india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 10

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૧૦ :: ૧૮૮૫થી ૧૯૧૫  -ગદર પાર્ટી (૨)

આ જ અરસામાં પંજાબના આર્યસમાજી દેશસેવક ભાઈ પરમાનંદ અમેરિકાની મુલાકાતે જતા અને ત્યાં હિન્દુસ્તાની વિદ્યાર્થીઓમાં અંગ્રેજી શાસનની સામે લડવાની જરૂર સમજાવતા. પંજાબના બીજા નેતા લાલા હર દયાલ પણ સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનની સેવા આપવા આવ્યા. એમણે ઘણી જાગૃતિ ફેલાવી. ૨૫મી જૂન ૧૯૧૩ના રોજ લાલા હર દયાલે સાન ફ્રાંસિસ્કોમાં ગદર પાર્ટીની સ્થાપના કરી. આપણે ગયા પ્રકરણમાં જોયું કે મજૂરોએ પાર્ટી બનાવી. આ મજૂરોના પ્રેરક લાલા હર દયાલ જ હતા. સરદાર સોહન સિંઘ ભકના એના પહેલા પ્રમુખ બન્યા.

અંગ્રેજી રાજની સેવામાં પંજાબમાંથી ઘણા સિપાઈઓ દુનિયાના ઘણા ભાગોમાં લડાઈઓમાં જોડાયા હતા. ઘણાને મૅડલો પણ મળ્યા હતા. એમને એમ લાગતું કે જે પ્રદેશ માટે એમણે લડાઈ કરી અને બ્રિટનને જીત અપાવી ત્યાં રહેવાનો એમને અધિકાર હોય જ. આમ લોકો બ્રિટનની બધી વસાહતોના પોતાને નાગરિક માનતા હતા. પરંતુ અંગ્રેજ શાસકોને આ પસંદ નહોતું. ૧૮૯૭માં લંડનની આમસભાએ એક ઠરાવ મંજૂર કર્યો કે,

“હિન્દુસ્તાનીઓને અંગ્રેજી હકુમતના નાગરિક હોવાના કારણસર બ્રિટનની બીજી વસાહતોમાં જઈને વસવાનો અધિકાર નથી મળી જતો. એમને વસવા દેવા કે નહીં તે નક્કી કરવાનો વસાહતોના ગોરા માલિકોને સંપૂર્ણ અધિકાર છે.”

કેનેડા બ્રિટિશ સંસ્થાન હતું અને હિન્દુસ્તાનીઓ ત્યાં આવીને વસે તે સામે એને વાંધો હતો. એણે એમના આગમન પર નિયંત્રણ મૂકવાના પ્રયાસ શરૂ કરી દીધા. બીજી એક વાત પણ હતી કે ભારત(કે પંજાબ)થી આવતા લોકો મજૂરી કરતા. અમેરિકા કે કૅનેડામાં ગોરા મજુરો સંગઠિત હતા. માલિકો ઓછા પૈસામાં ઘણા કલાકો કામ કરે તેવા હિન્દુસ્તાની મજૂરોને કામે રાખવા લાગ્યા. હિન્દુસ્તાની મજૂરો કોઈનું નુકસાન કરવા નહોતા માગતા પણ એમને આવા કોઈ નિયમોની ખબર જ નહોતી. આમ મજૂરોનો સાથ પણ વસાહતોના ખેરખાંઓને મળ્યો. કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં જમણેરી રાષ્ટ્રવાદી રૂઢિચુસ્ત પક્ષનું જોર હતું. ગોરા મજૂરોના મત લેવા માટે એમણે હિન્દુસ્તાનીઓને દુશ્મન ઠરાવ્યા.

પરિણામ એ આવ્યું કે હિન્દુસ્તાનીઓ સમજવા લાગ્યા કે અંગ્રેજી રાજ બધે ઠેકાને સરખું જ છે; જે દમન અને અન્યાય ભારતમાં થાય છે તે જ અહીં પણ થાય છે. હવે હિન્દુસ્તાનીઓને ફરજિયાત હોંડ્યૂરાસ મોકલી દેવાની કાર્યવાહી શરૂ થઈ. એ પણ અંગ્રેજી વસાહત હતી. હિન્દુસ્તાનીઓએ એનો જોરદાર વિરોધ કર્યો અને તે પછી ભારતના વાઇસરૉયે વચ્ચે પડીને એમનું સ્થળાંતર અટકાવી દીધું.

આના કારણે મજુરોનું મનોબળ મજબૂત બન્યું. એમનામાં હવે માત્ર રોજી કમાવા કરતાં પણ વધારે જાગૃતિ આવી. પરંતુ હવે કૅનેડાએ એમને આવતા રોકવાના કાયદા વધારે કડક બનાવ્યા. એમને લાવનાર જહાજને લાંગરવાની પરવાનગી ન મળે તો જહાજ માલિકે પોતાના ખર્ચે એમને પાછા લઈ જવા એવો કાયદો બનાવી દીધો એટલે હવે હિન્દુસ્તાનીઓને લઈ જવા માટે કોઈ જહાજ પણ ભારતમાં મળતું નહોતું.

આ દરમિયાન, પંજાબીઓએ જમીનો લઈને વિકસાવવાનું કામ શરૂ કર્યું. એમનું કામ એટલું વધી ગયું હતું કે ૧૯૧૨ સુધીમાં કેનેડામાં હિન્દુસ્તાનીઓએ રોકેલી મૂડી ૫૦ લાખ ડૉલર સુધી પહોંચી. આમ હવે એમને ત્યાંથી કોઈ હાંકી કાઢી શકે તેમ નહોતું.

પરંતુ હજી કુટુંબોને લાવવાની છૂટ નહોતી. ભાઈ હીરા સિંહે પહેલ કરી અને એ ૧૯૧૧માં પોતાનું કુટુંબ લઈ આવ્યા પણ એમને કાંઠે જ રોકી દેવાયા. આમાંથી નવો સંઘર્ષ શરૂ થયો. તેમાં માત્ર પંજાબના શીખો જ નહીં, બીજા પ્રાંતોના હિન્દુઓ અને મુસલમાનો પણ જોડાયા. એ બે વર્ષ ચાલ્યો છેલ્લે ૧૯૧૩ની ૨૫મી નવેમ્બરે કેનેડાની કોર્ટે આ કાયદાની વિરુદ્ધ ચુકાદો આપ્યો.

હવે હિન્દુસ્તાનીઓમાં નવું જોશ આવ્યું હતું. એમને ડગલે ને પગલે જે તકલીફો વેઠવી પડી હતી તેને કારણે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે એમનો રોષ વધતો જતો હતો. આ રોષને વાચા આપવા અમેરિકામાં વૉશિંગ્ટનના શહેર ઍસ્ટોરિયામાં‘હિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ’ની સ્થાપના થઈ. વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને ‘યુનાઇટેડ ઇંડિયા લીગ’ની સ્થાપના કરી અને ‘હિંદુસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું.

લીગના ઉદ્દેશો હતાઃ જાતિ, ધર્મ અને વર્ણના ભેદની નાબૂદી; ભારત માટે લોકશાહી સરકારની રચના; બધા ભારતીયો એક રાષ્ટ્ર છે એ ભાવનાનો ફેલાવો કરવો; અને સ્ત્રીઓને સ્વતંત્રતા અપાવવી.

૧૯૧૩માં ભારતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેના કેટલાક નિર્ણયોની લીગે ટીકા કરી કોંગ્રેસને કેટલાક કાર્યક્રમો હાથ ધરવાની દરખાસ્ત આપી, જેમાંથી કેટલાક આ પ્રમાણે હતાઃ

દેશની ભાષાઓમાં કામકાજ થવું જોઈએ;

અંગ્રેજીને બદલે લોકોની ભાષામાં કોંગ્રેસે પોતાનાં લખાણ છાપવાં જોઈએ;

મફત અને ફરજિયાત શિક્ષણ;

અંગ્રેજી ન જાણતો હોય પણ શિક્ષિત હોય તેને મતાધિકાર;

જમીન મહેસૂલમાં ઘટાડો;

મજૂરોને ન્યૂનતમ વેતન.

જો કે, દેશમાં ધર્મ અને નાતજાતના ભેદભાવ વિના સૌની એકતાની આ ભાવના વિકસતી હતી તેથી અમુક લોકો પાછળ હટવા લાગ્યા. આમાં હીરાસિંહ અને પ્યારા સિંહ લંગેરીએ આર્યન નામનું અંગ્રેજી અખબાર શરૂ કર્યું તેમાં એ સૌની એકતાને બદલે માત્ર ધર્મની મર્યાદામાં રહીને, એટલે કે, શીખોની એકતા, શીખોની સમસ્યાઓ વગેરે મુદાઓ પર લખીને સંકુચિતતા પણ ફેલાવતા. હિન્દુસ્તાનીઓમાં આવા લોકો સામે એટલો ગુસ્સો વધી ગયો કે એમણે એ લોકોને અંગ્રેજો વિરુદ્ધ અને રાષ્ટ્રીય એકતા વિશે લખવા કહ્યું પણ એ માન્યા નહીં. અંતે પંજાબીઓએ પોતે જ એમનો પ્રેસ બાળી નાખ્યો!

યુનાઇટેડ ઇંડિયા લીગના નેતા શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા. એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી. એ અને એમના સાથી વગે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ‘ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ’ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા. આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી.

વડોદરાના મહારાજાને વિદ્રોહીઓ સાથે બહુ સહાનુભૂતિ હતી. ૧૯૧૦માં એ જ્યારે વૅનકુવર ગયા ત્યારે હિન્દુસ્તાનીઓએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. પરંતુ એ વખતે કોંગ્રેસની નીતિ અંગ્રેજો સાથે સમાધાન કરીને ચાલવાની હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે કેનેડા ગયા ત્યારે એમને વૅનકુવર આવવા વિદ્રોહીઓએ આમંત્રણ આપ્યું પણ ગોખલે ગયા નહીં. એ વિદ્રોહીઓ સાથે સંબંધ રાખવા માગતા નહોતા.

બીજી બાજુ, દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા. એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા. બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની. હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો. હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો. એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો. એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો. આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી. આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું.

૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી. આ કેસમાં મેવાસિંહને ફાંસીની સજા આપવામાં આવી. સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ.

૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

ગદર પાર્ટી વિશે વિશેષ હવે પછી.

૦૦૦

સંદર્ભઃ गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmail.com www.daanishbooks.com

2 thoughts on “india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 10”

  1. આખું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. તેમાં પણ “પંજાબના બીજા નેતા લાલા હર દયાલ પણ સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનની સેવા આપવા આવ્યા.” વાંચીને સાનંદાશ્ચર્ય થયું કે ત્યારે પણ આટલા વિદ્વાન ભારતીયો હતા.

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: