india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-6

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ ૬:: ૧૮૮૫થી ૧૯૧૫ – બંગાળના ક્રાન્તિકારીઃ ૧૯૦૮: ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી

આ બાજુ કોંગ્રેસની મવાળવાદી પ્રવૃત્તિઓ ચાલતી હતી, અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ હતી તેમ છતાં બંગાળના ભાગલાની અસરો મંદ નહોતી પડતી. મંગલ પાંડેએ બંગાલ આર્મીની બરાકપુર છાવણીમાં વિદ્રોહ કર્યો તેમ છતાં જે બંગાળ ૧૮૫૭ વખતે શાંત રહ્યું તે જ બંગાળની નસો ૧૯૦૫ પછી વિદ્રોહથી થડકવા લાગી હતી. આમાં સૌથી નાની ઉંમરના ક્રાન્તિવીરો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીનાં બલિદાનો આજે પણ રક્તરંજિત અક્ષરે ઇતિહાસમાં નોંધાયેલાં છે. ખુદીરામનાં માતાપિતાને ત્રણ દીકરીઓ હતી અને એ ચોથું સંતાન હતા. એમના બે મોટા ભાઈઓનાં બાલ્યાવસ્થામાં જ અવસાન થયાં હતાં એટલે કુટુંબમાં વધારે મૃત્યુ ન થાય તે માટે માબાપે બાળક ખુદીરામને અનાજના બદલામાં પોતાની દીકરી અપરૂપાને ‘વેચી’ દીધો. દીકરીને આ બાળક ‘ખુદ’(અનાજ)ના બદલામાં મળ્યું હતું એટલે એનું નામ ખુદીરામ પાડ્યું. તે પછી માતાપિતા સાથે એમનો સંપર્ક ન રહ્યો.

એ નાની ઉંમરે જ એમની સ્કૂલના પ્રિન્સિપાલ સત્યાનંદ બસુના ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત થયા અને બંગાળના ભાગલાના વિરોધમાં ઠેર ઠેર ભડકી ઊઠેલા આંદોલનમાં કૂદી પડ્યા. વિદેશી કાપડના બહિષ્કાર દ્વારા એમને અંગ્રેજ શાસન દ્વારા થતા શોષણનો ખ્યાલ આવ્યો. તે પછી એ અરવિંદ ઘોષ અને વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતાનાં ભાષણોથી પ્રેરાઈને બાર વર્ષની ઉંમરે સક્રિય ક્રાન્તિકારી બની ગયા અને એમના વતન તામલૂક જિલ્લાના એક છૂપા વિદ્રોહી સંગઠનના સભ્ય બની ગયા.

૧૯૦૫માં એ યુગાંતરના સભ્ય બન્યા. એ જ વર્ષે બંગાળના ભાગલા થયા ને અનુશીલન, યુગાંતર વગેરે ક્રાન્તિકારી સંગઠનો સક્રિય બની ગયાં. એ અરસામાં ખુદીરામે મેદિનીપુરની પોલિસ ચોકી પાસે બોંબ ગોઠવ્યો.

તે પછી યુગાંતરે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીને કલકત્તા પ્રેસીડેન્સીના મૅજિસ્ટ્રેટ કિંગ્સફૉર્ડની હત્યા માટે ૧૯૦૮માં બિહારના શહેર મુઝફ્ફરપુર મોકલ્યા. અહીં બન્ને જુદાં નામે એક ધર્મશાળામાં રહ્યા. મૅજિસ્ટ્રેટને કોર્ટમાં મારવાનો હતો પણ ત્યાં બીજા નિર્દોષ લોકોનાં મોત થવાનો ભય હતો એટલે એમણે કિંગ્સફૉર્ડને સાંજે એ યુરોપિયન ક્લબમાંથી પાછો ફરતો હોય ત્યારે મારવાનું નક્કી કર્યું. રાતના અંધારામાં એમણે કિંગ્સફૉર્ડની ઘોડાગાડી પર બોંબ ફેંક્યો અને ગોળીબારો કરીને બન્ને નાસી છૂટ્યા. તે પછી એમને સમાચાર મળ્યા કે ગાડીમાં તો એક બૅરિસ્ટર પ્રિંગલ કૅનેડીની પત્ની અને પુત્રી હતાં! આમ બે નિર્દોષ સ્ત્રીઓના જાન ગયા.

હવે બન્ને અલગ થઈ ગયા અને ભાગી છૂટ્યા. પરંતુ બન્ને થોડા જ દિવસમાં પકડાઈ ગયા. ખુદીરામ પહેલી મેના દિવસે પકડાયા તે પછી પ્રફુલ્લ ચાકી એક ઘરમાં છુપાઈ ગયા. ઘર માલિકે એમની બરાબર કાળજી લીધી અને ત્યાંથી ભાગી છૂટવા માટે કલકત્તાની ટ્રેનની ટિકિટ પણ લઈ આપી. પ્રફુલ્લ ચાકી ટ્રેનમાં નીકળી પડ્યા, પણ એ એક જ ટ્રેનમાં મુસાફરી કરવામાં જોખમ હતું એટલે ટ્રેન બદલીને એ કલકત્તા પહોંચવા માગતા હતા.

એ જ ટ્રેનમાં એક પોલીસ ઑફિસર નંદ લાલ બૅનરજી પણ હતો. એને શંકા ગઈ કે આ જ પ્રફુલ્લ ચાકી છે. એને ખાતરી કરી લીધી કે એની શંકા વાજબી હતી. પ્રફુલ્લ ટ્રેન બદલવા ઊતર્યા કે તરત એને એમને પકડી લીધા. પ્રફુલ્લે પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ છોડી પણ બૅનરજી બચી ગયો. આથી એમણે પોતાને લમણે જ પિસ્તોલ ગોઠવીને ઘોડો દબાવી દીધો. પ્રફુલ્લ ચાકીનો મૃતદેહ જ બૅનરજીને હાથ લાગ્યો.

આ બાજુ ખુદીરામે ટ્રેનની સફર કરવામાં જોખમ જોયું. એટલે એ ચાલતાં જ નીકળી ગયા. એક ગામે એ થાકના માર્યા હોટલમાં પાણી પીવા ઊભા રહ્યા ત્યારે બે કોન્સ્ટેબલો એમની પાસે આવ્યા અને એમની ઝડતી લીધી. ખુદીરામ પાસેથી બે રિવૉલ્વર અને ૩૭ રાઉંડ કારતૂસ નીકળ્યાં. ૧૯૦૮ની પહેલી મેના દિવસે એમની ધરપકડ થઈ ગઈ. આખું શહેર એમને જોવા ઊમટી પડ્યું.

 એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યાં એમણે આ હત્યાઓ પોતે એકલાએ જ કરી હોવાનું કબૂલ્યું. પોલીસવાળા એમની પાસેથી પ્રફુલ્લ ચાકી કે મેદિનીપુરના બીજા વિદ્રોહી સાથીઓનાં નામ કઢાવી ન શક્યા. છેવટે, પોલીસે એ વખતે જે અમાનવીયતા દેખાડી તે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. પોલિસે પ્રફુલ્લ ચાકીનું માથું ધડથી અલગ કરી નાખીને ખુદીરામ અને ચાકીના ક્રાન્તિકારી સંબંધોની ખાતરી માટે ખુદીરામ પાસે કલકતા મોકલી આપ્યું. એ જોતાં જ ખુદીરામના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને એમનો પ્રફુલ્લ ચાઅકી સાથેનો સંબંધ સ્થાપિત થઈ ગયો.

આ બાજુ ખુદીરામના બચાવમાં નામાંકિત વકીલો કોર્ટમાં ઊપસ્થિત થયા. કેસ ચાલ્યો પણ ખુદીરામને ફાંસીની સજા થઈ. તે પછી એમણે હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરી દીધો. વકીલોની સમજાવટથી એમણે અપીલ તો કરી પણ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાની ના પાડી દીધી.

૧૯૦૮ની ૧૧મી ઑગસ્ટે ખુદીરામ હસતે મુખે ફાંસીના માંચડે ચડ્યા, થોડી જ વારમાં ૧૮ વર્ષના આ યુવાન દેશભક્ત હંમેશ માટે અમર થઈ ગયા.


સંદર્ભઃ

https://www.iloveindia.com/indian-heroes/khudiram-bose.html#JlP4BTL3yzks1Zys.99

http://magazines.odisha.gov.in/Orissareview/2012/sep/engpdf/34-35.pdf

https://www.thebetterindia.com/154131/khudiram-bose-independence-day-freedom-fighter-news/


5 thoughts on “india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-6”

  1. કાળજું કંપાવી દે તેવી આઝાદીના આ લડવૈયાઓની વાતો દરેક ભારતીયે જાણવી જોઈએ.
    પ્રફુલ્લ ચાકીનું બલિદાન અને ખુદીરામ બોઝની શહાદત હિંદુસ્તાનના ઇતિહાસને ગૌરવગાથા છે. અંગ્રેજ હકૂમતે કરેલ અમાનવીય વર્તન આપણું લોહી ઉકાળી દે છે.

    દીપકભાઈ! આશા રાખું કે આપ જે જહેમતથી લેખનું સંકલન કરો છો તેને વાચકો સમજે. આપની લેખમાળા કિશોરોએ અને યુવા વર્ગે તો ખાસ વાંચવી જોઈએ.

    1. આપણો આઝાદીનો ઇતિહાસ સળંગ છે પરંતુ સ્થાપિત હિતો માત્ર એકાંગી વાત રજૂ કરે છે. મારો પ્રયત્ન એ છે કે સંઘર્ષના જુદા જુદા રંગોને એક સાથે સાંકળી લેવા. આપણે તિલક-ગોખલે વિશે જાણતા હોઈએ ત્યારે એ જ સમયમાં ખુદીરામ-પ્રફુલ્લ ચાકી પણ સક્રિય હતા, એમના વિશે પણ જાણવું જરૂરી છે. સમગ્રલક્ષી ઇતિહાસદૃષ્ટિ વિના આપણે કોઈ એક પક્ષને અન્યાય કરી બેસીએ. આ બન્ને તિલક-ગોખલે કે ખુદીરામ-પ્રફુલ્લ ચાકીની જોડીઓ જાણે જુદા જુદા દેશોની આઝાદી માટે સંઘર્ષ કરતા હોય એમ આપણો ઇતિહાસ અલગ દેખાડે છે. કોંગ્રેસનો માર્ગ સાચો કે ક્રાન્તિકારીઓનો? આ પ્રશ્નનો જવાબ આપવાનું આપણું ગજું નથી. આપણા માટે બધા સમાન આદરના અધિકારી છે, કારણ કે બધી જાતના સંઘર્ષો એકસાથે ચાલતા હતા. એક વધારે મહત્ત્વનો અને બીજો ઓછો કે અર્થહીન, એવું નથી. બધા સમાન મહત્ત્વના છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: