india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-25

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ : ૨૫ : ૧૯૧૬થી ૧૯૩૫: જલિયાંવાલા બાગ

બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા. લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા. બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી.

રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે. એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને “હિન્દીઓને પાઠ ભણાવવા” નીકળી પડ્યો. ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી.

સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી. “ગભરાઓ નહીં, એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે. પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો.

હંસ રાજે કહ્યું, “કંઈ નથી, એ ખાલી ટોટા છે, ડરવાની જરૂર નથી.” પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી. બચવા માટે ભાગતાં સ્ત્રી-પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં. સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ. બાળકો રઝળી પડ્યાં. ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો. જો કે આ સરકારી આંકડા છે, સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે. મરનારામાં હિન્દુ, શીખ અને મુસ્લિમ, બધા ભારતીયો હતા. લોહીમાં નહાયેલી, ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી.

કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો. વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી. શંકરન નાયરે રાજીનામું આપી દીધું. ‘સર’રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા. એમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું. નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે, તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ, કોરડા, જેલની સજા, મશીનગનો દ્વારા ગોળીબાર, ગામડાંઓ પર હવાઈ હુમલા, મિલકતની જપ્તી, મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ, અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા.

બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા. ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને “un-British” ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું. પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું. એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી; એ આવું ન કરે, પણ ડાયરે હત્યાકાંડ સર્જીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો. ડાયરના સમર્થક પણ ઘણા હતા. મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા. એના માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું.

તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ. તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો. એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું. એને કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી, જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા.

હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે

“તમે શું કર્યું?

“મેં ગોળીબાર કર્યો.”

“તરત જ?”

“તરત જ. મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો.”

એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી. કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું.

ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું. એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું? એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત, પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત.

કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ. આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા. એમના જ સંયત શબ્દોમાં:

હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો...

પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.

આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો.

લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.

આ કમિટીનો રિપોર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ… એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે. એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો. જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમાં મૂકવામાં નથી આવી. આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સારુ કેટલી હદ સુધી જઈ શકે છે, કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે…

અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું – “પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અમૃતસરે એને હચમચાવી નાખ્યો.”

જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ’ડ્વાયર પંજાબનો ગવર્નર હતો. આ ઘટનાના વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ’ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા.

૦૦૦

સંદર્ભઃ

  • Massacre At Amritsar, Rupert Furneaux, George Allan & Unwin Ltd. (publication year not available) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • British Reaction to the Amritsar Massacre, Derek Sayer, University of Alberta. Namdhar elibrary, namdharielibrary@gmail.com (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • Centenary History of Indian National Congress, 1985
    • સત્યના પ્રયોગો, મો. ક. ગાંધી (ભાગ-૫, પ્રકરણ ૩૫).

%d bloggers like this: