ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાનાં અધિવેશનો

મુસ્લિમ લીગનું લખનઉ અધિવેશન

ચૂંટણીમાં સજ્જડ હાર ખાધા પછી મુસ્લિમ લીગ પોતાના ઘા પંપાળતી હતી. આ હાર પછી જિન્નાનું વલણ વધારે કડક બન્યું. ૧૯૩૬ના ઍપ્રિલમાં એ કહેતા કે કોંગ્રેસ મુસલમાનોને સાથે નહીં રાખે તો સફળ નહીં થાય. આપણે ૨૭મી ઑગસ્ટના પ્રકરણ ૧માં જોયું તેમ જિન્ના કહેતા હતા કે એમણે હિન્દુઓ સાથે કદમ મિલાવીને ચાલતાં પહેલાં મુસલમાનો માટે રક્ષણાત્મક જોગવાઈઓ કરવાની માગણી કરી તે ધાર્મિક કે કોમી કારણસર નહોતી. પરંતુ બહુમતી કોમને આ શરતો મંજૂર નહોતી. પરંતુ ઑક્ટોબર ૧૯૩૭માં લખનઉ અધિવેશનમાં જિન્નાની ભાષામાં થોડો ફેરફાર થયો. એ બેઠકમાં જિન્નાએ કોંગ્રેસને બદલે હિન્દુ કોમની વાત કરી! આમ કોંગ્રેસને કોરાણે મૂકીને બોલવાની શરૂઆત થઈ. એમણે ૧૯૩૫ના બંધારણ વિરુદ્ધ પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો પણ કહ્યું કે સશસ્ત્ર બળવાની તો શક્યતા નથી, અસહકાર પણ નિષ્ફળ નીવડ્યો છે. હવે બંધારણીય માર્ગે જ પાર્લામેન્ટમાં અને બહાર પગલાં લેવાં જોઈએ, પણ એ કામ કોઈ એક કોમથી નહીં થાય, બધી કોમોએ સાથે મળીને કરવું જોઈએ. લખનઉમાં જિન્ના જખમી વાઘની જેમ બોલ્યા. એમણે આત્મનિરીક્ષણ ન કર્યું, મુસ્લિમ લીગનું સંસ્થાગત માળખું હતું જ નહીં એ વાતનો ઉલ્લેખ તો કર્યો પરંતુ પોતાની જ પીઠ થાબડી કે આ સંજોગોમાં પણ આપણે જે કરી દેખાડ્યું છે તે નિરાશ થવા જેવું નથી.

એમને મુખ્ય વાંધો એ હતો કે કોંગ્રેસ પૂર્ણ સ્વરાજની વાત કરતી હોવા છતાં ચૂંટણી લડી અને સત્તા સંભાળી. એમના જ શબ્દો જોઈએઃમુસ્લિમ લીગ હિન્દુસ્તાનમાં સંપૂર્ણ સ્વાધીન રાષ્ટ્રીય લોકશાહી સરકારની માગણી કરે છે. અજ્ઞાન અને નિરક્ષર જનતાને ભોળવવા માટે ઘણી વાતો થાય છેપૂર્ણ સ્વરાજ, સ્વાધીન સરકાર, સંપૂર્ણ આઝાદી, જવાબદાર સરકાર, સ્વતંત્રતાનું મૂળભૂત તત્ત્વ, ડોમિનિયન સ્ટેટસ. કેટલાક લોકો મુકમ્મલ આઝાદીની વાતો કરે છે, પણ હોઠે પૂર્ણ સ્વરાજ હોય અને હાથમાં ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ૧૯૩૫ હોય તેનો કંઈ અર્થ નથી! જે લોકો પૂર્ણ સ્વતંત્રતાની વાતો કરે છે તેઓ એમાં માનતા નથી.” જિન્નાએ કહ્યું કે કોંગ્રેસના હાલના નેતાઓ પાસેથી મુસલમાનો ન્યાયની આશા ન રાખી શકે.

એમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં હિન્દી રાષ્ટ્રભાષા બનશે, વંદે માતરમ રાષ્ટ્રગીત બનશે અને કોંગ્રેસના ધ્વજ સમક્ષ બધાએ નમવું પડશે. હજી તો એ બહુ નજીવી સત્તાની પાસે જ પહોંચ્યા છે ત્યાં તો બહુમતી કોમે દેખાડી દીધું છે કે હિન્દુસ્તાન હિન્દુઓ માટે છે; ફેર એટલો જ છે કે કોંગ્રેસ ‘રાષ્ટ્રવાદ’ના ઓઠા હેઠળ છુપાય છે અને હિન્દુ મહાસભા ખુલ્લેઆમ બોલે છે. કોંગ્રેસની આજની નીતિઓનું પરિણામ એ આવશે કે સમાજમાં વર્ગો વચ્ચે વેરઝેર વધશે, કોમી હુલ્લડો થશે અને એને પરિણામે દેશ પર સામ્રાજ્યવાદીઓની પકડ મજબૂત બનશે.

જિન્નાએ અંગ્રેજી હકુમતની પણ ટીકા કરી કે એ લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ તરફ ઢળતા મુસલમાનો માટે આકરા શબ્દો વાપરતાં એમણે કહ્યું કે એ લોકો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે. એમણે મુસલમાનોને વિચાર કરવા અને પોતાનું ભાવિ જાતે નક્કી કરવાનું એલાન કર્યું.

શિયાઓ કોંગ્રેસ સાથે

પરંતુ શિયાઓ મુસ્લિમ લીગ સાથે નહોતા. પહેલા પ્રકરણમાં આપણે જોયું કે મુસ્લિમ લીગના અધિવેશનમાં ઔધના ભૂતપૂર્વ

ચીફ જસ્ટિસ સૈયદ વઝીર હસન પ્રમુખપદે હતા. એમણે પોતાના ભાષણમાં હિન્દુ-મુસ્લિમ એકતા અને કોંગ્રેસ સાથે મળીને કામ કરવાની પણ હિમાયત કરી હતી. તે પછી મુસ્લિમ લીગે એમને બરતરફ કર્યા હતા. એમણે બંગાળમાં મુસ્લિમ લીગની કૉન્ફરન્સમાં પણ આ જ વાત ફરી કહી અને તે પછી શિયાઓની પોલિટિકલ કૉન્ફરન્સમાં એમણે શિયાઓને કોંગ્રેસમાં જોડાઈ જવાની અપીલ કરી. એમણે કહ્યું કે લઘુમતીઓનો કોઈ સવાલ છે, એ વાતનો જ હું સ્વીકાર કરતો નથી. એ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓએ દેશમાં રાષ્ટ્રવાદી ભાવના ન ફેલાય તે માટે ઊભો કર્યો છે. રાષ્ટ્રવાદના માર્ગમાં હિન્દુ કોમવાદીઓ અને મુસ્લિમ કોમવાદીઓ આડખીલી બન્યા છે. વઝીર હસને કહ્યું કે જો આપણામાં રાષ્ટ્રવાદનો આછોપાતળો પણ ધબકાર હોય તો આપણે રાષ્ટ્રવાદને કોમવાદમાં અને કોમવાદને ઝનૂનવાદમાં ફેરવાતો ન જોઈ શકીએ. એમણે મુસલમાનોને કોંગ્રેસમાં જોડાઈ જવા અપીલ કરી.

એમણે કહ્યું કે કોમી ઍવૉર્ડ વિશે કોંગ્રેસનું વલણ બહુ સ્પષ્ટ હતું અને કોંગ્રેસે ઘણા પ્રાંતોમાં સરકારો બનાવી છે. પણ જે પ્રાંતોમાં મુસલમાનોની બહુમતી છે ત્યાં પણ મુસ્લિમ લીગનું કોઈ સ્થાન નથી. શિયા કૉન્ફરન્સે એક ઠરાવ દ્વારા કોમી મતદાર મંડળો રદ કરવાની પણ માગણી કરી.

આમ મુસલમાનોમાં શિયા-સુન્ની ઝઘડા તો સદીઓથી ચાલે છે તેને હવે રાજકીય રંગ પણ મળ્યો.

હિન્દુ મહાસભાનું અધિવેશન

એ જ વર્ષના ડિસેમ્બરની ૩૦મીએ અમદાવાદમાં હિન્દુ મહાસભાનું ૧૯મું અધિવેશન મળ્યું. વિનાયક દામોદર સાવરકરને એ અધિવેશનમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. અધિવેશનમાં જે ઠરાવો પસાર થયા તે મુખ્યત્વે હિન્દુ-મુસ્લિમ સંબંધોને લગતા હતા, માત્ર એક ઠરાવ ફેડરેશનને લગતો હતો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ફેડરેશનનો વિરોધ કરતાં હતાં પણ હિન્દુ મહાસભાએ વહેલામાં વહેલી તકે ફેડરેશન બનાવવાનો આગ્રહ કર્યો. બીજી બાજુ, સૌ કોમોને મંદિર પ્રવેશની છૂટ આપવા વિશેના ઠરાવનો સનાતનીઓએ વિરોધ કર્યો.

પ્રમુખ તરીકે બોલતાં સાવરકરે કહ્યું કે ભારત આજે એકરૂપ અને એકરંગી દેશ છે એમ માની શકાય, ઉલ્ટું, એમાં મુખ્યત્વે બે રાષ્ટ્રો છેહિન્દુઓ અને મુસલમાનો સ્થિતિ ઘણા દેશોમાં છે અને ભારતીય રાષ્ટ્રમાં આપણે બહુ બહુ તો એટલું કરી શકીએ કે આપણે પ્રતિનિધિત્વમાં કોઈની ખાસ તરફેણ કરીએ અને કોઈની વફાદારી ખરીદવા વધારે કિંમત ચુકવીએ. સૌને માટે સમાન ભારતીય રાજ્યની સ્થાપના માટે હિન્દુઓ એક રાષ્ટ્ર તરીકે પોતાની ફરજ બજાવવા તૈયાર છે. આપણે લઘુમતીઓને એમના ધર્મ, સંસ્કૃતિ અને ભાષાના રક્ષણની બાંયધરી આપશું પણ હિન્દુઓની સમાન સ્વતંત્રતા પરના એમના હુમલાને સાંખી નહીં લઈએ.”

સાવરકરે કહ્યું કે “દેશમાં બે પરસ્પર વિરોધી રાષ્ટ્રો સાથે રહે છે. કેટલાક બાલિશ નેતાઓ એમ માને છે કે ભારત ખરેખર સુસંવાદી દેશ બની ગયો છે, અથવા તો માત્ર ઇચ્છવાને કારણે સુસંવાદી બની જશે. પરંતુ નક્કર હકીકત છે કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય વૈમનસ્ય ચાલ્યું આવે છે. એનો વખત આવે ત્યારે એનો હલ કરજો પણ વૈમનસ્ય છે વાત માનવાથી દૂર નહીં થાય.”

આપણા એકતાપ્રેમીઓ ક્યારે સમજશે કે મુસલમાનોનો વાંધો એક શબ્દ અહીં કે એક ગીત ત્યાં, નથી. ‘હિન્દુસ્થાનની એકતા માટે આવાં તો ડઝન ગીતો કે સેંકડો શબ્દોને આપણે પડતાં મૂકી શકીએ છીએ પણ એના પછી ખરી એકતા થવી જોઈએજે દિવસે આપણે મુસલમાનોને એવું સમજવા દીધું કે લોકો હિન્દુઓ પર ઉપકાર નહીં કરે તો સ્વરાજ હાંસલ નહીં કરી શકાય, તે દિવસે આપણે માનભર્યું સમાધાન કરવાની તક ખોઈ બેઠા. દેશની જબ્બર બહુમતી જ્યારે લઘુમતી સામે ઘૂંટણિયે પડે, એની મદદ માટે કાકલૂદીઓ કરે અને એને ખાતરીઓ આપે કે તમારા વિના અમે મરી જઈશું ત્યારે લઘુમતી પોતાનો સહકાર ઊંચામાં ઊંચી કિંમતે વેચે તો નવાઈ ગણાય….”

સાવરકરે કહ્યું કેતમે સાથે આવો તો તમારી સાથે મળીને, આવો તો તમારા વિના, તમે સામી બાજુ હશો તો તમારા વિરોધ છતાં હિન્દુઓ પોતાની રાષ્ટ્રીય આઝાદી માટે સંઘર્ષ કરતા રહેશે.”

બે રાષ્ટ્રનો સિદ્ધાંત

સાવરકર બે રાષ્ટ્રો વચ્ચે સત્તાના વિભાજનની વાત નથી કરતા. એમનો ખ્યાલ એવો છે કે હિન્દુઓની સર્વોપરિતા હોવી જોઈએ. પરંતુ એનું કારણ એમણે એ આપ્યું કે હિન્દુ અને મુસલમાન બે રાષ્ટ્ર છે. આ વાત સૌ પહેલાં હિન્દુ મહાસભાના મંચ પરથી સાવરકરે કહી. જિન્નાની વ્યૂહરચનામાં હજી બે રાષ્ટ્ર નહોતાં આવ્યાં. સાવરકરે ભલે ‘રાષ્ટ્ર’ શબ્દ સૌથી પહેલાં વાપર્યો પણ એનું ખરું મહત્ત્વ જિન્ના સમજ્યા. આના માટે આપણે થોડા પાછળ જઈએ.

બીજી ગોળમેજી પરિષદમાં મુસલમાન પ્રતિનિધિઓ પોતાને ‘લઘુમતી’ તરીકે ઓળખાવતા હતા. હિન્દુ મહાસભાના પ્રતિનિધિ ડૉ. મુંજે પણ હિન્દુઓના હકોનો બચાવ કરતી વખતે ‘બહુમતી’ તરીકે બોલતા હતા અને ગાંધીજીની ઘણી દલીલો સાથે સંમત થતા હતા. અલગ મતદાર મંડળોની માગણીનો આધાર પણ ‘લઘુમતી’નો દરજ્જો જ હતો અને બ્રિટનની સરકાર લઘુમતીઓના રક્ષણનો ડોળ કરીને કોંગ્રેસને નબળી પાડવા માગતી હતી..

પરંતુ ‘લઘુમતી’ કહેવાથી મુસલમાનો કાયમ માટે લઘુમતી તરીકે માત્ર સત્તામાં એક નિયત પ્રમાણમાં ભાગીદારીની માગણી કરી શકે. પરંતુ જો મુસલમાનોને અલગ ‘રાષ્ટ્ર’ ગણાવાય તો બે રાષ્ટ્રના કદનો સવાલ ન રહે. નાનાં કે મોટાં, બધાં રાષ્ટ્રોનો દરજ્જો સમાન ગણાય. આમ સત્તામાં ભાગીદારી વસ્તીના પ્રમાણમાં કરવાનું જરૂરી નથી રહેતું; બે બરાબર રાષ્ટ્રો વચ્ચે સત્તાની વહેંચણી પણ સમાન ભાગે જ થવી જોઈએ. આજે પણ દુનિયામાં ભારતથી અનેક દેશો કદમાં નાના છે પણ સાર્વભૌમત્વની દૃષ્ટિએ બધાં રાષ્ટ્રો સમાન જ છે!

અલગ મતદાર મંડળો હોવા છતાં પણ મુસ્લિમ લીગને જે લપડાક લાગી તે ઝીરવવાનું અઘરું હતું. આથી જિન્નાએ નવો રસ્તો લેવો જ પડે તેમ હતું. જો કે, મુસ્લિમ લીગ ‘લઘુમતી’ શબ્દ સાથે પણ મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એવો જ સંકેત આપતી હતી. સાવરકર પોતાના વિચારમાં આગળ વધ્યા અને ૧૯૩૮માં એમણે નાગપુરમાં હિન્દુ મહાસભાના અધિવેશનમાં કહ્યું કે આ બાબતમાં “મારો જિન્ના સાથે કોઈ ઝઘડો નથી!” જિન્નાએ ‘લઘુમતી’ શબ્દને ‘રાષ્ટ્ર’માં ફેરવી નાખીને પોતાનો આખો વ્યૂહ જ બદલી નાખ્યો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register July-Dec. Vol II, 1937

https://www.firstpost.com/india/vd-savarkar-was-no-proponent-of-two-nation-theory-his-writings-on-hindu-muslim-relations-only-constitute-statement-of-fact-7770871.html (સમગ્ર સાવરકર વાઙ્મય ગ્રંથ ૬ના આધારે).