india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-28

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણઃ ૨૮: ક્રાન્તિકારીઓ (૧)

હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન; ગણેશ શંકર વિદ્યાર્થી

ગાંધીજીએ ચૌરીચૌરાની ઘટના પછી અસહકાર આંદોલન સ્થગિત કરી દીધું તેને કારણે આખા દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. લોકો જાણે ભોઠપની લાગણી અનુભવતા હતા. સૌનો ભાવ એવો હતો કે અંગ્રેજ સરકાર જાતે કશું કર્યા વિના જીતી ગઈ. આ કારણે ગાંધીજીની અહિંસાત્મક લડતમાંથી પણ લોકો દૂર જવા લાગ્યા હતા. આ સ્થિતિમાં બીજો રસ્તો તો સશસ્ત્ર ક્રાન્તિનો જ હતો. આમ છતાં એવું નથી કે ગાંધીજીના અસહકાર આંદોલન વખતે ક્રાન્તિકારીઓ નહોતા અને એ આંદોલન બંધ થયા પછી જ પેદા થયા. પરંતુ આંદોલનની જાતે વહોરી લીધેલી નિષ્ફળતા પછી એમની પ્રવૃત્તિઓ વધારે સતેજ થઈ ગઈ.

બંગભંગના સમયથી બંગાળમાં ક્રાન્તિકારી ભાવનાઓ ફેલાયેલી હતી. શચીન્દ્રનાથ સંન્યાલ ૧૯૧૨માં દિલ્હીને અંગ્રેજ સરકારનું પાટનગર બનાવાયું તે પછી વાઇસરૉય હાર્ડિંગ આવ્યો ત્યારે એના પર બોંબ ફેંકવાના કાવતરામાં સામેલ હતા. રાસબિહારી બોઝ પણ આ કાવતરામાં હતા. એ હાર્ડિંગ પરના હુમલા પછી છટકીને જાપાન ચાલ્યા ગયા અને સિંગાપુરમાં આઝાદ હિન્દ ફોજ બનાવી. બનારસ કાવતરા કેસમાં શચીન્દ્રનાથ સંન્યાલને તરીપાર કરવામાં આવ્યા હતા. હાર્ડીંગ પરના હુમલામાં એમને સંડોવવામાં પોલીસને સફળતા નહોતી મળી પરંતુ એમને આંદામાન મોકલી દેવાયા હતા અને ત્યાં ચાર-પાંચ વર્ષ રહ્યા પછી અંગ્રેજ સરકારે વિશ્વયુદ્ધમાં મળેલી જીતના ઉમંગમાં આમ-માફી જાહેર કરી તે પછી ૧૯૧૯માં છૂટી આવ્યા. ૧૯૨૨માં એ બન્ને ફરી સક્રિય થયા.

શચીન્દ્ર ત્યાંથી બંગાળ ગયા, ત્યાં એ ક્રાન્તિકારી પાર્ટીના નેતાઓને મળ્યા, તે પછી શચીન્દ્રનાથની પાર્ટી અને બંગાળની પાર્ટી, ‘હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન’ના નામ નીચે એક થઈ. પાર્ટી રશિયન ક્રાન્તિના સમાનતાના નારાથી પ્રભાવિત થઈ હતી અને એના બંધારણમાં પહેલી વાર સમાજવાદી સિદ્ધાંતોને સ્પષ્ટ રૂપે સ્થાન મળ્યું.

આના પહેલાં ક્રાન્તિકારીઓ ધાર્મિક રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા હતા, પહેલી જ વાર લોકોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને એક ક્રાન્તિકારી પાર્ટી બની હતી. જો કે, સંન્યાલ પણ આધ્યાત્મિક રંગે રંગાયેલા હતા, પરંતુ ખાલી થોથાંઓમાં લખેલી આધ્યાત્મિકતાને બદલે એમનું વલણ ભક્તિ પરંપરા તરફ હતું, અથવા એમ કહી શકાય કે વિવેકાનંદ જેવા સંતો એમના માટે પ્રેરણામૂર્તિ હતા.

ક્રાન્તિકારીઓ સામે સૌથી મોટો સવાલ એ રહેતો કે પૈસા કેમ મેળવવા, અને સાથીઓ કેમ એકઠા કરવા. કારણ કે પોલીસના દમન સામે ભલભલા હારી જતા અને તાજના સાક્ષી (સરકારી સાક્ષી) બની જતા.

એવી સ્થિતિમાં ચન્દ્રશેખર આઝાદ પાર્ટીમાં જોડાયા. એ બનારસ આવ્યા તે ખાસ હેતુથી નહીં, પણ બ્રાહ્મણ હોવાને કારણે સંસ્કૃતમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. અસહકારનું એલાન થતાં એ પણ કૂદી પડ્યા. પોલીસે એમને પકડ્યા ત્યારે એમણે પોતાનું નામ “આઝાદ” બતાવ્યું, પિતાનું નામ “સ્વતંત્ર” અને સરનામું “જેલ” બતાવ્યું! મૅજિસ્ટ્રેટ ખિજાઈ ગયો અને એમને કોરડા મારવાનો હુકમ આપ્યો. પોલીસનો કોરડો શરીર પર ઝીલતાં “મહાત્મા ગાંધી કી જય” પોકારતા રહ્યા. પછી, અસહકારનું આંદોલન બંધ કરવાના ગાંધીજીના નિર્ણયથી ક્રાન્તિકારીઓ વિરુદ્ધ થઈ ગયા પણ જન સમુદાયને જાગૃત કરીને આંદોલનમાં જોડવાની ગાંધીજીની શક્તિથી પ્રભાવિત હતા.

ગણેશ શંકર વિદ્યાર્થી

બીજી બાજુ, કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થીએ વિદ્રોહની આગ પ્રજ્વલિત રાખી હતી. એ દૈનિક ‘પ્રતાપ’ના તંત્રી હતા અને નિર્ભયતાથી એમણે અંગ્રેજ સરકારની ટીકાઓ કરી. પ્રતાપની એ જ પરંપરા હતી. એમનાથી પહેલાંના ચાર તંત્રીઓ સજાઓ ભોગવી ચૂક્યા હતા. વિદ્યાર્થીજી પર પણ ચાર વાર બદનક્ષીના કેસો થયા અને જેલમાં પણ જવું પડ્યું પણ એ અડગ રહ્યા.

૧૯૨૧માં યુક્ત પ્રાંત(આજનું ઉત્તર પ્રદેશ)માં કિસાન સભાઓ પ્રબળ બનવા લાગી હતી. આમ તો પંડિત મદન મોહન માલવીય એના પ્રણેતા હતા અને શરૂઆતમાં કિસાન સભાઓ માત્ર ખેડૂતોની હાલત વિશે ચિંતિત હતી પણ ધીમે ધીમે એણે જમીનના અધિકારો પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું. રાયબરેલીમાં કિસાન સભાએ જમીનદારોની જમીનો પર કબજો લેવાની કોશિશ કરતાં રમખાણો ફાટી નીકળ્યાં અને પોલીસે ગોળીબાર પણ કર્યો. બીજી જગ્યાએ એક જમીનદાર ડેપ્યુટી કમિશનર સાથે હતો અને ગોળીબાર થયો. ગણેશ શંકર વિદ્યાર્થીએ એ શખ્સના નામ સાથે રિપોર્ટ છાપ્યો. એમણે છાપેલા લેખો માટે એમની સામે રાજદ્રોહનો કેસ પણ થયો. એ વખતે કોંગ્રેસના બધા મોટા નેતાઓ, મદન મોહન માલવીય, મોતીલાલ નહેરુ,

આ આંદોલન ગાંધીજીના અસહકાર આંદોલનથી સ્વતંત્ર રીતે વિકસ્યું હતું. ગાંધીજીને ચંપારણમાં મળેલી સફળતાને કારણે માલવીયજી પણ ગાંધીજીને ખેડૂતોના યોગ્ય નેતા માનતા હતા પણ ગાંધીજી આઝાદીની લડાઈ વચ્ચેથી આંતરિક સંઘર્ષમાં પડવા નહોતા માગતા. એમણે નિવેદન કરીને રાયબરેલીમાં થયેલી હિંસાનો વિરોધ કર્યો. ડબ્લ્યુ. એફ. ક્રોલી લખે છે કે ગાંધીજી અંગ્રેજ સરકાર વિરુદ્ધની લડાઈમાં અલગ અલગ છૂટીછવાઈ લડાઈઓની વિરુદ્ધ હતા. કદાચ ચૌરીચૌરા ન બન્યું હોત તો અસહકારના આંદોલનનો રકાસ થયો હોત?

૧૯૨૨માં એ રાજા મહેંદ્ર પ્રતાપના સંપર્કમાં આવ્યા. રાજા અને એમના સાથીઓ મૌલાના બરકતુલ્લાહ અને ઓબેદુલ્લાહ સિંધીએ અફઘાનિસ્તાનમાં હિંદુસ્તાનની વચગાળાની સરકાર બનાવી હતી. એમણે અફઘાનિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હોવાના સમાચાર મળતાં ગણેશ શંકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજા મહેંદ્ર પ્રતાપે એમને પત્ર લખીને એમની ગેરસમજ દૂર કરી હતી.

‘પ્રતાપ’ની ઑફિસ ધીમે ધીમે ક્રાન્તિકારીઓનું ઘર બનવા લાગી હતી. ક્રાન્તિકારીઓ માટે એમણે અલગ રૂમ રાખ્યો હતો, એમાં એમની પરવાનગી વિના કોઈ પ્રવેશી ન શકતું. એ પોતે તો સશસ્ત્ર ક્રાન્તિના હિમાયતી નહોતા પણ એમાં પડેલા યુવાનોને પોતાના જાણીને મદદ કરતા. ભગત સિંઘ પર ઘરમાં લગ્ન માટે દબાણ થવા લાગ્યું ત્યારે એ કાનપુર પહોંચ્યા અને વિદ્યાર્થીજીની ઑફિસમાં રહ્યા. ભગત સિંઘે એમને કહ્યું કે મેં શરીર, મન અને ધનથી દેશની સેવા કરવાનું નક્કી કર્યું છે એટલે પરણીશ નહીં. ત્યારે વિદ્યાર્થીજીએ એમને સલાહ આપી કે “ભાઈ સાંભળ, સ્વતંત્રતાના પ્રેમી બનવું એટલે શમ્માને પ્યાર કરતા પતંગા બની જવું. સળગતી આગમાં ઘુસ્યા પછી એક પતંગિયું બીજાને કહેવા ન જાય કે આગ બળે છે અને તમે પણ આવીને ભસ્મીભૂત થઈ જાઓ.” ભગત સિંઘ ગદ્‌ગદ્ થઈને એમના પગે પડ્યા. તે પછી અહીં ભગત સિંઘ વિદ્યાર્થીજીની સલાહથી ‘બલવંત’ નામ ધારણ કરીને કામ કરવા લાગ્યા. અહીં જ એમની મુલાકાત બટુકેશ્વર દત્ત, ચંદ્ર શેખર આઝાદ, યોગેશ ચન્દ્ર ચૅટરજી, બિજોય કુમાર સિન્હા વગેરે ક્રાન્તિકારીઓ સાથે થઈ.

પરંતુ લાહોરમાં દાદી બીમાર પડતાં એમણે ભગત સિંઘ સાથે મોં-મેળા કરવાની ઇચ્છા દેખાડી. મહામહેનતે વિદ્યાર્થીજી ભગત સિંઘને સમજાવી શક્યા અને એમની પાસેથી પાછા આવવાનું વચન લીધું. જો કે ભગત સિંઘ પાછા તો ન આવ્યા પણ વધારે દૃઢતાથી આઝાદીના માર્ગે વળી ચૂક્યા હતા. એ લાહોરમાં જ રહી ગયા પણ યુક્ત પ્રાંત અને બિહારના ક્રાન્તિકારીઓ સાથે એમણે સંપર્ક ચાલુ રાખ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન બનાવવામાં પણ એમણે આગળપડતો ભાગ ભજવ્યો.

ભગત સિંઘનાં પરાક્રમો વિશે આપણે આગળ જોઈશું પરંતુ ૧૯૩૧નું વર્ષ ભારતના સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન માટે મોટા ફટકા સમાન નીવડ્યું, એ વર્ષે ૨૭મી ફેબ્રુઆરીએ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના ઍડવર્ડ પાર્કમાં પોલિસ સાથેના ધીંગાણામાં માર્યા ગયા, ૨૩મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ. ૨૪મી માર્ચે કાનપુરમાં તોફાનો ફાટી નીકળ્યાં. પરંતુ આ તોફાનો હિન્દુ-મુસ્લિમ રમખાણમાં બદલી ગયાં ગણેશ શંકર વિદ્યાર્થી આ કોમી આગ હોલવવા જાનની પરવા કર્યા વિના નીકળી અને એક જગ્યાએ બન્ને બાજુનાં ટોળાંએ એમના પર હુમલો કર્યો. એમાં એ માર્યા ગયા. એમનો ક્ષતવિક્ષત મૃતદેહ, કોથળામાં બાંધેલો, એક હૉસ્પિટલમાંથી મળ્યો. ૨૯મી માર્ચે એમના અંતિમ સંસ્કાર થયા. કોમી દાવાનળે એક મહાન વીરનો ભોગ લીધો.

એમના મૃત્યુના સમાચાર મળતાં ગાંધીજીએ ‘પ્રતાપ’ના તંત્રી બાલકૃષ્ણ શર્માને તાર કર્યો એમાં લખ્યું –મારું હૈયું રડે છે, ગણેશ શંકરને મળ્યું એવા ભવ્ય મોત માટે હું આશ્વાસનના શબ્દો નથી કહેવા માગતો આજે ભલે ન થાય પણ એમનું નિર્દોષ લોહી એક દિવસ હિન્દુઓ અને મુસલમાનોને જોડ્યા વિના નહીં રહે. એટલે એમનું કુટુંબ આશ્વાસનને નહીં પણ અભિનંદનને લાયક છે. આશા છે કે એમનું ઉદાહરણ ચેપી બની રહેશે!”

સંદર્ભઃ

(૧) They lived Dangerously, Reminiscences of A Revolutionary: Manmathnath Gupta. People’s Publishing House, 1956.

(૨) Ganesh Shankar Vidyarthi. (in the series ‘Builders of Modern India) by Dr. M. L. Bhargava, Publications Division, Ministry of Information and Briadcastin, Governament of India, February 1988.

(૩) Journal Article: Kisan Sabhas and Agrarian Revolt in the United Provinces 1920 to 1921 – W. F. Crawley

%d bloggers like this: