india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 7

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ ૭ :: ૧૮૮૫થી ૧૯૧૫ – (૧) બંગાળના ભાગલા રદ (૨) દિલ્હી બને છે રાજધાની (૩) હાર્ડિંગ પર હુમલો

બંગાળના ભાગલા રદ + દિલ્હી બને છે રાજધાની

બંગાળના ભાગલા કરતી વખતે લૉર્ડ કર્ઝને તો એમ માન્યું હતું કે “બંગાળીઓ શરૂઆતમાં કાગારોળ મચાવશે પણ છેવટે શાંત થઈને પડ્યું પાનું નિભાવી લેશે.” પણ હિંદુસ્તાની ફોજના કમાંડર સાથે વિવાદ થયા પછી કર્ઝનને રાજીનામું આપવું પડ્યું. એની જગ્યાએ લૉર્ડ હાર્ડિંગ આવ્યો, એનો નિષ્કર્ષ એવો હતો કે “બંગાળીઓ ભાગલા રદ નહીં થાય ત્યાં સુધી કેડો નથી મૂકવાના!”

કર્ઝનની ચાલ હિન્દુ-મુસ્લિમ કોમો વચ્ચે ફૂટ પડાવવાની હતી એમાં તો એ સફળ થયો જ કારણ કે અલગ બનેલા પ્રાંતમાં (આસામ અને પૂર્વ બંગાળ)માં મુસલમાનોની બહુમતી હતી. ૩ કરોડ ૧૦ લાખની વસ્તીમાં ૧ કરોડ ૮૦ લાખ મુસલમાન અને ૧ કરોડ ૨૦ લાખ હિન્દુ હતા. બીજી બાજુ, ભાગલા પછી બચેલા બંગાળની ૫ કરોડ ૪૦ લાખની વસ્તીમાં ૪ કરોડ ૨૦ લાખ હિન્દુ અને ૯૦ લાખ મુસલમાન હતા. પૂર્વ બંગાળના મુસલમાનો અને ૧૯૦૬માં બનેલી મુસ્લિમ લીગ ભાગલાને ટેકો આપતા હતા પણ વસ્તીમાં ત્રીજા ભાગના હિન્દુઓ હતા, એમણે નવા લેફ્ટેનન્ટ ગવર્નર પર મુસલમાનો તરફ પક્ષપાત કરવાના આક્ષેપો કર્યા અને એને પણ કર્ઝનની જેમ એને પણ જવું પડ્યું. મુસલમાનોની નજરે એ હિન્દુઓનો વિજય હતો.

હાર્ડિંગના આવ્યા પછી બ્રિટિશ સરકારને ભૂલ સમજાઈ ગઈ. હાર્ડિંગની ભલામણથી બંગાળના ભાગલા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને સમ્રાટ પંચમ જ્યૉર્જ હિન્દુસ્તાન આવ્યો ત્યારે એણે દિલ્હી દરબારમાં જાહેરાત કરી કે ૧ ઍપ્રિલ ૧૯૧૨થી બંગાળ ફરી એક થઈ જશે. તે સાથે જ બ્રિટિશ રાજની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો પણ નિર્ણય જાહેર કરાયો. આનાથી મુસલમાનો નારાજ થયા, એમને ખુશ કરવા માટે જાન્યુઆરીમાં જાહેરાત કરાઈ કે ઢાકામાં યુનિવર્સિટી અને હાઈકોર્ટ શરૂ કરાશે.

હાર્ડિંગ પર હુમલો

૧૯૧૨ના ડિસેમ્બરની ૨૩મી તારીખે લૉર્ડ અને લેડી હાર્ડિગ વાજતેગાજતે, હાથી પર બેસીને દિલ્હીમાં પ્રવેશ્યાં. એમની શોભાયાત્રા ચાંદની ચોકમાં પહોંચી. રસ્તાની બન્ને બાજુએ હાકેમને જોવા માટે ભીડ ઊમટી હતી. ત્યાં જ હાથી પરની અંબાડી પર કંઈક અફળાયું અને ધડાકો થયો. પંજાબ નેશનલ બૅન્કની બિલ્ડિંગમાંથી કોઈએ બોમ્બ ફેંક્યો હતો. એનો ભોગ તો પાછળ બેસીને ચામર ઢોળતો ખાસદાર બન્યો. હાર્ડિંગને ખબર ન પડી પણ લેડી હાર્ડિંગે પાછળ જોયું તો ખાસદાર ઊંધે માથે લટકી ગયો હતો. એનું ધ્યાન ગયું કે પતિના ખભામાંથી પણ લોહી નીકળે છે. એણે પહેલાં તો પતિને કહ્યું નહીં, માત્ર સરઘસ રોકી દેવા કહ્યું, જેથી મૃત માણસને ઉતારી શકાય. પણ બહુ લોહી વહી જવાથી હાર્ડિંગની જીભે લોચા વળતા હતા, સરઘસ રોકી દેવાયું. હાર્ડિંગને તરત સારવાર માટે લઈ ગયા.

આખું તંત્ર બોમ્બ ફેંકનારને શોધવામાં લાગી ગયું. આ કામ કોઈ એકલદોકલનું તો ન જ હોય. બંગાળના ક્રાન્તિકારીઓ પર સરકારી તંત્રનું ધ્યાન કેન્દ્રિત થયું કારણ કે બોમ્બ અને એનો ઉપયોગ કરવાની રીત બંગાળી ક્રાન્તિકારીઓ જેવી જ હતી. આ ઘટના દિલ્હી કાવતરા કેસ તરીકે ઓળખાય છે. અંતે હુમલાની યોજના પાછળ રહેલા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા, જેમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહી હતા. કેસ પત્યા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને માસ્ટર અવધબિહારીને ફાંસી આપી દેવાઈ. બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપવામાં આવી. એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.

અમીર ચંદનો જન્મ ૧૮૬૯ માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાન)માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા.અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. ચારેય શહીદોને પ્રણામ કરીએ.

000

સંદર્ભઃ

(૧) https://mygoldenbengal.wordpress.com/2015/08/06/partition-of-bengal-1905-and-its-annulment-in-1911/

(૨)  https://wallsofignorance.wordpress.com/2015/05/30/this-month-of-may-dedicated-to-freedom-fighters/

%d bloggers like this: