Science Samachar (69)

() આપણી આખી સૂર્યમાળાનો કોળિયો કરી જાય એવડું મોટુંગાર્ગૅન્શુઆબ્લૅક હોલ

M-87 ગૅલેક્સીના કેન્દ્ર ભાગમાં વૈજ્ઞાનિકોએ એક જબ્બરદસ્ત બ્લૅક હોલ છે, જેની તસવીર દુનિયાએ સૌ પહેલી વાર આ વર્ષના ઍપ્રિલમાં જોઈ. વૈજ્ઞાનિકોએ એને ગાર્ગૅન્શુઆ (Gargantua) નામ આપ્યું છે, કારણ કે એના જેવડું મોટું બ્લૅક હોલ હજી સુધી જોવા નથી મળ્યું. એનું દળ સાડા છ અબજ સૂર્યો સમાઈ જાય એવડું છે. હબલ ટેલિસ્કોપ કરતાં ચાર હજાર ગણા શક્તિશાળી ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના કદના લેન્સ પર એની તસવીર લઈ શકાઈ છે.ખગોળ શાસ્ત્રીઓ માને છે કે અસંખ્ય બ્લૅક હોલોને ગળી જઈને આ બ્લૅક હોલ બન્યું છે. M-87 પોતે પણ આપણી નજીકની ગૅલેક્સીઓમાં સૌથી મોટી છે અને એમ માનવામાં આવે છે કે ઘણીયે ગૅલેક્સીઓને ગળી જઈને એણે પોતાનું કદ વધાર્યું છે. અહીં ચોકઠામાં બ્લૅક હોલ પદાર્થોના બે ફુવારા છોડે છે તે દેખાડ્યા છે. એ આપણાથી ૫ કરોડ ૫૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે એટલે અહી જે દેખાય છે તેવું આટલા વર્ષો પહેલાં હતું. એ વખતે હજી તો પૃથ્વી પર આપણે જીવનનું પરોઢ જોતા હતા!

આજથી સો વર્ષ પહેલાં હેબર કર્ટિસ નામના વૈજ્ઞાનિકે એક અજબ લાગતું સીધું કિરણ આ ગૅલેક્સીના મધ્ય ભાગમાંથી નીકળતું જોયું હતું. ત્યારથી જ એ બ્લૅક હોલ હોવાનું અનુમાન થતું હતું પણ એની સાબીતી હવે મળી છે.

સંદર્ભઃ https://dailygalaxy.com/2019/07/gargantua-the-black-hole-that-could-swallow-our-solar-system/

૦૦૦૦

() હવાના પ્રદૂષણને કારણે ફેફસાં જલદી ઘરડાં થઈ જાય છે

યુરોપિયન લંગ ફાઉંડેશને પ્રકાશિત કરેલા એક રિપોર્ટ પ્રમાણે ત્રણ લાખ લોકોનાં ફેફસાં પર હવાના પ્રદૂષનની અસરનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે એક ઘન મીટર હવામાં વાર્ષિક સરેરાશ પાંચ માઇક્રોગ્રામ PM2.5 નો ઉમેરો થતો હોય તો બે વર્ષ ઉંમર વધી ગઈ હોય ત્યારે ફેફસાં જે રીતે કામ કરતાં હોય તે સ્થિતિ જોવા મળે છે. આ અભ્યાસમાં માત્ર લોકોને ઘરમાં રાખીને જ પ્રયોગ કારવામાં આવ્યો. ઘરની બહાર હવા વધારે ખરાબ હોય છે અને એમાં ફેફસાં પર થતી અસરને કારણે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) થવાની શક્યતા બહુ વધી જાય છે. COPDમાં શ્વસનમાર્ગ સાંકડો થઈ જાય છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ લાગે છે. આવતાં દસ વર્ષમાં COPDને કારણે મૃત્યુ થવાના કેસોમાં વધારો થવાનો સંભવ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ઘન મીટર હવામાં માત્ર ૧૦ માઇક્રોગ્રામ PM ને સલામત માન્યું છે પણ સંશોધકોએ સ્પીરોમીટ્રી (ફૂંક મારીને કેટલી હવા એકીસાથે બહાર કાઢી શકાય છે તેની તપાસ) ટેસ્ટમાં જોયું કે ઘરમાં જ ‘નિષ્ક્રિય ધૂમ્રપાન’ને કારણે દરેક ૨.૫ માઇક્રોગ્રામના વધારા સાથે ફેફસાંનું કાર્ય મંદ પડી જાય છે. સંશોધકોએ જુદાં જુદાં પ્રદૂષક ઘટકોની જુદી જુદી માત્રા લઈને આ પ્રયોગો કરતાં વધારે ચિંતાજનક પરિણામો મળ્યાં હતાં. આ પ્રયોગો ૨૦૦૬ અને ૨૦૧૦ વચ્ચે વ્યાપક સ્તરે હાથ ધરાયો હતો.

સંદર્ભઃ https://www.europeanlung.org/en/news-and-events/media-centre/press-releases/air-pollution-speeds-up-ageing

૦૦૦

() ૩૩,૦૦૦ વર્ષ પહેલાં ખૂન!

એક ભાઈ પોતાના કામે નીકળ્યા હતા ત્યારે કોઈકે માથા પર ફટકો મારીને એમને ઢાળી દીધા. આ એમની ખોપરી છે. હત્યારો ડાબોડી હોય એમ લાગે છે. ક્યાંની આ વાત છે? ક્યારે બન્યું? આ ઘટના આજથી ૩૩,૦૦૦ વર્ષ પહેલાં રુમાનિયાના મધ્યભાગમાં આવેલા ટ્રાન્સિલ્વેનિયાના દક્ષિણ પ્રદેશમાં બની હતી. ૧૯૪૧માં આ ખોપરી અશ્મિભૂત રૂપે મળી. માણસની ખોપરી મળી હોય તેવી આ બહુ શરૂઆતની ખોપરી છે એટલે એનો અભ્યાસ બહુ થયો છે. પરંતુ એના મૃત્યુનાં કારણો વિશે વિવાદ હતો. જો કે, બહુ શરૂઆતથી જ ખોપરીના આગલા ભાગમાં ઘાનાં બે નિશાન જોવા મળ્યાં જ હતાં. આ ખોપરીના માલિકને સિઓક્લોવિના કૅલ્વેરિયા (Cioclovina calvaria) નામ અપાયું છે.

જર્મનીની ટ્યૂબિન્જેન યુનિવર્સિટીનાં કૅટરીના હાર્વટીની ટીમનો આ લેખ PLOS ONE મૅગેઝિનના હાલના અંકમાં પ્રકાશિત થયો છે. જે બે ઘા રુઝાયા નથી ત્યાં ખાડા છે. જ્યારે માથામાં બૅટ કે ધોકો માર્યો હોય ત્યારે આવી જ ઈજા થઈ હોય છે. ખોપરીનો જખમી ભાગ અંદર તરફ ગયો છે તેના પરથી બેટ કે ધોકાથી હુમલો થયો હોવાનું અનુમાન કરાયું છે. વળી, જે રીતે ઈજા થઈ છે તે જોતાં વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે બન્ને સામસામે આવી ગયા હશે. મરનારને જમણી બાજુએ ઈજા થઈ છે. સામાન્ય રીતે ડાબા હાથે હથિયાર પકડ્યું હોય ત્યારે જમણી બાજુ ઘા થતો હોય છે. બીજા વિશ્વયુદ્ધના સૈનિકોના મૃતદેહોનો અભ્યાસ થયો છે તેમાં જોવા મળ્યું હતું કે આવું ફ્રેક્ચર ફેલાય છે અને આગળના ફ્રેક્ચર સાથે મળી જાય છે તેના કારણે ખોપરી વધારે તૂટવા લાગે છે અને માણસનું મૃત્યુ થાય છે.

સંદર્ભઃ https://journals.plos.org/plosone/article?id=10.1371/journal.pone.0216718

૦૦૦

() નવો રૅડાર ઉપગ્રહ દેખાડશે કે કયો પુલ તૂટી પડવાનું જોખમ છે

નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરી અને બૅથ યુનિવર્સિટીના સંશોધકોએ પુલ તૂટી પડવાની આગોતરી ચેતવણી આપે એવી રૅડાર પદ્ધતિનો વિકાસ કર્યો છે. હવે જે સરકારોને એમની જનતાની પરવા હશે તે આનો ઉપયોગ કરશે. ગયા વર્ષના જુલાઈમાં અંધેરીના પુલનો એક ભાગ પડી ગયો. તે પછી ઑગસ્ટમાં ઈટલીમાં મોરંડી બ્રિજ તૂટી પડ્યો અને ૪૩નાં મોત થયાં. તે પછી થોડા જ દિવસોમાં કોલકાતામાં એક પુલ તૂટી પડ્યો, તેમાં ત્રણના જાન ગયા અને ૨૫ને ઈજાઓ થઈ.

આપણે ત્યાં શું થયું તે ખબર નથી પણ ઈટલીમાં વૈજ્ઞાનિકોએ છેલ્લાં પંદર વર્ષમાં મોરંડીના પુલની ઊપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો અભ્યાસ કર્યો. એમણે પુલમાં ધીમે ધીમે થયેલા ફેરફારો જોયા. એના પરથી એક ગાણિતિક મૉડેલ તૈયાર કર્યું અને પુલ ધસી પડવાની સ્થિતિ ક્યારે આવે તેનો અંદાજ કર્યો. તે પછી એમણે રૅડાર ઉપકરણ બનાવ્યું જે એક મિલીમીટરના ફેરફારની પણ નોંધ લઈ શકે છે. માત્ર પુલો જ નહીં, જમીનની નીચે બોગદાં બનાવતી વખતે આસપાસનાં મકાનોના પાયા પર શી અસર પડતી હશે? આ રૅડાર એ પણ દેખાડી શકશે.

સંદર્ભઃ https://www.bath.ac.uk/announcements/new-high-definition-satellite-radar-can-detect-bridges-at-risk-of-collapse-from-space/

૦૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: