india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-20

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૨૦ –  ૧૯૧૬થી ૧૯૩૫:: ચંપારણ સત્યાગ્રહ (૨)

ખેડૂતોની દુર્દશા

ચંપારણ આજે પૂર્વ ચંપારણ અને પશ્ચિમ ચંપારણ, એમ બે જિલ્લામાં વહેંચાયેલું છે.પણ સો વર્ષ પહેલાં એ આખો જિલ્લો હતો અને તિરહૂત ડિવીઝનનો ભાગ હતો. હિમાલયની પર્વતમાળાનો સોમેશ્વર તરીકે ઓળખાતો ભાગ નેપાળ અને ભારતને અલગ પાડે છે. નારાયણી અથવા ગંડક એની મુખ્ય નદી છે. તે ઉપરાંત છોટી ગંડક પણ મહત્ત્વની છે, માર્ગમાં એ જુદાંજુદાં નામે ઓળખાય છે પણ છેવટે એને બૂઢી ગંડક નામ મળ્યું છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે એનું નામ ચંપારણ્ય હતું. ભક્ત ધ્રુવના પિતા ઉત્તાનપાદનું અહીં રાજ્ય હતું. એક સ્થળનું નામ છે, ટપ્પા દૂહો-સૂહો. ઉત્તાનપાદની બે પત્નીઓ દુરાની અને સુરાની(દુર્મતિ અને સુમતિ)નાં નામ આ સ્થળ સાથે જોડાયેલાં છે. ગજગ્રાહના પ્રસંગનું સ્થળ પણ અહીં જ છે (હવે સારણ જિલ્લામાં). એવી પણ કથાઓ છે કે સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે એમણે અહીં જ વાલ્મીકિના આશ્રમમાં આશરો લીધો હતો. લવકુશનો જન્મ પણ અહીં જ થયો. નજીકમાં જનક વિદેહની રાજધાની હતી જેને પાછળથી જાનકીગઢ કે ચાનકીગઢ નામ મળ્યું. તે ઉપરાંત પાંડવો ગુપ્તવાસમાં રહ્યા તે વિરાટનગરી પણ ચંપારણમાં જ હતી.

ઉત્તર ચંપારણની જમીન સખત છે એટલે ડાંગરને લાયક છે પણ દક્ષિણ ચંપારણની જમીન પોચી અને રેતાળ છે. એ ગળીના પાક માટે પણ બહુ સારી છે. તો, આપણી આ કથા ચંપારણના દક્ષિણ ભાગની છે.

૧૮૭૫થી ત્યાં યુરોપિયનો વસવા લાગ્યા હતા. એ વખતે ગળીનો પાક લેવાતો નહોતો એટલે એ ઠેકઠેકાણે નાનાં કારખાનાં બાંધીને કમાતા. બેતિયા રાજ્યે એમને જમીનના પ્લૉટોના કાયમી પટ્ટા આપી દીધા હતા. પણ બેતિયા રાજ્ય પોતે ભારે દેવામાં હતું. પ્લાંટરોએ ઇંગ્લૅંડમાં નાણાં ઊભાં કરીને રાજાને દેવામાંથી છોડાવ્યો પણ તે સાથે કાયમી અને હંગામી ધોરણી જમીનના પટ્ટા પણ મેળવી લીધા. આમ હવે એમને જમીનમાં અને કૃષિમાં રસ વધવા લાગ્યો. કેટલાંક તો આખાં ગામ કારખાનાંઓના હાથમાં આવી ગયાં. તે પછી કારખાનેદારોએ જમીનદારીના હકો પણ ખરીદી લીધા.

તીનકઠિયા

‘ઝિરાયત’ પદ્ધતિમાં કારખાનેદારો પોતે પટ્ટે લીધેલી કે મૂળ માલિકની જમીનમાં ખેતી કરતા. બીજી, ‘આસામીવાર’ પદ્ધતિમાં કારખાનેદારો ખેડૂત પાસે ગળીની ખેતી કરાવતા. એમાં કરારના જુદા જુદા પ્રકાર હતા, જેમાંથી ‘તીનકઠિયા’ પદ્ધતિ ચંપારણમાં સૌથી વધારે પ્રચલિત હતી. આ પદ્ધતિ હેઠળ ખેડૂત પાસે કારખાનેદાર ગળીની ખેતી કરાવતો. ખેડૂતે એક વીઘા જમીનમાં પાંચ કઠા (એટલે કે ચોથો ભાગ)માં ગળીનું વાવેતર કરવું પડતું. ૧૮૬૭માં એમાં ઘટાડો કરીને પાંચ કઠામાંથી ત્રણ કઠામાં ગળીની ખેતીની ટોચ મર્યાદા બાંધી દેવામાં આવી. આના પરથી એનું નામ ‘તીનકઠિયા’ પડ્યું. આ ત્રણ કઠામાં પણ ૧૯૦૯માં ઘટાડો કરીને બે કઠા કરવાનો પ્લાંટર્સ એસોસિએશને ઠરાવ કર્યો પણ એ માત્ર કાગળ પર રહ્યો કારણ કે ગાંધીજી ૧૯૧૭માં ચંપારણ ગયા ત્યારે તીનકઠિયા પદ્ધતિ જ હતી.

ગળીની ખેતીમાં લાભ જોઈને યુરોપિયનોએ ગળી બનાવવાનું શરૂ કર્યું. આથી જેટલી જમીન મળે તેમાં ગળીનું વાવેતર કરવા માટે એમનું દબાણ વધવા માંડ્યું. ખેડૂત સાથે કરાર થાય તેમાં એણે ત્રણ કઠાના હિસાબે પોતાની જમીનમાં ગળી વાવવાની રહેતી, અને એ કરાર વીસ, પચીસ કે ત્રીસ વર્ષનો હોય. જમીનને ખેતીલાયક બનાવવાની જવાબદારી પ્લાંટરની નહીં પણ એના ગણોતિયાની રહેતી. પાકની કિંમત ઓછી હોય પણ પૂરતો પાક થાય તો પૂરા પૈસા મળતા પણ ધાર્યા કરતાં પાક ઓછો ઊતરે તો એની કિંમત પણ ઘટી જતી. ગરીબ ખેડૂતને આ બધી સમજણ ન પડતી અને એ ઠગાઈ જતો.

જર્મનીની કૃત્રિમ ગળી

એ અરસામાં જર્મનીએ કૃત્રિમ ગળી શોધી. એ કુદરતી ગળીને બજારમાં ટક્કર આપતી થઈ ગઈ. આથી પહેલા વિશ્વયુદ્ધ પહેલાં ચંપારણમાં પ્લાંટરોની નજર ગળી પરથી હટવા લાગી. પહેલાં ૪૮ હજાર એકરમાં ગળી થતી તે ૧૯૧૪માં માત્ર આઠ હજાર એકર સુધી મર્યાદિત થઈ ગઈ પરંતુ યુદ્ધ શરૂ થતાં બ્રિટન અને જર્મની સામસામે હતાં એટલે જર્મનીના રંગોની આયાત બંધ થતાં વળી ગળીની ખેતીનાં માન વધી ગયાં અને વાવેતર ૨૬ હજાર એકર સુધી પહોંચ્યું.

પ્લાંટરો અને સરકારી રિપોર્ટ

બંગાળમાં તો ૧૮૫૭થી પહેલાં જ ગળીનો વિદ્રોહ થયો હતો એ તો આપણે બીજા ભાગમાં જોઈ લીધું છે. પરંતુ એમ નહીં કહી શકાય કે સરકાર સંપૂર્ણપણે પ્લાંટરો સાથે હતી. એ વખતે એક કમિશન નિમાયું હતું તેમાં ફરીદપુરના મૅજિસ્ટ્રેટ ઈ. ડબ્લ્યૂ. એલ. ટાવરે જુબાની આપી કે “ઇંગ્લેંડ જતી ગળીની એક પણ પેટી માનવરક્તના ડાઘથી મુક્ત નથી.” એણે પોતાનો અનુભવ કહ્યો કે એની પાસે રૈયત આવતી અને સાથે પ્લાંટરોના ભાલાથી વિંધાયેલા લોહીથી લથબથ ખેડૂતોને લાવતી.

કમિશને રિપોર્ટ આપ્યો કે ખેડૂતોએ કરાર કર્યા હોવાનું કહેવાય છે તે સ્વેચ્છાએ નથી કર્યા. એમને ફરજિયાત અમુક પૈસા પકડાવીને કામ લેવાતું. એમની સારામાં સારી જમીન પ્લાંટરો લઈ લે છે. ખેડૂતો પોતાના બીજા પાકો પર ધ્યાન નથી આપી શકતા, બીજી બાજુ ગળીના વાવેતરનો કંઈ ભરોસો નથી હોતો. એટલે મોટા ભાગે તો રૈયતની ત્રેવડ જ નથી હોતી કે એ સૂથીની રકમ લીધી હોય તે પાછી ચૂકવી શકે.

ચંપારણમાં પુનરાવર્તન

ચંપારણમાં પણ આ જ સ્થિતિ હતી અને ગાંધીજી આવ્યા તે પહેલાં પણ પ્લાંટરો સામે ખેડૂતો લડતા રહેતા. સરકારમાં રિપોર્ટ પણ કરતા પરંતુ સરકાર સમક્ષ એ પોતાનો કેસ સાબીત ન કરી શકતા. પરિણામે, પ્લાંટરોનો સંઘ એમ કહીને છૂટી જતો કે બધું બરાબર છે, માત્ર બંગાળના ચળવળિયાઓની ઉશ્કેરણીથી ખેડૂતો તોફાન કરે છે.

સ્થાનિક સરકારને તો ૧૮૭૧માં જ લાગ્યું હતું કે ગળીના ભાવ વધાર્યા વિના એમનું ત્યાં રહેવું કપરું થઈ જશે. એટલે એકર દીઠ સાડાછ રૂપિયાને બદલે નવ રૂપિયાનો ભાવ કરી દીધો પણ આગળ કશું કર્યું નહીં. પરંતુ ભારત સરકારને તીનકઠિયા પદ્ધતિનાં દૂષણો દેખાઈ ગયાં હતાં અને એણે એ બંધ કરવાની જરૂર પણ દેખાડી હતી.

૧૯૦૬માં ભારે પૂર આવ્યાં તેમાં બધો પાક ધોવાઈ ગયો. પ્લાંટરોને જાણે એની સાથે કંઈ લાગતુંવળગતું ન હોય એવું હતું. ૧૯૦૭માં મોતીહારીની સાથી ફૅક્ટરી સાથે કરાર કરનારા ખેડૂતોએ ગળીના પાકમાં કંઈ નફો નથી એમ કહીને એનું વાવેતર કરવાની ના પાડી દીધી. એમણે સરકારમાં અરજીઓ કરી પણ કંઈ ન વળ્યું. એ વખતનું નીચલા સ્તરનું વહીવટીતંત્ર પ્લાંટરો ભેગું હતું એટલે પોલીસના રિપોર્ટ પણ એવા જ હતા. પરંતુ રૈયતે નમતું ન મૂક્યું અને અંતે સાથી ફૅક્ટરી બંધ કરવી પડી.

ગળીનું કામ તો બંધ થયું પણ ગળી માટે નહેરમાંથી પાણી અપાતું તેનો એક વીઘા પર ત્રણ રૂપિયાનો વેરો (પાઇન ખર્ચા) હતો તે રૈયત પાસેથી વસૂલવાનું સાથી કંપનીએ ચાલુ રાખ્યું. જે ગળીના કરારમાં પણ નહોતા એમની પાસેથી પણ પ્લાંટરો આ વેરો બળજબરીથી વસૂલ કરતા. ગળીનું વાવેતર બંધ કરાવનારા અને સાથી કંપની સામે મોરચો માંડનારા આગેવાન ગુલાબ શેખને જેલની સજા થઈ.

બીજા જુલમી વેરા

માત્ર એ જ નહીં પ્લાંટરો બીજા વેરા પણ વસૂલ કરતા. એમનાં નામો જોતાં જ રૈયત પર કેવો જુલમ થતો હશે તે સમજી શકાશે. આપણે પાઇન ખર્ચા (નહેરના પાણીનો વેરો) વિશે તો જાણી લીધું. પણ બીજા પણ ઘણા વેરા હતા જે પ્રસંગોપાત લેવાતા. કેટલાક વેરા નિયમિત નહોતા અને પ્લાંટરોની જરૂરિયાત મુજબ લાગુ પડતા. નામ અને અર્થ જાણ્યા પછી આ વાત વધારે સારી રીતે સમજી શકાશેઃ

બંધબેહડી – એક રૂપિયાના ભાડા પર વધારાનો એક આનો બંધબેહડી તરીકે લેવાતો.

બેઠમાફી (વેઠમાફી) – રૈયતે પોતાનો હળ પ્લાંટરનાઅ કામ માટે આપવો પડતો. આ વેઠમાંથી બચવા માટે ભાડા જેટલી જ રકમ ઉપરથી ચુકવવી પડતી. ખેડૂતનું કામ હળ વિના ન ચાલે એટલે એ પૈસા ચૂકવીને આ વેઠ માફ કરાવતા.

બપહી-પુતહી(બાપનું -પુત્રનું) – આસામીના કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ફૅક્ટરી આ વેરો વસૂલ કરતી.

મારવાચ – કુટુંબમાં કોઈનાં લગ્ન થાય ત્યારે સવા રૂપિયાનો આ વેરો ચુકવવો પડતો.

સાગૌરા – વિધવાના પુનર્લગ્ન વખતે પાંચ રૂપિયા ભરવા પડતા.

કોલ્હૂ-આવાન – તેલની ઘાણી કે શેરડી પીલવાના મશીન માટેનો કર.

ચૂલ્હી-આવાન – કેટલાંક ગામોમાં હળદરનો પાક થતો. હળદરને બજારમાં મૂકતાં પહેલાં બાફવી પાડતી. બાફવાનું કામ કર ચૂકવ્યા પછી જ થઈ શકતું.

બતછાપી – તેલ કે દૂદ્ધ વેચનારે આ કર દર પીપ પર ચુકવાવો પડતો.

બેચાઈ – અનાજ વેચતી વખતે આ વેરો લાગતો.

પ્લાંટર શિકારે જવા માટે હાથી ખરીદે તો રૈયતે હથિયાહી ચુકવવી પડતી અને ઘોડો ખરીદે તો ઘોડાહી; મોટર ખરીદે તો હવાહી અને નાવ ખરીદે તો નાવાહી ચુકવવાની થતી. એટલું જ નહીં, પ્લાંટર બીમાર પડે તો એના દવાદારુના ખર્ચ માટે ઘાવાહી પણ રૈયતે ભરવી પડતી.

તે ઉપરાંત, તહેવારો નિમિત્તે ફગુઆઈ, દશહરી અને ચૈતનવમી કે દવાતપૂજા(શાહીના ખડિયાની પૂજા) પણ વેરા તરીકે લેવાતી. હોળી પર પ્લાંટર નાચગાનનો કાર્યક્રમ રાખે તો કોઈ એ જોવા જાય કે નહીં કર ચુકવવામાંથી બચી ન શકતો.આવા ચાળીસ કરતાં વધારે કરવેરા હતા.આપણે જમીનદારોના જુલમો વિશે વાંચ્યું છે પણ ચંપારણના પ્લાંટરો જમીનદાર જ બની બેઠા હતા.

એમના અત્યાચારો માઝા મૂકવા લાગ્યા હતા ત્યારે ચંપારણની રૈયત વતી રાજકુમાર શુક્લ ગાંધીજીને મળ્યા, એમને લઈ આવ્યા અને ચંપારણને રાષ્ટ્રના રાજકીય નક્શા પર મૂકી દીધું. ગાંધીજીનું જાહેર કાર્ય પણ એ સાથે જ શરૂ થઈ ગયું.

૦૦૦

સંદર્ભઃ

Satyagraha in Champaran: Rajendra Prasad, Navajivan Publishing House, Second revised Edition September 1949.

%d bloggers like this: