india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-60

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૬૦:: ગાંધીજીની ધરપકડ અને તે પછી

ગાંધીજી ૧૯૩૧ની ૨૮મી ડિસેમ્બરે લંડનથી પાછા ફર્યા તેનાથી પહેલાં જ સરકારે દમનનાં પગલાં શરૂ કરી દીધાં હતાં. ૨૧મી ડિસેમ્બરેપુરુષોત્તમ દાસ ટંડન, ૨૫મીએ અબ્દુલ ગફ્ફાર ખાનને પકડી લેવાયા. ૨૬મીએ જવાહર લાલ અને ટી. એ. કે. શેરવાની ગાંધીજીને આવકારવા મુંબઈ જતા હતા ત્યારે ટ્રેનમાં જ એમને પકડી લેવાયા અને નૈની જેલમાં મોકલી દેવાયા. બીજી જાન્યુઆરીએ સુભાષ બાબુ પણ જેલ ભેગા થઈ ગયા.

૨૯મી તારીખે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી અને નાગરિક અસહકાર આંદોલન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. ૩૧મીએ ગાંધીજીએ વાઇસરૉય વિલિંગ્ડનને પત્ર લખીને મુલાકાતનો સમય માગ્યો. એમણે સવિનય કાનૂન ભંગ આંદોલન રોકી દેવાની પણ ઑફર કરી હતી. વિલિંગ્ડન ત્યારે દિલ્હીમાં નહોતો પણ એણે જવાબમાં ગાંધીજીને મળવાની ના પાડી દીધી, એટલું જ નહીં, પરંતુ ચિમકી પણ આપી કે કોંગ્રેસ કંઈ કરશે તો સરકાર તમામ જરૂરી પગલાં લેશે. ગાંધીજીએ વાઇસરૉયના જવાબ પર ટિપ્પણી કરતાં કહ્યું કે સરકાર ભૂલની ઉપર બીજી ભૂલ કરે છે.

ગાંધીજીએ પહેલી જાન્યુઆરીએ સવિનય કાનૂનભંગ ફરી શરૂ કરવા માટે તૈયાર રહેવા લોકોને આહ્વાન કર્યું હતું અને બીજી તારીખે એમણે કહ્યું કે એમની ધરપકડ થઈ જશે, કારણ કે કોંગ્રેસના બીજા નેતાઓ જેલમાં જ હતા. ગાંધીજીએ કહ્યું કે ડાળીઓને કાપી નાખો અને મૂળને સલામત રહેવા દો, એમ બને નહીં. એમણે એ પણ શક્યતા દર્શાવી કે સરકાર કોંગ્રેસને ‘ગેરકાનૂની સંસ્થા’ પણ જાહેર કરી શકે છે.

વિલિંગ્ડન રૂઢિચુસ્ત હતો અને ગાંધી-અર્વિન કરાર એને પસંદ નહોતા આવ્યા. એણે એને માન આપવાનો ઇનકાર કરી દીધો હતો. ખરેખર તો ગાંધીજી ગોળામેજી પરિષદ માટે લંડનમાં હતા ત્યારે જ વિલિંગ્ડને કોંગ્રેસને પહેલાં જ દબાવી દેવાનું નક્કી કરી લીધું હતું. એણે જોઈ લીધું હતું કે પરિષદમાં ડિપ્રેસ્ડ ક્લાસના નેતા ડૉ. આંબેડકર સહિત બીજા મુસ્લિમ નેતાઓને ભારતની સ્વતંત્રતા કરતાં પોતાની કોમને અનામત બેઠકો મળે તેમાં વધારે રસ હતો. એક્લા ગાંધીજી જ કહેતા હતા કે આ બધા પ્રશ્નો હિન્દુસ્તાનીઓના છે અને બ્રિટનની દરમિયાનગીરી વિના હિન્દુસ્તાનીઓ જાતે ઉકેલી લેશે. આમ, સ્વતંત્રતાની વાત એકલા ગાંધીજી કરતા હતા. રાજાઓને પણ પોતાનાં રાજ બચાવીને સત્તામાં ભાગીદાર બનવામાં રસ હતો. કોંગ્રેસ સંમત ન હોય તેવું કોઈ સમાધાન શક્ય ન હોય એટલે બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ જ જવાની હતી અને કોંગ્રેસ ફરી આમ્દોલનનો માર્ગ કે એવા બધા સંજોગો હતા.

કોંગ્રેસે ખરેખર જ સવિનય કાનૂનભંગ આંદોલન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો અને આથી ગાંધીજીનો પત્ર વિલિંગ્ડન માટે દમનકારી પગલાં ભરવા માટેનો સંકેત હતો. શનિવારે જ વાઇસરૉય વિલિંગ્ડન દિલ્હી પાછો આવ્યો હતો અને પોતાના પ્રધાનો સાથે ચર્ચાવિચારણા કરીને ગાંધીજીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.

ગાંધીજીનો મૂળ વિચાર તો એ જ દિવસે ટ્રેનથી જવાનો હતો અને પોલીસે એમને કોઈ વેરાન સ્ટેશને ટ્રેનમાંથી ઉતારી લેવાનું નક્કી કર્યું હતું પણ ગાંધીજીએ પોતાનો નિર્ણય ફેરવ્યો એટલે ચોથી તારીખની પરોઢે ત્રણ વાગ્યે ચાર પોલીસ અધિકારીઓ ગાંધીજીને પકડવા મણીભુવન પહોંચ્યા. ધરપકડના વૉરંટમાં માત્ર એટલું જ લખ્યું હતું કે એમની ધરપકડ વાજબી અને પૂરતાં કારણોસર (“for good and sufficient reasons”) કરવામાં આવે છે.

ગાર્ડિયન અખબારે બીજા દિવસે એની વિગતો આપતાં કહ્યું કે મણીભુવનમાં પોલિસ અધિકારીઓ પહોંચ્યા એટલે બીજા બધા ગાંધીજીના તંબૂ તરફ દોડીને પહોંચવા લાગ્યા પણ પોલીસે બધાને રોકી લીધા અને ગાંધીજીને જગાડ્યા. એ એમનો મૌનવાર હતો એટલે એમણે માત્ર વૉરંટ હાથમાં લઈને વાંચ્યું અને પોલીસ ઑફિસરને સ્મિત સાથે પાછું આપી દીધું. બધાને મળવા માટે અડધા કલાકનો સમય આપીને પોલીસ અધિકારીઓ ગાંધીજીને લઈ ગયા. ગાર્ડિયન લખે છે કે એમને લઈ જતા હતા ત્યારે બધી સ્ત્રીઓ રડવા લાગી. કસ્તૂરબાએ તો હાથ જોડીને વિનંતિ કરી કે મને પણ સાથે લઈ જાઓ. પણ ગાંધીજી પોતે હસતા હતા. ગાંધીજીની સાથે એક ડૉક્ટરને પણ રાખવામાં આવ્યો હતો. મુંબઈથી એમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા.

એમને પકડ્યા ત્યારે તો શહેરમાં પોલીસ ટુકડીઓ નહોતી, પણ તે પછી આખા શહેરમાં ચાર રસ્તાના ક્રોસિંગ પર પોલીસ ટુકડીઓ ગોઠવાઈ ગઈ. ગાંધીજીના આશ્રમો પર પણ પોલીસનો જાપ્તો ગોઠવી દેવાયો. એકલા ગાંધીજી ને જ નહીં કોંગ્રેસના બીજા નેતાઓને પણ પકડી લેવાયા હતા.

ગાંધીજીની ધરપકડથી ભારતમાં વિદેશી સરકારના ઉચ્ચ પદવી ધારીઓમાં અને બ્રિટનમાં રાજકારણીઓમાં સંતોષ અને રાહતની લાગણી હતી. પંજાબના ગવર્નર માઇકલ ઑડ્વાયરે કહ્યું કે ભારત પાછા આવીને “ગાંધીએ જે કંઈ કર્યું તેથી એમની ધરપકડ અનિવાર્ય બની ગઈ હતી.” બ્રિટનમાં પણ સામાન્ય રીતે બધા રાજકારણીઓએ આનંદ વ્યક્ત કર્યો. માત્ર માજી મજૂર પ્રધાન જી. લૅન્સબરીએ કહ્યું કે “સંકટ આ હદે પહોંચ્યું છે તેનું મને દુઃખ છે. વાઇસરૉયને પોતાની સત્તાનો આ રીતે ઉપયોગ કરવો પડ્યો તેનો અર્થ એ કે ભારતમાં સ્થિતિ બહુ ખરાબ હોવી જોઈએ. આમ છતાં મારો ખ્યાલ છે કે દમનથી સ્થિતિ હંમેશાં બગડે. બળનો પ્રયોગ બન્ને પક્ષ માટે ઇલાજ નથી.”

પરંતુ, સવિનય કાનૂનભંગ તો શરૂ થઈ ગયો. લોકો જાતે જ આંદોલનો કરવા લાગ્યા. કોંગ્રેસ્ના બધા નેતા જેલમાં હતા અને લોકો નેતા વિનાના હતા પણ ગાંધી અર્વિન કરારથી પહેલાં જે આંદોલનો ચાલતાં હતાં તે લોકોએ ફરી શરૂ કરી દીધાં. કોંગ્રેસ આંદોલન જાહેર કર્યું તેનો લોકોએ અણધાર્યો પડઘો પાડ્યો. પહેલા ચાર મહિનામાં, ઍપ્રિલ સુધી ૮૦ હજાર સત્યાગ્રહીઓથી જેલો ભરાઈ ગઈ. લાખો લોકોએ દારૂનાં પીઠાંઓ પર સત્યાગ્રહો કર્યા. પાંચ માણસથી વધારે એકઠા થયેલાઓને ગેરકાનૂની ટોળકી જાહેર કરવાનો વટહુકમ અમલમાં હતો પણ લોકો એનો ભંગ કરીને એકઠા થતા હતા.

જો કે, ગાંધીજી કે બીજા નેતા લોકોનો જુસ્સો ટકાવી શકે તેમ નહોતું અને હવે સરકારે દમનનો દોર છૂટો મૂકી દીધો હતો એટલે આંદોલન કચડાઈ ગયું. છેવટે સત્યાગ્રહીઓની સંખ્યા પણ ઘટીને ત્રણેક હજાર જેવી રહી ગઈ. ૧૯૩૪ના મે મહિનામાં આંદોલન પાછું ખેંચી લેવાયું ત્યારે કોંગ્રેસના નેતાઓમાં પણ અજંપો હતો. જવાહરલાલ નહેરુએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં લખ્યું કે જાણે પીઠમાં કોઈએ ખંજર માર્યું. સુભાષ ચંદ્ર બોઝ અને વિઠ્ઠલભાઈ પટેલે કહ્યું કે “ગાંધી રાજકીય નેતા તરીકે નિષ્ફળ ગયા છે.” એમણે કોંગ્રેસની નેતાગીરી બદલવાની માગણી કરી. વિલિંગ્ડને પોતે પણ ૧૯૩૩માં લખ્યું કે કોંગ્રેસ અત્યારે ૧૯૩૦ની સરખામણીએ સારી સ્થિતિમાં નથી અને લોકો પરની પકડ ગુમાવી બેઠી છે.

જો કે ગાંધીજીએ પોતે જવાહરલાલને લખેલા પત્રમાં કહ્યું કે “મારા મનમાં હતાશા નથી… મને નથી લાગતું કે હું લાચાર છું…દેશને જે બળ મળ્યું છે તેનો તમને ખ્યાલ નથી, મને છે.”

ઑગસ્ટ ૧૯૩૨માં રામસે મૅક્ડોનલ્ડે બીજી ગોળમેજી પરિષદમાં સર્વસંમતિથી કંઈ નિર્ણય ન થતાં પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તે સાથે વાતાવરણ ગરમાવા લાગ્યું. મૅક્ડોનલ્ડ ઍવૉર્ડમાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે અલગ મતદાર મંડળની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીજીએ એની સામે ઉપવાસ જાહેર કર્યા. આના વિશે આવતા અંકમાં.

સંદર્ભઃ

https://www.theguardian.com/century/1930-1939/Story/0,,126824,00.html

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: