india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-58

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૮:: ગોળમેજી પરિષદ (૬)

સંઘીય માળખાનો સવાલ (૧)

દેશની રાજ્ય વ્યવસ્થા માટે સંઘીય માળખું જ ચાલશે એમ તો સૌ માનતા હતા. આ બાબતમાં બ્રિટિશ ઇંડિયાના પ્રતિનિધિઓ વચ્ચે કોઈ પાયાના મતભેદો નહોતા. કોમી પ્રતિનિધિત્વ બાબતમાં બધા સામસામે હતા પણ સંઘીય માળખું જ હોય એ બાબતમાં બધા સંમત હતા. દેશી રાજ્યોની પણ સંઘમાં જોડાવા તૈયાર હતાં અને ખાસ પ્રતિનિધિત્વ માગતાં હતાં. એમાં પણ નાનાં અને મોટાં, એમ બે પ્રકારનાં રાજ્યો હતાં. મોટાં રાજ્યોને પ્રતિનિધિત્વ મળવાનો વિશ્વાસ હતો પણ નાનાં રાજ્યોને એની ચિંતા હતી કે એમને કઈ રીતે સમાવાશે. કોમી મતદાર મંડળના સવાલ જેટલો જ આ સવાલ પણ મહત્ત્વનો હતો. એમાંયે રાજકારણ તો હતું જ પણ કોમી મતદાર મંડળની સમિતિમાં બ્રિટિશ ઇંડિયાના પ્રતિનિધિઓ વચ્ચે જે ગરમાગરમી જોવા મળતી હતી તે નહોતી, અહીં દેશી રાજાઓ સાથે એમની ચડભડ હતી. કોમી મતદાર મંડળ બનાવવાના મુદ્દા પર દેશી રાજ્યોને રસ નહોતો અને જે કોઈ બોલ્યા તે એની વિરુદ્ધ બોલ્યા કારણ કે મુસલમાન ડેલીગેટો બ્રિટિશ ઇંડિયામાંથી આવતા હતા અને દેશી રાજ્યોને બ્રિટિશ ઇંડિયામાં લોકશાહી ઢબે ચૂંટણી થાય તેમાં અલગ મતદાર મંડળ હોય કે સંયુક્ત મતદાર મંડળ હોય મળે તેમાં રસ નહોતો. બીજી બાજુ, સંઘીય તંત્ર વિશેની ચર્ચામાં પ્રજાકીય પ્રતિનિધિઓ વચ્ચે મોટા મતભેદ નહોતા અને જે હતા તે પણ નજીવા હતા. એમાં રજવાડાં પોતાના અધિકારો સામાન્ય જનતાના પ્રતિનિધિઓની સામે બચાવવા માગતાં હતાં એટલે આ સમિતિની ચર્ચાઓનું વલણ તદ્દન જુદું હતું. એકઠા થયેલા બધા ડેલિગેટોમાંથી લગભગ બધાનાં ભાષણ વખતે વચ્ચેથી સવાલજવાબો પણ બહુ થયા. દરેક ડેલીગેટનું મંતવ્ય બીજા કરતાં જુદું પડતું હતું.

આમ છતાં એનું મહત્ત્વ ઘણું છે કેમ કે આગળ જતાં આપણા બંધારણના બીજ રૂપ સિદ્ધાંતો એમાં જ રોપાયા. દાખલા તરીકે આપણું આજનું સંઘીય માળખું. એમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણીનો સવાલ આવ્યો અને બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની યાદીઓ અને એક સહિયારી યાદી બનાવવામાં આવી છે તે જ રીતે એ વખતે પણ કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તા વિભાજન, કેન્દ્રના વિષયો, પ્રાંતોના વિષયો, લોકસભા અને રાજ્યસભા જેવાં બે ગૃહો, ઉપલા ગૃહની ચૂંટણી શી રીતે કરવી, ગૃહમાં ચૂંટણી વગર બેસવાના હોય તેવા, સરકારે નીમેલા પ્રતિનિધિઓની સંખ્યા કેટલી હોવી જોઈએ, અને એમને મત આપવાનો અધિકાર હોવો જોઈએ કે કેમ વગેરે વિષયો હતા; એટલું જ નહીં સોગંદ લેવા હોય તો વફાદારી કોના તરફ જાહેર કરવી તે પણ ચર્ચાનો વિષય હતો.

આ ચર્ચાઓની છાપ આપણા બંધારણમાં દેખાય છે, તે સાચું પરંતુ એ વખતે કોકડું વધારે ગુંચવાયેલું હતું કારણ કે બ્રિટન સરકાર સત્તા તો બ્રિટિશ ઇંડિયાના વિસ્તારમાં હતી પરંતુ દેશી રજવાડાંઓને પણ સામેલ કરવાનાં હતાં આમાં પણ બે ભાગ હતા – મોટાં રાજ્યો અને નાનાં રાજ્યો અથવા જાગીરો. બે ગૃહની પાર્લમેન્ટ હોય તો એમને શી રીતે પ્રતિનિધિત્વ આપવું? ત્યાં રાજા હોવાથી ચૂંટણી જીતીને કોઈ આવી એવું તો બને નહીં. પરંતુ ધારો કે એવું બને તો તે કયા નામે સોગંદ લે? રાજા પ્રત્યેની વફાદારી બ્રિટનના શહેનશાહ પ્રત્યેની વફાદારીમાં દબાઈ ન જવી જોઈએ.

સમિતિએ એનો ત્રીજો રિપોર્ટ આપી દીધો હતો, એને અંતિમ ઓપ આપીને મંજૂરી આપવાની હતી. સાતમી સપ્ટેમ્બરે એની વીસમી (બીજી ગોળમેજી પરિષદની પહેલી) બેઠક મળી. ગાંધીજી પહેલી વાર ભાગ લેતા હતા અને એમનો ઉલ્લેખ સમિતિના ચેરમૅન નાણા મંત્રી સૅન્કી સહિત લગભગ બધાએ કર્યો.

આપણાં દેશી રાજ્યો

પ્રજાકીય પ્રતિનિધિઓ અને રજવાડામ વચ્ચેના મતભેદો સમજવા માટે આપણે રજવાડાંની સ્થિતિ શી હતી તે સમજીએ. એની માહિતી ડૉ.આંબેડકરના ભાષણમાંથી મળે છેઃ

૪૫૪ રાજ્યોનો વિસ્તાર ૧૦૦૦ ચોરસ માઇલથી ઓછો હતો. ૪૫૨ રાજ્યોની વસ્તી એક લાખ કરતાં ઓછી હતી અને ૩૭૨ રાજ્યોની આવક એક લાખ રૂપિયા કરતાં ઓછી હતી. બીજી બાજુ, બ્રિટિશ ઇંડિયાનો વિસ્તાર ૧૦, ૯૪, ૩૦૦ ચોરસ માઇલ અને વસ્તી ૨૨ કરોડ ૨૦ લાખ હતી, એમાં ૨૭૩ જિલ્લા હતા. દરેક જિલ્લાનો સરેરાશ વિસ્તાર ૪૦૦૦ ચોરસ માઇલ હતો અને વસ્તી આઠ લાખ! હવે કોઈ કહે કે આ બધા જિલ્લાઓનો પ્રતિનિધિ પણ હોવો જોઈએ, તો એ કેવું વિચિત્ર કહેવાય! ૫૬૨ રાજ્યોમાંથી માત્ર ૩૦ એવાં રાજ્યો હતાં કે વિસ્તાર, વસ્તી અને આવકની નજરે બ્રિટિશ ઇંડિયાના કોઈ એક જિલ્લાની બરાબર હતાં. ૧૫ રાજ્યોનો વિસ્તાર તો એક ચોરસ માઇલ કરતાં પણ ઓછો હતો. ૨૭ રાજ્યોનો વિસ્તાર એક ચોરસ માઇલ હતો. એકલા સૂરત જિલ્લામાં ૧૪ રાજ્યો હતાં અને એમની દરેકની વાર્ષિક આવક રૂ. ૩૦૦૦થી ઓછી હતી. આમાંથી ત્રણ રાજ્યોની વસ્તી એકસો કરતાં ઓછી હતી અને પાંચ રાજ્યોની વાર્ષિક આવક રૂ. ૧૦૦ કરતાં ઓછી હતી.

ડૉ. આંબેડકરે કહ્યું કે એમને ‘રાજ્ય’નો ગૌરવપૂર્ણ દરજ્જો ઠોકી બેસાડવો એ એમનાં કમનસીબ છે અને એના માટે એ દયા ખાવાને લાયક છે. (ડૉ. આંબેડકરે કહ્યું તેમ એમણે આ માહિતી ડી. વી. ગુંડપ્પાના ૧૯૨૫માં પ્રકાશિત થયેલા પુસ્તક “The State and Their People in the Indian constitutionમાંથી ટાંકી).

ડૉ. આંબેડકર બધાં રજવાડાંને અલાયદું પ્રતિનિધિત્વ આપવાથી વિરુદ્ધ હતા. એમણે એ પણ પૂછ્યું કે એમને એક ગ્રુપ તરીકે પ્રતિનિધિત્વ આપવાનું પણ બીજી રીતે ખોટું થશે. સમિતિએ દેશની ઈંચેઈંચ જમીન પર પ્રતિનિધિ હોવો જોઈએ એમ સ્વીકાર્યું છે, એટલે એમને પ્રતિનિધિત્વ આપવાનો ઇનકાર કેવી રીતે કરી શકાશે? અને પ્રતિનિધિત્વ આપવાનો અર્થ એ થશે કે ગૃહમાં ૫૭૦ સભ્યો હશે. પરંતુ એમણે કહ્યું કે મને સંખ્યા સામે વાંધો નથી; મારો સવાલ એ છે કે આ દરેક રાજ્યને ‘રાજ્ય’ ગણવાનું યોગ્ય છે?

પરંતુ નાનાં કે મોટાં રાજ્યો પોતાને આવા ગણિતની ભાષામાં નહોતાં જોતાં. એ અમુક પ્રદેશને પોતાના વારસાગત અધિકાર હેઠળ માનતાં હતાં. રજવાડાંની દૃષ્ટિએ આવક, વિસ્તાર કે વસ્તી ગૌણ બાબતો હતી તો બ્રિટિશ સરકાર સામે લોકોના પ્રતિનિધિઓ અને દેશી રાજ્યો વચ્ચે સામંજસ્ય સ્થાપવાની સમસ્યા હતી.રાણી વિક્ટોરિયાએ ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી સત્તાનો દોર સંભાળ્યો ત્યારે વચન આપ્યું હતું કે બ્રિટિશ સરકાર કોઈ રાજ્યનો પ્રદેશ પચાવી નહીં પાડે, પણ બ્રિટનનો તાજ એ બધાંની ઉપર રહેશે. આમ માનમોભાની દૃષ્ટિએ બધાં રાજ્યોને રાણી વિક્ટોરિયાએ સમાન માન્યાં હતાં. નવા લોકશાહી માળખામાં આ રાજ્યોને કેમ ગોઠવવાં, તે એમનેય સમજાતું નહોતું.

રજવાડાં વિશે ડૉ. આંબેડકરે જે વિચારો રજૂ કર્યા તેનો બીકાનેરના મહારાજાએ સખત વિરોધ કર્યો. એમણે આંબેડકરને સીધા જ ખોટા ન ગણાવ્યા પરંતુ કહ્યું કે એક દેશી રાજ્યનો આ લેખકે(આંબેડકરે જેનો હવાલો આપ્યો તે લેખક, ગુંડપ્પા) પણ ગોથું ખાધું છે અને એ જ ભૂલ કરી છે. આંબેડકરે વળતો સવાલ કર્યો કે નામદાર મહારાજાના મનમાં ‘રાજ્ય’ની કોઈ ખાસ વ્યાખ્યા હોય તો બતાવે કે જેથી ખબર પડે કે ભારતનું ફેડરેશન બનાવતી વખતે કોનો સમાવેશ થશે અને કોણ બાદ થઈ જશે. જો બધાંને રાજ્ય ગણો તો કોઈને બાકાત ન કરી શકાય. મહારાજાએ કહ્યું કે વખત આવ્યે બધું પ્રગટ થઈ જશે. ડૉ. આંબેડકરે કહ્યું કે ફેડરલ સ્ટ્રક્ચર કમિટી રાજાઓ જે માગે તે આંખ બંધ કરીને ન આપી શકે. મહારાજાએ કહ્યું કે તો અમે પણ કોરો ચેક ન આપી શકીએ. આપને એકબીજાની જરુરિયાત સમજવી જોઈશે.

આ તબક્કે ચેરમૅનને વચ્ચે પડવા જેવું લાગ્યું. એમણે ડૉ. આંબેડકરને કહ્યું કે તમે જે ટાંક્યું તેમાં મને બહુ રસ પડ્યો અને મેં ધ્યાનથી સાંભળ્યું. પણ તમે પોતે એમાંથી કયા નિર્ણય પર પહોંચ્યા છો? ડૉ. આંબેડકરે જવાબ આપ્યો કે તમે બધાં રાજ્યોને પ્રતિનિધિત્વ આપો તેનો અર્થ એ થયો કે તમે બધાં જ રાજ્યોનો કાયમ માટે સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવાનો અધિકાર માન્ય રાખો છો. આજના જમાનામાં કોઈ પણ એકમ પોતાનાં પૂરતાં સાધનો ન હોય તો ટકી ન શકે. એટલે કોઈ રાજ્યને સ્વતંત્ર રહેવાનો અધિકાર આપીને કોઈના પોતાને ‘રાજા’ કહેવડાવવાના અભરખાને પંપાળો છો. આપણે માત્ર એટલો જ વિચાર કરવાનો છે કે આમ કોઈને રાજી કરીએ તેથી એની પ્રજાને કંઈ લાભ થાય કે નહીં.

એમણે કહ્યું કે પાર્લમેન્ટના ઉપલા ગૃહમાં રાજાઓ આવવા માગે છે અને સમિતિનો રિપોર્ટ વાંચતાં એ પણ સમજાય છે કે એમને કેન્દ્રની સરકારમાં પણ જોડાવું છે. બ્રિટિશ ઇંડિયામાંથી જે ચુંટાઈને આવે તે સરકારમાં આવશે પણ રાજાઓ ચુંટાયેલા નહીં હોય! એટલે બે અલગ રીતે આવેલા લોકો સહિયારી જવાબદારીનો સિદ્ધાંત કેમ ચલાવી શકે? એટલે રાજાઓને નીમવાને બદલે ત્યાં પણ ચૂંટણી થવી જોઈએ. રાજ્યોના પ્રતિનિધિઓએ આનો સખત વિરોધ કર્યો.

ડૉ. આંબેડકરે ટ્રેડ યુનિયનો, વેપારી આલમ કે જમીનદારોને અલગ પ્રતિનિધિત્વ આપવાનો પણ વિરોધ કર્યો. ડૉ. આંબેડકર તો ઉપલું ગૃહ રાખવાના જ વિરોધી હતા. એમનાથી પહેલાં પણ ઘણા વક્તા હતા અને એમના વિચારો આપવાનું બાકી છે.

દેશી રાજ્યો સાથેના મતભેદો ડૉ. આંબેડકરના ભાષણમાં સૌથી વધારે તીવ્રતાથી પ્રગટ થયા અને એનું સ્પષ્ટ ચિત્ર પણ મળે છે એટલે આપણી ભૂમિકા તરીકે એમનું ભાષણ અહીં લીધું છે. સંઘીય માળખાની સમિતિની કાર્યવાહી વિશે હવે વધુ આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ https://www.indianculture.gov.in/flipbook/17682#

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: