india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 9

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૯ :: ૧૮૮૫થી ૧૯૧૫ – ગદર પાર્ટી (૧)

દેશના આઝાદી માટેના સંઘર્ષમાં પંજાબમાં બનેલી ગદર પાર્ટીનો ઇતિહાસ મહત્ત્વનો છે. એનું મૂળ કારણ એ કે ગદર પાર્ટી ભારતની આઝાદી માટે મુખ્યત્વે વિદેશી ભૂમિ પર સ્થપાઈ, વિકસી અને સંઘર્ષ કરતી રહી. એના જીવનમાં મુખ્યત્વે ૧૯૦૭થી ૧૯૧૫ સુધીનાં વર્ષો બહુ મહત્ત્વનાં રહ્યાં. તે પછી પણ એ આઝાદી સુધી ટકી રહી પણ ધીમે ધીમે એનો પ્રભાવ ઓછો થતો ગયો. એના સભ્યો પણ કમ્યુનિસ્ટ પાર્ટીમાં કે કોંગ્રેસમાં જોડાઈ ગયા. ગદર પાર્ટીનો ઇતિહાસ બહુ જાણીતો નથી થયો તે દુઃખની વાત છે.

ભૂમિકા

૧૮૪૮માં અંગ્રેજોએ પંજાબ જીતી લીધું સગીર વયના દલીપ સિંહને સાલિયાણું બાંધી આપીને લંડન મોકલાવી દીધા અને તે સાથે અંગ્રેજોનું એકચક્રી રાજ શરૂ થયું.

પંજાબમાં એ વખતે જમીનની માલિકી સહિયારી મનાતી. ખાનગી માલિકીનો તો કોઈને વિચાર પણ ન આવતો. જમીન બિરાદરીની સંપત્તિ હતી. પરંતુ અંગ્રેજોએ જમીન વ્યક્તિઓને વહેંચી આપી કારણ કે એમને તો મહેસૂલ વસૂલ કરવાનું હતું. જમીનના ટુકડા થતાં ઉત્પાદન ઘટ્યું અને સહિયારા જીવનમાં પણ તિરાડ પડવા લાગી. નાના ખેડૂત-મોટા ખેડૂત એવી ઊંચનીચ પણ શરૂ થઈ ગઈ. આ બાજુ મહેસૂલનો બોજ પણ વધવા લાગ્યો. મહેસૂ્લ અનાજમાં નહીં પણ રોકડે ચુકવવાનું હતું. આથી ખેડૂતોને અનાજ વેચવાની ફરજ પડી. આમ ઘર માટે પણ અનાજના સાંસા પડવા લાગ્યા, એમાં લોકોને દેવું પણ કરવું પડ્યું. બદલામાં જમીન ગિરવે રાખવાનું શરૂ થયું. માણસને સમાજના ભાગ રૂપે ખાવાપીવાની ખેંચ નહોતી તેને બદલે એ હવે શાહુકારો કે મહાજનોનો ઓશિયાળો બની ગયો. જમીન એના હાથમાંથી શાહુકારોના હાથમાં જવા લાગી. ૧૯૦૧ સુધીમાં ૪ લાખ ૧૩ હજાર એકર જમીન વેચાઈ ગઈ, અને તે પછીનાં માત્ર આઠ વર્ષમાં અઢી કરોડ એકર જમીન ગિરવે ચડી ગઈ.

તે સાથે જ વેપારીઓ, દલાલો, કૉંટ્રૅક્ટરો, સરકારી નોકરો અને ઔદ્યોગિક મજૂરોની આખી નવી જમાતો બનતી ગઈ. આ નવી વ્યવસ્થા માત્ર અંગ્રેજોના હિતમાં કામ કરતી હતી. ૧૮૫૭માં શીખો અંગ્રેજો સાથે રહીને ‘પુરબિયાઓના વિદ્રોહને કચડી નાખવામાં સામેલ થયા હતા પણ હવે હનીમૂન પૂરું થયું હતું.

કૂકા વિદ્રોહ

દરમિયાન, શહેરોમાં નવો શિક્ષિત મધ્યમ વર્ગ પેદા થયો હતો. એનું હિત તો અંગ્રેજો સાથે જોડાયેલું હતું. એટલે આ રાજભક્ત વર્ગનું લક્ષ્ય નવી વ્યવસ્થાને ટકાવી રાખવાનું હતું. સુખચેનની જિંદગીમાં ધાર્મિક વલણો વધવા લાગ્યાં અને અંજુમન-એ-ઇસ્લામિયા, શીખોની સિંઘ સભા અને આર્યસમાજનું જોર વધ્યું.

પણ ગામડાંઓમાં રોષ વધવા લાગ્યો હતો. જો કે ત્યાં પણ વિરોધે ધર્મનું જ રૂપ લીધું. ૧૮૭૦ના અરસામાં ‘કૂકા વિદ્રોહ’ (નામધારી સંપ્રદાયના શીખોનો વિદ્રોહ) થયો. નામધારીઓએ અંગ્રેજી માલસામાનનો બહિષ્કાર કર્યો અને એમની વિરુદ્ધ એમણે બગાવત પોકારી. સેંકડો કૂકાઓ (નામધારીઓ) માર્યા ગયા. ૧૮૭૨માં મલેર કોટલામાં ૪૯ નામધારીઓને તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા અને એકના તલવારથી કટકેકટકા કરી નાખ્યા.

વિદ્રોહ તો પરાસ્ત થયો પણ અંગ્રેજોની આંખ પણ ઊઘડી ગઈ. એમણે નહેરો, રસ્તા વગેરે કામો શરૂ કરીને જમીન પર વસ્તીનો ભાર હટાવવાની કોશિશ કરી. પરંતુ એ પૂરતું નહોતું. એટલે એમને નવો રસ્તો કાઢ્યો.

બ્રિટિશ સામ્રાજ્ય તો આખી દુનિયામાં ફેલાયેલું હતું. હવે એમણે ગરીબ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું. એમને ભારતની બહાર બીજી બ્રિટિશ વસાહતોમાં લડાઈઓ માટે મોકલવાનું શરૂ કર્યું. પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા, ચીન, ઈરાન, બર્મા. ઈજિપ્ત, પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા (હવે મલયેશિયા), સિંગાપુર, હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા.

ગામડાં ખાલી થતાં કારીગરો કામધંધા વિના રઝળતા થઈ ગયા. ખરીદનાર કોઈ નહોતો એની અસર શહેરો પર પણ પડી. હવે શહેરોમાં પણ અંગ્રેજોની આર્થિક નીતિઓ સામે અસંતોષ વધવા લાગ્યો. જેમ બંગાળ અને દેશના બીજા ભાગોના મધ્યમ વર્ગના શિક્ષિતોમાં અસંતોષ વધ્યો તેમ પંજાબમાં પણ વધ્યો. લોકો અંગ્રેજી રાજને શોષક તરીકે જોતા થઈ ગયા.

ગામડાંમાંથી અંગ્રેજોની જુદી જુદી વસાહતોમાં ગયેલા લોકો વતન છોડીને કમાવા નીકળ્યા હતા. ત્યાં બીજા ભારતીયોના સંપર્કમાં આવ્યા ત્યારે એમને ખબર પડી કે અંગ્રેજોની વસાહતોમાં એમને જે પગાર મળે છે તે જ કામ માટે કૅનેડા, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં વધારે પગાર મળે છે. એટલે હજારો લોકો એ દેશો તરફ વળ્યા.

સ્વામી વિવેકાનંદ ૧૯૦૨માં અમેરિકા ગયા અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું. એમનાં ભાષણને અમેરિકામાં બહુ પ્રસિદ્ધિ મળી. આના પડઘા ભારતમાં પણ પડ્યા. ત્યાંથી પાછા આવીને એમણે અમેરિકાએ કરેલી પ્રગતિની વાતો કરી તે પણ પંજાબ પહોંચી. આથી અમેરિકા માટે લોકોને ‘પોતાપણું’ લાગવા માંડ્યું અને ત્યાં જવાનું આકર્ષણ વધી ગયું. ૧૯૦૬ આવતાં સુધી તો પંજાબથી રેલો શરૂ થયો અને અમેરિકાની ધરતી સુધી પહોંચ્યો.

કૅનેડામાં દોઢ ડૉલર અને અમેરિકામાં અઢી ડૉલર દૈનિક વેતન મળતું હતું અને સરહદ પાર કરવામાં કંઈ અડચણ નહોતી. ૧૯૦૮ સુધીમાં અમેરિકા ગયેલા હિંદુસ્તાનીઓમાં ૯૯ ટકા પંજાબી હતા. એ મશીનો તો ચલાવી નહોતા શકતા એટલે વિકસિત, ઔદ્યોગિક અમેરિકામાં તો એમનું કામ નહોતું, પરંતુ હજી અમેરિકા પણ વિસ્તરતું હતું એટલે આ પંજાબીઓ જંગલો કાપવામાં કે રેલવેના પાટા નાખવા જેવાં કામોમાં લાગ્યા.

અમેરિકાને ભારતમાં રસ પડે છે!

ભારતીયોની મોટી સંખ્યા અમેરિકામાં હતી તેના પર ધ્યાન ન જાય એવું બને નહીં. આમ અમેરિકાને ભારતમાં રસ વધ્યો, ભારતનું મોટું બજાર પણ એને આકર્ષવા લાગ્યું. અમેરિકનો ભારત આવ્યા પણ અંગ્રેજોએ એમને જામવા ન દીધા. હવે એણે બીજો રસ્તો લીધો. અમેરિકાથી ખ્રિસ્તી મિશનરીઓ આવવા લાગ્યા, ભારતમાં એમણે સ્કૂલો, હૉસ્પિટલો શરૂ કર્યાં અને લોકોને અમેરિકા આવવા પ્રોત્સાહન આપ્યું તે સાથે જ, બ્રિટિશ શાસનની વિરુદ્ધના જંગમાં ભારતીયોની આઝાદીની તમન્નાની જ્યોતમાં ઘી પૂરવાનું પણ જરૂરી હતું.

અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો. ત્યાં એક ઇંડો-અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી. સોસાઇટીએ લંડન જેવું જ ‘ઇંડિયા હાઉસ’ શરૂ કર્યું જે, જો કે, ચાલ્યું નહીં તે પછી ઇંડો-અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું. ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી જે વિદ્યાર્થીઓ અમેરિકા ગયા તે આમ પણ અંગ્રેજોની વિરુદ્ધ હતા, કોંગ્રેસનો પ્રભાવ પણ વધતો જતો હતો. એટલે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો. એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી.

અમેરિકા ખંડમાં ત્રણ મુખ્ય કેન્દ્રોનો વિકાસ થયોઃ સાન ફ્રાંસિસ્કો, પોર્ટ લૅન્ડ અને કૅનેડામાં બ્રિટિશ કોલંબિયાના વેનકુવર અને વિક્ટોરિયાના પ્રદેશો. કૅલિફૉર્નિયા પ્રચારનું કેન્દ્ર બન્યું, પણ કેનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી. ત્યાં રહેતા ભારતીયોએ આની સામે આંદોલન ચલાવ્યું અને કોલંબિયા નદીને કાંઠે આવેલી મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા. આમ આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા. ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું. એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટી એટલે ગદર પાર્ટી (ગદર એટલે બળવો).

હજી આપણે ગદર પાર્ટી સાથે જ રહેશું.

૦૦૦

સંદર્ભઃ गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmail.com Website:  www.daanishbooks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: