india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-59

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૯ :: ગોળમેજી પરિષદ (૭)

સંઘીય માળખાનો સવાલ (૨)

બીકાનેરના મહારાજાએ ડૉ. આંબેડકરની વાત કાપી. એ જ વલણ બધા રાજા-મહારાજાનું હતું. વડોદરાના ગાયકવાડે તો પોતાના ટૂંકા ભાષણમાં એક પણ તાત્ત્વિક મુદ્દાને સ્પર્શ ન કર્યો પણ એમનાથી પહેલાં રીવાના મહારાજાએ પોતાના વિચારો રજૂ કર્યા. એમણે રાજાઓનો પક્ષ રાખ્યો. એમણે કહ્યું કે રાજાઓ પણ દેશભક્ત છે અને મારે ફાળે રાજવીઓના વિચારો રજૂ કરવાની જવાબદારી છે. બ્રિટિશ ઇંડિયામાંથી આવેલા ‘મિત્રો’ પણ સમાધાનનું મહત્ત્વ સમજે જ છે. આમ એમનો પણ આગ્રહ હતો કે દેશી રાજ્યોને પણ ગૃહમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

સામાન્ય રીતે દેશી રાજ્યોને ઉપલા ગૃહમાં પ્રતિનિધિત્વ જોઈતું હતું પણ નીચેના ગૃહમાં પણ જો એમને પ્રતિનિધિત્વ મળે તો એ ચૂંટણી વિના હોવું જોઈએ એવી એમની માગણી હતી. બ્રિટિશ સરકારને એમાં કંઈ વાંધો નહોતો પણ તેજબહાદુર સપ્રુનું કહેવું હતું કે નીમણૂક દ્વારા આવેલા સભ્યોની સંખ્યા નિર્ણાયક ન હોવી જોઈએ કારણ કે એ સભ્યો સરકારી પક્ષની વિરુદ્ધ મત આપે એવી શક્યતાઓ ઓછી જ હોય છે.

બીજો સવાલ એ હતો કે ઉપલું ગૃહ જરૂરી હતું કે કેમ? શું માત્ર એક જ ગૃહ હોય તો ન ચાલે?

ટ્રેડ યુનિયન નેતા એન. એમ. જોશીએ પણ ડૉ. આંબેડકરની જેમ કહ્યું કે બીજા ગૃહની જરૂર નથી. નીચલા ગૃહમાં કોઈ કાયદો ઉતાવળથી મંજૂર થયો હોય તો ઉપલું ગૃહ એના પર ફરી વિચાર કરી શકે એવી દલીલને એમણી નકારી કાઢી. સર માણેકજી દાદાભાઈએ એમને પૂછ્યું કે એમ કેમ થઈ શકે? જોશીએ કહ્યું કે અમુક વિષયો નક્કી કરવા જોઈએ, જેને લગતો કોઈ કાયદો છ મહિના કે એક વર્ષની અંદર ફરી વાર ગ્રુહ સમક્ષ આવવો જોઈએ અને બીજી વાર મંજૂરી મળે તે પછી જ એને અમલમાં મૂકવો, એવી વ્યવસ્થા કરી શકાય. ફેડરલ સ્ટ્રક્ચર સમિતિના ચેરમૅને કહ્યું કે બીજા ગૃહની જરૂર નથી એવું સૌ વિચારવા તૈયાર થાય અને વિષયોને અલગ અલગ જૂથોમાં મૂકીને એમના માટે મંજૂરીની જુદી વ્યવસ્થા કરવા સૌ સંમત થાય તો તેઓ પોતે એના પર વિચાર કરવા તૈયાર છે. એન. એમ. જોશીએ આમ તો સીધી ચૂટણીનો જ આગ્રહ રાખ્યો, પરંતુ એ પણ ઉમેર્યું કે એ રીતે અમુક વર્ગોને પ્રતિનિધિત્વ ન મળે તો મતદાર મડળ જેવી વ્યવસ્થા પણ વિચારવી જોઈએ.

સર માણેકજી દાદાભાઈ ઉપલા ગૃહમાં સભ્ય બનવાની યોગ્યતા વિશે પણ બોલ્યા. એમણે કહ્યું કે ખાસ વર્ગ ઉપલા ગૃહમાં આવે એવું આપણે ઇચ્છતા હોઈએ તો મિલકત હોવી એ જરૂરી શરત હોવી જોઈએ.

The Hindu અખબારના તંત્રી રંગાસ્વામી અયંગારે એક બહુ રસપ્રદ સૂચન કર્યું. એમણે કહ્યું કે બધા દેશોમાં પ્રતિનિધિગૃહની ચૂંટણી સીધી જ થાય છે એટલે દેશી રાજ્યોના નાગરિકોને પણ આ અધિકાર આપવો જોઈએ. એમણે મદ્રાસ પ્રાંતમાં આવેલા દેશી રાજ્ય પુદુકોટ્ટૈનો દાખલો આપ્યો કે આ નાનું રજવાડું છે અને એની ચારે બાજુ બ્રિટિશ ઇંડિયાના જિલ્લાઓ છે. પુદુકોટ્ટૈના લોકો આ જિલ્લાઓના સંપર્કમાં આવે જ છે અને જો એ બ્રિટિશ ઇંડિયામાંથી ચૂટણી લડતા ઉમેદવારને મત આપે તો એમનો સંપર્ક વધારે ગાઢ બનશે અને એનો લાભ પુદુકોટૈને જ મળશે! આમ એમણે બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોના બધા નાગરિકો માટે એકસમાન મતાધિકારની હિમાયત કરી. એનો અર્થ એ કે એમણે રાજ્યોને જુદું પ્રતિનિધિત્વ આપવાનો વિરોધ કર્યો. ખરેખર તો એમનું સૂચન બ્રિટિશ ઇંડિયા અને દેશી ઇંડિયા વચ્ચેનો ભેદ મિટાવી દેવાનું હતું.

ગાંધીજીના વિચારોઃ

સમિતિ ઘણા વિષયો પર વિચાર કરતી હતી અને એના ઉપર ગાંધીજી પણ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા. ૧૫મી સપ્ટેમ્બરે મીટિંગ શરૂ થઈ ત્યારે ગાંધીજી પહેલા વક્તા હતા.

એમણે કહ્યું કે હું માત્ર કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બોલું છું અને કોંગ્રેસ અને સરકારના વિચારોમાં આભજમીનનું અંતર છે એટલે જ્યારે પણ લાગશે કે હું સમિતિને ઉપયોગી થઈ શકતો ત્યારે હું હટી જઈશ. કોંગ્રેસમાં દેશની બધી કોમોના લોકો છે. કોંગ્રેસના પ્રમુખો પણ બધી કોમોમાંથી બન્યા છે. કોંગ્રેસ અછૂતો માટે પણ કામ કરે છે. કોંગ્રેસ માને છે કે હિન્દુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતાની નાબૂદી, બન્ને ધ્યેયો સ્વરાજ માટે જરૂરી છે.

ગાંધીજીએ કહ્યું કે કોંગ્રેસે ફેડરેશનનો વિચાર સ્વીકાર્યો છે, પરંતુ આ બધી રાજકીય વ્યવસ્થાઓ છે. કોંગ્રેસને માત્ર માત્ર રાજકીય બંધારણથી સંતોષ નહીં થાય. મને ખાતરી છે કે બ્રિટનની જનતા ભારત પર કોઈ અનિચ્છનીય ભાર નાખવા નથી ઇચ્છતી અને બે પક્ષો વચ્ચે સત્તાની હેરફેર થવાની હોય ત્યારે ઑડિટ જરૂરી છે. અને કોંગ્રેસ લોકોને કહેશે કે શું સ્વીકારવું, અને શું નહીં. કોંગ્રેસે કોઈ જવાબદારી સંભાળવાની હશે તો એનો એ ઇનકાર નહીં કરે. આમ ગાંધીજીએ સારા શબ્દોમાં કહી દીધું કે બ્રિટન જે કંઈ નક્કી કરે તે કોંગ્રેસ સ્વીકારી નહીં લે. આ એમનું ભાષ્ણ સમિતિની ચર્ચાના કોઈ ખાસ મુદ્દા પર નહોતું પણ શરૂઆત રૂપે જ બોલ્યા હતા.

પંડિત મદન મોહન માલવિયાએ ગાંધીજીને ટેકો આપ્યો અને ઉમેર્યું કે ભારતનું સૈન્ય દોઢ લાખનું હશે અને તે ઉપરાંત બ્રિટિશ આર્મી પણ હશે, પણ બ્રિટને બ્રિટિશ સૈનિકોને હટાવી લેવા જોઈએ.

આ વિષય પર ખાસ ચર્ચામાં બોલતાં ગાંધીજીએ નીચલા ગૃહની રચના સીધી ચૂંટણીથી કરવાની તરફેણ કરી અને ઉપલા ગૃહની હાજરીને ભાર જેવી ગણાવી. એમને મિલકતને યોગ્યતાનો માપદંડ માનવાનો ઇનકાર કર્યો અને મતદારે અમુક સ્તર સુધીનું શિક્ષણ મેળવ્યું હોય તે શરત પણ એમને મંજૂર નહોતી. એમણે કહ્યું કે એક દુર્ગુણી ધનવાન ધનના જોરે ગૃહનો સભ્ય બની શકે, પણ એક નિર્ધન કે નિરક્ષર વ્યક્તિ ઊંચા ચારિત્ર્યની હોય તો પણ ધન કે શિક્ષણના અભાવે એને ઉપલા ગૃહમાં સ્થાન ન મળે તે ન ચાલે. ગાંધીજીએ સાર્વત્રિક મતાધિકારનો આગ્રહ રાખ્યો અને કહ્યું કે એમાં બધાને સમાનતા મળશે.

એમણે રાજવીઓ પ્રતિનિધિત્વ માગતા હતા તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે એમણે એમની રૈયત સીધા જ પોતાના પ્રતિનિધિને મોકલી શકે એવી વ્યવસ્થા પણ સ્વીકારવી જોઈએ કારણ કે બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોની પ્રજા વચ્ચે કોઈ મૂળભૂત તફાવત નથી.

એમનાથી પહેલાં લૉર્ડ પીલ અને લૉર્ડ સૅમ્યુઅલ હૉરે નીચલા ગૃહની ચૂંટણી પણ પરોક્ષ રીતે કરવાની તરફેણ કરી હતી. એમને કારણો આપ્યાં કે ભારત બહુ મોટો દેશ છે, અક્ષરજ્ઞાનનો અભાવ છે અને અત્યંત ગરીબી છે. આ સંયોગોમાં સાર્વત્રિક મતાધિકાર વાજબી નહીં ગણાય. જો કે લૉર્ડ પીલના ભાષણમાં વચ્ચેથી બોલતાં લૉર્ડ વેજવૂડ બૅને સવાલ કર્યો હતો કે આ ચૂંટણીમાં તાજને કંઈ રસ ન હોઈ શકે, તો આ બાબતમાં માત્ર હિન્દુસ્તાની નેતાઓનો જ અભિપ્રાય વધારે વજનદાર ન ગણાય? વેજવૂડ બૅન આડકતરી રીતે કહેતા હતા કે લૉર્ડ પીલનો આ વિષય નહોતો.

ગાંધીજીએ સાર્વત્રિક મતાધિકારની તરફેણ કરી અને આમ તો સીધી ચૂટણીની પણ તરફેણ કરી, પરંતુ એમના શબ્દો એ હતા કે “હું આડકતરી ચૂંટણીથી ડરતો નથી.” આનો અર્થ એ થયો કે એમનું મન પરોક્ષ ચૂંટણી તરફ ઢળતું હતું પણ પ્રત્યક્ષ ચૂંટણીથી વિરુદ્ધ નહોતા. બીજી બાજુ, એ ઉમેદવારોની યોગ્યતા વિશેની કોઈ પણ શરત પણ માનવા તૈયાર નહોતા.

એમની પરોક્ષ ચૂંટણી શી હતી?

ગાંધીજીએ કહ્યું કે અમે કોંગ્રેસમાં સભ્ય થવા માટે ફી રાખી છે – માત્ર ચાર આના (રૂપિયાનો ચોથો ભાગ). આથી સરકાર અમારા સામે આક્ષેપ કરે છે કે અમે સમાંતર સરકાર ચલાવીએ છીએ. આ આક્ષેપ ખોટો છે, તેમ છતાં હું એ પણ કહેવા માગું છું કે આ સરકારને ઉથલાવી પાડવાની અને એની જગ્યાએ અમારી સરકાર બનાવવાની અમારી ઇચ્છા છે જ.

કોંગ્રેસમાં પુખ્ત મતાધિકાર છે. અને એ જ માન્ય રાખીને મતદાર યાદી બનાવવી જોઈએ. જેનું નામ હોય તે મત આપી શકે. કોંગ્રેસમાં તો કરોડો લોકો છે. એમાં એક કેન્દ્રીય ધારાસભા જેવી વ્યવસ્થા પણ છે અને અમે અમારા માટે કાયદા બનાવીએ છીએ અને વહીવટ પણ ચલાવીએ છીએ. અમારી પ્રાંતિક કાઉંસિલોને પોતાના પેટા નિયમો બનાવવાની પૂરી છૂટ છે. સિવાય કે મૂળભૂત કાયદામાં એ ફેરફાર ન કરી શકે; એટલે કે મતાધિકાર માટે એ કોઈ નવી શરત ન નાખી શકે. પાંચ લાખ ગામોમાં અમારી શાખાઓ છે. દરેક શાખા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે અને આવા પ્રતિનિધિઓનું મતદાર મંડળ બને છે જે અમારી પ્રાંતિક અને કેન્દ્રીય સમિતિઓની ચૂંટણી કરે છે. હું માત્ર આખી વ્યવસ્થાની રૂપરેખા આપું છું અને સૌને એ વિચારવા યોગ્ય લાગે તો એના પર વિચાર કરી શકે છે. આવી વ્યવસ્થામાં ઉમેદવારે મોટી રકમ પણ ખર્ચવી ન પડે.

લેનિનના વિચારો ગાંધીજી માટે પ્રેરણારૂપ?

મહંમદ શફીએ ગાંધીજીના વિચારો પર હળવી ટિપ્પણી કરી કે ટોલ્સટોય એમના પ્રેરણામૂર્તિ હતા, એટલે એમના વિચાર પર પણ રશિયાની વિચારસરણીની અસર છે કે નહીં તે જોવા માટે મેં સોવિયેત સંઘનું બંધારણ જોયું. તો એમાં પણ લગભગ આવી જ યોજના છે! તો શું મહાત્મા ગાંધીએ લેનિન પાસેથી પ્રેરણા લીધી છે?

૦૦૦

સંઘીય માળખાની સમિતિમાં ઘણા વિષયો હતા, જેમ કે, નીચલું ગૃહ કોઈ કાયદો બનાવે અને ઉપલું ગૃહ એને ઉડાડી દે તો સંયુક્ત બેઠક કેમ બોલાવવી? નાણાં બિલ ઉપલા ગૃહમાં રજૂ કરી શકાય કે માત્ર નીચલા ગૃહને જ એનો અધિકાર હોય? જો ઉપલા ગૃહને નાણાં બિલ પર મત આપવાનો અધિકાર ખરો કે એ માત્ર ચર્ચા કરીને પોતાના અભિપ્રાયની નીચલા ગૃહને જાણ કરી દે, એટલું જ? કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે કરવેરાની વહેંચણી, પ્રાંતોનો કેન્દ્રીય કરવેરામાં ભાગ, વગેરે ઘણા મુદ્દા પછી આપણા બંધારણમાં પણ આવ્યા.

નિષ્ફળતા

બીજી ગોળમેજી પરિષદ એકંદરે નિષ્ફળ રહી. કોમી સવાલ પર સમાધાન થઈ શકે તેમ નહોતું કારણ કે મુસ્લિમ ડેલીગેટોને પંજાબમાં પોતાની કાયમી બહુમતી સ્થાપવી હતી અને બીજા પ્રાંતોમાં વસ્તીના પ્રમાણમાં વધારે સીટો જોઈતી હતી. ત્યાં એકઠા થયેલા બધા નેતાઓ પોતપોતાના જૂથના હિત માટે એકઠા થયા હતા; એક માત્ર ગાંધીજીનું વલણ એ રહ્યું કે “તમે જાઓ, અમે હિન્દુસ્તાનીઓ બાકીનું બધું પોતે જ સંભાળી લઈશું.” સંઘના માળખા વિશે પણ દેશી રાજ્યોને કેમ પ્રતિનિધિત્વ આપવું તે છેક સુધી નક્કી ન થઈ શક્યું. હવે વડા પ્રધાન રામ્સે મૅક્ડોનલ્ડ પોતાનો ફેંસલો જાહેર કરે તેની રાહ જોવાની હતી.

૧૯૩૧ની ૧લી ડિસેમ્બરે બીજી ગોળમેજી પરિષદ સમાપ્ત થઈ ગઈ. ગાંધીજી કશી આશા વિના જ ગયા હતા અને ૨૮મી ડિસેમ્બરે ખાલી હાથે હિન્દુસ્તાન પાછા ફર્યા. ઝવેરચંદ મેઘાણીએ ગોળમેજી પરિષદની કાર્યવાહી, બીજા ડેલીગેટોની મનોવૃત્તિ અને ગાંધીજીના એકલવાયા જંગને કાવ્યનો દેહ આપ્યો છેઃ

૦૦૦

સંદર્ભઃ

https://www.indianculture.gov.in/flipbook/17682#

https://gu.wikisource.org/wiki/માતા તારો બેટડો આવે

%d bloggers like this: