India: Slavery and struggle for freedom : Part 3 : Chapter 4

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ ૪:: ૧૮૮૫થી ૧૯૧૫ – કોંગ્રેસના ભાગલા

૧૯૦૫માં બનારસ (વારાણસી)માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ જાહેરાત કરી કે કોંગ્રેસનું લક્ષ્ય એ છે કે જેમ બીજી બ્રિટિશ વસાહતોમાં સ્થાનિકના લોકો જ શાસન કરે છે તે જ રીતે ભારતમાં પણ ભારતીયોને શાસન મળવું જોઈએ. એમ્ણે એ વખતના સ્ટેટ સેક્રેટરી મૉર્લે સમક્ષ પણ આ રજુઆત કરી, પણ મોર્લેએ જવાબ આપ્યો કે એ માત્ર સપનું છે અને હું હોઈશ ત્યાં સુધી એ દિવસ નથી આવવાનો. આમ બ્રિટનનું વલણ તો સ્પષ્ટ હતું. ગોખલે અને એમના નરમપંથી સાથીઓ માનતા કે સરકાર પ્રત્યે વફાદારી દેખાડવી એ દ્દેશભક્તિ છે. પરંતુ આ વલણ જાણ્યા પછી એમના પાસે આગળ કોઈ રસ્તો નહોતો.

કોંગ્રેસમાં હવે લાલ-બાલ-પાલની નેતાગીરી હેઠળ આ ‘વફાદાર દેશભક્તિ’ની જગ્યાએ ‘નવી દેશભક્તિ’માં ભરતી આવી હતી. એમણે નરમપંથીઓની નીતિને ભ્રમણા ગણાવી અને બ્રિટીશ ન્યાયમાં એમના વિશ્વાસને હસી કાઢ્યો. એમને કહ્યું કે રાજકારણમાં માનવસેવાની ભાવના ન ચાલે. અરવિંદ ઘોષે જાહેર કર્યું કે રાજકીય આઝાદી કોઈ પણ રાષ્ટ્રના શ્વાસ-પ્રાણ છે. એના વિના સામાજિક અને શૈક્ષણિક સુધારા કે ઔદ્યોગિક વિસ્તારની માંગ કરવી એ અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. બિપિનચંદ્ર પાલે ૧૯૦૭માં મદ્રાસમાં બોલતાં બ્રિટિશ અંકુશ હેઠળ શાસનનો હક માગવાની માગણીને અવ્યવહારુ અને અશક્ય ગણાવી. બિપિનચંદ્ર પાલે કહ્યું કે બ્ર્રિટન એકંદરે માલિક રહે અને હકુમત ચલાવવાનું કામ હિન્દીઓને સોંપી દે એવું બની જ ન શકે. એમ થાય તો અધૂરાપધૂરા હાકેમ અને અધૂરાપધૂરા માલિક જેવું થાય અને બ્રિટન એના માટે કદી તૈયાર ન થાય.

લાલ-બાલ-પાલની ત્રિપુટિની પ્રેરણા ‘સ્વરાજ’માં હતી. જો કે, એમની રીતભાત અને વ્યવહારમાં અંતર હતું. પાલ અરવિંદ ઘોષની નજીક હતા અને ત્રણેયમાં સૌથી વધારે ઉદ્દામ હતા. બીજા છેડે લાલા લાજપતરાય હતા. તિલકનું રાજકારણ આ બન્ને વચ્ચે હતું. આમ છતાં અરવિંદ ઘોષ કે બિપિનચંદ્ર પાલની આટલી ઉદ્દામવાદી ભાષા સાથે તિલક બહુ સંમત નહોતા. ઘોષ અને પાલ આદર્શવાદી હતા, જ્યારે તિલક ઉદ્દામ ખરા પણ વ્યવહારુ હતા. આદર્શ ગમે તે હોય પણ વ્યવહારમાં જેટલું મળી શકે તે લઈ લેવામાં તિલક માનતા હતા. એમણે ‘કેસરી’માં લખતાં કહ્યું કે બીજી વસાહતોમાં જેમ બ્રિટને સ્વશાસનનો અધિકાર આપ્યો છે તેવો જ ભારતમાં આપે, એવી માગણી બરાબર છે. એમણે સ્પષ્ટ કર્યું કે નરમપંથીઓ સાથે એમનો મતભેદ આ માગણી સરકાર સ્વીકારે તે માટે કઈ રીત અખત્યાર કરવી જોઈએ એટલા પૂરતો છે.

એક લેખકે પાછળથી નરમપંથીઓ અને ગરમપંથીઓનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે એક માણસને તરતાં ન આવડતું હોય અને એને પાણીમાં નાખી દીધો હોય અને કોઈ સારો તરવૈયો એને પકડી રાખે અને કહે કે હું તને છોડી દઈશ તો તું ડૂબી જઈશ. એ માણસ નરમપંથી હોય તો જવાબ આપશે કે તું મને ભલે પકડી રાખે પણ આટલું કસકસાવીને નહીં કે મારો શ્વાસ રુંધાઈ જાય. હવે એ જ માણસ ગરમપંથી હોય તો જવાબ આપશે કે જે થાય તે, તું મને છોડીશ તો જ મને તરતાં આવડશે.

કોંગ્રેસની સ્થાપનાને વીસ વર્ષ થઈ ગયાં હતાં, તેમ છતાં અંગ્રેજ શાસકો પાસેથી એને કશું જ હાંસલ નહોતું થયું. એટલે કોંગ્રેસમાં નિષ્ફળતાના ઓળા વર્તાતા હતા. આ સંજોગોમાં નરમપંથીઓની વિચારધારાને પડકાર ન ફેંકાય તો જ નવાઈ ગણાય.

નરમપંથીઓ અને ગરમપંથીઓ વચ્ચે બીજો ફેર એ હતો કે નરમપંથીઓ ઉચ્ચ મધ્યમવર્ગમાંથી આવતા હતા અને એમનો દૃષ્ટિકોણ પાશ્ચાત્ય આધુનિક હતો. બીજી બાજુ ગરમપંથીઓ નિમ્ન મધ્યમ વર્ગના હતા અને એમની પ્રવૃત્તિઓમાં ધર્મ અને ધાર્મિક રીતરિવાજોને સ્થાન હતું. નરમપંથીઓની જેમ એ રાજકીય આઝાદીને પણ એક તબક્કા જેવી માનતા હતા,એમની ફિકર સંસ્કૃતિને બચાવવાની હતી.

બન્ને જૂથો વચ્ચે ઘર્ષણ તો ટાળી શકાય એમ હતું નહીં પરંતુ ૧૯૦૬માં કલકત્તા અધિવેશનમાં નરમપંથીઓએ ઘર્ષણને પાછું ઠેલવામાં સફળતા મેળવી. એમણે સૌના માનને પાત્ર ૮૨ વર્ષના દાદાભાઈ નવરોજીને પ્રમુખ બનાવ્યા! પરંતુ તિલક કુનેહબાજ હતા. ૧૯૦૫ની બનારસ કોંગ્રેસમાં એમણે બંગાળના ગરમપંથીઓ સાથે સંબંધો સ્થાપ્યા હતા તે કલકત્તા કોંગ્રેસમાં કામ આવ્યા. સ્વદેશીના મુદ્દા પર બન્ને પક્ષો વચ્ચે મતભેદો ખુલ્લા થયા. નરમપંથીઓ સ્વદેશીને માત્ર આર્થિક હથિયાર માનતા હતા, જ્યારે ગરમપંથીઓ એને દેશના સ્વાભિમાનનો વિષય માનતા હતા. નરમપંથીઓનો આદર્શ બ્રિટનની રાજ્યવ્યવસ્થા હતી, જ્યારે અરવિંદ આર્યોના જમાના સુધી જતા હતા. બંગાળમાં જ વીરાષ્ટમી અને દુર્ગાપૂજા, મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને પંજાબમાં લાલા લાજપતરાયની પ્રેરણાથી આર્યસમાજના રૂપે રાજકારણમાં ધાર્મિક તત્ત્વો ઉમેરાયાં હતાં.

આમ છતાં, બન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે દાદાભાઈના મેજબાન, દરભંગાના મહારાજાના નિવાસે પ્રાથમિક સ્વરૂપની બેઠક મળી. એમાં એક બાજુ તિલક અને પાલ, અને બીજી બાઅજુ ગોખલે અને ફિરોઝશાહ મહેતા વચ્ચે ઊગ્ર ટપાટપી થઈ. જે ઠરાવોના મુસદ્દા હતા તેમાં ગરમપંથીઓની માગણી પ્રમાણે ફેરફાર કરાયા અને આમ કલકત્તામાં તો કામ ચાલી ગયું.

કલકત્તા અધિવેશન પહેલાં ગોખલેએ લખેલા પત્રમાંથી એમનો બિપિનચંદ્ર પાલ અને બાલગંગાધર તિલક વિશેનો અભિપ્રાય કેવો હીણો હતો તે દેખાય છે. પાલ વિશે ગોખલે લખે છે કે “આ માણસ” એમ માને છે કે સુરેન્દ્રનાથ બૅનરજી જેવું જ એને માન મળવું જોઈએ. અને એ ગમે તે ભોગે લીડર બનવા માગે છે. એ બહુ બહાદુરીભર્યા શબ્દો વાપરે છે, પણ એની પાછળ ખરી હિંમત નથી. મને ખાતરી છે કે એકાદ-વર્ષમાં એનું પતન થશે. તિલક વિશે ગોખલેનું માનવું છે કે એ બહારથી કોઈ સિદ્ધાંત માટે કામ કરે છે પણ ખરેખર તો પોતાની મહેચ્છા સંતોષવા માટે મથે છે. તિલકની સજાની વાત કરતાં ગોખલે લખે છે કે એમને સહન કરવું પડ્યું છે એ સાચી વાત છે, પણ એમને તકલીફ આપીને સરકારે લાખો લોકોનાં દિલ એમને સોંપી દીધાં છે.

કલકત્તા કોંગ્રેસમાં ફિરોઝશાહ મહેતા પ્રમુખ દાદાભાઈની પાસે બેઠા હતા તે પણ ગરમપંથીઓને પસમ્દ ન આવ્યું. સભામાંથી ફિરોઝશાન મહેતાને એ જગ્યાએથી હટાવવાની માગણીઓ ઊઠી. “લાત મારીને ફેંકો” જેવાં સૂત્રો પણ પોકારાયાં. દાદાભાઈએ ભાષણ કર્યું તે ખરેખર નરમ જ હતું પણ એમનાં બીજાં ભાષણો સાથે સરખાવીએ તો એ બહુ જલદ હતું!

સૂરત કોંગ્રેસ

૧૯૦૭માં અધિવેશન નાગપુરમાં મળવાનું હતું. ડિસેંબરમાં કોંગ્રેસ મળે તે પહેલાં સ્વાગત સમિતિ પ્રમુખની ચૂંટણી કરવા મળી. ગરમપંથીઓ તિલકને પ્રમુખ બનાવવા માગતા હતા પણ નરમપંથીઓએ વિરોધ કર્યો. તિલકને તો ગમે તે ભોગે અટકાવવાની એમની નેમ હતી. નાગપુર નરમપંથીઓના ગઢ જેવું હતું અધિવેશન ત્યાં રાખવાનો નિર્ણય પણ એ જ કારને લેવાયો હતો. મૂળ તો લાહોરમાં અધિબેશન મળવાનું હતું પણ એ ધીમે ધીમે ઉદ્દામવાદીઓનો ગઢ બનતું જતું હતું અને નરમપંથીઓને ત્યાં હારવાની બીક લાગી એટલે એમણે નાગપુર પસંદ કર્યું. આમ છતાં અહીં પણ ગરમપંથીઓએ એમના પર એવું ભારે દબાણ ઊભું કરી દીધું કે નાગપુરને બદલે સૂરત જવાનું નક્કી થયું.

૧૯૦૭ની ૨૬મી ડિસેમ્બરે તાપીને કાંઠે ૧૬૦૦ ડેલીગેતો અને ૮૦૦ મુલાકાતીઓ એકઠા થયા. વાતાવરણ તંગ હતું પણ શું થશે તે કોઈ કહી શકે તેમ નહોતું. લાલા લાજપતરાય છ મહિના બર્મામાં દેશનિકાલ ભોગવીને આવ્યા હતા. એ મંડપમાં આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત થયું. લાલા ખાસ લંડનથી મિત્ર અને નિરીક્ષક તરીકે આવ્યા હતા. તે પછી પ્રમુખ રાસ બિહારી ઘોષનું ફૂલેકું આવ્યું. પહેલાં લાલા લાજપતરાયનું નામ પ્રમુખપદ માટે આવ્યું હતું પણ રાસ બિહારી ઘોષનું નામ આવતાં લાલજપતરાય હટી ગયા હતા. તિલકે વચન આપ્યું હતું કે સ્વદેશી અને એમના બીજા ઠરાવ રજૂ કરવા નરમપંથીઓ તૈયાર થશે તો પોતે પ્રમુખપદ માટે દાવો નહીં કરે. પરંતુ નરમપંથીઓએ વચન ન પાળ્યું અને બહુ મોટા ફેરફારો સાથે ઠરાવો રજૂ કર્યા. તિલક આથી એમાં સુધારા સૂચવવા ઊભા થયા. એમણે બોલવા માટે સમય માગ્યો પણ પ્રમુખે ના પાડી. એટલે એ મંચ પર પહોંચી ગયા. એમણે કહ્યું કે રાસ બિહારી હજી વિધિવત્ ચુંટાયા નહોતા એટલે એમને ડેલીગેટોના નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર છે. પછી તો ખુરશીઓ ઊછળી, જોડા ચંપલો મંચ તરફ ફેંકાયાં.

સૂરત અધિવેશનમાં વિરોધ એટલો જોરદાર હતો કે અધિવેશનમાં આવેલા સોળસો પ્રતિનિધિઓ બાખડ્યા અને ખુરશીઓ ઊછળી. તે પછી ગરમપંથીઓ વૉક-આઉટ કરી ગયા. નરમપંથીઓએ ગરમપંથીઓની એક રીતે જોતાં હકાલપટ્ટી કરી હતી અને કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે ફરી એકઠા થયા. એમણે બ્રિટનના આધિપત્ય હેઠળ સ્વશાસનની માગણી દોહરાવી ત્યારે નવસો પ્રતિનિધિઓ એમના ટેકામાં હાજર હતા. એમણે કોંગ્રેસનું બંધારણ બનાવવા માટે એક સમિતિ પણ બનાવી. બેઠક મુલતવી રાખી દેવી પડી.

આના પછી નરમપંથીઓનું પતન શરૂ થઈ ગયું. બીજી બાજુ, તિલકને છ વર્ષની કેદની સજા થઈ અને એમને બર્મામાં માંડલે મોકલી દેવાયા. ૧૯૧૦માં અરવિંદ ઘોષ પોંડીચેરી (હવે પુદુચ્ચરિ)ચાલ્યા ગયા અને ત્યાં અધ્યાત્મને માર્ગે વળી ગયા. દેશ નવી દિશામાં જવાની તૈયારીમાં હતો. એ બોમ્બનો રસ્તો હતો.

સંદર્ભઃ

(1) A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) Towards India’s Freedom and Partition S. R. Mehrotra, 1979 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: