india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-1

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧: મુસ્લિમ લીગ અને બીજાં મુસ્લિમ સંગઠનો

૧૯૩૫નો બંધારણીય કાયદો લાગુ થયા પછી મુસલમાનોનાં જુદાં જુદાં સંગઠનો અને ખુદ મુસ્લિમ લીગના સૂરમાં નિરાશા ડોકાવા લાગી હતી. કોમી ધોરણે પ્રતિનિધિત્વ તો મળ્યું પરંતુ કંઈ ખાલીપો અનુભવતા હોય તેમ, અથવા તો પ્રતિનિધિત્વ મળ્યા પછી કોંગ્રેસ સાથે જ લડ્યા કરવું એ જ બાકી રહ્યું હોય તો હાથમાં શું આવ્યું, એ દ્વિધાએ મુસ્લિમ નેતાઓને ઘેરી લીધા હતા. આમાં એક દૃષ્ટિકોણ એ જાહેર કરવાનો પણ ખરો કે કોંગ્રેસને કારણે સૌને સંતોષ થાય એવું સમાધાન ન થઈ શક્યું.

ખિલાફત કૉન્ફરન્સ

ખિલાફત કૉન્ફરન્સની બેઠક ૧૯૩૬ની ચોથી જાન્યુઆરીએ કલકતામાં મળી. એમાં ઢાકાના નવાબ હબીબુલ્લાહે પ્રમુખપદેથી બોલતાં કહ્યું કે આઝાદીની જરૂર જ નથી, ડોમિનિયન સ્ટેટસ મળે તો પણ હિન્દુસ્તાનીઓના હાથમાં સત્તા આવી જશે. એમણે કહ્યું કે અમે કંઈ જાતિગત નફરતમાં નથી માનતા. આજે દુનિયા એ શીખવા લાગી છે કે જૂથ તરીકેનો અહંકાર નુકસાન કરે છે. આપણે મુસલમાન છીએ, પણ તે સાથે હિન્દુસ્તાનના મુસલમાન છીએ. આપણે દુનિયાની ઇસ્લામી બિરાદરી સાથે જોડાયેલા છીએ પણ હિન્દુસ્તાનનો મુલક આપણો પિતા છે, આપણે બીજા કોઈ દેશને આપણો પિતા નથી માનતા. મુસલમાનોનાં રાજકીય હિતોની બાંયધરી મળે તો આપણે હિન્દુસ્તાની રાષ્ટ્રનો મુખ્ય સ્તંભ બનવા તૈયાર છીએ.

ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ

તે પછી ફેબ્રુઆરીની ૧૬મીએ આગાખાનના નેતૃત્વ હેઠળની ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સની કારોબારીની બેઠક દિલ્હીમાં મળી. આગાખાને પોતાના ભાષણમાં કોંગ્રેસ અને લીગ વચ્ચે ૧૯૧૬માં થયેલી લખનઉ સમજૂતીને યાદ કરીને કહ્યું કે એ વખતે મુસલમાનોએ નક્કી કર્યું કે આપણે ભલે લઘુમતી હોઈએ પણ આપણી માતૃભૂમિ જો સ્વશાસનને પોતાનું ધ્યેય બનાવતી હોય તો એમાં આડે નહીં આવીએ. આગાખાને ઉમેર્યું કે મોટા ભાગના હિન્દુસ્તાની મુસલમાનો સ્વીકારે છે કે એમનામાં એ જ લોહી છે, જે હિન્દુઓમાં વહે છે. મુસ્લિમ હુમલાખોરો સાથે કેટલાક અહીં આવ્યા અને અહીંના જ થઈ ગયા છે. હવે બહાર એમનું કંઈ નથી. એમણે કહ્યું કે આસ્થા વ્યક્તિની પોતાની વાત છે, એને કારણે બે કોમો વચ્ચે સંબંધ બગડે તે ન ચાલે. હવે આપણી સામે દેશના ઉત્કર્ષનું કામ છે અને આપણી નાતજાત, ચામડીનો રંગ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના આ કામ કરવાનું છે.

મુસ્લિમ લીગનું અધિવેશન

મુસ્લિમ લીગ સંગઠન તરીકે બહુ નબળી હતી. મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો એનો દાવો હોવા છતાં, ખરેખર તો, જમીનદારો, જાગીરદારો અને અલીગઢના શિક્ષિત મધ્યમ વર્ગ સિવાય સામાન્ય મુસલમાન સાથે એનો કંઈ સંપર્ક નહોતો. એનું કોઈ બંધારણ પણ નહોતું. નેતાઓ જે કહે તે સૌ માનતા. પરંતુ હવે એને સંગઠન ફેલાવો કરવાની અને સામાન્ય મુસલમાનો સુધી પહોંચવાની જરૂર લાગી.

૧૯૩૬ની ૧૧મી-૧૨મી ઍપ્રિલે મુંબઈમાં મુસ્લિમ લીગનું ૨૪મું અધિવેશન મળ્યું. મુંબઈના પ્રતિનિધિઓ ઉપરાંત બીજા પ્રાંતોમાંથી પણ ૨૦૦ જેટલા પ્રતિનિધિઓ એમાં ભાગ લેવા આવ્યા હતા. સ્વાગત સમિતિના અધ્યક્ષ સર ઇબ્રાહિમ કરીમભાઈએ અધિવેશનમાં સૌનું સ્વાગત કરતાં ભાષણ કર્યું તેના કેટલાક અંશો જોવા જેવા છે, કારણ કે તે પછી તરત જ જિન્નાની નીતિમાં જે ફેરફાર થયો તેનાથી દિશા જ બદલી ગઈ.

કરીમભાઈએ કહ્યું કે “એકતા કોઈ પણ રાષ્ટ્રનો આધાર છે અને એ બધા ધર્મોનો સાર છે. અને કોઈ પણ બંધારણ આપણી નજરે બહુ લાભદાયક હોય તો પણ જુદી જુદી કોમો વચ્ચે સહકાર ન હોય તો બરાબર અસરકારક ન બની શકે.” એમણે હિન્દુઓને સાત કરોડ મુસલમાનોની પોતાના ઉત્કર્ષની આકાંક્ષા તરફ ઉદાર નજરે જોવાની અપીલ કરી; કરીમભાઈએ કહ્યું કે મુસ્લિમ લીગ એના માટે જ પ્રયત્ન કરે છે. અમે કંઈ વધારે નોકરીઓ નથી માગતા કે અમને ખાસ પ્રાથમિકતા મળે એવી પણ અમારી માગણી નથી.

પછી ૧૯૩૫ના બંધારણ પર આવતાં એમણે કહ્યું કે હવે બંધારણ આવી ગયું છે, તે આપણને ગમે કે ન ગમે, એને માનવું જ પડશે અને એના માટે સૌનો સહકાર જરૂરી છે. એમણે કોમી એકતા માટે હાર્દિક અપીલ કરતાં કહ્યું કે ભગવાનને ખાતર આપણે મતભેદો અને કુમેળને ભૂલી જવા જોઈએ અને સૌને આમંત્રણ આપીએ અને કહીએ કે એકતા વિના કંઈ હાથ નહીં લાગે. આપણે હિન્દુ નેતાઓને પણ કહેવું જોઈએ કે તેઓ હિન્દુઓને પણ એ જ સમજાવે. આમ સર ઇબ્રાહિમ કરીમભાઈએ પોતાના સ્વાગત સંબોધનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી.

તે પછી લીગના આજીવન પ્રમુખ જિન્નાએ અધિવેશનના પ્રમુખ તરીકે સૈયદ વઝીર હસનના નામની દરખાસ્ત મૂકી. એ ઔધ (અવધ)ની મુખ્ય કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થયા હતા. એમણે પણ પોતાના સંબોધનમાં હિન્દુ, મુસ્લિમ અને જમીનદારોની એકતા પર ભાર મૂક્યો. બંધારણ અંગે એમનો સૂર પણ નિરાશાનો હતો. એમણે બંધારણના કાયદાને લોકશાહી વિરુદ્ધ ગણાવતાં કહ્યું કે બીજા હિન્દુસ્તાનીઓની જેમ મુસલમાનોમાં ઉચ્ચ વર્ગના અને સામાન્ય માણસ, સૌને સહેવું પડશે.

સૈયદ વઝીર હસને ચાર મુદ્દાનો કાર્યક્રમ આપ્યોઃ

૧. વર્તમાન વ્યવસ્થાની જગ્યાએ પુખ્ત મતાધિકાર દ્વારા ચુંટાયેલી લોકતાંત્રિક જવાબદાર સરકાર;

૨. દમનકારી કાયદા રદ કરવા અને મુક્ત વાણી,મુક્ત પ્રેસ અને સંગઠન બનાવવાના અધિકાર;

૩. ખેડૂતોને તાત્કાલિક રાહત, શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો માટે મદદની વ્યવસ્થા અને કામદારોને ન્યૂનતમ વેતન અને આઠ કલાકનો કામનો દિવસ’

૪. મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ.

આ કાર્યક્રમ કોમવાદી નહોતો પણ સમાજવાદી હતો અને કોંગ્રેસના કાર્યક્રમથી અલગ નહોતો. વળી પુખ્ત મતાધિકારની માગણી તો કોંગ્રેસ વતી ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં પણ રજૂ કરી હતી. સૈયદ વઝીર હસને કહ્યું કે આ કાર્યક્રમની ચર્ચા કરવા માટે કોંગ્રેસ અને લીગ તેમ જ શીખોના પ્રતિનિધિઓએ જલદી મળવું જોઈએ અને સહિયારો કાર્યક્રમ ઘડવો જોઈએ.

પ્રમુખના ભાષણ પછી બંધારણ અંગે નારાજી દેખાડતો ઠરાવ મહંમદ અલી જિન્નાએ રજૂ કર્યો. એમણે બંધારણની ટીકા કરતાં કહ્યું કે હિન્દુસ્તાનીઓને માત્ર ૨ ટકા સતા મળી છે, ૯૮ ટકા તો સેફગાર્ડ્સ (બ્રિટનનાં હિતોના રક્ષણની વ્યવસ્થા) છે. અહીં જિન્ના અધિવેશનના પ્રમુખ અને સ્વાગત સમિતિના પ્રમુખથી જુદા પડે છે. એમણે કહ્યું કે હિન્દુઓ સાથે કદમ મિલાવીને ચાલતાં પહેલાં મુસલમાનો માટે રક્ષણાત્મક જોગવાઈઓ ધાર્મિક કે કોમી કારણસર નહોતી માગી, પરંતુ બહુમતી કોમને આ શરતો મંજૂર નહોતી. અહીં જિન્ના કોંગ્રેસને બદલે હિન્દુ કોમની વાત કરે છે! એમણે આ બંધારણ વિરુદ્ધ પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો પણ કહ્યું કે સશસ્ત્ર બળવાની તો શક્યતા નથી, અસહકાર પણ નિષ્ફળ નીવડ્યો છે. હવે બંધારણીય માર્ગે જ પાર્લમેન્ટમાં અને બહાર પગલાં લેવાં જોઈએ, પણ એ કામ કોઈ એક કોમથી નહીં થાય, બધી કોમોએ સાથે મળીને કરવું જોઈએ. જિન્નાએ કહ્યું કે કોંગ્રેસ મુસલમાનો સાથે મળીને નહીં ચાલે તો એ પોતાના ધ્યેય સુધી પહોંચી નહીં શકે.

તે પછી પહેલી વાર મુસ્લિમ લીગે પાર્લામેન્ટરી બોર્ડ અને સેંટ્રલ ઇલેક્શન બોર્ડ બનાવ્યું. એમણે નવા બંધારણ પ્રમાણે ચૂંટણી પણ લડવાની હતી. આ બેઠકમાં લિયાકત અલી ખાનને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા.

પાર્લામેન્ટરી બોર્ડૅ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો તેમાં કહ્યું કે લીગના પ્રતિનિધિઓ જુદાં જુદાં ધારાગૃહોમાં બે જ કામ હશે – એક, અત્યારનું વચગાળાનું બંધારણ અને સૂચિત કેન્દ્રીય ધારાસભા માટેનું બંધારણ રદ કરીને તરત જ એની જગ્યાએ સંપૂર્ણ લોકશાહી સ્વશાસનનું બંધારણ લાગુ કરવું; અને બીજું, જ્યાં સુધી આ બંધારણ હોય ત્યાં સુધી રાષ્ટ્રની સમગ્ર જનતાને વધું વધુ લાભ મળે તે રીતે કામ કરવું. ઇલેક્શન બોર્ડે જે કાર્યક્રમ જાહેર કર્યો તેમાં બે જ મુદ્દા મુસલમાનોને લગતા હતા – એક તો, એમના ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવું અને બે, ગરીબ મુસલમાનોના ઉદ્ધાર માટે કામ કરવું બાકીના બધા મુદ્દા કોમને નામે રાજકારણ ન ચલાવતા હોય તેવા પક્ષના મુદ્દાઓ જેવા જ હતા!

000

સંદર્ભઃ

1. The Indian Annual Register, Jan-june, 1936 Vol-i .pdf

2. India Divided – Dr. Rajendra Prasad.

%d bloggers like this: