ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ
પ્રકરણઃ૨૧: ૧૯૧૬થી ૧૯૩૫: ચંપારણ સત્યાગ્રહ (૩)
આપણે ફરી ગાંધીજીની પ્રવૃત્તિઓ તરફ વળીએ. આના માટે આપણે ૧૯મા પ્રકરણ સાથે અનુસંધાન સાધવું પડશે. આપણે જોયું કે ગાંધીજીને બિહાર છોડી જવાનો હુકમ અપાયો હતો, તેનો એમણે અનાદર કર્યો અને કોર્ટમાં એ કબૂલી પણ લીધું. એમને જજે અંગત ઓળખાણને નામે જામીન મંજૂર કર્યા અને તે પછી કેસ પાછો ખેંચી લેવાયો. એનો અર્થ એ કે ગાંધીજી ચંપારણમાં રૈયતને મળે તેની સામે સરકારને હવે વાંધો નહોતો.
કોર્ટમાંથી પાછા આવ્યા પછી ગાંધીજીએ તીનકઠિયાનો શિકાર બનેલા ખેડૂતોનાં નિવેદનો નોંધવાનું શરૂ કરી દીધું. કેસ પાછો ખેંચી લેવાયો તેના બીજા દિવસે આસામીઓની મોટી ભીડ હતી. મૂળ કારણ એ કે ગાંધીજીના કેસનો ચુકાદો આવવાનો છે એ સમાચાર એટલા ફેલાઈ ગયા હતા કે ઠેકઠેકાણેથી સેંકડો ખેડૂતો આવી પહોંચ્યા હતા. પરંતુ કેસ પાછો ખેંચી લેવાતાં એમનો ઉત્સાહ બહુ વધી ગયો અને હવે બમણી હિંમત દેખાડીને સૌ પોતાની આપવીતી લખાવવા માટે પડાપડી કરવા લાગ્યા.
ઍંડ્રૂઝને વિદાય
દીનબંધુ ચાર્લ્સ ઍંડ્રૂઝ એ વખતે ચંપારણમાં જ હતા, પરંતુ એમને ફીઝી જવાનું હતું. પારંતુ ચંપારણના કામને કારણે એ ગયા નહોતા. રાજેન્દ્ર પ્રસાદ અને બીજા નેતાઓ પણ ઍંડ્રૂઝ ફીઝી ન જાય તેવું ઇચ્છતા હતા. એમણે ઍંડ્રૂઝને વિનંતિ કરી તો એમણે એ નિર્ણય ગાંધીજી પર છોડ્યો. નેતાઓ ગાંધીજીને મળ્યા ત્યારે એમણે કહ્યું કે ઍંડ્રૂઝને રોકવા માટેનું કારણ હું સમજી ગયો છું. તમને એમ છે કે ગોરાઓ સામેની લડતમાં કોઈ ગોરો બચાવ માટે કામ આવશે. પરંતુ ગાંધીજી આવું કંઈ રક્ષણ આપવા નહોતા માગતા. એમણે કહ્યું કે આવી આશા રાખવી એ નબળાઈની નિશાની છે, અને માત્ર એ જ એક કારણસર ઍંડ્રૂઝે ચાલ્યા જવું જોઈએ. જો કે એમણે બિહારના નેતાઓની ઇચ્છા પર પાણી ફેરવી દીધું, પરંતુ રહેવું કી જવું તે નિર્ણય ઍંડ્રૂઝ પર છોડી દીધો. ઍંડ્રૂઝે ગાંધીજીની વાત માથે ચડાવી અને જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો ત્યારે ગાંધીજીએ એમને બીજા દિવસની વહેલી સવારે મળતી પહેલી જ ટ્રેન પકડી લેવા કહી દીધું. ઍંડ્રૂઝ ચંપારણ છોડી ગયા.
ગાંધીજી ત્યાંથી બેતિયા ગયા. ટ્રેનમાં એ ત્રીજા વર્ગની મુસાફરી કરતા હતા. રસ્તામાં રેલવે સ્ટેશનોએ માનવમેદની ઊમટી હતી. બેતિયા સ્ટેશને પ્લેટફૉર્મ પર એટલી ભીડ હતી કે ટ્રેન પ્લેટફૉર્મ પર પહોંચે તે પહેલાળ જ રોકી દેવી પડી. ત્યાંથી ગાંધીજીને ઘોડા જોડેલી ગાડીમાં લઈ જવાના હતા પણ માણસોએ ઘોડા છોડી મૂક્યા અને પોતે જોતરાયા! અંતે ગાંધીજીની દરમિયાનગીરીથી એ માન્યા અને ઘોડાને ફરી જોડ્યા. ડૉ. રાજેન્દ્રબાબુ વર્ણન કરે છેઃ,
“૧૦,૦૦૦ કરતાં વધારે લોકો હાજર હતાં. એમની ગાડી મહામુશ્કેલીએ ચાલતી હતી. રસ્તાની બન્ને બાજુએ અસંખ્ય સ્ત્રી–પુરુષો ઊભાં હતાં. મહાત્માગાંધીના આગમનની ઘણા વખતથી લોકો રાહ જોતા હતા, એ દિવસ આવી પહોંચ્યો હતો. કોઈને પણ એ વાતમાં શંકા નહોતી કે હવે એમનાં દુઃખદર્દ દૂર થઈ જશે. આ વિશ્વાસ એમના ચહેરા પર સ્પષ્ટ અંકાયેલો હતો. કોઈએ એમને મહાત્માજી કોણ છે તે કહ્યું નહોતું. એમણે દક્ષિણ આફ્રિકામાં કરેલા સત્યાગ્રહ વિશે જાણતા હોય તેવા તો બહુ થોડા હશે. એવું શું થયું કે લોકોમાં આવી શ્રદ્ધા કેળવાઈ? આ દૃઢ અને સવાલો ન પૂછતી શ્રદ્ધાના મૂળમાં શું હતું? આ પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું. શ્રદ્ધા પાકી હતી હૈયું સાફ હતું. એનાં જ ફળ મળ્યાં.”
ગાંધીજી બેતિયામાં જિલ્લા કલેક્ટરને મળ્યા અને કલેક્ટર પોતે પણ જ્યાં નિવેદનો લખવાનું કામ ચાલતું હતું ત્યાં પણ થોડા વખત માટે આવ્યો પણ લોકોને એની હાજરીનો ડર નહોતો લાગતો. અહીં નજીકના ગામે જઈને એમણે દહાડી શું મળે છે તે પણ જાણ્યું. અહીં નિવેદનો લેતી વખતે જરા પણ અતિશયોક્તિ ન હોય કે ખોટી હકીકત ન લખાઈ જાય તેની ખાસ કાળજી લેવામાં આવી. આસપાસનાં ગામોમાં ફરતાં એમણે જોયું કે ગળીનું વાવેતર તો ઘરોની આસપાસ પણ હતું. રાજકુમાર શુક્લ આવા એક ગામમાં રહેતા હતા. ફૅક્ટરીના માણસોએ એમનું ઘર લૂંટી લીધું હતું. પ્લાંટરના હુકમથી એમના ખેતરમાં ઢોરોને છૂટાં મૂકી દેવાયાં હતાં અને બધો પાક પશુઓનાં પેટમાં પહોંચી ચૂક્યો હતો.
અહીં એમણે પ્લાંટરોની મીટિંગમાં પણ ચર્ચા કરી પરંતુ પ્લાંટરો કશું જતું કરવા તૈયાર નહોતા. અહીં પ્લાંટરોએ ગાંધીજીની રોકવા માટે સરકારને વિનંતી કરી. પરંતુ એમ કરવા જતાં તપાસ પંચ નીમવું પડે તેમ હતું. ગાંધીજીનો વ્યૂહ હતો કે એમની બધી હિલચાલથી સરકારને અને પ્લાંટરોને વાકેફ રાખવા. એમની પ્રવૃત્તિઓમાં કશું છૂપું નહોતું.
મેની દસમી તારીખે ગાંધીજીને પટનામાં મૉડેને મળવા પટના બોલાવ્યા. એણે ગાંધીજીના સહાયકો પર રોષ ઉતાર્યો અને જલદી રિપોર્ટ આપી દેવા કહ્યું. રિપોર્ટ તો ગાંધીજીએ એક જ દિવસમાં આપી દીધો એટલું જ નહીં, સાથીઓનો બચાવ પણ કર્યો અને કહ્યું કે જો મારી હાજરી નુકસાનજનક ન મનાય તો મને મારા સાથીઓ પસંદ કરવાનો હક છે અને એ પણ મારા જેવા જ હોય! મારા વકીલ મિત્રોને કારણે શાંતિ જોખમાવા જેવું લાગશે તે જ ઘડીએ હું એમને છોડી દઈશ.
હવે સરકાર વધારે સક્રિય બની હતી. એક બાજુથી ગાંધીજીના આંદોલનની અસર, બીજી બાજુથી પ્લાંટરોનું ગાંધીજીની હકાલપટ્ટી માટે દબાણ. સરકારે કંઈ કરવું પડે તેમ જ હતું.
તપાસ સમિતિ.
જૂનની ચોથી તારીખે ગાંધીજી રાંચીમાં ગવર્નર ઍડવર્ડ ગેઇટને મળ્યા. બન્ને વચ્ચે થોડા દિવસ લાંબી વાતચીત ચાલી. તે પછી સરકારે એક તપાસ સમિતિ નીમવાનો નિર્ણય લીધો. આ સમિતિમાં રૈયતના પ્રતિનિધિ તરીકે ગાંધીજીને લેવાયા. પરંતુ સરકારે સમિતિમાં કોણ છે તેની તરત જાહેરાત ન કરી એટલે અંગ્રેજોની માલિકીનાં પાયનિયર, સ્ટેટ્સમૅન વગેરે છાપાં લખવા લાગ્યાં કે તપાસ સમિતિ બની ગઈ. તે સારું થયું; હવે ગાંધીનું ચંપારણમાં કંઈ કામ નથી. પ્લાંટરો અને રૈયત વચ્ચે સારા, એખલાસ ભર્યા સંબંધો હતા પણ ગાંધીને અહીં પોતાની નેતાગીરી માટે કંઈક મુદ્દો જોઈતો હતો એટલે એમણે લોકોને ભડકાવ્યા. દક્ષિણ આફ્રિકામાં એમણે જે સત્યાગ્રહ કર્યો તેને ભારે સફળતા મળી એવો ગાંધીનો દાવો છે અને ચંપારણમાં એ એવું જ કંઈક કરી દેખાડવા માગતા હતા. હવે સમિતિ નિમાઈ ગઈ છે એટલે ગાંધીએ બનાવેલો રિપોર્ટ સરકાર લઈ લે અને એમની હકાલપટ્ટી કરે.
પરંતુ સમિતિનાં નામોમાં ગાંધીજીનું નામ જોઈને પ્લાંટરો અને એમના ટેકેદારો સ્તબ્ધ થઈ ગયા. એનો અર્થ એ કે સરકારે ગાંધીજીના રિપોર્ટનો આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો અને હવે તપાસ માટે એ જ રિપોર્ટ આધાર બનવાનો હતો.
તપાસ સમિતિનો રિપોર્ટ
સમિતિએ ખેડૂતો અને પ્લાંટરોનાં નિવેદનો નોંધ્યાં અને સ્થળ પરની મુલાકાતો લઈને હકીકતની ખરાઈ પણ કરી. તે પછી ૧૮મી ઑક્ટોબર, ૧૯૧૭ના એનો રિપોર્ટ બહાર પડ્યો. એના મુખ્ય અંશ આ પ્રમાણે હતાઃ
તીનકઠિયા પદ્ધતિનો સંપૂર્ણ અંત; ગળીનો પાક લેવા માટે કરાર થાય તો તે મરજિયાત હોવો જોઈએ અને એની મુદત ત્રણ વર્ષથી વધારે ન હોવી જોઈએ; જમીનના કયા ભાગમાં ગળી વાવવી તે રૈયત નક્કી કરે; બીજા બધા નકલી કરવેરા બંધ કરવા; તે ઉપરાંત બીજા પણ કેટલાક મુદ્દાઓ પર રિપોર્ટમાં ખેડૂતોને રાહત આપવામાં આવી.
પરંતુ ગાંધીજીએ ‘શરાહબેશી’ (વધારો) સંપૂર્ણ નાબૂદ કરવાની માગણી ન કરી, માત્ર એમાં કાપ મૂકવાનું સૂચવ્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એનો ખુલાસો કરતાં સમજાવે છે કે કરાર કરનારા ખેડુતોના માર્ગમાં ઘણી અડચણો હતી. એમને ભલે, દબાણ નીચે, પણ ઉઘાડી આંખે આ કરાર કર્યા હતા. આ કરાર દબાણ કે છેતરપીંડીથી કરાયા હોવાની જવાબદારી એમની હતી. સેટલમેંટ અધિકારીએ આ કરારોને કાયદેસરના ગણાવ્યા હતા, એ કાયદા પ્રમાણે નોંધાયેલા હતા એટલે કોર્ટ એમને માન્ય રાખે જ. આને લગતા નવ કેસોમાંથી પાંચનો ચુકાદો ગણોતિયાઓની તરફેણમાં રહ્યો હતો…પણ એના માટે એમને ભારે આર્થિક બોજો સહન કરવો પડ્યો હતો અને કાગળિયા વ્યવસ્થિત રાખવાનું પણ જરૂરી હતું. આવા પચાસ હજાર ગરીબ ખેડૂતોના કેસોમાં આવું શક્ય નહોતું. કોર્ટમાં એમને નુકસાન થાય એમ હતું અને હાલાકી નફામાં. ખેડૂત હારી જાય તો હાઈકોર્ટમાં ન જાય પણ પ્લાંટર પાસે તો હાઈકોર્ટમાં જઈને લડવાના પૈસા હતા. ગાંધીજીએ આ કારણે વ્યવહારુ રસ્તો લીધો. એમને એમ પણ હતું કે કેસકાવલાંમાં પરસ્પર કડવાશ જ વધે. બન્ને પક્ષો વચ્ચે સમજણ અને શુભેચ્છાના સંબંધો વિકસવા જોઈએ. આથી ગાંધીજી અને એમના સાથીઓએ સમાધાનનો રસ્તો પસંદ કર્યો.
રૈયતનું આર્થિક અને નૈતિક ધોરણ
ગાંધીજી ચંપારણ ગયા અને ત્યાંની સ્થિતિ જોઈ. એમણે માત્ર તીનકઠિયા વિરુદ્ધ આંદોલન ન ચલાવ્યું. એમની હાજરીને કારણે લોકોમાં નિર્ભયતા આવી હતી, પણ શિક્ષણના અભાવમાં અને લોકો પોતે પોતાની જીવનપદ્ધતિની ખામીઓ ન સમજે તો એ અલ્પજીવી નીવડે અને ફરી લોકો શોષણની ચુંગાલમાં સપડાઈ જાય; બહારથી કોઈ આવીને એમને બચાવી ન શકે.
આથી એમણે સ્વચ્છતા, અક્ષરજ્ઞાન, પ્રાથમિક આરોગ્ય સંભાળ વગેરે કાર્યક્રમો પણ શરૂ કર્યા. કસ્તુરબા અને બીજી મહિલાઓ પણ આ કામમાં જોડાઈ. દેશના બીજા ભાગોમાંથી પણ એમણે સાથીઓને બોલાવ્યા. જો કે, ગાંધીજીને બારડોલીનો અવાજ સંભળાતાં એમને જવું પડ્યું અને ચંપારણના સર્વતોમુખી ઉદ્ધાર માટે વ્યવસ્થિત સંગઠન ઊભું કરવાની એમની સ્થિતિ ન રહી.
સંદર્ભઃ
Satyagraha in Champaran: Rajendra Prasad, Navajivan Publishing House, Second revised Edition September 1949.