india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 8

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ ૮ :: ૧૮૮૫થી ૧૯૧૫ મોર્લે-મિંટો સુધારા

આપણે પ્રકરણ ૫ (અહીં ) મુસ્લિમ લીગની સ્થાપના વિશે વાંચ્યું. તે પછી મુસ્લિમ પ્રતિનિધિમંડળ વાઇસરૉય મિંટોને મળ્યું તે પણ જોયું. એમની માગણી એ હતી કે મુસલમાનોને સરકારી નોકરીઓ, મ્યૂનિસિપાલિટીઓમાં અને લેજિસ્લેટિવ ઍસેમ્બલી અને વાઇસરૉયની કાઉંસિલમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. મિંટોનો ઉદ્દેશ તો હિન્દુ-મુસ્લિમ કોમોને અલગ પાડવાનો હતો જ અને મુસ્લિમ પ્રતિનિધિમંડળે અલગતાવાદી માગણી કરી તે એની નજરે એની મોટી રાજદ્વારી સફળતા હતી.

એણે બ્રિટિશ સરકારના હિન્દ માટેના મંત્રી મૉર્લે સુધી એમની માગણીઓ પહોંચાડી દીધી અને તે પછી એ બન્ને એના પર કામ કરવામાં મંડી પડ્યા. મિંટોએ મુસલમાનોના પ્રતિનિધિમંડળનાં ભારોભાર વખાણ કર્યાં અને અલગ મતદાર મંડળની માગણી વિશે એણે પોતાનો અભિપ્રાય આપ્યો કે “હું પણ તમારા જેટલો જ મક્કમ મતનો છું કે ભારતમાં અહીંની વસ્તીની કોમોની માન્યતાઓ અને પરંપરાઓને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત મતાધિકારને ધોરણે કોઈ પણ જાતનું પ્રતિનિધિત્વ અપાશે તો એ ખતરનાક રીતે નિષ્ફળ જશે.”

આમ મિંટો બન્ને કોમોને અલગ પાડવા કટિબદ્ધ હતો. જો કે એ અથવા તો મિંટો મુસ્લિમ નેતાઓને ખાસ કંઈ સમજતા નહોતા. ખાનગી પત્રવ્યવહારમાં બન્ને આગા ખાન વગેરે નેતાઓની ઠેકડી ઉડાડતા હતા પણ એમની યોજનામાં એ જ નેતાઓ કામ આવે તેમ હતા એટલે મિંટોએ મુસલમાનોને અલગ પ્રતિનિધિત્વ આપવાનો સિદ્ધાંત સ્વીકારી લીધો.

આમાં મિંટોના એક અધિકારી ડનલોપ સ્મિથની ભૂમિકા પણ મહત્ત્વની હતી. બંગાળના ભાગલાનો પૂર્વ બંગાળના મુસલમાનોએ રાજીખુશીથી સ્વીકાર કર્યો હતો પણ હિન્દુઓએ સશસ્ત્ર વિરોધનો માર્ગ લીધો હતો. આ સાથે ધાર્મિક તત્ત્વ પણ પ્રવેશ્યું હતું. સ્મિથે લૅડી મિંટોને લખ્યું કે આખા એશિયામાં રાષ્ટ્રીય આંદોલનો ચાલે છે અને ભારતમાં પણ હજી સુધીનાં આંદોલનોમાં ધર્મને સ્થાન નહોતું પણ હવે ધીમે ધીમે એનું હિન્દુકરણ થવા લાગ્યું છે.

મુસલમાનોને ખાસ પ્રતિનિધિત્વ આપવાની બાબતમાં સ્મિથે મિંટોને સલાહ આપી કે અલગ પ્રતિનિધિત્વનો વિરોધ કરનારોને કહી દો કે ભારતના મુસલમાનો “એક ધાર્મિક કોમ કરતાં બહુ વધારે છે. હકીકતમાં એમની અલગ કોમ છે જે લગ્નપ્રથા. આહારની ટેવો અને રીતરિવાજોમાં સાવ જ જુદા પડે છે અને પોતે અલગ જાતિ હોવાનો એમનો દાવો છે.” આમ,બન્ને કોમો વચ્ચે વિખવાદનાં બી વાવી દેવાયાં.

ઇંડિયન કાઉંસિલ્સ ઍક્ટ – ૧૯૦૯

મૉર્લ-મિંટો સુધારાનું સત્તાવાર નામ ઇંડિયન કાઉંસિલ્સ ઍક્ટ – ૧૯૦૯ છે. બ્રિટનની પાર્લમેન્ટે આ કાયદો બનાવીને ભારતમાં ચૂંટણી સુધારા લાગુ કર્યા. એમાં એણે વાઇસરૉયની કાઉંસિલમાં અને સ્થાનિક લેજિસ્લેટિવ કાઉંસિલોમાં સીધી ચૂંટણીની વ્યવસ્થા કરી.

મૉર્લેએ જોયું કે થોડાઘણા લોકશાહી સુધારા નહીં કરીએ તો સશસ્ત્ર વિદ્રોહીઓનું જોર વધતું જશે. એણે ૧૮૫૮માં રાણી વિક્ટોરિયાએ સૌ હિન્દુસ્તાનીઓને સમાન ગણવા અને વહીવટમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું તે પાળવાની કોશિશ કરી અને પોતાની કાઉંસિલમાં પણ એક હિન્દુ આઈ સી એસ અધિકારી અને એક મુસ્લિમ લીગના મુસલમાનને લીધા અને મિંટોને પણ સત્યેન્દ્ર સિન્હાને લેવાની લગભગ ફરજ પાડી. મિંટો સાથે પણ એને મતભેદો થતા હતા. મૉર્લે પોતે ઉદારમતવાદી રાજકારણી હતો પરંતુ એની ઉદારતાની સીમા સામ્રાજ્યની સીમાઓની બહાર નહોતી જતી.

સૌથી મોટો સુધારો મુસ્લિમોની તરફેણમાં જતો હતો. મુસલમાનોને અલગ પ્રતિનિધિ અપાયો અને એને ચૂંટવા માટે માત્ર મુસલમાનો મત આપે એવી એમાં વ્યવસ્થા હતી. આ સુધારાઓ દ્વારા કેન્દ્ર અને પ્રાંતોની ધારાસભાઓમાં સંખ્યા વધી ગઈ કેન્દ્રની ધારાસભામાં ૧૬ પ્રતિનિધિ હતા તેન બદલે હવે ૬૦ થયા અને ચાર પ્રાંતો – બંગાળ, મદ્રાસ, મુંબઈ અને યુક્ત પ્રાંતની ધારાસભાઓમાં ૫૦ની સંખ્યા નક્કી કરવામાં આવી. પંજાબ, બર્મા અને આસામમાં ૩૦ પ્રતિનિધિઓ ચૂંટવાના હતા. ચૂંટણી પરોક્ષ હતી, જેમાં સ્થાનિક સંસ્થાઓ મતદાર મંડળો બનાવે સ્થાનિક ધારાસભામાં પ્રતિનિધિ ચૂંટીને મોકલે. સ્થાનિક ધારાસભા કેન્દ્રની ધારાસભાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે. કેટલીક સીટો મુસલમાનો માટે અનામત હતી. જે મુસલમાનની વાર્ષિક આવક ત્રણ હજાર રૂપિયા હોય તેને મતદારમંડળમાં લેવાનો હતો પણ હિન્દુની આવક વાર્ષિક ત્રણ લાખ રૂપિયા હોય તો જ મતદાર મંડળમાં આવી શકે. વળી મુસલમાન ગ્રેજ્યુએટ હોય તો ઉમેદવારી કરી શકે, જ્યારે હિન્દુ ૩૦ વર્ષ પહેલાં ગ્રેજ્યુએટ થયો હોય તો જ ઉમેદવારી માટે પાત્ર ગણાય.

મૉર્લે અને મિંટો વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ તે પછી મિંટોનો બંધારણીય આપખુદશાહીનો સિદ્ધાંત મૉર્લેએ સ્વીકારી લીધો. આથી સેંટ્રલ લેજિસ્લેટિવ કાઉંસિલમાં કોઈ પણ હોય વાઇસરૉયની સત્તા અકબંધ રહી.

પહેલાં નરમપંથી નેતાઓ સુધારાઓની દરખાસ્તો આવતી હતી ત્યારે મોર્લેની ખુશામતમાંથી ઊંચા નહોતા આવતા પણ મોર્લેએ જ્યારે મુસલમાનોના પ્રતિનિધિત્વ બાબતમાં મિંટો સામે હાર માની લીધી અને સુધારાઓ અમલમાં મુકાવાના હતા ત્યારે કોંગ્રેસે એનો વિરોધ કર્યો.

આના પછી એક એવી ઘટના બની કે જેણે ફરી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય આંદોલનને બળ પૂરું પાડ્યું. ૧૯૧૩માં પટના પાસે બાંકીપુરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં મુસલમાનો મોટી સંખ્યામાં સામેલ થયા અને મુસ્લિમ લીગે સાથે મળીને રાષ્ટ્રીય હિતમાં કામ કરવાનું સુચવ્યું. કોંગ્રેસ માટે આ બહુ મોટી ઘટના હતી. ૧૯૧૫માં મુંબઈ કોંગ્રેસમાં આ વલણો વધારે પ્રબળ બન્યાં. એનું કારણ એ હતું કે ૧૯૧૩થી જ મુસ્લિમોની નેતાગીરીમાં પરિવર્તનો આવવા લાગ્યાં હતાં. જૂના નેતાઓને સ્થાને મહંમદ અલી જિન્ના અને મૌલાના મહંમદ અલી જેવા પ્રગતિશીલ અને આધુનિક નેતાઓનો અવાજ વધારે બુલંદ બનવા લાગ્યો હતો. એમના પ્રભાવ હેઠળ લીગે સ્વશાસનના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો અને કોંગ્રેસને ભારતની ભવિષ્યની સરકાર માટે યોજના ઘડવા અપીલ કરી. આના પરિણામે લખનઉમાં કોંગ્રેસના નરમપંથીઓ, ગરમપંથીઓ, હોમરૂલવાદીઓ અને મુસ્લિમ લીગની બેઠક મળી. લખનઉ પૅક્ટની ચર્ચા હવે પછી યોગ્ય સ્થાને કરશું.

સંદર્ભઃ

A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

https://www.britannica.com/topic/Indian-Councils-Act-of-1909

https://byjus.com/free-ias-prep/ncert-notes-morley-minto-reforms/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: