india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-3

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

૧૯૩૬નું વર્ષ બધા રાજકારણીઓ માટે મીટિંગો અને નવી વ્યૂહરચનાઓ બનાવવાનું રહ્યું. આપણે ૧૯૩૬ના પૂર્વાર્ધમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં સંમેલનો યોજાયાં તેની ચર્ચા કરી. જિન્નાના ભાષણમાં હજી ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રવેશ નહોતો થયો. ૧૯૩૫ના કાયદાની કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેએ ટીકા કરી હતી પણ ‘પડ્યું પાનું’ નિભાવી લેવાનો પણ એમનો નિર્ધાર હતો તે પછી બેઠકો ચાલતી રહી એમાં ચૂંટણી ઢંઢેરા માટેની કોંગ્રેસની મીટિંગ મહત્ત્વની છે.

ચૂંટણી ઢંઢેરો

૧૯૩૬ના ઑગસ્ટની ૨૨મી-૨૩મીએ અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિ (એ. આઈ, સી. સી.)ની મુંબઈમાં બેઠક મળી તેમાં આગામી ચૂંટણી માટેનો ઢંઢેરો મંજૂર કરવામાં આવ્યો. કોંગ્રેસે એમાં સ્પષ્ટતા કરી કે બહારની સત્તાએ દેશ ઉપર લાદેલા નવા ઍક્ટનો કોંગ્રેસે હંમેશાં વિરોધ કર્યો છે, એ ભારતની જનતાના સાર્વભૌમત્વ પર હુમલો છે. દેશની જનતાને પોતાનું આર્થિક અને રાજકીય ભવિષ્ય કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર છે પણ આ ઍક્ટ એના છડેચોક અનાદર જેવો છે. કોંગ્રેસ માને છે કે આવું બંધારણ રાષ્ટ્ર તરીકે ભારતની સ્વતંત્રતાના આધાર પર બંધારણ સભા જ બનાવી શકે. આમ છતાં આજની વિદેશી સત્તાના હાથ મજબૂત કરવા માગતાં પરિબળોનો સામનો કરવા માટે કોંગ્રેસે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ લડવાનો નિર્ધાર કર્યો છે. પરંતુ ધારાસભાઓમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને મોકલવાનો હેતુ સરકારને સહકાર આપવાનો નહીં પણ અંદર જઈને સામ્રાજ્યવાદી સત્તાને મજબૂત બનતી રોકવાનો છે.

કોંગ્રેસ માને છે કે આવી ધારાસભાઓમાં જવાથી સ્વતંત્રતા ન મળે અને ગરીબગુરબાંઓની સ્થિતિ પણ ન સુધારી શકાય. પરંતુ કોંગ્રેસ પોતાનો સર્વસાધારણ કાર્યક્રમ જનતા સમક્ષ મૂકવા માગે છે કે કોંગ્રેસ શું હાંસલ કરવા માગે છે તેની લોકોને ખબર પડે.

ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યાં તેમાંથી કેટલાંક અહીં જોઈએઃ

 

  • સ્ત્રીઓ અને પુરુષ વચ્ચે સામાજિક કે રાજકીય, અને બીજા બધા પ્રકારના ભેદભાવોની નાબૂદી;
  • કામદારોની  સ્થિતિ સુધારવાના પ્રયાસ અને કામદારોને વૃદ્ધાવસ્થા, બીમારી અને બેરોજગારીને કારણે થતા આર્થિક નુકસાન સામે રક્ષણ;
  • ખેડૂતોના ખેડહકોનું રક્ષણ;
  • ‘હરિજનો’ (હવે અનુસુચિત જાતિ કે એસ. સી.)ના ઉત્કર્ષ ના બધા જ પ્રયાસ.

 

 

કોમી મતદાર મંડળોની વ્યવસ્થા વિશે કોંગ્રેસના વલણ અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરતાં કહેવામાં આવ્યું કે  કોંગ્રેસ આખા ઍક્ટને જ નકારી કાઢે છે એટલે એમાં કોમી મતદાર મંડળોને નકારી કાઢવાનું પણ ગણાઈ જ જાય. એક કોમ બીજાના ભોગે બ્રિટિશ સરકાર પાસેથી વધારે લાભ મેળવવાની કોશિશ કરે તેમાંથી કોમી વૈમનસ્ય પેદા થાય છે. પરંતુ કોમી વૈમનસ્ય ઓછું કરવાનો એકમાત્ર ઉપાય. આઝાદી માટેની આપણી લડાઈને વધારે તીખી અને ધારદાર બનાવવી તે છે. કોમી સમસ્યા  ભલે ને બહુ મહત્ત્વની હોય, એને દેશની વ્યાપક બેરોજગારી સાથે કશી લેવાદેવા નથી. કોમી સમસ્યા ધાર્મિક સમસ્યા નથી અને એની અસર મુઠ્ઠીભર ઉચ્ચ વર્ગના લોકોને થાય છે. ખેડૂતો, કામદારો. વેપારીઓ અને નિમ્ન મધ્યમ વર્ગને આ સમસ્યા સ્પર્શતી પણ નથી.

ધારાસભામાં ગયા પછી સત્તા સંભાળવી કે નહીં તે પ્રશ્ન કોંગ્રેસે એમ કહીને છોડી દીધો કે એના વિશે ચૂંટણી પતી જાય તે પછી નિર્ણય લેવાશે.

સામાન્ય સભ્યોને લેવાનો નિર્ણય લેવાયા બાદ મુંબઈની બેઠકમાં એમને વધારે સક્રિય બનાવવા જનસંપર્કનો કાર્યક્રમ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો. ડિસેમ્બરમાં ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું તેમાં એને બહાલી આપવામાં આવી.

ખાદી પ્રદર્શનમાં ગાંધીજી

ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશનને ટાંકણે ખાદી પ્રદર્શન પણ યોજાયું હતું. દસ હજારની મેદની સમક્ષ બોલતાં ગાંધીજીએ ધારાસભાઓમાં જવાના નિર્ણય વિશે પણ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. એમણે કહ્યું કે હું તો એનો કંઈ જબ્બર સમર્થક નથી કારણ કે મતદાન માત્ર સાડાત્રણ કરોડ લોકો કરી શકશે અને તેઓ થોડાક સો જણને ચૂંટી મોકલશે. હું બાકી રહી ગયેલા સાડા એકત્રીસ કરોડ લોકો સાથે છું. જો કે એમણે ધારાસભામાં જવાના ફાયદા પણ ગણાવ્યા – આપણે દેખાડી શકીશું કે કોંગ્રેસ વટહુકમ રાજની સાથે નથી. હવે સરકાર વટકુકમ સહેલાઈથી બહાર નહીં પાડી શકે. બીજું,લખનઉમાં જવાહરલાલે જેવું જોશીલું ભાષણ આપ્યું તેના માટે એમને કોઈ ફાંસીએ નહીં ચડાવી શકે. આપણે કહી શકીશું કે આવા અત્યાચારો સાથે હિન્દીઓ જોડાયેલા નથી. સુભાષ બાબુ જેલમાં હતા તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું કે હવે આપણે એમને છોડવાની માગણી કરી શકીશું.

આ ઉપરાંત પણ જુદા જુદા પક્ષોની પોતાની અને બીજા પક્ષો સાથે રાજકીય બેઠકો પણ ચાલુ રહી.

હિન્દુ મહાસભાનું અધિવેશનઃ

૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થયા પછી બીજા જ વર્ષે ૧૯૦૭માં લાહોરમાં હિન્દુ સભાની સ્થાપના થઈ હતી. તે જ અંતે અખિલ ભારતી હિન્દુ મહાસભા બની. ૨૧મીથી ૨૩મી ઑક્ટોબર દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું. શંકરાચાર્ય ડૉ. કુરક્રોતી એના  પ્રમુખપદે હતા. અધિવેશનમાં પંજાબના આર્યસમાજી નેતાઓ, રાજા નરેન્દ્ર નાથ, ડૉ. ગોકુલચંદ નારંગ, ભાઈ પરમાનંદ વગેરે ઘણા નેતાઓએ ભાગ લીધો. શંકરાચાર્યે કહ્યું કે અમે ધર્મગુરુઓ આમારા વિચારોમાં બહુ હઠીલા હોઇએ છીએ. અમે જ સાચા, એવો અમારો દાવો હોય છે પણ સામાન્ય જીવનમાં બધાનો સ્વીકાર કરવો પડે છે એટલે મારે આ ક્ષેત્રમાં તમારા જેવા થવું જોઈએ. એમણે કોંગેસની બધી કોમોનું પ્ર્તિનિધિત્વ કરવાની નીતિનાં વખાણ કર્યાં પણ એમને ઉમેર્યું કે હિન્દુઓ પર બીજા ધર્મના લોકો હુમલા કરે છે ત્યારે કોંગ્રેસ હિન્દ્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે. શંકરાચાર્યે કહ્યું કે આપણે આપણા પાડોશીને પ્રેમ કરવો જોઈએ પણ માત્ર એટલા માટે નહીં કે એ આપણો ભાઈ છે; પણ એટલા માટે કે એનો અને આપણો આત્મા એક જ છે. આ ભાવના બીજા ધર્મોવાળા સમજી શકતા નથી.

એમણે કહ્યું કે હિન્દુઓ એમના જ દેશમાં મસ્જિદ પાસે સંગીત ન વગાડી શકે એ ખોટું છે. બીજા ધર્મોવાળાને અહીં હિન્દુઓ સાથે  શાંતિથી અને મિત્ર તરીકે રહેવાની ફરજ પાડીએ તો જ એમની આઝાદી શક્ય છે.

જો કે એમણે ઉમેર્યું કે બીજા ધર્મોના લોકોને એમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ છૂટ મળશે. એમણે કહ્યું કે હિન્દુસ્થાનમાં લઘુમતીની સમસ્યા માત્ર મુસલમાનોની છે. એને પ્રાઅંતોમાં લાઘુમતીના સવાલમાં ન ફેરવી શકાય.

શંકરાચાર્યે મુસ્લિમ લીગનાં વખાણ કર્યાં કે એ પોતાની કોમની જે રીતે ચિંતા કરે છે તે વખાણને લાયક છે, પણ કોમી મતદાર મંડળની વ્યવસ્થા એમને રક્ષણ નહીં આપે. એમણે કહ્યું કે લીગની માગણીના પાયામાં ન્યાય અને સમાનતાની અપેક્ષા છે એટલે કોમી ચુકાદાની જગ્યાએ લઘુમતીઓને રક્ષણ આપવાની લીગની યોજના લાગુ કરવી જોઈએ.

તે પછી એમણે અછૂતોની સમસ્યાની ચર્ચા કરતાં કહ્યું કે હિન્દુઓમાંથી આભડછેટ દૂર થવી જ જોઈએ. આ પ્રથા શરૂ થવાનાં કંઈ કારણ રહ્યાં હશે પણ હવે એ નથી રહ્યાં. એમણે કહ્યું કે આભડછેટ દૂર થાય એ હરિજનોનો અધિકાર છે પણ ‘હરિજન’ શબ્દમાં એમના પ્રત્યે દયાભાવ છે એટલે એ શબ્દ હું પસંદ નથી કરતો. એમણે હરિજનો શીખ ધર્મ અંગીકાર કરી લે એવી સલાહ આપી કારણ કે શીખ ધર્મ હિન્દુ ધર્મનો જ ફાંટો છે.

સનાતનીઓનો વૉક-આઉટ

હિન્દુ મહાસભામાં પંડિત મદન મોહન માલવિયા અને ભાઈ પરમાનંદનાં બે જૂથો વચ્ચે યુદ્ધ ચાલ્યા કરતું હતું. બીજા દિવસે માલવિયાજીના ત્રણ સમર્થકોને ડેલિગેટ તરીકે આવવાની ટિકિટ આપવાની આયોજકોએ ના પાડી દીધી. એમને માત્ર દર્શક તરીકે આવવાની છૂટ આપી, પણ તેનો એમણે અસ્વીકાર કર્યો. આના પછી કાર્યવાહી શરૂ થઈ ત્યારે એક ખૂણામાંથી ‘માલવિયા ઝિંદાબાદ’ નો સૂત્રોચ્ચાર થયો. સામસામાં હરીફ જુથોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું, એમાં એક ઘાયલ થયો. પોલીસે વચ્ચે પડીને શાંતિ કરાવી અને ત્રણ જણને પકડી લીધા.

શંકરાચાર્યે આભડછેટ નાબૂદ કરવા અને હરિજનોને શીખ બની જવાની સલાહ આપી તેના વિરોધમાં સનાતનીઓ વૉક-આઉટ કરી ગયા. એમનું કહેવાનું હતું કે જૈન બૌદ્ધ, શીખ સૌ કોઈ હિન્દુ ગણાય, પણ કોઈ એક વર્ગને હિન્દુથી અલગ કરીને ધર્માંતરણ કરવાની સલાહ હિન્દુ મહાસભામાં આપી ન શકાય. વૉક-આઉટ કરનારામાં  સ્વાગત સમિતિના અધ્યક્ષ રામ શરણ દાસ પણ હતા.

કલકતામાં પણ હિન્દુ કૉન્ફરન્સની બેઠક ઑગસ્ટમાં મળી. એના પહેલાં બંગાળના હિન્દુઓએ એક આવેદન પત્ર પર સહીઑ કરવાની ઝુંબેશ ચલાવી. જુલાઈમાં એની બેઠક મળી તેમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અધ્યક્ષપદે હતા. બંગાળમાં મુસલમાનો બહુમતીમાં હતા પણ એમને અખિલ ભારતીય ધોરણે લઘુમતી માનીને બંગાળમાં પણ અલગ મતદાર મંડળ અપાયાં હતાં, એ જો લાગુ પડે તો મુસલમાનો કાયમ માટે બહુમતીમાં રહે તેમ હતું. બીજી બાજુ હિન્દુઓ લઘુમતીમાં હોવા છતાં એમને રાષ્ટ્રીય સ્તરે બહુમતી માનીને કોઈ ક્વોટા નહોતો અપાયો. આની સામે હિન્દુઓમાં ઊકળાટ હતો.

લિબરલ પાર્ટીનું અધિવેશન

કોંગ્રેસનું અધિવેશન ફૈઝપુરમાં ચાલતું હતું ત્યારે સર કાવસજી જહાંગીરની લિબરલ પાર્ટીનું અધિવેશન  લખનઉમાં મળ્યું પક્ષને સામાન્ય જનતાને બદલે મોટા માતબર લોકોનો ટેકો હતો. આ અધિવેશનમાં એમણે પંડિત નહેરુના સમાજવાદી વિચારોની ટીકા કરી. આ પક્ષ માનતો હતો કે ડોમિનિયન સ્ટેટસ મળવું જોઈએ, બાકી બ્રિટનથી આઝાદ થવાની વાત લોકોને બહુ ગમશે પણ એનાં નુકસાન વધારે છે.

એ જ રીતે ઠેકઠેકાણે મુસ્લિમ સંગઠનો અને ડિપ્રેસ્ડ ક્લાસિસનાં સંમેલનો પણ યોજાયાં. એ જ રીતે ઠેરઠેર કિસાનો અને સ્ત્રીઓનાં સંમેલનો પણ યોજાયાં.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register- June-July, 1936 Vol. 2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: