India: Slavery and struggle for freedom : Part 3 : Chapter 3

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ :: ૧૮૮૫થી ૧૯૧૫  – કર્ઝન અને બંગભંગ (૨)

૧૮૮૬માં કોંગ્રેસનું બીજું અધિવેશન કલકત્તામાં મળ્યું તેમાં દેખાયું કે કોંગ્રેસ ધીમે ધીમે રાષ્ટ્રીય સંસ્થા બનવાની દિશામાં આગળ વધતી હતી. પહેલા અધિવેશનમાં માત્ર ૭૨ પ્રતિનિધિઓ હતા પણ બીજા અધિવેશનમાં ૪૩૬ પ્રતિનિધિઓ આવ્યા અને એ બધા કોઈ ને કોઈ સંસ્થા તરફથી કે જાહેર સભા દ્વારા ચુંટાઈને આવ્યા હતા. આ કોંગ્રેસની બીજી નોંધપાત્ર ઘટના એ હતી કે હવે સુરેન્દ્રનાથ બૅનરજીએ પણ પોતાનું અલગ ઍસોસિએશન બંધ કરી દીધું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા.

અધિવેશનના પ્રમુખપદે દાદાભાઈ નવરોજી હતા એટલે કોંગ્રેસ પર એમની છપ પણ દેખાઈ અને એમાં આર્થિક બાબતો વિશેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો. કોંગ્રેસે દેશમાં સામાન્ય જનતાની વધતી ગરીબાઈ અંગે ચિંતા વ્યક્ત કરી. જો કે હજી નરમાઈ એવી હતી કે ઠરાવમાં એ પણ ઉમેરી દેવાયું કે સરકાર આ સ્થિતિ તરફ આંખ આડા કાન નથી કરતી અને કંઈક કરવા માગે છે; એમ છતાં કોંગ્રેસનો મત સ્પષ્ટ કરી દેવાયો કે ભારતની જનતાના પ્રતિનિધિઓ હોય એવી શાસન સંસ્થાઓનો વિકાસ કરવો, એ ગરીબાઈ દૂર કરવાનો અસરકારક રસ્તો છે. ૧૮૯૫માં પણ સુરેન્દ્રનાથ બૅનરજીના પ્રમુખપદે કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં અને તે પછી પણ સુર તો એ જ રહ્યો. કોંગ્રેસે શરૂઆતમાં રાજકીય કરતાં આર્થિક પાસાં પર જ ભાર મૂક્યો.

લૉર્ડ જ્યૉર્જ નથાનિયલ ર્ક્ઝન

૧૮૯૯માં લૉર્ડ કર્ઝન વાઇસરૉય તરીકે આવ્યો. એ ઉદ્દંડ અને તુમાખી હતો. એ ‘ઊતરતી’ જાતના લોકો પર શાસન કરવાના બ્રિટનના અધિકારને સ્વાભાવિક માનતો હતો. એણે આવ્યા પછી થોડા જ મહિનામાં લખ્યું કે કોંગ્રેસ કડડભૂસ થઈને પડવાની અણીએ છે અને હિન્દુસ્તાનમાં છું ત્યાં સુધી એને શાંતિથી કબરમાં પોઢતી જોવાની મારી મહેચ્છા છે.

જો કે કોંગ્રેસના નેતાઓ એનાં વખાણ કરતા હતા, પણ એની મહેચ્છા પૂરી કરવા આતુર નહોતા. ૧૮૯૯ના દુકાળ (છપ્પનિયો) વખતે વાઇસરૉયે જે પગલાં લીધાં તેની પ્રશંસા કરી પરંતુ ૧૮૯૯માં જ કર્ઝને મ્યૂનિસિપાલિટીઓના ચુંટાયેલા કમિશનરોના અધિકારો મર્યાદિત કરી દીધા અને ૧૯૦૩માં યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રવાદી વલણોને ડામવાનાં પગલાં લીધાં તેનો કોંગ્રેસે વિરોધ કર્યો.

આમ કોંગ્રેસને પાત્ર આર્થિક મુદ્દાઓ પરથી રાજકીય મુદ્દાઓ પર વાળવાનો યશ પણ કર્ઝનને ફાળે જવો જોઈએ!

બંગાળના ભાગલા – ૧૯૦૫

૧૯૦૩માં કર્ઝને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય જાહેર કર્યો. એની દલીલ હતી કે બંગાળ પ્રાંત એવડો મોટો છે કે વહીવટ શક્ય નથી. એણે પૂર્વ બંગાળ અને આસામને અલગ કરીને એના માટે જુદું વહીવટીતંત્ર ઊભું કર્યું. પરંતુ એના આ નિર્ણયની સાથે જ વિરોધની આગ ભડકી ઊઠી. એણે ૧૯૦૩માં આ જાહેરાત કરી તેના ત્રણ જ અઠવાડિયામાં કોંગ્રેસે ઠરાવ પસાર કરીને એનો વિરોધ કર્યો. પહેલાં તો કર્ઝને ઢાકા, મૈમનસિંઘ અને ચિત્તગાંવ, અને આસામને જ અલગ કરવાની જાહેરાત કરી હતી, પણ ખરેખર ૧૯૦૫માં ભાગલા કર્યા ત્યારે વધારે મોટો પ્રદેશ નવા પ્રાંતમાં મૂક્યો. ૧૯૦૫ના ઑક્ટોબરની ૧૬મીથી બંગાળના ભાગલા લાગુ કરવાની કર્ઝને જાહેરાત કરી દીધી.

બંગાળમાં ક્રાન્તિકારી વલણો

બંગાળના ભાગલાથી પહેલાં જ કોંગ્રેસના નરમપંથી નેતાઓની નીતિઓ સામે લોકોમાં અસંતોષ વધતો જતો હતો. મ્યૂનિસિપલ કમિશનરોના અધિકારો પર કાપ અને યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રવાદી વલણો પર સરકારની ખફગી સામે કોંગ્રેસના નરમપંથી નેતાઓ કશું કરી શક્યા નહોતા. એ આર્થિક બાબતોમાં જેટલા ઊગ્ર હતા, તેટલા જ રાજકીય બાબતોમાં સૌમ્ય હતા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯3-૯૪માં જ વિદેશી સત્તાનાં દૂષણો દેખાડી દેતાં શાસકો અને શાસિતો વચ્ચેના કથળતા સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું. એમણે ભીખ માગવાની નરમ નીતિઓને સ્થાને નવી નીતિની હિમાયત કરી. કવિગુરુએ દેશવાસીઓને “શાસકોને રાજી કરવાના વ્યર્થ પ્રયત્નોનું અને વિદેશી ભાષામાં મોટીમોટી વાતો કરવાનું જૂની ઢબનું રાજકારણ છોડીને નવું વિચારવા” હાકલ કરી જ હતી.

બંગાળમાં લોકલાગણી

બંગાળના ભાગલા પછી લોકલાગણી ભડકવાનું એક કારણ એ હતું કે ૧૯૦૪-૦૫માં રશિયા અને જાપાન વચ્ચેના યુદ્ધમાં જાપાનને વિજય મળ્યો. એક એશિયાઈ સત્તા યુરોપની સત્તાને હરાવી શકે છે એ જોઈને બંગાળમાં પણ બ્રિટનને હરાવવા લોકો તલપાપડ હતા.

આમ તો, ૧૯૦૨માં જ એક વિદ્યાર્થી સતીશચંદ્ર બસુએ કલકતાના વકીલ પ્રમથ મિત્રાના સાથસહકારથી અનુશીલન સમિતિ નામનું ક્રાન્તિકારી સંગઠન શરૂ કર્યું હતું, ૧૯૦૬માં અરવિંદ ઘોષ (પાછળથી મહર્ષિ અરવિંદ)ના ભાઈ બારીન્દ્ર કુમાર ઘોષ અનુશીલનથી છૂટા પડ્યા અને એમણે ‘યુગાંતર’ (બંગાળી ઉચ્ચાર પ્રમાણે Jugantar) અખબાર શરૂ કર્યું. આમ છતાં કોંગ્રેસ મુખ્ય પ્રવાહના આંદોલન જેવી હતી. અરવિંદ અને બારીન ઘોષ ‘ક્રાન્તિકારી ત્રાસવાદ’ના હિમાયતી હતા. (આજે ‘ત્રાસવાદ’ શબ્દ બદનામ થઈ ગયો છે, પણ એ વખતે એ ગૌરવવંતો શબ્દ હતો). યુગાંતર બધાં જ ક્રાન્તિકારી સંગઠનો માટે કેન્દ્ર બની ગયું. યુગાંતરે જન્મભૂમિને માતાનો દરજ્જો આપ્યો અને લોકોમાં સફળતાથી ભાવના ફેલાવી કે માતા બંધનમાં છે અને એને મુક્ત કરાવવાની એનાં સંતાનોની ફરજ છે. યુગાંતર અને અનુશીલનનો પ્રેરણા સ્રોત ભગવદ્‍ગીતામાં કૃષ્ણે દુષ્ટાત્માઓના નાશ માટે યુગે યુગે જન્મ લેવાનું વચન આપ્યું છે તેમાં હતો. ભૂપેન્દ્રનાથ દત્તા (સ્વામી વિવેકાનંદના નાના ભાઈ) વગેરેની કલમ એવી ધારદાર હતી કે લોકોમાં જોશ ઊભરાતું. લોકોમાં ‘આત્મબલિ’ની ભાવના પ્રબળ બનતી ગઈ. પાછળથી બંગાળી ક્રાન્તિકારીઓ ઉત્તરના બીજા ક્રાન્તિવીરોના સંપર્કમાં આવ્યા ત્યારે ‘શહાદત’ શબ્દ વધારે પ્રચલિત થયો.

અલીપુર જેલની ઘટના

બંગાળના ભાગલાના વિરોધમાં સુરેન્દ્રનાથ બેનરજીએ આગેવાની લીધી અને વિદેશી માલસામાનના બહિષ્કારનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી આંદોલનમાં વિદ્યાર્થીઓએ જોશભેર ભાગ લીધો. એમણે ગામડે ગામડે ફરીને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો અને એમાં સ્ત્રીઓ પણ મોટા પાયે સામેલ થઈ ગઈ. કવિવર ટાગોરની રચનાઓ, ‘વંદે માતરમ’ અને સ્વદેશીનાં ગીતો ઘેરેઘેર ગૂંજતાં થયાં. લોકોએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું તેની અસર વિદેશી કાપડ અને બીજા માલસામાનના વેચાણ પર પડી, એટલું જ નહીં, સ્થાનિકના લોકોને કામ મળવા માંડ્યું, વણકરો અને નાના કારીગરો ફરી બેઠા થવા લાગ્યા. આ આંદોલન દરમિયાન જ એક કાપડ મિલ, એક બૅન્ક અને બે વીમા કંપનીઓની પણ શરૂઆત થઈ. ૧૯૦૫ની ૧૬મી ઑક્ટોબરે બંગાળના સત્તાવાર રીતે ભાગલા પડ્યા ત્યારે આખા બંગાળમાં જબ્બરદસ્ત હડતાળ પડી. લોકોએ શોક-દિન મનાવ્યો અને પ્રાર્થના સભાઓ ગોઠવી.

આ બાજુ, ક્રાંતિકારીઓ પોતાની રીતે લડતા જ હતા. એવામાં, અલીપુર જેલમાં કન્હાઈ લાલ દત્તાએ પોલીસના જાસૂસ બની ગયેલા એક ક્રાન્તિકારી નરેન ગોસાંઈને ગોળીએ દઈ દીધો. આ ગુના માટે કન્હાઈ લાલ દતાને ૧૯૦૮માં ફાંસી આપવામાં આવી. તે પછી એમની અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઊમટી અને ચિતા ઠરી ત્યારે લોકો એમની ભસ્મ અને અસ્થિ લેવા માટે તૂટી પડ્યા.

અનુશીલન અને યુગાંતરે ક્રાન્તિની જે મશાલ પ્રગટાવી તે ૧૯૩૦ સુધી ટકી રહી. તે પછી એ દેશના મુખ્ય ક્રાન્તિકારી પ્રવાહમાં ભળી ગઈ. એમાંથી ઘણા સામ્યવાદી પક્ષમાં જોડાયા, કોઈ કોંગ્રેસમાં ગયા અને કોઈ સશસ્ત્ર સંઘર્ષના માર્ગે જ ચાલતા રહ્યા.

બંગાળના ભાગલાના વિરોધમાં બારીસાલમાં એક પરિષદ મળી. તે પહેલાં લોકો સરઘસ બનાવીને ‘વંદે માતરમ’ના નારા સાથે રસ્તા પર નીકળી પડ્યા. ‘વંદે માતરમ’ના સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ હતો, પરંતુ લોકોએ પરવા ન કરી. પોલિસ એમને લાઠીઓથી ઝૂડવા માંડી. સરઘસનું નેતૃત્વ કલકતાના વકીલ અબ્દુલ રસૂલની વિદેશી પત્ની કરતી હતી. સુરેન્દ્રનાથ બેનરજી એને બચાવવા વચ્ચે કૂદી પડતાં પોલીસે એમને પકડીને જેલમાં નાખી દીધા. એમને ચારસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને પરિષદ પર પ્રતિબંધ મૂકી દેવાયો.

આ બધું થયા પછી કોંગ્રેસની નેતાગીરીની અરજીઓ કરવાની અને બ્રિટીશ હકુમતને લાભકારક માનવાની નીતિ સામે અવાજ વધારે બુલંદ થવા લાગ્યો. ૧૯૦૬માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં આ નવો અવાજ જોરથી વ્યક્ત થયો અને પંજાબના લાલા લાજપત રાય, મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ એક સૂરે બોલ્યા. દેશની આઝાદીના સંઘર્ષમાં ૧૮૫૭ પછી મધ્યમ વર્ગના શિક્ષિત લોકોએ સમાધાનવાદી માર્ગ લીધો હતો તેની સામે આ સાથે એક નવી ત્રિપુટિનો ઉદ્‍ભવ થયો – એ ત્રિપુટી એટલે લાલ-બાલ-પાલ.

૦૦૦

સંદર્ભઃ

(1) A Centenary History of Indian National Congress Vol. 1 Edited by B. N. Pandey (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) Towards India’s Freedom and Partition S. R. Mehrotra, 1979 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(3) What India Wants, G. A. Natesan, 1917 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(4) https://www.britannica.com/place/Kolkata/Capital-of-British-India#ref313437

(5) Shukla Sen: https://thewire.in/history/revolutionary-nationalist-movement-bengal

(6) Our Bengal, by Suparna Home, 1950 (ઇંટરનેટ પર ઉપલબ્ધ).

%d bloggers like this: