india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-9

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૯:  કચ્છ અને અન્ય રજવાડાંઓમાં જનતાના સંઘર્ષ

આમ તો દેશી રજવાડાંઓમાં આઝાદીનો પવન ૧૯૨૦ના અસહકાર આંદોલન પછી જ ફુંકાવા લાગ્યો હતો અને અનેક રાજ્યોમાં લોકોની લોકશાહી આકાંક્ષાઓ જાગી ઊઠી હતી. સૌરાષ્ટ્રમાં રાજકીય પરિષદની સ્થાપના સાથે પ્રજાકીય અવાજ બુલંદ થવા લાગ્યો હતો. પરંતુ કચ્છમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ વ્યાપક હતું, કામધંધાને લઈને લોકો મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચ્યા હતા. વિસ્તાર ઘણો મોટો એટલે વસ્તી પાંખી.  આમ કચ્છ રાજ્ય ભૌગોલિક રીતે દેશથી કપાયેલું હતું એટલે દેશના બીજા પ્રવાહોની અસર ત્યાં જરા ધીરે ધીરે પહોંચતી હતી. કચ્છના મહારાવશ્રી ખેંગારજીના લગભગ સાઠ વર્ષના શાસન કાળમાં એકંદરે શાંતિ રહી હતી, પણ એમનું વલણ રૂઢિચુસ્ત, એટલે જે ચાલે છે તેમાં સમય આવ્યે ફેરફાર થાય તો ભલે, બાકી ફેરફાર માટે બહુ મહેનત ન કરવી, એવું એમનું માનસ હતું.

આમ છતાં ૧૯૨૫માં ગાંધીજી કચ્છની મુલાકાતે આવ્યા તે પછી પલટો આવવા લાગ્યો હતો. તે પછી ૧૯૨૬માં કચ્છી પ્રજાકીય પરિષદની મુંબઈમાં સ્થાપના થઈ એમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા યૂસુફ મહેર અલીની પ્રેરણા રહી. મહેર અલી મૂળ કચ્છ-મુંદ્રાના ખોજા પરિવારના, એટલે રાષ્ટ્રીય સ્તરે ટોચના નેતાઓની હરોલમાં પહોંચ્યા તેમ છતાં માદરેવતનનો પ્રેમ છૂટ્યો નહોતો. શેઠ શૂરજી વલ્લભદાસ વગેરે મુંબઈ વસતા કચ્છી આગેવાન વેપારીઓએ એમાં અગત્યનો ભાગ ભજવ્યો.

કચ્છવાસી આગેવાનોનું દૃષ્ટિબિંદુ જુદું હતું. એમનું માનવું હતું કે કચ્છ માટેની પ્રજાકીય કાર્યવાહી કચ્છમાંથી જ થવી જોઈએ. આથી ગુલાબશંકર ધોળકિયા, કાન્તિપ્રસાદ અંતાણી વગેરે નેતાઓના પ્રયાસોથી ૧૯૩૯માં મુંદ્રામાં પરિષદનું પહેલું અધિવેશન ગુલાબશંકર ધોળકિયાના પ્રમુખપદે મળ્યું. એમાં કચ્છમાં જવાબદાર રાજતંત્રની માગણી કરવામાં આવી.  પ્રજાની વાચા જેવા એક્માત્ર અખબાર ‘જયકચ્છ’ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા પણ એના તંત્રી ફૂલશંકર પટ્ટણીએ જીએરા (જીવે રાજા)ના નામે નવું છાપું શરૂ કર્યું. એમની સામી રાજદ્રોહના કેટલાયે કેસો થયા.

પરિષદના બે નેતાઓ કાન્તિપ્રસાદ અંતાણી અને જમનાદાસ ગાંધીને રાજ્યે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં ગોંધી દીધા. બન્ને નેતાઓ જેલમાં પ્રવેશ્યા કે તરત જ એમના પર વૉર્ડરો તૂટી પડ્યા અને ઢોરમાર માર્યો. પરિષદે આની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું અને અંતે રાજ્યે એમને છોડી મૂક્યા. ૧૯૪૨ની ઑગસ્ટ ક્રાન્તિમાં પણ ક્ચ્છના વિદ્યાર્થીઓએ લોકોને જગાડવા માટે દેશી બોંબ બનાવવા જેવાં કેટલાંક કામો કર્યાં. આમ કચ્છનું રાજકારણ દેશવ્યાપી રાજકારણ સાથે સૂર-તાલ મેળવતું થઈ ગયું. પરંતુ એ સંઘર્ષ ૧૯૪૭ના જાન્યુઆરીમાં, દેશને આઝાદી મળી તેનાથી થોડા મહિના પહેલાં જ કામયાબ થયો અને મહારાવશ્રી વિજયરાજજી પ્રજાના પ્રતિનિધિઓની સમિતિ નીમવા સંમત થયા.

ગુજરાતમાં વડોદરા અને ભાવનગર બે જ રાજ્યો એવાં હતાં જ્યાં શાસકો પ્રગતિશીલ હતા અને એમણે લોકોની રાજકીય ભાગીદારી માટે દરવાજા ખોલી નાખ્યા. અહીં પ્રજાકીય પરિષદો આદરને પાત્ર કામો કરતી રહી.

રાજસ્થાન

 રાજસ્થાનમાં પણ ૧૯૨૦થી જ જાગીરદારોના અત્યાચારો સામે ખેડૂતો આંદોલનો ચલાવતા હતા પરંતુ ખરું જોશ તો હરિપુરાના કોંગ્રેસ અધિવેશન પછી આવ્યું. ૧૯૩૮માં કોંગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝે જોધપુરની મુલાકાત લીધી તે પછી તો ઠેકઠેકાણે પ્રજામંડળો સ્થપાવા લાગ્યાં. જયપુર અને બૂંદીમાં પ્રજામંડળોની સ્થાપના ૧૯૩૧માં, અને મારવાડ પ્રજામંડળની સ્થાપના ૧૯૩૪માં જ થઈ ગઈ હતી. એ જ રીતે, ધોલપુર અને બીકાનેરનાં પ્રજામંડળો ૧૯૩૬માં બન્યાં. પણ તે પછી, શાહપુરા, મેવાડ, અલવર, ભરતપુર, કરૌલીમાં ૧૯૩૮માં સિરોહી અને કિશનગઢમાં ૧૯૩૯માં, કુશલગઢમાં ૧૯૪૨માં, બાંસવાડામાં ૧૯૪૩માં, ડૂંગરપુરમાં ૧૯૪૪માં, પ્રતાપગઢ અને જેસલમેરમાં ૧૯૪૫માં અને ઝાલાવાડમાં ૧૯૪૬માં પ્રજામડળની સ્થાપના થઈ. માત્ર એક દોઢ દાયકાના ગાળામાં આખું રાજસ્થાન દેશના મુખ્ય સંઘર્ષ સાથે જોડાઈ ગયું. ૧૯૩૭ પહેલાં બનેલાં પ્રજામંડળો પણ શરૂઆતના દિવસો પછી નિષ્ક્રિય થઈ ગયાં હતાં પણ ૧૯૩૭ આવતાં સુધીમાં બધાં ફરી સક્રિય થઈ ગયાં.

એક પણ જગ્યાએ પ્રજામંડળોને માન્યતા ન અપાઈ અને એ ગેરકાનૂની સંગઠન તરીકે કામ કરતાં રહ્યાં. આ બધાં આંદોલનો ૧૯૪૭ સુધી ચાલતાં રહ્યાં. ભારત છોડો આંદોલન દરમિયાન બાલમુકુંદ બિસ્સાએ જેલમાં ઉપવાસ કર્યા અને આઠ દિવસ પછી એમનું અવસાન થયું. ૧૯૪૭માં ડાબડામાં કિસાન સંમેલન મળ્યું તેના પર રાજના માણસોએ હુમલો કર્યો, તેમાં ચુનીલાલ શર્મા અને બીજા ચાર ખેડૂત શહીદ થયા.

ઉત્તર ડૂંગરપુર રાજ્યમાં સેવા સંઘ નામની સંસ્થા સ્કૂલોનો વહીવટ સંભાળતી હતી. એ બંધ કરાવવા પ્રજામંડળે આંદોલન કર્યું. રાસ્તાપાલ ગામે પોલીસના ગોળીબારમાં કોળી જાતિના નાનાભાઈ ખાંટ અને એમની બહેન કાલીબાઈના જાન ગયા.

ઓરિસ્સા

ઓરિસ્સા (હવે ઓડીશા)માં ૧૯૩૫ના કાયદામાં સૂચવેલા ફેડરેશન (રાજાઓ માટે અનામત ૪૦ ટકા સીટો) સામે શરૂઆતથી જ વિરોધ હતો. કોંગ્રેસ, સમાજવાદીઓ અને સામ્યવાદીઓને સમજાયું કે ફેડરેશન બનશે તો સામંતી વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને સામાન્ય પ્રજાની સ્થિતિ વધારે બગડશે. ફેડરેશન બનવાની આશામાં જાગીરદારોએ દમનનો દોર છૂટો મૂકી દીધો હતો. નીલગિરિ અને  ઢેંકાનાલ જાગીરોના લોકોએ પહેલ કરી તે પછી બીજા લોકો પણ જોડાયા. એક સમય પછી ઓરિસ્સાના ખૂણે ખૂણે સામંતી વ્યવસ્થા સામે જનતાનો આક્રોશ ભડકી ઊઠ્યો હતો.

 ૧૯૩૮માં નીલગિરિમાં પ્રજામંડળની રચના થયા પછી લોકો  નાગરિકતા જેવા પ્રાથમિક અધિકાર માટે માંગ  કરવા લાગ્યા. નીલગિરિના જાગીરદાર કિશોરચન્દ્ર મર્દરાજ  હરિચંદન અને પોલિટિકલ એજ્ન્ટને વિનંતિ પત્રો મોક્લાયા પણ કંઈ ન વળતાં લોકોએ અહિંસક સત્યાગ્રહનો માર્ગ લીધો.  રાજાએ એમની સામે સખત હુકમો કાઢ્યા પણ લોકો હવે માનવા તૈયાર નહોતા. આના પછી  લોકોની જાહેર સભાઓનો દોર શરૂ થઈ ગયો. આમાં ઓરિસ્સાની બહારના કોંગ્રેસી નેતાઓ, બળવંત રાય મહેતા, અમૃતલાલ શેઠ અને જમનાલાલ બજાજ સીધા જ સંકળાયેલા હતા. નેતાગીરી  કૈલાસચન્દ્ર મોહંતી, બનમાલી દાસ, હરેકૃષ્ણ મહેતાબ જેવા નેતાઓના હાથમાં હતી.

લોકોની માગણી હતીઃ રાજ્યના અધિકારીઓ દ્વારા ચલાવાતી વેઠ પ્રથાની નાબૂદી, મજૂરોને દહાડીની ચુકવણી, વનપેદાશો પરના ભારે કરવેરાની નાબૂદી અને રાજકુટુંબમાં લગ્નો અને એવા પ્રસંગે કર્મચારીઓ પાસેથી પગારની વસુલાત બંધ કરવી. એક સભામાં પોલીસે ગોળીબાર કર્યો જેમાં સંખ્યાબંધ લોકો ઘવાયા તે પછી અનેક ધરપકડોનો દોર ચાલ્યો. પરંતુ લોકોને શાંત પાડવાનું શક્ય નહોતું. અંતે રાજાએ સમાધાન કરી લીધું, પરંતુ ફરી ૧૯૩૯માં રાજાએ પ્રજામંડળ પર પ્રતિબંધ મૂકી દીધો.  એ જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં આંદોલન ધીમું પડી ગયું.

તાલચેરમાં રાજાએ લોકોનાં ખેતરો પર કબજો કરી લીધો હતો અને સ્ત્રીઓનાં શીયળ જોખમમાં મુકાયાં હતાં. રાજાનું દમન એટલું વધી ગયું હતું કે લોકો વતન છોડીને બ્રિટિશરોને અધીન પ્રદેશોમાં નિર્વાસિત કૅમ્પોમાં રહેવા ભાગી છૂટ્યા હતા.  કૅમ્પોમાં જ એમણે ગાંધીજીની સલાહ પ્રમાણે સત્યાગ્રહ શરૂ કર્યા. હવે બ્રિટિશ હાકેમોને વચ્ચે પડવા જેવું લાગ્યું. આંદોલનના નેતા હરેકૃષ્ણ મહેતાબ અને નાયબ પોલિટિકલ એજન્ટ વચ્ચે થઈ પણ રાજાએ એ માનવાનો ઇનકાર કર્યો.

ઢેંકાનાલમાં રાજા શંકર પ્રતાપ સિંઘદેવના અત્યાચારી શાસન વિરુદ્ધ પ્રજામંડળના નેજા નીચે લોકો સંગઠિત થયા. પ્રજામંડળે ૩૯ માગણીઓનું નિવેદન તૈયાર કર્યું. પોલીસના અત્યાચારોથી ત્રાસીને લોકો કટક તરફ ભાગવા લાગ્યા. કટકમાં એમના ઘણા સમર્થક હતા. કટકમાં હવે સભાઓ ભરાવા લાગી. એક વાર પોલીસે આવી એક મીટિંગ પર ગોળીબાર કરતાં છ જણ માર્યા ગયા. લોકો બ્રાહમણી નદી પાર કરીને ભાગવા માગતા હતા તેમના પર પોલીસે ગોળીબાર કરીને ઘણાને મારી નાખ્યા. પણ આ બનાવના પડઘા આખા દેશમાં પડ્યા, એની અસર રાજા પર પણ થઈ અને એણે સમાધાનનો રસ્તો લીધો. પરંતુ એમાંથી એક પણ વચન પાળ્યું નહીં.

હૈદરાબાદ

હૈદરાબાદ ભારતનું સૌથી મોટું દેશી રાજ્ય હતું. નિઝામ ઓસ્માન અલી ખાનને બ્રિટિશ હકુમત તરફથી જોરદાર ટેકો મળતો હતો. ૧૯૨૦ના અસહકાર આંદોલનની હૈદરાબાદની જનતામાં પણ ઊંડી અસર પડી હતી. અસહકારની સાથે જ ગાંધીજીએ ખિલાફત આંદોલન પણ શરૂ કર્યું હતું અને નિઝામ એનો વિરોધ તો કરી ન હકે. એ જ રીતે, એ ટેકો પણ આપવા નહોતો માગતો. એટલે એણે ઈત્તિહાદ ઉલ મુસ્લિમીન નામનું સંગઠન ઊભું કર્યું કે જે નિઝામને વફાદાર હતું.

નિઝામના તાબામાં મરાઠવાડા, આંધ્રનો અમુક ભાગ અને કર્ણાટક હતાં. ૧૯૨૧માં આ ત્રણેયની અલગ કાઉંસિલો બની. કાઉંસિલોએ જવાબદાર શાસન, ખાનગી શાળાઓ પ્રાદેશિક ભાષાઓની  વિસ્તરણની માગણી કરી. એને અખબારોમાં બહોળી પ્રસિદ્ધિ મળતાં લોકોનું ધ્યાન હૈદરાબાદ તરફ વળ્યું.

૧૯૩૮માં આ ત્રણેય કાઉંસિલોના નેતાઓએ સાથે મળીને હૈદરાબાદ રાજ્ય કોંગ્રેસની સ્થાપના કરી. નિઝામે એના પર પ્રતિબંધ મૂકી દીધો. આની અસર એ થઈ કે રાજ્યમાં ચાલતી સાંસ્કૃતિક સંસ્થાઓ રાજકીય વિચારોની વાહક બની ગઈ. અંતે નિઝામને અમુક સુધારા કરવા પડ્યા પણ એને કોંગ્રેસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો. નિઝામે ‘વંદે માતરમ’ ગાવા પર પણ પ્રતિબંધ લાગુ કર્યો હતો. પરંતુ એને કારણે વિદ્યાર્થીઓ ‘વંદે માતરમ’ ગાતા રસ્તા પર આવી ગયા.

આવાં આંદોલનો આગળ જતાં ‘ભારત છોડો’ આંદોલન સાથે ભળી ગયાં. એમણે ઑગસ્ટ ૧૯૪૨માં જવાબદાર રાજતંત્રની રચના કરવાની, સ્વતંત્ર ભારતમાં રાજ્યને ભેળવી દેવાની, નાગરિક અધિકારોની અને કોંગ્રેસ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી. બ્રિટિશ હકુમતનો ટેકો હોવા છતાં અંતે નિઝામે નમતું મૂક્યું અને ૧૯૪૬માં કોંગ્રેસને માન્યતા આપી.

પ્રજામંડળ આંદોલનો કોંગ્રેસના સંઘર્ષ અને સિદ્ધાંતો પ્રમાણે જ ચાલ્યાં અને લોકોએ જાતે ચલાવ્યાં.

૦૦૦

સંદર્ભઃ

https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-mundra-news-085512-1250997-NOR.htmlhttps://govtexamsuccess.com/praja-mandal-movement-part-1

https://selfstudyhistory.com/2015/02/13/praja-mandal-movements-in-princely-states/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: