india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 11

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૧ :: ૧૮૮૫થી ૧૯૧૫ ગદર પાર્ટી (૩)

વિદેશવાસી પંજાબીઓમાં દેશદાઝ ભડકી ઊઠી હતી. ૧૯૧૩થી ‘ગદર’ નામનું અખબાર પહેલાં ઉર્દુમાં અને એના થોડા વખત પછી પંજાબીમાં શરૂ થયું હતું. આ અખબાર કેનેડા ફિલિપીન્સ,મલાયા, સિયામ (થાઇલૅન્ડ),જાવા સુમાત્રા, સિંગાપુર, બર્મા, પૂર્વ આફ્રિકા અને હિન્દુસ્તાનમાં પણ જાણીતી વ્યક્તિઓને મોકલાતું. તે પછી વૉશિંગ્ટન અને ઓરેગનના હિન્દીઓમાં ગદર પાર્ટીની સભ્યસંખ્યામાં ઉછાળો આવ્યો.૧૯૧૩ના ડિસેંબરમાં સૅક્રોમેંટમાં એક સંમેલન મળ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. એમાં આખા અમેરિકામાં પાર્ટીનો ફેલાવો કરવાનો નિર્ણય લેવાયો.તે પછી ગદર પાર્ટીનું મુખ્ય કેન્દ્ર ઍસ્ટોરિયાથી સાન ફ્રાંસિસ્કો ખસેડવાનો નિર્ણય લેવાયો. એ અમેરિકાના પશ્ચિમી ભાગમાં વેપાર અને રાજકારણનું કેંદ્ર હતું અને બીજા દેશોના વિદ્રોહીઓ પણ અહીં આવીને આશરો લેતા. અહીં એમણે બે આશ્રમ બનાવ્યા – યુગાંતર આશ્રમ અને ગદર આશ્રમ. હવે ગદર છાપું પણ અહીંથી પ્રકાશિત થવા લાગ્યું. લાલા હરદયાલ એમાં લેખો લખતા, રઘુવર દયાલ એને ઉર્દુમાં અને કરતાર સિંઘ સરાભા ગુરુમુખીમાં તૈયાર કરતા અને સાઇક્લોસ્ટાઇલ કરીને વેચતા. પણ જેટલી નકલો સાઇક્લોસ્ટાઇલ મશીન પર કાઢી શકાતી તે હંમેશાં ઓછી પડતી એટલે એમણે મોટી જગ્યા લીધી અને લીથો મશીન પર છાપું તૈયાર કરવાની શરૂઆત કરી.

ભારતમાં ‘ગદર’ પર પ્રતિબંધ

ભારતમાં ‘ગદર’ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાથી આવતી ટપાલ પર હોંગકોંગ, સિંગાપુર, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, રંગૂન વગેરે બંદરો પર ખાસ વેરો નાખવામાં આવ્યો. હવે ‘ગદર’ કૅનેડાના માર્ગે અને પછી જાપાનના બંદરેથી ભારત પહોંચવા લાગ્યું. ભારતની અંગ્રેજ સરકારને આની જાણ થતાં હવેકૅનેડા અને જાપાનથી આવતી ટપાલની પણ ચકાસણી શરૂ થઈ ગઈ. આમ આ રસ્તો બંધ થતાં હવે અમેરિકાના વિદ્રોહીઓએ જાપાનમાં ગદરના નેતા મૌલવી બરકતુલ્લાહની મદદથી ફ્રાંસમાં મૅડમ ભીકાઈજી કામા સુધી છાપાં પેટીઓમાં ભરીની મોકલવાનું શરૂ કર્યું. મૅડમ કામા આ પેટીઓ કોઈ મુસાફર સાથે અંગત સામાન તરીકે ભારત પહોંચાડી દેતાં.

પરંતુ અંગ્રેજોની જાસૂસી જાળ આ વ્યવસ્થાને ભેદવામાં સફળ રહી. મૌલવી બરકતુલ્લાહે એક જાપાનીને મુસલમાન બનાવી દીધો હતો. અંગ્રેજોએ એને ખરીદી લીધો. હવે એ બધી પેટીઓ અંગ્રેજી દૂતને પહોંચાડતો થઈ ગયો. મૌલવી બરકતુલ્લાહ એ વખતે જાપાનમાં ટોકિયો યુનિવર્સિટીમાં ફારસી અને હિન્દુસ્તાનીના પ્રોફેસર હતા પણ ‘ગદર’ અખબારને ચોરીથી જાપાનથી ફ્રાન્સ મોકલવામાં એમનો હાથ હોવાનું જાહેર થઈ જતાં એમને નોકરીએથી કાઢી મૂકવામાં આવ્યા. જો કે બરકતુલાહ તે પછી પણ ગદર પાર્ટી માટે કામ કરતા રહ્યા.

અખબાર હવે માત્ર ઉર્દુ અને પંજાબીમાં જ નહીં, ગુજરાતી, બંગાળી, નેપાલી અને પશ્તોમાં પણ છપાવા લાગ્યું હતું. એક અંદાજ પ્રમાણે ૧૯૧૬ સુધીમાં એની દસ લાખ નકલો છપાતી હતી. પરંતુ ભારત સુધી અખબાર પહોંચાડવાનું વધારે ને વધારે મુશ્કેલ બનતું જતું હતું. હવે પાર્ટીએ નક્કી કર્યું કે અખબાર ભારતમાં જ છાપવું. આના વિશે ગદર પાર્ટીના એક નેતા ડૉ. ભગત સિંઘ ઉર્ફે ગાંધા સિંઘ કહે છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પહેલાં મને હિન્દુસ્તાન મોકલવામાં આવ્યો. અમારે પંજાબથી દૂર કોઈ રજવાડામાં ગુપ્ત પ્રેસ શરૂ કરવાનો હતો. સાન ફ્રાંસિસ્કોમાં લેખો તૈયાર થતા જે લંડનમાં એક કાપડ કંપનીને મોકલી અપાતા. ત્યાંથી એની શાખાઓ મારફતે ભારત આવતા. એક રશિયન છોકરી એની નકલો અહીં જ્યાં પહોંચાડવાની હોય ત્યાં જઈને આપી આવતી. એક અંગ્રેજ અને અમમેરિકી મજૂર નેતા પણ અમારી મદદ માટે આવવાના હતા, પણ એવામાં વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું અને ચારે બાજુ ધરપકડો થવા લાગી. પરિણામે અમારી યોજના લાગુ ન કરી શકાઈ.”

ક્રાન્તિની પહેલી યોજનાઃ “કાશ્મીર પ્રજાસત્તાક, ૧૯૨૫”

હવે ક્રાન્તિકારીઓને લાગતું હતું કે ભારત જઈને એક પછી એક પ્રદેશો કબજે કરીને અંગ્રેજોને ભગાડવાનો સમય આવી ગયો છે. પાર્ટી પાસે ઘણું ધન હતું અને સભ્યસંખ્યા બહુ મોટી હતી. એમાં મોટે ભાગે પંજાબીઓ, અને તેમાંય ઘણાખરા તો ભૂતપૂર્વ સૈનિકો હતા. હિન્દુસ્તાનની અંગ્રેજ ફોજમાં પણ પંજાબીઓ બહુ મોટા પ્રમાણમાં હતા. એટલે જો બહારથી ગદર પાર્ટીની સેના હુમલો કરે તો લશ્કરમાં જ બળવો થવાની ધારણા હતી.

આથી એમણે પંજાબની નજીક કોઈ સ્થાન પર કબજો કરી લેવાની યોજના ઘડી. એમને એમાં કાશ્મીર સૌથી યોગ્ય લાગ્યું. કાશ્મીરમાં વહીવટ ડોગરાઓના હાથમાં હતો અને લોકો એમનાથી દુઃખી હતા. પંજાબના વહીવટી તંત્રમાં પણ ડોગરાઓની હાક વાગતી. વળી કાશ્મીર ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું હોવાથી ઓચિંતો હુમલો થાય તો અંગ્રેજ ફોજ માટે ત્યાં પહોંચવાનું પણ અઘરું હતું. કાશ્મીર પર પહેલાં હુમલો કરવાથી લોકોનો પણ ટેકો મળે તેમ હતું. ભારતની આઝાદીનું પહેલું થાણું કાશ્મીર બનવાનું હતું. યુગાંતર આશ્રમમાં હિન્દુસ્તાનનો નક્શો હતો તેમાં કાશ્મીરના ભાગને લાલ રંગથી રંગી નાખીને લખી દેવાયું હતું કે “કાશ્મીર પ્રજાસત્તાક – ૧૯૨૫”! એમને લાગતું હતું કે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ થશે, પરંતુ એમની ધારણા હતી કે હજી દસેક વર્ષ પછી યુદ્ધ થશે. આ દસ વર્ષ એ હિન્દુસ્તાનની અંગ્રેજી હકુમત સામે લડાઈની તૈયારીમાં ગાળવાના હતા. એટલે જ એમની ધારણા હતી કે કાશ્મીર પર દસ વર્ષ પછી, ૧૯૨૫માં એમને ફતેહ મળશે અને કાશ્મીરનું સ્વાધીન રાજ્ય બનાવી શકાશે.

હવે એમણે લશ્કરી તાલીમ લેવાનું શરૂ કર્યું કેટલાક બોંબ બનાવવાની તાલીમ લેવા લાગ્યા. એક ભાઈ હરનામ સિંઘના હાથમાં જ વિસ્ફોટક બોમ્બ ફાટી જતાં એમનો હાથ કાપવો પડ્યો. પાર્ટી હવાઈ દળ બનાવવા માગતી હતી એટલે કરતાર સિંઘ સરાભા ન્યૂ યૉર્કની એક વિમાની કંપનીમાં જોડાયા અને ત્યાં ઊડ્ડયન અને વિમાન-રિપેરનું કામ શીખી આવ્યા. જો કે હવાઈ દળ બનાવી ન શકાયું કારણ કે વિશ્વ યુદ્ધ એમની ધારણા કરતાં દસ વર્ષ વહેલું જ શરૂ થઈ ગયું.

ગદર પાર્ટીનો પ્રભાવ અમેરિકા, કૅનેડા. અમેરિકા ખંડના બીજા દેશો, અગ્નિ એશિયાના દેશો, જાપાન, ચીનના શાંગહાઈ અને બીજી ઘણી જગ્યાએ ફેલાવા લાગ્યો હતો.

ક્રાન્તિકારીઓ પોતાના ઘરે પત્રો લખતા તેમાં પણ વિદ્રોહની વાતો લખતા. આથી દેશમાં ગરીબ અને મહેનતકશ વર્ગમાં પણ અંગ્રેજો વિરુદ્ધની ભાવના પ્રબળ બની.

.ગદર કથા હજી આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmail.com |  www.daanishbooks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: