india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-56

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૫૬ :: ગોળમેજી પરિષદ (૪)

લઘુમતીઓના અધિકારોનો સવાલ (ભાગ ૩)

મુસલમાનો અને બીજી લઘુમતીઓની જુદી યોજના

ફરીથી બધા ૧૩મી નવેમ્બરે બધા મળ્યા ત્યારે ચેરમૅન રામસે મેક્ડોનલ્ડે આગ્રહ રાખ્યો કે હવે આપણે કામકાજ આટોપી લેવું જોઈએ અને ખુલ્લા અધિવેશન માટે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ કે જેથી સરકાર પોતાનો અભિપ્રાય બાંધી શકે. આ તબક્કે આગાખાને જાહેર કર્યું કે મુસલમાનો, ઍંગ્લો-ઇંડિયનો, યુરોપિયનો, મોટા ભાગના ભારતીય ખિસ્તીઓ અને ડિપ્રેસ્ડ ક્લાસિસ વચ્ચે સમાધાન થઈ ગયું છે. આગાખાને કહ્યું કે આ સમાધાન બહુ વિચારીને થયેલું છે એટલે એનો કોઈ પણ ભાગ છૂટો કરવા જતાં આખી યોજના પડી ભાંગશે; સમાધાનની બધી જોગવાઈઓ માનવાનું જ સારું રહેશે. જો કે મેક્ડોનલ્ડે કહ્યું કે હું એમ માનું છું કે આપણે સંપૂર્ણ રીતે સંમતિ સાધી નથી શક્યા અને એવો જ રિપોર્ટ કરવો જોઈએ. તે પછી સ્થિતિ જોઈને અંતિમ નિર્ણય લેવાનું સરકાર પર છોડી દઈએ. એણે આગાખાનનો રિપોર્ટ કમિટીના દસ્તાવેજ તરીકે સ્વીકારી લીધો.

તે પછી તરત શીખ પ્રતિનિધિ ઉજ્જલ સિંઘે પોતાનો રિપોર્ટ પણ સ્વીકારવા માટે રજૂ કર્યો અને કહ્યું કે મુસલમાનો અને બીજી લઘુમતી કોમો અને ડિપ્રેસ્ડ ક્લાસિસની આ સમજૂતીમાંથી શીખોને બાકાત રાખવામાં આવ્યા છે. બીજા પ્રાંતોની લઘુમતી કોમોએ પંજાબમાં બહુમતી કોમ, મુસલમાન, સાથે હાથ મિલાવીને શીખોને બાકાત રાખવામાં મદદ કરી છે. જે પ્રાંતોમાં મુસલમાનો લઘુમતીમાં છે ત્યાં એમને બહુ વધારે વેઇટેજ આપ્યું છે, જેમ કે બિહાર અને ઓરિસ્સામાં મુસલમાનો ૧૧ ટકા છે પણ ૨૫ ટકા સીટ આપી છે, એટલે ૧૩૦ ટકા વેઇટેજ મળ્યું. – યુરોપિયનોને ૩,૦૦૦થી ૯,૦૦૦ ટકા વેઇટેજ આપ્યું છે. એમને પંજાબની લઘુમતીઓ પર પોતાની યોજના થોપી દેવાનો કોઈ હક નથી. ઉજ્જલ સિંઘની રજૂઆત પછી બંગાળના જમીનદારોના પ્રતિનિધિ પ્રભાષ ચંદ્ર મિત્તર, પંજાબના હિન્દુ પ્રતિનિધિ રાજા નરેન્દ્ર નાથ અને ડૉ. આંબેડકરે પણ પોતે રજૂ કરેલાં નિવેદનોને કમિટીના દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આગ્રહ રાખ્યો.

કામદારોના પ્રતિનિધિઓ

એન. એમ જોશી, વી. વી. ગિરી અને બી. શિવા રાવ કામદારો વતી આવ્યા હતા અને લઘુમતી જૂથ તરીકે જોશીએ કામદારો માટે અલગ મતદાર મડળની માગણી કરી. કોમી ધોરણે મતદાર મંડળો બનાવવા સામે એમને સૈદ્ધાંતિક વાંધો હતો. એમનું કહેવાનું હતું કે દેશમાં ઔદ્યોગિકરણ વધવાની સાથે કામદારોની સંખ્યા વધવા લાગી છે અને એમનું શોષણ પણ થાય છે. કામદારો પોતાની માંગ માટે જ્યારે આદોલનો કરે છે ત્યારે કામદારો હિન્દુ હોય કે મુસલમાન, અથવા કોઈ પણ લઘુમતી કોમના હોય, સંગઠિત થઈને લડે છે, એમને ધર્મ આડે નથી આવતો.

એમની સામે કોમી નેતાઓનો જ વિરોધ હતો. એમની દલીલ હતી કે કામદાર તરીકે એ ભલે સંગઠિત થતા હોય, અંતે તો એ હિન્દુ કે મુસલમાન જ રહે છે કારણ કે એ એમની સંસ્કૃતિ છે. એટલે હિન્દુ કે મુસલમાન માટેનાં મતદાર મંડળો બનશે તેમાં કામદારો પણ હશે.

ખ્રિસ્તી પ્રતિનિધિ ડી. દત્તાનો કોમી વ્યવસ્થા સામે વિરોધ

ભારતીય ખ્રિસ્તીઓના એક પ્રતિનિધિ ડી. દત્તાએ આખી પ્રક્રિયાને નકારી કાઢતાં કહ્યું કે આમ તો ધર્મના આધારે દેશના ટુકડેટુકડા થઈ જશે. લઘુમતીઓ બે જ વાત માગી શકેઃ એક તો એમને પોતાનો ધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ. બીજી માગણી કરવી હોય તો એ જ કે, ધર્મને કારણે ભેદભાવ ન થવો જોઈએ. એમણે પોતાનો અનુભવ ટાંકીને કહ્યું કે એમણે મતાધિકાર વિશેના અધિકારી લૉર્ડ સાઉથબરોને કહ્યું હતું કે આ બે સિવાય ખ્રિસ્તીઓ માટે અનામત જેવી કોઈ વ્યવસ્થા ન કરવી જોઈએ. અહીં મારા ખ્રિસ્તી સાથીઓ મારી સાથે સંમત નથી એ દુઃખની વાત છે.

એમણે કહ્યું કે જ્યાં મુસલમાનો બહુમતીમાં છે ત્યાં એ અમારો બચાવ કઈ રીતે કરશે? ત્યાં એમને અમારી સાથે શી લેવાદેવા? તો ત્યાં અમારે હિન્દુ લઘુમતી પાસે જવું? અને મદ્રાસ પ્રાંતમાં મુસલમાનો પણ લઘુમતીમાં છે તો ત્યાં બધા ભેગા મળીને બધી લઘુમતીઓના સમાન હક માટે કેમ લડી ન શકે? એમણે કોમી ધોરણે મતદાર મંડળો બનાવવાનો જોરદાર વિરોધ કર્યો અને એન. એમ જોશીની કામદારોના અલગ મતદાર મંડળની માગણીને ટેકો આપ્યો. એમણે કહ્યું કે વહેંચણીની એમની રીત વધારે સધ્ધર છે.

ડૉ. મુંજેએ હિન્દુ મહાસભા વતી બોલતાં અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો અને કહ્યું કે અમે કદીયે એ નહીં માનીએ. વળી, મુસલમાનો બધી જગ્યાએ વેઇટેજ માગે છે અને પંજાબ અને બંગાળમાં પોતે બહુમતીમાં હોવાને કારણે હંમેશાં સરકાર પોતે જ બનાવે એમ ઇચ્છે છે, તો ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે એમને વેઇટેજ મળવું જોઈએ એ વાત કેમ ભૂલી ગયા છે?

જમીનદારોની માંગ

છત્તારીના નવાબે પણ આગાખાનની યોજનાનો વિરોધ કર્યો. એમનું કહેવું હતું કે કોમી ભેદભાવ જેટલો એ નિવેદનમાંથી દેખાય છે એટલો ખરેખર છે નહીં. એમણે ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સ અને કોંગ્રેસનાં સ્ટેટમેંટોનો ઉલ્લેખ કરીને કહ્યું કે બન્નેમાં સમાનતા છે. એમણે જમીનદારોનું અલગ મતદાર મંડળ બનાવવાની માગણી કરી.

શાહ નવાઝ બેગમે પણ કહ્યું કે આ સમસ્યા આખા દેશની નથી. પહેલી ગોળમેજી પરિષદમાં એના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતો ઘડાયા હતા અને આગાખાનના નિવેદનમાં એનો સમાવેશ કરાયો છે, તો એના આધારે કોમી સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે કારણ કે આ સિદ્ધાંતો સૌએ સ્વીકાર્યા છે. પંજાબ અને બંગાળમાં સમસ્યા છે તેનો ઉકેલ વાતચીતથી લાવવો જોઈએ, શ્રીમતી સુબ્બરાયને સ્ત્રીઓ વતી કોઈ જાતની અલગ મતવ્યવસ્થાનો વિરોધ કર્યો.

ગાંધીજી બોલે છે!

ગાંધીજીએ મીટિંગનો ઉપસંહાર જ કર્યો એમ કહી શકાશે. વક્તા તરીકે એ છેલ્લા જ હતા અને એમણે લઘુમતીઓ અને અસ્પર્શ્યો વિશે પોતાનું અને કોંગ્રેસનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યું, એમણે વિનયપૂર્ણ શબ્દોમાં ચેરમૅનને કહ્યું કે તમે કહો છો કે કોમી સવાલનો હલ નથી આવતો તેથી આખી રાજ્યવ્યવસ્થા વિશેની વિચારણા ખરાબે ચડી છે, પણ હું એની સાથે સંમત નથી. અને મેં શરૂઆતમાં જ એ વાત કહી હતી, તે પછી અહીં મને જે અનુભવ મળ્યો તે એ છે કે કોમી સવાલ પર ભાર મૂકવાને કારણે જ બધી કોમોને પોતાની વાત જેમ બને તેમ જોરથી રજૂ કરવાનું પ્રોત્સાહન મળ્યું. એ જ તો માનવસ્વભાવ છે. બધાને લાગ્યું કે હમણાં જોરથી નહીં કહીએ તો બધું ખોઈ બેસશું. આવું પ્રોત્સાહન મળવાને કારણે જ નિષ્ફળતા મળી છે. સર ચિમનલાલ સેતલવાડ સાથે હું સંમત છું કે આ મુદ્દો મુખ્ય નહોતો, મુખ્ય મુદ્દો બંધારણ બનાવવાનો હતો.

હવે આ સવાલ તો ઉકેલાયો નહીં, એટલે તમે બ્રિટિશ સરકારની નીતિ પોતે જ જાહેર કરશો. ગાંધીજીએ કહ્યું કે એક રાજકીય સંસ્થાના પ્રતિનિધિ તરીકે હું કહેવા માગું છું કે આ દસ્તાવેજ (મુસલમાનો, લઘુમતીઓ અને ડિપ્રેસ્ડ ક્લાસિસની યોજના)ને તમે નિર્વિવાદ સમજૂતી ગણાવી તે આશ્ચર્યની વાત છે. તે પછી એમણે વ્યંગની ભાષામાં કહ્યું કે તમે કહો છો કે ૪૬ ટકા જનતાનો એને ટેકો મળશે. એક રીતે તમે સાચા છો, કારણ કે આખી જનતામાં અડધા ભાગની તો સ્ત્રીઓ છે અને એમણે અલગ મતદાર મંડળનો વિચાર નથી સ્વીકાર્યો એટલે તમે કહો છો તેનાથી પણ ઓછા લોકોનો ટેકો છે. આ દસ્તાવેજ માત્ર નોકરશાહી સાથે સત્તામાં ભાગીદાર બનવા માટેનો છે.

એમણે કહ્યું કે હું દાવો કરું છું કે દેશની ૮૫ ટકા, અથવા ૯૫ ટકા જનતા કોંગ્રેસની સાથે છે. સરકાર કોંગ્રેસની તાકાત પરખવા માટે ભારતમાં રેફરેંડમ કરાવવાનો પડકાર ફેંકવા માગતી હોય તો એ પડકાર ઝીલવા હું તૈયાર છું. લાખો મુસલમાનો અને અછૂતો પણ કોંગ્રેસની સાથે છે અને અસંખ્ય જેલમાં ગયા છે, એ તો જેલના ચોપડા જોઈને જ ખબર પડી જશે. ભારતીય ખ્રિસ્તીઓ પણ કોંગ્રેસમાં છે.

તે પછી ગાંધીજીએ ડિપ્રેસ્ડ ક્લાસિસનો સવાલ લીધો. એમણે કહ્યું કે બીજી લઘુમતીઓની વાત તો હું સમજી શકું છું પણ ડિપ્રેસ્ડ ક્લાસિસની વાત એક સૌથી ઘાતક જખમ છે. એનો અર્થ એ થશે કે હંમેશ માટે એમના પર લાંછન લાગી જશે કે એ અનૌરસ સંતાન જેવા છે. હું અછૂતોના હિતના ભોગે આઝાદી મળતી હશે તો એ પણ જતી કરવા તૈયાર છું અને અહીં માત્ર કોંગ્રેસ તરફથી નથી બોલતો, મારી પોતાની વાત પણ કરું છું, કે આજે પણ રેફરેંડમ કરાવશો તો અછૂતોના સૌથી વધારે મત મને મળશે અને હું બધાની ઉપર રહીશ. મારો દાવો છે કે હું પોતે જ અછૂતોનો પ્રતિનિધિ છું. હું આખા દેશમાં ફરીને કહીશ કે આભડછેટનો ઉપાય અલગ મતદાર મંડળ નથી અને આ લાંછન એમનું નથી પણ પુરાતનપંથી હિન્દુઓનું છે.

આ કમિટી અને આખી દુનિયા જાણી લે કે આજે હિન્દુ સુધારકોએ આભડછેટનું દૂષણ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે. અમારા રજિસ્ટરમાં હંમેશ માટે ‘અછૂત’ જેવો શબ્દ ન હોવો જોઈએ અને એમનો અલગ વર્ગ ગણવો ન જોઈએ. અસ્પૃશ્યતા ટકી રહે તેને બદલે હિન્દુ ધર્મ મરી જાય તે હું વધારે પસંદ કરીશ.

તે પછી એમણે ડૉ. આંબેડકરનું નામ લઈને કહ્યું કે એમને અછૂતોનો ઉદ્ધાર કરવાની હાર્દિક ઇચ્છા છે અને એમણે પોતે પણ બહુ કઠોર અન્યાય સહન કર્યો છે. પણ એ જ હકીકત એમની વિવેકબુદ્ધિ માટે પડળ જેવી બની ગઈ છે. ડૉ. આંબેડકર બધા અછૂતો માટે બોલવાનું કહે છે ત્યારે એ સાચો દાવો નથી. એનાથી હિન્દુ ધર્મમાં તડાં પડશે જે હું જોવા તૈયાર નથી. અછૂતો મુસલમાન કે ખ્રિસ્તી બની જાય તે હું સહન કરી લઈશ પણ હિન્દુઓમાં ગામડે ગામડે બે ભાગ પડી જાય તે હું સહન કરવા તૈયાર નથી. જે લોકો અછૂતોના રાજકીય હકો માટે બોલે છે તે એમના હિન્દુસ્તાનને જાણતા નથી. એટલે હું તદ્દન એકલો હોઈશ તો પણ એમને અલગ મતદાર મંડળ આપવાની દરખાસ્તનો વિરોધ કરીશ.

તે પછી રામસે મૅક્ડોનલ્ડે ચોખવટ કરી કે બધા દસ્તાવેજો માત્ર કમિટીના દસ્તાવેજ તરીકે સ્વીકારેલા છે અને એમાંથી કોઈ પણ અંતિમ દસ્તાવેજ નથી.

જુદા જુદા પ્રતિનિધિઓએ ઘણાયે દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમાંથી એક સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન આપણે આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ https://indianculture.gov.in/flipbook/89519 Indian Round Table conference (Second Session) 7 September 1931 to 1 December 1931 vol. III (Proceedings of Minorities committee) પ્રકાશન ૧૯૩૨. (ડાઉનલોડ નહીં કરી શકાય).

2 thoughts on “india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-56”

  1. અનામતના વિચારના મૂળ બહુ જૂના છે તેવું અહીંથી સમજાય છે. ગાંધીજીના મંતવ્યો આદર્શ પરિસ્થિતિ માટે છે પણ રાજકીય નેતાગીરીની લાલચમાં કોમોના નેતાઓ ઢાળ ઉપર લપસતા હતા.
    પૂના કરારના મૂળ અહીંથી નંખાયા હશે?

    1. પૂના કરારનાં મૂળ જ માત્ર નહીં, એ થયો જ બીજી ગોળમેજી પરિષદના પરિણામે. આપણે આગળ એ જોઈશું, હમણાં એટલું જ, કે બીજી ગોળમેજી પરિષદમાં કોમી મતદાર મંડળો વિશે કોંગ્રેસની અસંમતિને કારણે અંતે રામ્સે મૅક્ડોનલ્ડે પોતાની રીતે નિર્ણય જાહેર કર્યો. એમાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે પણ અલગ મતદાર મંડળની જાહેરાત કરી. ગાંધીજીએ આની સામે ઉપવાસ કર્યા તેથી ડૉ આંબેડકર સાથે એમની મંત્રણાઓ ગોઠવાઈ. એમાં ગાંધીજીએ રામસે મૅક્ડોનલ્ડના ઍવૉર્ડ કરતાં વધારે સીટો ડિપ્રેસ્ડ ક્લાસને આપી. એ સીટો પર કોંગ્રેસને બદલે માત્ર ડિપ્રેસ્ડ ક્લાસિસના ઉમેદવારો ચૂંટણી લડે એવું નક્કી થયું. એ જ પૂના કરાર. એટલે પૂના કરાર તો થયો જ બીજી ગોળમેજી પરિષદને કારણે. એમ કહી શકાય કે આજની અનામતનાં મૂળ કોમી મતદાર મંડળોમાં છે. આપણા બંધારણ પર પણ બીજી ગોળમેજી પરિષદના નિર્ણયોની ઘણી અસર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: