India: Slavery and struggle for freedom : Part 3 : Chapter 5

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ :: ૧૮૮૫થી ૧૯૧૫- મુસ્લિમ લીગની સ્થાપના : ૧૯૦૬

૧૮૮૫થી ૧૯૧૫ની રાજકીય ઘટનાઓની ચર્ચામાં મુસ્લિમ લીગની સ્થાપનાનો ઉલ્લેખ કરવો જ પડે. દેશના ભવિષ્ય પર એની બહુ મોટી અસર પડી છે અને આજ સુધી વર્તાય છે.

પૂર્વભૂમિકા

૧૮૫૭ના વિદ્રોહ પછી ભારતમાં બ્રિટિશ હકુમતે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ભેદભાવની નીતિ લાગુ કરી. ૧૮૫૭માં સામાન્ય મુસલમાનોએ ગામડે ગામડે મોટી સંખ્યામાં વિદ્રોહમાં ભાગલીધો આથી અંગ્રેજોએ હવે દરેક વાતમાં હિન્દુઓની તરફેણ કરવાનું વલણ અપનાવ્યું. જો કે મુસલમાનોની રૂઢિચુસ્તતાનો પણ એમાં મોટી ભૂમિકા રહી. હિન્દુઓ નવા અંગ્રેજી શિક્ષણનો લાભ લેવામાં આગળ રહ્યા અને ઘણા સામાજિક સુધારા પણ કર્યા. બી જી બાજુ મુસલમાનો હજી પણ પોતે આખા હિન્દુસ્તાનના અને નાનીમોટી જાગીરોમાં સત્તાધારી હતા એ વાત ભૂલી શકતા નહોતા. નવાબી મૂડને કારણે નવું સ્વીકારવામાં એમને વાર લાગતી અને પશ્ચિમી શિક્ષણને દીન વિરુદ્ધ માનતા. હિન્દુઓ તો આગળ વધ્યા પણ મુસલમાન પછાત રહી ગયા. તેમાં અંગ્રેજ હકુમતની કિન્નાખોરી પણ ઉમેરાઈ.

૧૮૫૭ના વિદ્રોહ વખતે કેળવણીકાર સર સૈયદ અહમદ ૪૦ વર્ષના હતા. ઇંગ્લૅંડમાં શિક્ષણ મેળવીને એ બ્રિટિશ હકુમતમાં જજ તરીકે નોકરી કરતા હતા. એ અંગ્રેજી શાસનના સમર્થક અને વિદ્રોહના વિરોધી હતા. જો કે એમણે એક પુસ્તક લખીને વિદ્રોહ માટે ઈસ્ટ ઇંડિયા કંપનીની હકુમતને જવાબદાર ઠરાવી અને અંગ્રેજોની ભેદભાવભરી નીતિઓનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે હિન્દુ અને મુસલમાન, બન્ને કોમ, હિન્દુસ્તાન રૂપી સુંદર નવવધૂની બે આંખ છે. વિદ્રોહ પછી નવું શાસન અમલમાં આવ્યું તેમાં એમને અંગ્રેજોનો દ્વેષ તો દેખાયો તે ઉપરાંત મુસલમાનોની અંદરની ઉણપો પણ નજરે ચડી. એ મુસલમાનોના પછાતપણાનો અભ્યાસ કરીને એ એવા તારણ પર પહોંચ્યા હતા કે મુસલમાનોએ પ્રગતિ કરવી હોય તો પાશ્ચાત્ય શિક્ષણ લેવું જ પડશે. મુસલમાનોએ રાજકીય આંદોલનોથી દૂર રહેવું જોઈએ અને પોતાના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ એમ એમનું કહેવું હતું. એમનો કટ્ટરપંથીઓએ બહુ વિરોધ કર્યો પણ એ અડગ રહ્યા અને મુસલમાનોમાં આધુનિક શિક્ષણનો પ્રચાર કરતા રહ્યા.

અલીગઢમાં એમણે મુસ્લિમ ઍંગ્લો-ઓરિએંટલ કૉલેજ (જે પાછળથી અલીગઢ યુનિવર્સિટી બની) સ્થાપી..

આ સમય દરમિયાન આગા ખાન પણ મુસલમાનોને આધુનિક શિક્ષણ માટે પ્રોત્સાહન આપતા રહ્યા. પછી ૧૮૮૮માં સર સૈયદ અહમદે ઑલ ઇંડિયા મોહમેડન એજ્યુકેશનલ કૉન્ફરન્સની સ્થાપના કરી. ધીમે ધીમે સર સૈયદ અહમદ ખાનનો વૈચારિક પ્રભાવ વધતો જતો હતો. દર વર્ષે કૉન્ફરન્સની બેઠક મળતી અને શિક્ષિત મુસલમાનો એમાં ભાગ લેતા. ૧૯૦૬માં લખનઊમાં એની બેઠક મળી તેમાં મુસલમાનોના રાજકીય હકો માટે કોઈ સંગઠન ઊભું કરવાનો નિર્ણય લેવાયો અને એ જ વર્ષે ૩૦મી ડિસેમ્બરે ઢાકામાં મુસ્લિમ લીગનો જન્મ થયો.

અંગ્રેજી શાસન અને હિન્દુ-મુસલમાન સંબંધો

મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં થઈ એ પણ સમજવા જેવું છે.

૧૮૫૭થી ૧૯૦૫ સુધી અંગ્રેજોનું એકંદર વલણ હિન્દુઓની તરફેણનું હતું પણ બંગાળના ભાગલા થયા ત્યારે એ મુસલમાનોને જરૂરી અને યોગ્ય લાગ્યા, પણ હિન્દુ સમાજમાં એનો જોરદાર વિરોધ થયો. ક્રાન્તિકારી આંદોલનો થવા લાગ્યાં પણ મુસ્લિમ નેતાઓ પોતાની કોમને રાજકીય આંદોલનથી દૂર રહેવા સમજાવતા હતા. એ ખરેખર તો ભાગલાના પક્ષમાં હતા કારણ કે કર્ઝને એવો પ્રચાર કર્યો હતો કે પૂર્વ બંગાળને અલગ કરવાથી મુસલમાનોને પોતાનો વિકાસ કરવાની ઘણી તકો મળશે. બંગભંગ પછી અંગ્રેજોનો હિન્દુઓ પ્રત્યે ગુસ્સો વધવા લાગ્યો. હવે એ મુસલમાનો તરફ ઢળવા લાગ્યા હતા.

કર્ઝન પછી લૉર્ડ મિંટો વાઇસરૉય તરીકે આવ્યો. એનું નામ રાજકીય સુધારા સાથે જોડાયેલું છે, પણ એના આ સુધારાઓનો એક હેતુ રાજકીય પુનરુત્થાન રોકવાનો પણ હતો. આથી હિન્દુ-મુસલમાન મુદ્દો એને હાથ લાગ્યો. મિંટોએ અલીગઢની કૉલેજના પ્રિંસિપાલ મારફતે મુસ્લિમ નેતાઓને પ્રતિનિધિમંડળ લઈને આવવાનો સંદેશ મોકલ્યો. ૧૯૦૬ના ઑક્ટોબરમાં સર આગા ખાનની આગેવાની હેઠળ મુસ્લિમ પ્રતિનિધિમંડળ શિમલામાં વાઇસરૉયને મળ્યું અને એક મેમોરેન્ડમ આપીને કોમની માગણીઓ રજૂ કરીઃ મુસલમાનોને સરકારી નોકરીઓ એમની વસ્તીના પ્રમાણમાં આપવી જોઈએ અને એમાં હરીફાઈ ન હોવી જોઈએ; મ્યુનિસિપાલિટીઓમાં બન્ને કોમોના પ્રતિનિધિ હોવા જોઈએ; લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં મુસલમાનોનું અલગ મતદાર મંડળ મુસ્લિમ ઉમેદવારને ચૂંટવા માટે હોવું જોઈએ; વાઇસરૉયની કાઉંસિલમાં હિન્દીઓની નીમણૂક કરતી વખતે મુસલમાનોનાં હિતોનું ધ્યાન રાખવું જોઈએ; મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરવી જોઈએ.

વાઇસરૉય મિંટો આ સફળતા માટે પોતાની જ પીઠ થપથપાવવા લાગ્યો. એને પ્રતિનિધિમંડળને મળીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને જવાબમાં એક લાંબો પત્ર લખીને ખાતરી આપી કે, “મુસ્લિમ કોમે એ વાતની પૂરી ખાતરી રાખવી જોઈએ કે હું જે કંઈ વહીવટી સુધારા કરીશ તેમાં એમના અધિકારો અને હિતો સુરક્ષિત રહેશે.”

મિંટોના એક અંગ્રેજ અધિકારીએ મિંટોની પત્ની સમક્ષ આનંદ વ્યક્ત કર્યો કે “આજે જે થયું છે તેનો પ્રભાવ ભારત અને એના રાજકારણ પર લાંબો વખત રહેશે. આજે અમે ૬ કરોડ ૨૦ લાખ લોકોને વિદ્રોહીઓ સાથે જતાં રોકી લીધા છે!”

ઇતિહાસનાં વહેણની દિશાનું અવલોકન કરવાની જરૂર છે. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોની ખફગીનો ભોગ બનેલી કોમ હવે એની માનીતી કોમ બની હતી. સર સૈયદ અહમદે શૈક્ષણિક સુધારાની પહેલ કરી તેમાંથી શિક્ષિત અને આધુનિક મુસ્લિમ સમાજ પેદા થયો. શિક્ષણ લીધા પછી મુસલમાનોના આ વર્ગની આકાંક્ષાઓ પણ હિન્દુઓના શિક્ષિત વર્ગની જેમ સળવળી. પહેલાં રાજકારણથી દૂર રહેવાની વાત હતી તેને બદલે હવે રાજભક્તિનું રાજકારણ શરૂ થયું.

સર સૈયદ અહમદે હિન્દુઓ અને મુસલમાનોને સુંદર નવવધૂની બે આંખ સાથે સરખાવ્યા હતા અને એ માનતા હતા કે બન્ને કોમો એકસાથે આગળ વધવી જોઈએ, કારણ કે એક જ કોમ આગળ વધે તેમાં દ્દેશનું ભલું નથી. એમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોનાં ખાનપાન પણ સમાન છે અને એમનામાં ફેર નથી, પરંતુ એ સાંસ્કૃતિક વાત હતી. રાજકીય મુદ્દા પર મુસલમાન નેતાઓ પોતાની કોમને અલગ માનતા હતા. સૈયદ અહમદની જેમ ઇસ્લામના પ્રકાંડ વિદ્વાન સૈયદ અમીર અલી (એમનું પુસ્તક The Spirit of Islam ઇસ્લામ વિશેનું એક સર્વમાન્ય પુસ્તક છે) પણ માનતા હતા કે કોંગ્રેસ મુસલમાનોનું પ્રતિનિધિત્વ નથી કરતી અને મુસલમાનોએ કોંગ્રેસમાં ન જોડાવું જોઈએ. સૈયદ અહમદનું એક મંતવ્ય જાણવા જેવું છેઃ

ધારો કે અંગ્રેજ કોમ અને એની સેના ભારત છોડી જાય, પોતાની બધી તોપો અને શાનદાર અસ્ત્રશસ્ત્ર પણ સાથે લઈ જાય, તો એ સંજોગોમાં શક્ય છે ખરું, કે બે કોમો(Nations), મુસલમાનો અને હિન્દુઓ એક જ સિંહાસને બેસે અને સત્તામાં એકસરખા રહે? નહીં જ વળી. એક કોમ બીજી કોમ પર જીત મેળવે તે જરૂરી છે. બન્ને એક સમાન રહે એ અશક્ય અને માની ન શકાય તેવું છે. જ્યાં સુધી એક કોમ બીજીને હરાવીને એને આજ્ઞાંકિત ન બનાવી દે ત્યાં સુધી દેશમાં શાંતિ ન સ્થપાય.” (દિલીપ હીરોના પુસ્તક “The Longest August: The Unflinching Rivalry Between India and Pakistan”નુ આ અવતરણ વિકીપીડિયા પરથી લીધું છે, એની લિંક નીચે આપી છે).

પાકિસ્તાનનાં બીજ વીસમી સદીની શરૂઆતમાં જ વવાઈ ગયાં હતાં અને મિંટો જેવા માળીએ એની ખૂબ સંભાળ લીધી. આ બીજને વૃક્ષ બનતાં બીજાં ચાળીસ વર્ષ લાગી ગયાં.


સંદર્ભ

https://www.dawn.com/news/1310662 (ફોટો)

https://en.wikipedia.org/wiki/Syed_Ahmad_Khan#cite_note-48

https://www.sansarlochan.in/muslim-league-hindi/

૦૦૦

3 thoughts on “India: Slavery and struggle for freedom : Part 3 : Chapter 5”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: