india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-57

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૭::ગોળમેજી પરિષદ (૫)

લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૪)

સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન

સર ચીમનલાલ સેતલવાડે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે કોમી સવાલનો આ રીતે ઉકેલ નહીં આવે અને સરકારે પોતે જ પોતાનો નિર્ણય આપવો જોઈએ. આમ જોઈએ તો એ ગાંધીજીની એ વાત સાથે સંમત થતા હતા કે ત્યાં બેસીને ચર્ચા કરવાથી નિવેડો નહીં આવે. પરંતુ ગાંધીજી લઘુમતીઓના અધિકારોની સમિતિનું કામકાજ અચોક્કસ મુદત માટે સ્થગિત કરીને પ્રતિનિધિઓ વચ્ચે અનૌપચારિક વાતચીતો દ્વારા સમાધાન શોધવાનું કહેતા હતા, તો સર સેતલવાડ બ્રિટિશ સરકારના હાથમાં નિર્ણય સોંપી દેવાનું સૂચવતા હતા.

એવામાં સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન જુદો જ દૃષ્ટિકોણ રજૂ કરે છે એમાં રાજકારણ ઓછું છે એટલે એનું મહત્ત્વ વધી જાય છે. એમણે સમવાય માળખાની રચનાની પણ વિગતે ચર્ચા કરી છે, પણ અહીં આપણે માત્ર કોમી સવાલ પરના એમના વિચારોથી પરિચિત થઈશું.

નિવેદન

નવા સુચિત બંધારણ હેઠળ લઘુમતીઓનાં હિતોનું રક્ષણ કરવા બાબતમાં બહુ જ ધ્યાન અપાયું છે. ઝીણામાં ઝીણી વિગતોને બહુ મહત્ત્વ મળ્યું છે અને મોટા અને બહોળા સિદ્ધાંતો પર ધ્યાન જ નથી અપાયું. કોઈ સંતોષકારક રસ્તો કાઢવો હોય તો આ સિદ્ધાંતો લાગુ કરવા જ જોઈએ. આથી ગોળમેજી પરિષદના સભ્ય તરીકે મને લાગે છે કે મારે એવા સિદ્ધાંતોની વાત કરવી જોઈએ કે જે સમાધાનમાં ઉપયોગી થાય.

સૌથી પહેલાં તો આપણે એ વિચારવું જોઈએ કે કોમની ઉપર રાષ્ટ્ર છે અને રાષ્ટ્રની ઉપર માનવતા છે. માનવતા માટે રાષ્ટ્રીયતાનો ભોગ આપવો પડે તેમ હોય તો એવો ભોગ આપવો જ જોઈએ. એ જ રીતે રાષ્ટ્ર માટે જરૂર પડે તો કોમે પોતાની કોમી અસ્મિતાનો ભોગ આપવો જોઈએ. જેમ વિભાજિત કોમ, કોમ નથી તેમ વિભાજિત રાષ્ટ્ર પણ રાષ્ટ્ર નથી. હિન્દુસ્તાન પોતાને જાતે શાસન કરવાને લાયક માનતું હોય તો એણે સૌથી પહેલાં પોતાની રાષ્ટ્રીયતાનો વિકાસ કરવો પડશે. આપણામાંથી કોઈ પણ વર્ગ એ વાતનો ઇનકાર નથી કરતો કે આપણી કોમોએ હિન્દુસ્તાની રાષ્ટ્રમાં વિલીન થવું પડશે. હિન્દુ, મુસલમાન, શીખ, બધાએ પહેલાં ભારતીય બનવું પડશે, અને તે પછી કોમ-નિષ્ઠ. સામાજિક રીતે આપણી ક્લબો જુદી હોઈ શકે છે. ધાર્મિક રીતે આપણી શ્રદ્ધાઓ જુદી હોઈ શકે છે. સાંસ્કૃતિક રીતે આપણે હજી પણ જરીપુરાણા ખ્યાલોને વળગી બેઠા છીએ. પરંતુ આજે આપણે આપણી આસપાસની હવામાં શ્વાસ લેવાનો છે. આજે કોઈ રૂઢિચુસ્ત બ્રાહ્મણ માટે જગ્યા નથી. એ જ રીતે કોઈ મુસલમાન પણ એમ ન કહી શકે કે કુરાનને ન માનતા હોય તે બધા કાફરો છે.

આ ભાવનાથી ભારતના બધા વર્ગોએ સાથે માળીને કામ કરવાનું છે, તો જ એમને સ્વતંત્રતાનાં ફળ મળશે. જે માણસ બીજા પર કાબૂ જમાવે છે તે પોતાને માટે જ બેડીઓ બનાવે છે. એ યાદ રાખવું જોઈએ કે જે કોમ બીજી કોમને હરાવવા માગતી હોય તે પોતે જ નાની નાની કોમોમાં વહેંચાઈ જશે કારણ કે કોમવાદી વિખવાદના મૂળમાં સ્વાર્થ જ હોય છે. સ્વાર્થ વિખૂટા પાડે છે, પણ ત્યાગ બધાંને જોડે છે. જે લોકો છોડે છે તે ભાગીદાર બને છે અને જે લોકો રાખે છે અને ઈજારો સ્થાપે છે તેઓ પોતાના વિરોધને જન્મ આપે છે, એમાંથી લડાઈ થાય છે અને બન્ને પક્ષે ગુમાવવાનું આવે છે. સાચું સમાધાન એ છે કે જેમાં બળિયો સ્વએચ્છાએ નાના પક્ષો સમક્ષ ઉદારતાથી સારી શરતો મૂકે. હિન્દુઓ બહુમતીમાં છે એટલે એમણે સૌ પહેલાં મુસલમાનો પાસે જવું જોઇએ.

આજે કોમના નિયંત્રણની વાત ચાલે છે તે કોમનાં હિતોને આગળ કરવાને નામે થાય છે. આનું પરિણામ એ આવે છે કે પેટાકોમો આ ફળમાં પોતાનો ભાગ માગે છે અને ફાટફૂટ પડે છે અને જે ‘કોમન વેલ્થ’ બન્યું હોય છે તે તૂટી જાય છે.

આથી બહુમતી કોમે પહેલાં તો અંદર જ સંગઠિત થવું પડશે અને પછી બીજી કોમોને રાષ્ટ્રમાં નોંધપાત્ર હિસ્સો આપવો પડશે. એક રાષ્ટ્રના અધિકારો હોય છે તેમ જવાબદારીઓ પણ હોય છે. અધિકારો તો વિશેષાધિકારો છે, અને જવાબદારી એની કિંમત છે. મુસલમાનોને ફાળે પણ અધિકાર અને જવાબદારી બરાબર આવવાં જોઈએ. એમને માગવા દો અને જેટલું યોગ્ય હોય તેટલું આપો. યોગ્ય ન હોય તેનો પ્રતિકાર કરો. બહુમતીને તો હંમેશાં ઉદાર થવાનું પોસાય.

‘પોલિટિક્સ’ એક ધૂંધળું વિજ્ઞાન છે. માનવીય અસ્તિત્વનાં બધાં પાસાંમાં એ હોય જ છે. સંગઠિત સમાજ સાથે મળીને સુખી જિંદગી માણે તેને પોલિટિક્સ કહે છે. લોકોની સરકાર બનાવવી એ સહેલું કામ નથી.કારણ કે લોકોના સ્વભાવ અલગ અલગ હોય છે અને બધાને સંતોષ મળે એવી વ્યવસ્થા ગોઠવવી એ અશક્ય છે. રાષ્ટ્રે મોટા ભાગે સારી રીતે રહેવું હશે તો એના માટે માનસિકતા કેળવવી પડશે. સ્વશાસનમાં રાષ્ટ્ર સફળ થાય તે માટે સૌની એક સમાન માનસિકતા કેળવવી પડશે. બધા જ લોકોના ભલાના ખ્યાલ પર માનસિકતા કેળવી હશે તો સ્થિર શાંતિ મળશે.

વિદેશી સત્તાથી સ્વતંત્ર થઈને ભારતે શાંતિમય અસ્તિત્વ માટે આવી સમાન રાજકીય મનોવૃત્તિ વિકસાવવી પડશે. આથી કોમી ભેદભાવોનો અંત લાવવો હશે તો બધા પક્ષોએ ત્યાગ કરવા તૈયાર રહેવું પડશે. આમાં હિન્દુ-મુસલમાન સંબંધોનો સવાલ સૌથી અઘરો છે. કાયદો અને વ્યવસ્થા બરાબર હોય, બંધારણ ઘર્ષણ વિના ચાલે. સંરક્ષણ માટે જરૂરી પગલાં લીધાં હોય, વ્યક્તિને પોતાનો વ્યવસાય પસંદ કરવાની છૂટ હોય, ધાર્મિક આસ્થામાં દખલ ન થતી હોય, આ બધું તો હિન્દુઓ અને મુસલમાનો બહુ મોટો ભોગ ન આપે તો પણ થઈ શકે.

અનામતની વ્યવસ્થા બંધારણમાં ન કરવી જોઈએ પણ બે કોમોએ સાથે બેસીને નક્કી કરવી જોઈએ અને એ સમજૂતી હોવી જોઈએ. હિન્દુઓએ જોવું જોઈએ કે મુસલમાનો નક્કી કરેલી સંખ્યામાં ચુંટાય.. જો એટલા મુસલમાન ન ચુંટાય તો જે હિન્દુને સૌથી ઓછા મત મળ્યા હોય એ સીટ ખાલી કરી દે. આવી કોઈ વ્યવસ્થા હશે તો બહુમતી કોમને સમાધાનની ભાવનાથી લઘુમતી કોમને મળવાનું જરૂરી લાગશે. બન્ને કોમોને લોકશાહી માનસમાં ઢાળવાનો આ અસરકારક ઉપાય છે. આમાં હિન્દુઓને શિરે વધારે મોટી જવાબદારી આવે છે. મુસલમાને તો માત્ર બહુમતી કોમનો વિશ્વાસ કરવાનો છે.

એવું પણ નહીં કે સીટો અનામત થઈ ગઈ તે પછી મુસલમાનો કોઈ બીજી સીટ પરથી ચૂંટણી લડી જ ન શકે. હિન્દુઓ જો યોગ્ય મુસલમાનને સ્વીકારે તો મુસલમાનોને પણ કહી શકાય કે એમના માટેની સીટ પર હિન્દુને ટેકો આપે. લોકોએ તો લાયકાત જોઈને મત આપવાના છે.

એ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે મેં આ જે કંઈ લખ્યું છે તેમાં નાતજાત નથી લીધાં. હિન્દુઓમાં તો ઘણી પેટા કોમો છે અને સાઇમન કમિશન એમને અલગ મતદાર મંડળ આપવા માગતું હતું! એ જ રીતે મુસલમાનોમાં પણ શિયા, સુન્ની, ખોજા, વોહરા, પઠાણ વગેરે જાતો છે. ધર્મ જુદા હોવાથી અમુક સાંસ્કૃતિક ફરક પણ રહેશે. સ્વભાવ પણ જુદા હશે. પરંતુ રાષ્ટ્રની વાત આવે ત્યારે હિન્દુસ્તાન એક જ સૂરે નહીં બોલે એમ માનવાને કારણ નથી. આપણને ગમે કે ન ગમે, આજે દુનિયામાં લોકશાહીની હવા છે અને ભારત એમાંથી બાકાત ન રહી શકે. બનવાજોગ છે કે જેમ પશ્ચિમના કેટલાક દેશોમાં બન્યું છે તેમ સરમુખત્યારશાહી પાછી આવે, પણ અત્યારે તો આપણને લોકશાહીના મંચ સાથે સંબંધ છે. મુશ્કેલીઓ આવશે જ. એનો સામનો કરીને એની સામે જીતવાનું છે. એ બહાને દેશની પ્રગતિને રોકી ન શકાય. કોઈ સારા સિદ્ધાંતનો ભોગ આપીએ તેના કરતાં ધીરજથી રાહ જોવાનું બહેતર ગણાય. ધીરજનાં ફળ મીઠાં જ હોય છે.

સર પ્રભાશંકર પટ્ટણીનું આ નિવેદન ગાંધીજીની ભાવનાને જ અનુકૂળ હતું.

૦૦૦

સંદર્ભઃ https://indianculture.gov.in/flipbook/89519 Indian Round Table conference (Second Session) 7 September 1931 to 1 December 1931 vol. III (Proceedings of Minorities committee) પ્રકાશન ૧૯૩૨. (ડાઉનલોડ નહીં કરી શકાય).

2 thoughts on “india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-57”

  1. પ્રભાશંકર પટ્ટણી વિશે થોડું જાણતો હતો પણ આ લખાણ અદભુત છે.ગાંધીજી તેમને ખૂબ
    માનતા હતા.ગાંધીજી સાથેનો પત્રવહેવાર મારી પાસે છે. લેખ પોસ્ટ કરવા માટે
    અભિનંદન.

    1. રજવાડામાં ઉચ્ચ પદે હોવા છતાં સમગ્ર ભારતની રીતે વિચારતા હોય તેવા ગોળમેજી પરિષદમાં એ એકલા જ હતા. ગાંધીજીના એ મિત્ર હતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: