Science Samachar(68)

(૧) ૧૫મી જુલાઈએ ચંદ્રયાન-૨ સફર માટે તૈયાર!

આ મહિનાની ૧૫મીએ શ્રીહરિકોટાથી રાતના સવા-બે વાગ્યે ઈસરો ચંદ્રયાન-૨ છોડશે.. એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં પાણીની શોધ કરશે. પાણી મળે કે ન મળે ભારત માટે છતી ફુલાવીને કહેવાની તક છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અમે સૌથી પહેલા પહોંચ્યા! ચંદ્રયાન-૧ને ચંદ્ર પર પાણી હોવાના પુરાવા દેખાયા હતા, હવે ચંદ્રયાન-૨ એના માટે વધારે કામ કરશે. એ દક્ષિણ ધ્રુવની બે ખીણો મંઝીનસ-સી અને સિંપેલિયસ-એન (Manzinus C and Simpelius N) વચ્ચેના સપાટ મેદાનમાં ઊતરશે અને પંદર દિવસ કામ કરશે. નાસાના જણાવ્યા પ્રમાણે ચંદ્ર પર ૩૦૦ મિલિયન ટન બરફ છે જે પાણીનો બનેલો છે. કદાચ એ પૃથ્વી જેવો બરફ ન હોય તો પણ બહુ માર્ગદર્શક બની રહેશે. ચંદ્ર પર પાણી મળી આવે તો ત્યાં રહીને બીજા અવકાશી પ્રયોગો પણ કરી શકાશે. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ મુખ્યત્વે અંધારો છે. ચંદ્રયાન-૨ પાણી ક્યાંથી આવ્યું તેનો પણ અભ્યાસ કરશે. એ સૌરમંડળ અને ચંદ્રની ઉત્પત્તિનો પણ અભ્યાસ કરશે.

ચંદ્રયાન-૨ની પહેલી તસવીર આ ઇંડિયા ટુડેના ૧૨મી જૂનના સમાચારની વીડિયો ક્લિપમાં જોવા મળશેઃ

સંદર્ભઃ https://www.businessinsider.in/chandrayaan-2-why-indias-isro-is-going-to-the-moon/articleshow/69893150.cms

૦૦૦

(૨) પગનાં તળિયાંની ચામડી જાડી થઈ ગઈ હોય તો સંવેદનશીલ ન રહે?

વૈજ્ઞાનિકો કહે છે કે એ ધારણા સાચી નથી. પોચી કે સખત, ચામડી ગમે તેવી હોય એ સંવેદનો તો એક સરખાં જ પહોંચાડે છે. આપણે લાખો વર્ષ સુધી ઊઘાડા પગે જ ફર્યા છીએ. એટલે ઉદ્વિકાસીય બાયોલોજિસ્ટ લિબરમનને આપણે પગનો ઉપયોગ કેમ કરીએ છીએ તેમાં બહુ રસ પડ્યો. તળિયાં જાડાં થઈ જાય તો શું થાય? એમણે કિન્યાના માણસોને લીધા કારણ કે એમની પગની ચામડી બરછટ હોય છે. તે ઉપરાંત સાચવીને ચાલનારા, નરમ તળિયાંવાળા અમેરિકનોને લીધા અને ટ્રેડમિલ પર કસરત કરાવી. એમણે જોયું કે બન્નેનાં તળિયાંમાં એક જ પ્રકારનું સંવેદન રહ્યું. લિબરમન કહે છે કે જાડી પડી ગયેલી ચામડી ખરેખર તો જખમો કે રોગો સામે વધારે સારું રક્ષણ આપે છે. એટલે જ સખત કામ કરનારાના પગનાં તળિયાં સખત હોય છે, પણ એ ખામી કે ખરાબી નથી. આપણે પગની જાળવણી કરવાનું તો માંડ અમુક લાખ વર્ષ પહેલાં જ શીખ્યા હોઈશું. પણ કુદરત આપણા પગની સંભાળ તો કરોડો વર્ષોથી લેતી જ હતી!

સંદર્ભઃhttps://www.nature.com/articles/d41586-019-01983-0?WT.ec_id=NATURE-20190627

૦૦૦

(૩) ત્રણ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા.

ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સયૂઝ MS11માં પૃથ્વી પર ગયા મહિનાની ૨૪મીએ હેમખેમ પાછા ફર્યા છે. રશિયન અવકાશયાત્રી અલ્યેક કનોનેન્કા, કેનેડાના ડેવિડ સેંટ જેકસ અને નાસાનાં ઍન મૅક્લિન કઝાખસ્તાનના ઝેજકાઝ્ગેન શહેરની ભાગોળે ઊતર્યા. એ ૨૦૪ દિવસ અવકાશમાં રહ્યા તે દરમિયાન કનોનેન્કા બે વાર, તેમ જ ડૅવિડ અને મૅક્લિન એક-એક વાર બહાર નીકળ્યાં. હવે બીજા ત્રણ અવકાશયાત્રીઓ ૨૦મી જુલાઈએ સ્પેસ સ્ટેશન માટે રવાના થશે. આ સાહસ ૫૮/૫૯મા નંબરનું હતું.

રશિયાનું સ્પેસ વાહન સયૂઝ MS11 આજ સુધી ૫૭મી વાર અવકાશયાત્રીઓને લઈને ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું છે. એને કુલ ૮ કરોડ ૬૪ લાખ માઇલની સફર કરી છે અને ૩૨૬૪ પરિક્રમાઓ કરી છે.

સંદર્ભઃ https://www.space.com/astronauts-return-to-earth-soyuz-landing.html

૦૦૦

(૪) મોબાઇલમાં રોગનાં જીવાણુ

અમેરિકન સોસાઇટી ઑફ માઇક્રોબાયોલૉજીએ બ્રાઝિલની એક યુનિવર્સિટીની મૅડિકલ કૉલેજમાં કરેલા સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે ૪૦ ટકા વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનોમાં S.aureus નામનાં જીવાણુ હતાં. આપણી આસપાસ અને હૉસ્પિટલોમાં ચેપ ફેલાવા માટે મોટા ભાગે તો આ જીવાણુ જ જવાબદાર હોય છે. આમાંથી ૮૫ ટકાએ ઍંટીબાયોટિક પેનિસિલિન સામે ટકવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હોવાનું જણાયું. ૫૦ ટકામાં સપાટી સાથે ચોંટી રહેવાની ક્ષમતા જોવા મળી. એમણે ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ વગેરે વિભાગોના એકસો વિદ્યાર્થીઓના મોબાઇલોમાંથી નમૂના એકઠા કર્યા. એમાં સૌથી વધુ જીવાણુ નર્સિંગના વિદ્યાર્થીઓના મોબાઇલોમાંથી મળ્યાં. એનું કારણ એ કે એમને સતત દરદીઓ વચ્ચે રહીને કામ કરવું પડે છે. આમ નર્સોના મોબાઇલ ચેપનું વહન વધારે જલદી કરે છે.

સંદર્ભઃ https://www.asm.org/Press-Releases/2019/June/Dissemination-of-Pathogenic-Bacteria-by-University

%d bloggers like this: