૧૯૩૯નું વર્ષ શરૂ થતાંવેંત કોંગ્રેસમાં મતભેદો પ્રકાશમાં આવી ગયા. ૧૯૦૭માં સૂરત કોંગ્રેસ વખતે ગરમપંથીઓ અને નરમપંથીઓ વચ્ચે ફાટ પડી અને કોંગ્રેસ તૂટી, તે પછી આટલાં વર્ષે ફરી બીજા ભાગલાનાં નગારાં સંભળાવા લાગ્યાં.

૧૯૩૯માં મધ્ય પ્રાંત (હવે મધ્ય પ્રદેશ) ના ગામ ત્રિપુરી (જબલપુરનું ગામ)માં કોંગ્રેસનું બાવનમું અધિવેશન મળવાનું હતું હરિપુરા અધિવેશનમાં સુભાષચન્દ્ર બોઝ પ્રમુખ બન્યા હતા. હવે નવા પ્રમુખ ચૂંટવાના હતા.

૧૧મીથી ૧૪મી જાન્યુઆરી દરમિયાન બારડોલીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી. કોંગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝે એમાં પ્રમુખસ્થાન સંભાળ્યું. મૌલાના આઝાદ, શરત ચન્દ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ, જયરામદાસ દોલતરામ, પટ્ટાભિ સીતારામૈયા, શંકર રાવ દેવ, હરેકૃષ્ણ મહેતાબ, આચાર્ય કૃપલાની અને જમનાલાલ બજાજ એમાં જોડાયા. આ તો સત્તાવાર મીટિંગ હતી પણ અનૌપચારિક રીતે વર્કિંગ કમિટીના સભ્યોએ સુભાષબાબુની વિરુદ્ધ કોઈને ઊભા રાખવાનો નિર્ણય કર્યો.

૧૯૩૯ની ૨૯મી જાન્યુઆરીએ પ્રમુખ કોને બનાવવા તે નક્કી થવાનું હતું. મૌલાના અબૂલ કલામ આઝાદ અને ડૉ. પટ્ટાભિ સીતારામૈયાનાં નામો પણ ચર્ચામાં હતાં. ત્રીજા સુભાષચન્દ્ર બોઝ તો હતા જ. ડૉ. પટ્ટાભિએ ૧૭મીએ એક નિવેદન દ્વારા કહ્યું કે એમને છાપાંઓ દ્વારા ખબર પડી કે કોંગ્રેસ પ્રમુખ તરીકે એમનું નામ સૂચવવામાં આવ્યું છે. એમણે આ બાબતમાં કહ્યું કે, મારા માટે પણ આ સમાચાર છે અને હું ચૂંટણીમાંથી ખસી જાઉં છું. જો કે પછી આ સ્ટેટમેંટ રદ જાહેર કરવામાં આવ્યું. આમ એ તો પોતાની જાણ બહાર મેદાનમાં હતા પણ હટ્યા નહીં. બીજી બાજુ, ૨૦મીએ મૌલાના આઝાદે પત્ર લખીને પોતાનું નામ પાછું ખેંચી લેતાં ચૂંટણીના મેદાનમાં સુભાષાબાબુ અને ડૉ. પટ્ટાભિ બાકી રહ્યા. ડેલીગેટોએ મતદાન કર્યું તેમાં ડૉ. પટ્ટાભિને ૧૩૭૭ મત અને સુભાષબાબુને ૧૫૮૦ મત મળતાં એ ફરી વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચુંટાઈ ગયા.

મતભેદનાં મૂળ

બ્રિટિશ સરકારે સૂચવેલી ફેડરેશનની યોજનાનો વિરોધ તો કોંગ્રેસ કરતી જ હતી, પરંતુ સુભાષબાબુ એ યોજના અમુક ચોક્કસ ગાળામાં પાછી ખેંચી લેવાનું સરકારને આખરીનામું આપવા માગતા હતા. એમનો મત હતો કે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડતનો માર્ગ લેવો જોઈએ. બીજા સભ્યો માનતા હતા કે બહુ જોશીલા લાગતા શબ્દોથી સ્વરાજ હાથમાં આવવાનું નથી. સુભાષબાબુ આ લોકોને જમણેરી કહેતા હતા અને ડાબેરીઓ, સમાજવાદીઓ અને સામ્યવાદીઓનો એમને સાથ મળ્યો હતો.

સુભાષબાબુએ મૌલાના આઝાદ ચૂંટણીમાંથી ખસી ગયા ત્યારે એક નિવેદન કરીને પ્રમુખપદના વિવાદ વિશે એમના અને બીજા કોંગ્રેસ નેતાઓના મતભેદોની ચર્ચા કરી. એમણે કહ્યું કે,

“આ મુદ્દો અંગત નથી એટલે હું નમ્રતાનો ડોળ બાજુએ મૂકી દઈને વાત કરીશ. ભારતમાં સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ દિવસોદિવસ તીવ્ર બનતો જાય છે અને નવા વિચારો અને કાર્યક્રમો લોકો સમક્ષ આવવા લાગ્યા છે. આ સંજોગોમાં લોકો એવા મત પર પહોંચવા લાગ્યા છે કે પ્રમુખપદની ચૂંટણી આવા પ્રશ્નો અને કાર્યક્રમોને આધારે લડવી જોઈએ. આ સંજોગોમાં મને લાગે છે કે પ્રમુખની પસંદગી ચૂંટણીથી થાય તેમાં કંઈ ખોટું નથી. મને હજી સુધી એક પણ ડેલીગેટે નિવૃત્ત થઈ જવાની સલાહ નથી આપી. ઉલ્ટું. એવું લાગે છે કે એકંદરે બધા એમ ઇચ્છે છે કે મને એક વર્ષ મળવું જોઈએ. શક્ય છે કે હું ખોટું સમજતો હોઉં અને મોટા ભાગના ડેલીગેટો હું ફરી ચુંટાઉં એવું ન પણ ઇચ્છતા હોય પરંતુ એ તો ૨૯મીએ જ નક્કી થઈ શકશે. મૌલાના આઝાદ જેવા અગ્રગણ્ય નેતાઓએ સ્પર્ધામાંથી હટી જવા અપીલ કરી છે તેને માન આપીને બહુમતી ડેલીગેટો એમ નક્કી કરે કે મારે ફરી પ્રમુખ ન બનવું, તો હું અદના સૈનિક તરીકે એનો સ્વીકાર કરીશ પણ તે પહેલાં ન હટવાની મારી ફરજ છે.”

આના જવાબમાં વલ્લભભાઈ, રાજેન્દ્રબાબુ, જયરામદાસ દોલતરામ. આચાર્ય કૃપલાણી ભૂલાભાઈ દેસાઈ અને શંકર રાવ દેવ વગેરે વર્કિંગ કમિટીના સભ્યોએ પણ નિવેદન બહાર પાડ્યું:

“હમણાં સુધી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી સર્વાનુમતિથી થતી હતી પણ હવે સુભાષ બાબુ નવો ચીલો પાડવા માગે છે; એ એમનો હક છે. એમાં શાણપણ કેટલું છે તે તો અનુભવ પરથી જ જાણી શકાશે, પણ એ સારો પ્રયોગ છે કે કેમ તે બાબતમાં અમને બહુ જ શંકા છે. કોંગ્રેસ પ્રમુખનું પદ ચૂંટણીથી થાય એટલી મજબૂતી કોંગ્રેસમાં આવે, એકબીજાના અભિપ્રાયોને સહન કરી લેવાની સૌની ક્ષમતા વધે તેની અમે રાહ જોવાનું પસંદ કર્યું હોત. સુભાષબાબુ ફેડરેશનનો વિરોધ કરે છે અને વર્કિંગ કમિટીના બધા સભ્યો એ બાબતમાં એમની સાથે જ છે, પણ એમણે વિચારધારાઓ, નીતિઓ અને કાર્યક્રમોની વાત કરી છે તે અમારી નજરે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે બહુ જરૂરી નથી કારણ કે કોંગ્રેસની નીતિઓ પ્રમુખો નક્કી નથી કરતા, વર્કિંગ કમિટી કરે છે. કોંગ્રેસ પ્રમુખ લોકતાંત્રિક રાજાશાહીની જેમ રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે. આથી જ આ પદની દેશમાં બહુ ઊંચી પ્રતિષ્ઠા છે. ડૉ, પટ્ટાભિ લાંબા વખતથી વર્કિંગ કમિટીના સભ્ય છે અને એમની સેવાની કારકિર્દી બહુ લાંબી છે એટલે એમનું નામ ઊંડી વિચારણા પછી રજૂ કરાયું છે. આથી અમે સુભાષબાબુના સાથીઓને અપીલ કરીએ છીએ કે તેઓ ડૉ પટ્ટાભિ સીતારામૈયાની સર્વસંમતિથી પસંદગી થાય તે માટે ખસી જવા સુભાષ બાબુને સમજાવે.

સુભાષબાબુએ પણ એનો જવાબ આપ્યો. એમણે કહ્યું કે પહેલું નિવેદન મારે મૌલાના આઝાદના નિવેદનના જવાબમાં આપવું પડ્યું અને હવે સરદાર પટેલ અને બીજા મહાનુભાવોના નિવેદનના જવાબમાં આ નિવેદન કરવું પડે છે એટલે આ મુદ્દો જાહેરમાં લાવવા માટે હું નહીં પણ મારા આ સાથીઓ જવાબદાર છે. એમણે ઉમેર્યું:

“ચૂંટણીમાં વર્કિંગ કમિટીના સભ્યો એકસંપ થઈને કોઈ એકની તરફેણ કરશે એવું કોઈ ધારી ન શકે. અને મારા સાથીઓ કહે છે કે બહુ વિચાર કર્યા પછી એમને નામ નક્કી કર્યું છે. આ વિધાન એમને વ્યક્તિગત કોંગ્રેસી તરીકે નહીં પણ વર્કિંગ કમિટીના સભ્યો તરીકે કર્યું છે પણ મને કે વર્કિંગ કમિટીના કેટલાક સાથીઓને ખબર જ નથી કે આ વાત વર્કિંગ કમિટીમાં ક્યારે ચર્ચાઈ.

પ્રમુખપદની ચૂંટણીને ‘ચૂંટણી’ કહેતા હોઈએ તો આ નિવેદન મત આપવાના અધિકારને દબાવવાના પ્રયાસ જેવું ન ગણાય? ૧૯૩૪માં કોંગ્રેસના બંધારણમાં ફેરફાર થયા પછી વર્કિંગ કમિટીની પસંદગી પ્રમુખ કરે છે એટલે હવે પ્રમુખ માત્ર કોઈ મીટિંગના ‘ચેરમૅન’ જેવો નથી રહ્યો. આથી હવે કોંગ્રેસ પ્રમુખ અને એની ચૂંટણીની આસપાસ નવી પરંપરાનો વિકાસ થવો જોઈએ.

હું એ પણ કહીશ કે નીતિઓ અને કાર્યક્રમોનો મુદ્દો કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે અસંગત નથી. ઘણા વખતથી એવું સંભળાય છે કે ફેડરેશનના મુદ્દા પર કોંગ્રેસના જમણેરી નેતાઓ સરકાર સાથે સમાધાન કરી લેશે. કોઈ ડાબેરી પ્રમુખ એમાં આડખીલી બને તેમ છે એટલે જમણેરી ઉમેદવારને ચૂંટણીમાં લાવવાનો ખાસ અર્થ છે.”

સુભાષબાબુએ કહ્યું કે પોતે હજી પણ કોઈ ડાબેરી સમાજવાદી ઉમેદવાર, આચાર્ય નરેન્દ્ર દેવ જેવા નેતાની તરફેણમાં ખસી જવાની તૈયારી પણ દેખાડી.

સરદાર પટેલે એનો જવાબ આપ્યો કે સુભાષબાબુનું નિવેદન દંગ થઈ જવાય એવું છે. પહેલાં પણ આ જ રીતે કોંગ્રેસ પ્રમુખનું નામ અનૌપચારિક વિચાર વિનિમય દ્વારા નક્કી થતું હતું, અને ગાંધીજી પહેલાં વર્કિંગ કમિટીમાં રહેતા એટલે નામોની ચર્ચાની શરૂઆત એ કરતા. અમને મૌલાના સાહેબનું નામ યોગ્ય લાગ્યું ત્યારે અમે જમણેરી કે ડાબેરીનો વિચાર નહોતા કરતા. અમે જે રીતે મૌલાના સાહેબનું નામ નક્કી કર્યું તેની બાબતમાં સુભાષબાબુ ધ્યાન ખેંચે છે પણ એ નોંધવા જેવું છે કે સુભાષબાબુનું નામ પણ એ જ રીતે નક્કી થયું હતું. માત્ર એ વખતે બીજા ઉમેદવારને ખસી જવાનું સમજાવવાનું આટલું અઘરું નહોતું થયું. આ વખતે અમને ચોખ્ખું લાગ્યું કે સુભાષબાબુને ફરી ચૂંટવાનું જરૂરી નહોતું. આમ સામસામાં નિવેદનો થતાં રહ્યાં અને ૨૯મીએ ચૂંટણી થઈ તેમાં સુભાષબાબુ જીતી ગયા.

ગાંધીજીનું નિવેદન

ગાંધીજીએ સુભાષબાબુ ચુંટાઈ ગયા તે પછી નિવેદન બહાર પાડીને આ પરિણામને પોતાની હાર માની કારણ કે ડૉ. પટ્ટાભિ સીતારામૈયાને સ્પર્ધામાંથી ન હટવા માટે એમણે પોતે જ દબાણ કર્યું હતું. એમણે ઉમેર્યું કે સુભાષ બાબુ જેમને ‘જમણેરી’ ગણાવેછે તેમની મહેરબાનીથી નહીં પણ ચૂંટણી લડીને જીત્યા છે એટલે હવે તેઓ એમની મનગમતી ટીમ પસંદ કરવાની સ્થિતિમાં છે અને એમણે જરાય વાંધાવચકા કે અડચણ વિના પોતાનો કાર્યક્રમ લાગુ કરવો જોઈએ.

આમ છતાં ગાંધીજી પોતે ઘણા વખતથી ‘હરિજન’માં લખતા આવ્યા હતા તે મુદ્દો પણ ચૂક્યા નહીં. એમણે કહ્યું કે કોંગ્રેસના સભ્યપદ રજિસ્ટરમાં ઘણા બોગસ સભ્યો છે (કોઈ એક વ્યક્તિ આખા સમૂહની ફી ભરીને બધાંનાં નામ ઉમેરાવી દે). આથી કેટલાયે ડેલીગેટો પણ નકલી છે. ચકાસણી થશે ત્યારે આવા ડેલીગેટ નીકળી જશે. ગાંધીજીએ આડકતરી રીતે ચૂંટણીના આ પરિણામ માટે બોગસ ડેલીગેટોને જવાબદાર ઠરાવ્યા.

પરંતુ એમણે ઉમેર્યું કે “સુભાષબાબુ આ દેશના દુશ્મન નથી. એમને દેશ માટે સહન કર્યું છે. એમનો ખ્યાલ છે કે એમની જ નીતિ સૌથી આગળપડતી, સાહસિક છે. હવે લઘુમતી માત્ર એમના પ્રત્યે સફળતાની શુભેચ્છા જ વ્યક્ત કરી શકે. શક્ય હોય તો એમણે સુભાષબાબુની બહુમતીને વધારે મજબૂત બનાવવી જોઈએ પણ એમ ન કરી શકે તો એમણે દૂર રહેવું જોઈએ અને કોઈ પણસંજોગોમાં અવરોધ પેદા ન કરવા જોઈએ. હું કોંગ્રેસીઓને યાદ આપવા માગું છું કે જે લોકોનું માનસ જ કોંગ્રેસનું છે તેઓ એક યોજના પ્રમાણે, કડવાશ વિના અને દેશની વધારે સારી સેવા માટે બહાર રહેશે તો તેઓ કોંગ્રેસનો વધુ પ્રબળ અવાજ બની રહેશે.”

આગળ શું થયું? ત્રિપુરી અધિવેશન વખતે શું થયું? આ વિશે અલગ પ્રકરણની જરૂર છે.