india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-19

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૯: ૧૯૧૬થી ૧૯૩૫: ચંપારણ સત્યાગ્રહ (૧)

૧૯૧૭ની ૧૮મી ઍપ્રિલ ભારતના રાજકારણમાં એક સીમાચિહ્ન રૂપ છે. એ દિવસે સ્વતંત્રતા માટેના સંઘર્ષને નવી દિશા મળી. અને પહેલી જ વાર સામાન્ય લોકો સત્તાનો ભય છોડીને પોતાનો અવાજ રજૂ કરવા આગળ આવ્યા. ગાંધીજીએ ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર ‘સત્યાગ્રહ’ કર્યો હતો પણ ભારતમાં પહેલી વાર બિહારના ચંપારણમાં ગરીબ અને બેહાલ ખેડૂતોના માધ્યમથી એમણે સત્યાગ્રહનો પ્રયોગ કર્યો. ગાંધીજીનું આખું જીવન જોઈએ તો એમના દરેક કાર્યમાં ક્યાંક ને ક્યાંક દક્ષિણ આફ્રિકાના સંઘર્ષનું પ્રતિબિંબ મળી જશે.

ગાંધીજી પોતાની આત્મકથામાં આ સત્યાગ્રહ પર વિગતે લખે છે. (ભાગ-૫, પ્રકરણ ૧૨-૧૯) તેમ છતાં મૂળ સમસ્યાથી પરિચિત થવા માટે એમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ચંપારણ સત્યાગ્રહ વિશે લખેલું પુસ્તક વાંચવાની ભલામણ કરી છે.

ગાંધીજી અને કોંગ્રેસ

આના પહેલાં ગાંધીજી એક ગૌણ નેતા હતા. એમણે ગોખલેને પોતાના ગુરુ માન્યા હતા અને એક વર્ષ સુધી એ રાજકીય બાબતો પર બોલવાના નહોતા. ગોખલે નરમપંથી હતા. આમ ગાંધીજી શરૂઆતથી જ ઉદ્દામવાદી લોકમાન્ય તિલકથી અળગા રહ્યા. એક કારણ એ કે તિલક હોમ રૂલના પ્રખર હિમાયતી હતા અને બ્રિટિશ હકુમતને પછાડવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હતા. એમની રાષ્ટ્રવાદિતા સંસ્કૃતિ સુધી પહોંચતી હતી એટલે હિન્દુ ધર્મની પ્રથાઓનો પણ એ બચાવ કરતા. બીજી બાજુ ગાંધીજી એ વખતે બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હતા અને માનતા કે હોમ રૂલથી દેશને કશો ફાયદો નથી થવાનો, ઉલટું નુકસાન થશે. તિલકને ભગવદ્ ગીતામાં હિંસાનું સમર્થન દેખાયું તો ગાંધીજીની નજરે ગીતાનો મુખ્ય ઉપદેશ અહિંસાનો હતો. આ એમના અભિપ્રાયોનું આ લેખ સાથે કંઈ મહત્ત્વ નથી, માત્ર એટલું જ કે બન્નેના દૃષ્ટિકોણમાં કેટલું અંતર હતું તે સમજવામાં એ કામ આવે છે. આમ પણ ધર્મની બાબતમાં પણ ગાંધીજી તિલક મહારાજના બચાવના વ્યૂહ સાથે સંમત નહોતા. એ એક વર્ષ રાજકારણથી દૂર રહ્યા તે દરમિયાન આખા દેશમાં ફરતાં બાળવિવાહ, અભાડ છેટ. નાતજાતના વાડા વગેરે મુદ્દા પર બોલીને તિલકથી પોતાનું અંતર સ્પષ્ટ કરતા રહ્યા હતા. બીજો મહત્ત્વનો ભેદ એ હતો કે લોકમાન્ય કાયદાને પડકારવામાં માનતા હતા એટલે કોર્ટમાં કાયદો ખોટો છે, અથવા ખોટી રીતે લાગુ થયો છે એવું સાબીત કરતા. ગાંધીજી કાયદો ખોટો છે એટલે તોડવામાં માનતા પરંતુ પોતે કાયદો તોડ્યો છે એ કબૂલી લઈને કાનૂની દાવપેચ ટાળતા.

વળી ગાંધીજી કોંગ્રેસ અથવા તો ભારતના રાજકારણ માટે નવા હતા, પણ દક્ષિણ આફ્રિકામાં વીસ વર્ષના અનુભવથી એમના મનમાં આંદોલનો માટેનો એક નક્શો તૈયાર હતો, જે લોકમાન્યના નક્શા સાથે બંધબેસતો નહોતો થતો. જો કે ગાંધીજી પોતાના ગુરુ જેટલા નરમપંથી પણ નહોતા. રાજકારણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, સુરેન્દ્રનાથ બૅનરજી જેવા નરમપંથી નેતાઓના વર્ચસ્વ હેઠળ વકીલોની શાબ્દિક તલવારબાજીનું મેદાન બની ગયું હતું. ગાંધીજી આમ જુદા પડતા હતા એટલે જ ગોખલેની સર્વંટ્સ ઑફ ઇંડિયા સોસાઇટીએ એમની સભ્ય બનવાની અરજી નામંજૂર કરી હતી! આમાંથી અમુક વાતો આપણે પહેલાં જોઈ લીધી છે, પણ અહીં પુનરાવર્તન આવશ્યક લાગ્યું, કારણ કે ૧૯૧૭માં ઇતિહાસ ત્રિભેટે આવી ઊભો હતોઃ ગોખલે? તિલક? ગાંધી?

૧૯૧૬માં લખનઉનું કોંગ્રેસ અધિવેશન કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સંબંધો અને રાષ્ટ્રીય એકતા માટે બહુ મહત્ત્વનું રહ્યું પણ એમાં ગાંધીજીનો કંઈ ફાળો નહોતો. એ એમના મિત્ર પોલાક સાથે અધિવેશનમાં ગયા હતા પણ નેતા તરીકે નહીં.

ગાંધીજીની કાર્યપદ્ધતિ અને સફળતા

આમ છતાં ગાંધીજીનું નામ તો ફેલાઈ ચૂક્યું હતું, એમની કાર્યપદ્ધતિ પણ જુદી પડતી હતી. એમણે ગિરમીટિયા પ્રથા નાબૂદ કરવા માટે પ્રયત્નો કર્યા તેમાં એમણે વાઇસરૉયને મોકલવા માટેના ઠરાવમાં ૩૧મી જુલાઈ સુધી ગિરમીટિયા પ્રથા રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું અને એમાં સફળ રહ્યા. (જૂઓ આત્મકથા ભાગ-૫ પ્રકરણ ૧૧). ઇંદુલાલ યાજ્ઞિક (ઇંદુચાચા) એમના પુસ્તક Gandhi as I know himમાં લખે છે કે ભારતના રાજકારણીઓ ઠરાવો કરતા પણ એના અમલ માટે મુદત ન બાંધતા. તારીખ આપવી એનો અર્થ એ કે એ તારીખ પછી સરકારે આંદોલનનો સામનો કરવા તૈયાર રહેવાની ચેતવણી.

(આ પુસ્તક ગાંધીજીનું તટસ્થ મૂલ્યાંકન કરે છે, પરંતુ મુખ્યત્વે તો એમના ‘સમાધાનકારી’ રાજકારણની ટીકા છે કે ગાંધીજી છટકબારી રાખતા જેથી અંતે ‘બન્ને પક્ષોનો વિજય’ જાહેર કરી શકાય. આ વિષય અલગ ચર્ચા માગી લે છે અને એના માટે આ લેખમાં અવકાશ નથી. લેખનો ઉદ્દેશ ગાંધીજીની વકીલાત કરવાનો કે વિરોધ કરવાનો નથી).

એ જ રીતે વીરમગામમાં કસ્ટમની હાલાકી સામે એમણે અવાજ ઉઠાવ્યો અને સફળ રહ્યા હતા. એમને વઢવાણ સ્ટેશને એક સામાજિક કાર્યકર્તા મોતીલાલ દરજીએ આ હાલાકીની વાત કરી હતી. ગાંધીજીનો સવાલ હતો કે “જેલમાં જવા તૈયાર છો?” મોતીભાઈએ જુસ્સો દેખાડ્યો ત્યારે ગાંધીજીએ આ કેસ હાથમાં લીધો અને છેક વાઇસરૉય સુધી પહોંચ્યા અને વીરમગામમાં કસ્ટમનો નિયમ બંધ કરાવ્યો. પરંતુ ગાંધીજીના સવાલમાંથી દેખાય છે કે ગોખલેની જેમ એ પત્રવ્યવહારને બહુ જરૂરી માનતા હોવા છતાં અંતે તો પ્રજાકીય આંદોલનની આવશ્યકતા સમજતા હતા. એ રીતે એ તિલક જેવા ગરમપંથીઓની નજીક હતા પણ, હજી એમણે એના ઉપયોગની તૈયારી સ્થાનિક મુદ્દાઓ સુધી રાખી હતી, તિલકની જેમ આખા દેશને સ્પર્શે તેવા કોઈ મુદ્દાઅ પર એ બોલતા નહોતા કે આંદોલન કરવું જોઈએ. રાષ્ટ્રીય સ્તરે લોકો કેટલા તૈયાર હતા તે નાણી જોવાનું હતું,

ગાંધીજી અને ચંપારણ

ગાંધીજી રાષ્ટ્રીય સ્તરે પોતાની રીતે જ સ્થાપિત થવા માગતા હોય તો ચંપારણે એમને ‘લૉન્ચ’ કર્યા એમ કહી શકાય. પરંતુ એની શરૂઆત બહુ સામાન્ય રીતે થઈ અને ગાંધીજી અવઢવમાં હતા કે એમાં પડવું કે નહીં. માત્ર વ્યક્તિ તરીકે જ નહીં, એમના સત્યાગ્રહના સાધનને પણ રાજકીય વ્યૂહ તરીકે પણ પહેલી વાર માનભર્યું સ્થાન મળ્યું. આમાં નિમિત્ત બન્યા ચંપારણના એક સામાન્ય ખેડૂત પંડિત રાજકુમાર શુક્લ.

લખનઉ કોંગ્રેસમાં રાજકુમાર શુક્લ પણ ગયા હતા. એમણે ગાંધીજી સમક્ષ ચંપારણમાં ગળીનાં કારખાનાંના માલિકો – પ્લાંટરો – ખેડૂતોનું કેવું શોષણ કરે છે તે રજૂ કર્યું. ગાંધીજી તરત તો જવા તૈયાર ન થયા અને કહી દીધું કે હું જાતે ન જોઉં ત્યાં સુધી એના વિશે કંઈ બોલી ન શકું.પરંતુ રાજકુમાર શુક્લ એમની પાછળ પાછળ લખનઉથી કાનપુર, ત્યાંથી આશ્રમ અને પછી કલકતા પહોંચ્યા. અંતે છેક ૧૯૧૭ની શરૂઆતમાં ગાંધીજી ચંપારણ જવા સંમત થયા. પોતે લખે છે કે એમણે એના પહેલાં ચંપારણનું નામ પણ નહોતું સાંભળ્યું.

ચંપારણ જતાં

૧૯૧૭ની નવમી એપ્રિલે ગાંધીજી રાજકુમાર શુક્લ સાથે પટના જવા નીકળ્યા. આના પછી એમના ઉતારા અને પ્રવાસ વિશે કેટલીક રસપ્રદ વાતો છે તે એમની આત્મકથામાં ઉપર જણાવેલાં પ્રકરણોમાં છે. એમણે તિરહૂત ડિવિઝનના કમિશનરને પોતે અહીં ગળીનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિનો અભ્યાસ કરવા આવ્યા હોવાની જાણ કરી; જવાબમાં કમિશનરે લખ્યું કે તપાસની જરૂર નથી. એણે કહ્યું કે ગાંધીજી ચંપારણ જવાની જરૂર નથી અને જશે તો કેટલાક સ્વાર્થી ચળવળિયાઓ એનો ગેરલાભ લેશે અને લાભ કરતાં નુકસાન વધારે થશે.

ગાંધીજી તે પછી અધિકારીઓને રૂબરૂ મળ્યા ત્યારે પણ એમને પાછા જવાનું કહેવામાં આવ્યું. પરંતુ ગાંધીજી એમના સંકલ્પમાં દૃઢ હતા.૧૫મીએ એ બાબુ ધરણીધર અને બાબુ રામનવમીપ્રસાદ સાથે ચંપારણ જવા રવાના થયા. રસ્તામાં મોતીહારીમાં રોકાયા અને તરત જ જસૌલાપટ્ટી ગામની મુલાકાત લીધી. ગામમાં બધા મોતીહારીની ગળીની ફૅક્ટરીના મજૂરો હતા. ત્યાં પહોંચીને એ લોકોને મળ્યા. એમને મળ્યા પછી લોકો જોશમાં આવી ગયા. અહીં ગાંધીજીએ સાથીઓને પોતાના દક્ષિણ આફ્રિકાના કામકાજની માહિતી આપી અને એ જ રીતે ચંપારણમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

હદપારીના આદેશનો ભંગ અને કોર્ટમાં કેસ

અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આવીને એમને કહ્યું કે કલેક્ટર એમને સલામ પાઠવે છે. એનો અર્થ એ કે કલેક્ટર એમને બોલાવે છે. ગાંધીજીને બળદગાડામાં લઈ ગયો. રસ્તામાં ડેપ્યૂટી સુપરિંટેંડન્ટ મળ્યો. એ પોતાની સાથે એમને ટમટમમાં લઈ ગયો અને રસ્તામાં એમને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૪૪ હેઠળ કાઢેલી નોટિસ આપી કે એમણે જે પહેલી ટ્રેન મળે તેમાં મોતીહારીથી નીકળી જવાનું હતું.

ગાંધીજીને જાણે એ જ જોઈતું હતું. સરકાર એમના વ્યૂહમાં આવી ગઈ હતી! એમણે જવાબ મોકલ્યો કે – હું અહીં કોઈ આંદોલન કરવા નથી આવ્યો, કમિશનરે ખોટી રજૂઆત કરી છે.મારી જાહેર જવાબદારીની ભાવના પ્રમાણે હું જિલ્લો છોડવાના હુકમનું પાલન નહીં કરી શકું. પરંતુ કાનૂનભંગની સજા ભોગવવા તૈયાર છું.

બીજા દિવસે, ૧૭મીએ એમણે ખેડૂતોને મળીને જુબાનીઓ નોંધવાનું શરૂ કરી દીધું એક પોલીસ અધિકારી પણ હાજર હતો. એની સામે બોલતાં ખેડૂતો પહેલાંતો પ્લાંટરો માટે બોલતાં સંકોચાતા હતા પણ પછી એમની હિંમત વધતી ગઈ.

સાંજ સુધી સમન્સ ન આવ્યા એટલે ગાંધીજીએ પોતે જ મૅજિસ્ટ્રેટને લખ્યું કે હું કાલે પરસૌની ગામે જાઉં છું પણ મારે કંઈ ખાનગી નથી કરવું એટલે એ કોઈ પોલીસના માણસને મોકલે. મૅજિસ્ટ્રૅટે તરત જવાબ લખ્યો કે Cr. P. C.ની કલમ ૧૮૮ હેઠલ બીજા દિવસે એમની સામે કામ ચલાવાશે એટલે હવે મોતીહારી છોડશો નહીં. તે પછી તરત સમન્સ પણ આવી ગયા.

૧૮મી ઍપ્રિલે ગાંધીજી કોર્ટમાં હાજર થયા. જેલ જવું પડે તો જરૂર પડે તેવો સામાન પણ સાથે રાખી લીધો હતો. કોર્ટમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. સરકારી વકીલ પૂરી તૈયારીથી આવ્યો હતો. પણ ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યો હોવાનું કબૂલી લીધું! વકીલ પાસે હવે સાબીત કરવાનું કંઈ રહ્યું જ નહીં! ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ વચ્ચે ગાંધીજીએ પોતાનું નિવેદન સ્થિર પણ મક્કમ અવાજે વાંચ્યું. એમણે કહ્યું કે હું અહીં માનવીય કામ માટે આવ્યો છું અને મારી હાજરીથી શાંતિ જોખમાશે એ હું માની શકું એમ નથી. સરકારી અધિકારીઓ તો એમને જેવી માહિતી મળે તે પ્રમાણે વર્તે, એમાં એમનો વાંક નથી. લોકોની સેવા કરવી હોય તો એમની વચ્ચે રહેવાની મારી ફરજ છે પણ મોતીહારી છોડી જવાના હુકમને માન આપવાની પણ મારી ફરજ છે. આ બે ફરજો વચ્ચેના ટકરાવમાં મેં સરકારી હુકમ ન માનવાનું નક્કી કર્યું.

આ નિવેદન પછી પણ સરકારી વકીલને લાગ્યું કે હજી કંઈ બાકી છે. એણે કહ્યું કે મિસ્ટર ગાંધીએ ‘I plead guilty’ એ શબ્દો નથી વાપર્યા. ગાંધીજીએ કહ્યું કે મારા નિવેદનમાં એ જ કહ્યું છે, તેમ છતાં એમણે ‘I plead guilty’ જોડી દીધું.

હવે એમને સજા કરવી જ પડે એમ હતું. મૅજિસ્ટ્રેટે કહ્યું કે તમે હજી પણ જવા ઇચ્છતા હો તો જઈ શકો છો. તો કેસ પાછો ખેંચી લેવાશે. ગાંધીજીએ કહ્યું કે હું જવા નથી માગતો અને જેલમાંથી છૂટ્યા પછી પણ હું ચંપારણને મારું ઘર માનીને અહીં જ રહીશ. હવે મૅજિસ્ટ્રેટે કેસનો ચુકાદો ૨૧મી સુધી મુલતવી રાખી દીધો! અને એમને સો રૂપિયાના જામીન પર બહાર જવાની છૂટ આપી. પણ ગાંધીજીએ જામીનનો ઇનકાર કર્યો. હવે મૅજિસ્ટ્રેટે પોતાની અંગત ઓળખાણના આધારે જામીન પર છોડ્યા.

પાછા આવીને જુબાનીઓ નોંધવાનું શરૂ થઈ ગયું. એમણે પોતાની પાછળ કોણ કામ સંભાળે તે જવાબદારીઓ પણ નક્કી કરી દીધી.

પરંતુ ૨૦મીની સાંજે જ દીનબંધુ ઍંડ્રૂક્ઝ કલેક્ટર હેકોકને મળ્યા ત્યારે એણે એમને કહ્યું કે સરકારે કેસ પાછો ખેંચી લેવાનું નક્કી કર્યું છે! આ વાત લોકોમાં ફેલાઈ ગઈ. લોકોએ પોતાની જીતના ઉત્સાહમાં ૨૧મીએ બમણા જોશથી પોતાનાં નિવેદનો લખાવવાનું શરૂ કરી દીધું

૦૦૦

ચંપારણની ગાંધીકથા હજી આગળ ચાલશે. પરંતુ ગળીના પ્લાંટરોના અત્યાચારો અને શોષણના ઇતિહાસ પર આવતા પ્રકરણમાં નજર નાખ્યા પછી જ આપણે ત્યાંના ગાંધીકાર્યની વાત આગળ વધારશું.

સંદર્ભઃ

(૧) સત્યના પ્રયોગો અથવા આત્મકથા – મો.ક. ગાંધી

(૨)Satyagraha in Champaran: Rajendra Prasad, Navajivan Publishing House, Second revised Edition September 1949

(૩) Gandhi As I Know Him, Indulal K. Yajnik. Published by Danish Mahal. Darya Ganj, Delhi, 1943.

One thought on “india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-19”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: