત લથડી. એ ત્રિપુરિ તો પહોંચ્યા અને આઠમીએ ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠકનું પ્રમુખસ્થાન પણ સંભાળ્યું પણ એમને બીમારો માટેની વ્હીલચેરમાં જ બેસી રહેવું પડ્યું. દસમી તારીખે ખુલ્લું અધિવેશન મળ્યું ત્યારે તો એ બેઠા થવાની સ્થિતિમાં પણ નહોતા.

ત્રીજી વાત એ હતી કે એમાં કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર કોઈ બીજા દેશનું પ્રતિનિધિમંડળ મહેમાન તરીકે આવ્યું. ઈજિપ્તમાં વફ્દ પાર્ટી એના નેતા મુસ્તફા કામિલ પાશાના નેતૃત્વ હેઠળ બ્રિટનના આધિપત્ય સામે લડતી હતી અને હોમ રૂલની માંગ કરતી હતી. ગાંધીજી એ વખતે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના શસ્ત્રને તે પછીના વર્ષે ૧૯૦૮માં કસોટીએ ચડાવવાની તૈયારી કરતા હતા. કામિલ પાશાના સંઘર્ષથી ગાંધીજી બહુ પ્રભાવિત હતા. પરંતુ ૧૯૨૦ના અહિંસક અસહકાર આંદોલન પછી ગાંધીજી વફ્દ પાર્ટી માટે પ્રેરણા રૂપ બની ગયા હતા.

પરંતુ ગાંધીજી રાજકોટના કોકડામાં ગુંચવાયેલા હતા અને ત્રિપુરી પહોંચી ન શક્યા, એ પણ અનોખી વાત હતી. વફ્દ પાર્ટીનું પ્રતિનિધિમંડળ એમના માટે જ આવ્યું હતું પણ ગાંધીજી ન મળી શક્યા.

સુભાષબાબુનું ભાષણ

સુભાષબાબુના ભાષણના મુખ્ય અંશ જોઈએઃ મને કેટલાક વખતથી લાગે છે કે આપણે ફરી સ્વરાજની વાત ઉપાડવી જોઈએ અને એ બ્રિટિશ સરકારને આખરીનામા રૂપે મોકલવી જોઈએ. ફેડરલ સ્કીમ હવે આપણા ગળે પરાણે ક્યારે ઉતારાશે તેની રાહ જોવાનો (“એ વખતે લડશું” એમ વિચારવાનો) હવે સમય નથી. માનો કે યુરોપમાં યુદ્ધ ચાલે છે અને શાંતિ થાય ત્યાં સુધી ફેડરલ સ્કીમ લાગુ જ ન કરે તો આપણે શું કરવું? એવું લાગે છે કે ગ્રેટ બ્રિટન યુરોપમાં શાંતિ થશે તે પછી વધારે સખતાઈથી સામ્રાજ્યવાદી નીતિઓ લાગુ કરશે. પણ અત્યારે એ કમજોર છે, આથી બ્રિટનને આપણે અમુક સમય મર્યાદા સાથે એક અલ્ટીમેટમ આપી દઈએ. જો બ્રિટન જવાબ ન આપે તો આપણી સ્વરાજની માગણી માટે આપણી તમામ તાકાત કામે લગાડવી જોઈએ.

સત્યાગ્રહ આપણું હથિયાર છે અને બ્રિટન સરકાર અત્યારે આખા દેશમાં સત્યાગ્રહ થાય તો એનો મુકાબલો કરવા તૈયાર નથી. પરંતુ મને દુઃખ એ વાતનું છે કે કોંગ્રેસમાં એવા લોકો છે કે જે માને છે કે બ્રિટિશ સામ્રાજ્યવાદ પર મોટો હુમલો કરવાનો સમય આવ્યો નથી. પણ આવા નિરાશાવાદ માટે મને એક પણ કારણ દેખાતું નથી. ઠંડા કલેજાના વાસ્તવવાદી તરીકે બોલું તો, આજે સ્થિતિ એટલી બધી આપણી તરફેણમાં છે કે આપણે તો બહુ ઊંચો આશાવાદ સેવવો જોઈએ. પરંતુ બ્રિટિશ સામ્રાજ્યવાદ પરના આપણા હુમલાને સફળ બનાવવો હોય તો આપણે આપણા મતભેદો ભૂલવા પડશે, આપણાં સાધનો એકત્ર કરવાં પડશે અને રાષ્ટ્રીય સંઘર્ષની સંપૂર્ણ શક્તિ કામે લગાડવાની રહેશે.

આજે રજવાડાંઓમાં પણ જાગૃતિ આવી છે. આપણે હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસના નામે રાજ્યોમાં આંદોલનો કરવાની મનાઈ કરી હતી પણ હવે એ નીતિમાં ફેરફાર કરવો જોઈએ કારણ કે સર્વોપરિ સત્તા (બ્રિટિશ સરકાર) રાજાઓને પીઠબળ આપે છે ત્યારે શું કોંગ્રેસની ફરજ નથી કે એ જનતાને પોતાની તરફ ખેંચે? આમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ.

બીજા દિવસની બેઠકમાં દેકારો

બીજા દિવસે અધિવેશનના કામકાજની શરૂઆત જ ધાંધલધમાલ સાથે થઈ. સબ્જેક્ટ કમિટીએ એક ઠરાવ મંજૂર કર્યો હતો એમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ (કોંગ્રેસ પ્રમુખ)ની ચૂંટણીના અનુસંધાનમાં અમુક ગેરસમજણ ઊભી થઈ તેના વિશે ચોખવટ કરવાની જરૂરિયાત દેખાડી હતી. એમ. એસ. અણ્ણે ઊભા થયા અને કહ્યું કે આની ચર્ચા રાષ્ટ્રપતિની આવી નાજૂક હાલત છે ત્યારે ન થવી જોઈએ અને AICC પર છોડવી જોઈએ. એમણે આ કહ્યું કે તરત જ જબ્બર વિરોધ થયો – “નહીં…નહીં ..ઠરાવ પાછો ખેંચી લો..” બંગાળના પ્રતિનિધિઓએ આ ઠરાવ AICCને સોંપવાનો તો વાંધો લીધો જ પણ એમની માગણી હતી કે આ ઠરાવ જ પાછો ખેંચી લેવાય. પંડિત પંતે કહ્યું કે આ ઠરાવની ચર્ચા હમણાં ન કરવાનું સૂચન છે. એમ થશે તો રાષ્ટ્રપતિને હમણાં જ જબલપુરની હૉસ્પિટલમાં દાખલ કરવા લઈ જઈ શકાશે. બધા નેતાઓ પણ ઇચ્છે છે કે આ મુદ્દાની ચર્ચા અહીં નહીં પણ AICCમાં થવી જોઈએ.

તરત જ બંગાળી ડેલીગેટો આગળ બે લાઇનો વચ્ચેની જગ્યામાં મંચ સામે ઊભા રહીને “શરત ચન્દ્ર બોઝ કી જય.. સુભાષબાબુ કી જય..ઇન્કલાબ ઝિંદાબાદ” પોકારતા રહ્યા. નહેરુ બોલવા ઊભા થયા ત્યારે પણ ઘોંઘાટ એટલો હતો કે નહેરુનો અવાજ દબાઈ જતો હતો. પણ જવાહરલાલ એક કલાક સુધી ધીરજપૂર્વક માઇક પકડીને ઊભા રહ્યા. છેલ્લે શરત ચન્દ્ર બોઝ ઊભા થયા અને બધાંને શાંત થઈ જવા અપીલ કરી તે પછી શાંતિ થઈ. તે પછી નહેરુ ફરી ઊભા થયા, પણ શરતબાબુ સાથે એમની ટપાટપી થતી હોવાનું દર્શકો જોઈ શક્યા. તે પછી પણ થોડી વાર શોરબકોર ચાલુ રહ્યો પણ અંતે નહેરુએ કબજો લઈ લીધો. એ અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં પોણો કલાક બોલ્યા. એ એટલા બધા લાગણીના આવેશમાં હતા કે એમનું ગળું વારેઘડી ભરાઈ આવતું હતું.

એમણે કહ્યું કે સબજેક્ટ કમિટીમાં અશિસ્તનો મુદ્દો આવ્યો જેના વિશે ગાંધીજી ઘણા વખતથી લખતા રહે છે. શા માટે એમણે અશિસ્તની વાત કરી? કારણ કે એમને નજર સામે બહુ મોટી લડાઈ દેખાય છે અને તેઓ એના માટે તૈયારી કરે છે. એમનું માનવું છે કે કોંગ્રેસ અને દેશની જનતાએ એના માટે તૈયાર થવું જોઈએ. આપણે વાતો મોટી મોટી કરીએ અને બીજી બાજુથી અશિસ્ત ફેલાતી જાય છે, ગાંધીજીને લાગે છે કે આ અશિસ્તને કારણે એમનાં શસ્ત્રો બુઠ્ઠાં થઈ જાય છે.

નહેરુએ કહ્યું કે સબજેક્ટ કમિટીમાં આપણી લડતને સતેજ બનાવવાની ઘણી દરખાસ્તો આવી. તમે “છ મહિનાની મહેતલ” આપવાની વાત કરી. આપણે સફળ થવું હોય તો આપણી પાછળ અશિસ્તથી વર્તતું ટોળું હોય તો કંઈ થઈ ન શકે. આ ટોળું બ્રિટિશ સામ્રાજ્યવાદનો સામનો ન કરી શકે.

તે પછી અણ્ણે આવ્યા અને એમણે કહ્યું કે હું મારો ઠરાવ પાછો ખેંચી લેવા માગું છું. હું માત્ર સુભાષબાબુની હાલત જોઈને એમ કહેવા માગતો હતો કે એમને સીધી કે આડકતરી રીતે સ્પર્શતી વાત પર એમની ગેરહાજરીમાં ચર્ચા ન કરવી જોઈએ. સત્રના પ્રમુખ મૌલાના આઝાદે આ ઠરાવ પર મતદાન કરાવતાં એને ભારે ટેકો મળ્યો અને પ્રમુખની ચૂંટણી વખતે ઊભી થયેલી ગેરસમજણના ખુલાસા કરવાનો ઠરાવ AICCને સોંપી દેવાયો.

બીજા ઠરાવો

જયપ્રકાશ નારાયણે રાષ્ટ્રીય માગણીનો ઠરાવ રજૂ કર્યો. એ ઠરાવ પરની ચર્ચામાંથી જોઈ શકાશે કે સુભાષવાદીઓને કોંગ્રેસ સાથે ઘેરા મતભેદ હતા. જયપ્રકાશ નારાયણે કહ્યું કે ૧૯૩૫ના ગવર્નમેંટ ઍક્ટમાં ફેડરલ પદ્ધતિ વિશે જે જોગવાઈ છે તે ઠોકી બેસાડાય તો આપણે વિરોધ કરશું, પણ એ તો એક મુદ્દો છે, મૂળ વાત એ છે કે આપણે સ્વરાજ કેમ પ્રાપ્ત કરીશું. એમણે કહ્યું કે કોંગ્રેસ એકસંપથી કામ નહીં કરે તો કોઈ લડાઈ સફળ નહીં થાય. એમણે કહ્યું કે સવારે જે ધાંધલ ધમાલ થઈ તે ઈજિપ્તના ડેલીગેશને જોઈ; આપણા વિશે એ લોકોના મનમાં સારી છાપ નહીં જ ઊપસી હોય. આચાર્ય નરેન્દ્ર દેવે ઠરાવને અનુમોદન આપ્યું પણ શરતચન્દ્ર બોઝે એની ટીકા કરતાં કહ્યું કે આ ઠરાવમાં નકરા શબ્દો છે. લડવું જોઈએ, પણ એના માટે કોઈ કાર્યક્રમ નથી. આપણે બ્રિટિશ સરકારને મહેતલ આપવી જોઈએ અને એ મહેતલ દરમિયાન સ્વરાજ આપી દેવાની તાકીદ કરવી જોઈએ. કોંગ્રેસ આખી સંગઠિત થાય ત્યાં સુધી લડાઈ જ નથી કરવી કે શું?

નહેરુ એ શરતબાબુની દલીલોને કાપી. એમણે કહ્યું કે આ ઠરાવ સબજેક્ટ કમિટીમાં સર્વાનુમતે પસાર થયો હતો એટલે શરતબાબુ એનો વિરોધ કરે છે તે નવાઈની વાત છે. આ ઠરાવમાં નકરા શબ્દો જ છે તો શરતબાબુએ પોતે સૂચવેલા સુધારામાં પણ નકરા શબ્દો જ છે! આપણે માનીએ કે બહુ મસમોટા ભારે શબ્દો વાપરીને સ્વરાજ લઈ લેશું તો એ મોટી ભૂલ છે. કોંગ્રેસ આવા શબ્દો વીસ વર્ષથી વાપરે છે. અંતે જેપીનો ઠરાવ ભારે બહુમતીથી મંજૂર રહ્યો.

ત્રીજો દિવસ

૧૨મી તારીખે ત્રીજા દિવસે પંડિત ગોવિંદ વલ્લભ પંતે ગાંધીજીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતો ઠરાવ રજૂ કર્યો. ઠરાવમાં સ્પષ્ટ કહ્યું હતું કે છેલ્લાં વીસ વર્ષથી મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ જે નીતિઓ અને કાર્યક્રમો લાગુ કરતી રહી છે તેમાં કોંગ્રેસને સંપૂર્ણ વિશ્વાસ છે અને ભવિષ્યમાં એમાં કંઈ ફેરફાર ન થવો જોઈએ. આ ઠરાવ સુભાષબાબુના કોંગ્રેસની નીતિઓ બદલવાના પ્રયાસ પર લગામ લગાવવા માટે રજૂ થયો હતો.

વધારામાં ઠરાવમાં અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો કે ગયા વખતની વર્કિંગ કમિટીએ (૧૯૩૮ની) સારું કામ કર્યું હોવા છતાં એના કેટલાક સભ્યો પર લાંછન લગાડવામાં આવ્યું છે. ઠરાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આવતા વર્ષે સંકટની સ્થિતિ ઊભી થાય તો એકમાત્ર મહાત્મા ગાંધી એવા છે કે જે કોંગ્રેસને અને દેશને દોરવણી આપીને વિજય તરફ લઈ જઈ શકે તેમ છે. એટલે કોંગ્રેસ પ્રમુખે ગાંધીજીની ઇચ્છા મુજબ વર્કિંગ કમિટીની રચના કરવી જોઈએ.

ડૉ. ગાડગિલે ઠરાવને અનુમોદન આપ્યું પણ કે. એફ. નરીમાને એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે પ્રમુખની હાલત બહુ ચિંતાજનક છે ત્યારે આ ઠરાવની ચર્ચા ન કરવી જોઈએ. મૌલાના આઝાદે એમનો સુધારો પણ મતદાન માટે સ્વીકાર્યો પણ એ ભારે બહુમતીએ ઊડી ગયો.

સરદાર શાર્દુલ સિંઘે ઠરાવનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે સુભાષ ચન્દ્ર બોઝ પ્રમુખપદ્દે ચુંટાયા તેને જૂની વર્કિંગ કમિટી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ ન માનવો જોઈએ. પણ આ ઠરાવ સુભાષબાબુને મત આપનારા ડેલીગેટો વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ જેવો છે. ‘લાંછન’ શબ્દ સામે ઘણા સભ્યોએ વાંધો લીધો અને એ ફકરો કાઢી નાખવાનું સુચવ્યું. નરીમાને કહ્યું કે ગાંધીજીની ‘મંજૂરી’ શબ્દ કાઢી નાખીને તેને બદલે ગાંધીજી સાથે ‘સલાહ કરીને’ વર્કિંગ કમિટી બનાવવી જોઈએ એવા શબ્દો વાપરવા જોઈએ.

લાંબી ચર્ચાને અંતે આ ઠરાવ એના મૂળ સ્વરૂપે જ મંજૂર રહ્યો એટલે કે કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને એમની ઇચ્છા મુજબ વર્કિંગ કમિટી બનાવવાનું સુભાષબાબુ માટે બંધનકર્તા બનાવ્યું.

આ મતભેદો AICC સુધી પહોંચ્યા અને ત્યાં શું થયું તે હવે પછીના પ્રકરણમાં.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1939 Vol. 1

The Egyptian Voice in Gandhi by Anil Nauriya (2011). (extended lecture delivered at Jamia Milia University)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: