India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 36

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩૬ : ૧૮૫૭ના અનામી વીરો

૧૮૫૭નો વિદ્રોહ એવો વ્યાપક હતો કે એની બધી કથાઓ માત્ર સંબંધિત પ્રદેશોની બહાર નથી નીકળી. આખો સંકલિત ઇતિહાસ લખાય તેની બહુ જરૂર છે. તે સિવાય છૂટીછવાઈ ઘટનાઓ લોકજીભે ચડેલી હોય તે રૂપમાં મળે છે અથવા અંગ્રેજોએ તૈયાર કરેલા નકારાત્મક રિપોર્ટોમાં અંકિત થયેલી હોય છે. આવા કેટલાય અનામી વીરોને યાદ કર્યા વિના ૧૮૫૭ના વિદ્રોહની કથા પૂરી થયેલી ન ગણાય. અહીં એવા કેટલાક વીરોની વાત કરીએ અને તેમ છતાં જે ભુલાઈ ગયા હોય તેમની ક્ષમા પણ માગીએ.

બાબુરાવ શેડમાકે આવા જ એક વીર હતા. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ‘ચંદા’ નામે ઓળખાતો. ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદાનો કબજો લઈ લીધો અને એક કલેક્ટર નીમ્યો. ચંદામાં જમીનદારી વ્યવસ્થા હતી અને આદિવાસી રાજ-ગોંડ જાતિનું પ્રભુત્વ હતું. કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવાની નીતિ લાગુ કરી.

બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં. ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ. મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણાનો કબજો લઈ લીધો. કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એને લશ્કરી ટુકડી મોકલી. ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી. અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી.

હવે અડાપલ્લી અને ઘોટનો જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યો. બન્નેના સૈન્યમાં ગોંડને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા. હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું. ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા. હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ.

અંગ્રેજો એમની સામે લાચાર હતા. ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ]કબજો કરી લિધો. આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનતી હતી. ફરી અંગ્રેજી ફોજ એમની સામે મેદાને ઊતરી પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે એનો સખત પરાજય થયો.

ક્રિખ્ટને જોયું કે લડાઈમાં હવે કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો. એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે,એને ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે. લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ. એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધો. જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યો અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતો રહ્યો.

છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયો. હવે લક્ષ્મીબાઈએ એને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધો. ૨૧મી ઑક્ટોબરે એની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ. એનો સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયો પણ અંતે પકડાઈ ગયો. એની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી.

ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા હોય.


(ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો. બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી).

ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ

સંદર્ભઃ http://www.livehistoryindia.com/snapshort-histories/2019/05/10/baburao-sedmake-adivasi-hero-of-1857

૦૦૦

ગંગુ મહેતર અને બીજા દલિત વીરો

ઇતિહાસના પાને ન ચડ્યા હોય તેવા અનેક વીરોમાં આજે આપણે જેમને દલિત તરીકે ઓળખીએ છીએ તેવી ભંગી, ચમાર, પાસી વગેરે કોમોનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે. પરંતુ એ સ્થાનિક લોકકથાઓમાં જ મળે છે. આમાંથી ગંગુ મહેતર અથવા ગંગુ બાબાની કથા વધારે જાણીતી છે. ગંગુ મહેતર બિઠૂરનો રહેવાસી હતો. નાનાસાહેબ પેશવાને પણ કંપનીએ બિઠુરમાં નિવાસ આપ્યો હતો. નાનાસાહેબે અંગ્રેજો સામે લડાઈનું રણશિંગું ફૂંકી દીધું હતું એક વાર જંગલમામ્થી પસાર થતાં નાનાસાહેબે એક યુવાનને ખભે વાઘને લઈને જતાં જોયો. એમણે એનાથી પ્રભાવિત થઈને ગંગુને પોતાના સૈન્યમાં લઈ લીધો.

એક લડાઈમાં ગંગુએ એકલે હાથે સતીચૌરાની લડાઈમાં દોઢસો અંગ્રેજોને યમના દરવાજે મોકલી દીધા. આના પછી અંગ્રેજો સતત એને જીવતો કે મરેલો પકડવા મથતા રહ્યા. છેવટે ગંગુ પકડાયો ત્યારે અંગ્રેજોએ એને ઘોડે બાંધીને આખા ગામમાં ફેરવ્યો અને પછી ૮મી સપ્ટેંબરે એને કાનપુરના ચુન્નીગંજમાં ઝાડે લટકાવીને ફાંસી આપવામાં આવી. આજે પણ લોકો આ સ્થળે એમની નાના સ્મારકે દર વર્ષે એમની યાદમાં એકઠા થાય છે. આમ છતાં અફસોસની વાત એમાં મોટા ભાગના દલિત સમાજના જ લોકો હોય છે! ગંગુ બાબાને નાતજાત નહોતાં નડ્યાં પણ સવર્ણ સમાજને નડે છે!

તાંત્યા ટોપે, નાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અઝીમુલ્લાહ ખાન જેવાઓની વિદાય પછી અંગ્રેજોએ દમનનો છૂટો દોર મેલ્યો એમાં ૧૩૭ દલિતોને એક જ ઝાડ પર એક જ દિવસમાં ફાંસીએ લટકાવી દેવાયા.

આ ઉપરાંત, ગુમનામ દલિત શહીદોમાં બિહારમાં રાજા કુંવરસિંહના અચૂક નિશાનબાજ રઘુ ચમાર અને આરા જિલ્લાના રજિત બાબાની આજે પણ દલિતો પૂજા કરે છે.

દલિત સ્ત્રીઓએ પણ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છેઃ એમાંથી આપણે રાણી લક્ષ્મીબાઈની સાથી ઝલકારીબાઈનું નામ જાણીએ છીએ. પણ અવંતિબાઈ, પન્ના દાઈ, મહાવીરી દેવી અને ઉદા દેવીને પણ ભૂલી શકાય એમ નથી. દુર્ભાગ્ય એ છે કે એમના વિશે સત્તાવાર માહિતી નથી મળતી.

સંદર્ભઃ Mutiny at the margins Gangu%20Baba (by Badari Narayan)

000

બ્રિટનમાં પડઘા

૧૮૫૭ના બળવાના સમાચાર લંડન પહોંચતાં સરકારી વર્તુળોમાં કંપની સામે અસંતોષની લાગની હતી. સરકારને લાગતું હતું કે કંપનીના ઑફિસરો ઊંઘતા ઝડપાયા હતા. વડા પ્રધાન પામરસ્ટને તો વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંતે બળવાને કાબુમાં લેવામાં સફળતા મળશે. જો કે ઘટના ચક્ર પર સરકારનો કોઈ કાબૂ નહોતો એમ સૌ સમજતા હતા. બીજી બાજુ સામાન્ય લોકો સુધી બ્રિટિશ નાગરિકોની હત્યાઓના સમાચાર ફેલાતાં અરેરાટી અને રોષની લાગણી ભડકી ઊઠી હતી. લૉર્ડ મિન્ટોએ એનો પડઘો પાડતાં કહ્યું કે લોકો માને છે કે જે કોઈ હિન્દુસ્તાની બચ્યા છે તે રાક્ષસો છે અને ગુલામીમાં સબડવાને લાયક છે.

પરંતુ હજી બે વર્ષ પહેલાં ક્રીમિયાની લડાઈને ‘રાષ્ટ્રીય સંકટ’ માની લેવાઈ હતી અને એક સરકારનું પતન થયું હતું. વડા પ્રધાન પામરસ્ટન રાષ્ટ્રીય કર્તવ્ય પર ભાર મૂકતો હતો, જેનો બીજો અર્થ એ જ કે એ ૧૮૫૭નો વિદ્રોહ રાષ્ટ્રીય સંકટ જેવો હતો. પરંતુ એ શબ્દો બોલીને પામરસ્ટન પોતાની સરકારના પતનનું નિમિત્ત બનવા નહોતો માગતો! ઊલટું સરકારનો પ્રયત્ન એ જ રહ્યો કે સંકટ એવું નહોતું કે કાબુમાં ન આવી શકે.

જો કે અંતે ફેબ્રુઆરી ૧૮૫૮માં પામરસ્ટનને રાજીનામું આપવું પડ્યું અને ડર્બી રૂઢીચુસ્ત સરકારનો વડો પ્રધાન બન્યો. હવે હિન્દ સરકારમાં સુધારા કરવા માટે એક યોજના આવી જેમાં દ્વિમુખી વ્યવસ્થા (બ્રિટન સરકાર અને કંપનીના અધિકારો)ની જગ્યાએ સરકાર હેઠળ એક સેક્રેટરી ઑફ સ્ટેટ નીમવાનું સૂચવવામાં આવ્યું. પરંતુ બધા પક્ષો આ બિલને આધારે એકબીજાના પગ ખેંચવામાં લાગી ગયા. એકને પસંદ હોય તે બીજાને ન જ હોય!

૧૮૫૮ની આઠમી જુલાઈએ હિન્દુસ્તાનની કંપની સરકારે સત્તાવાર જાહેરાત કરી કે હવે શાંતિ સ્થપાઈ ગઈ છે. બીજી ઑગસ્ટે આમસભાના ૧૮૫૮ના વર્ષના છેલ્લા સત્રના છેલ્લા દિવસે ‘ગવર્નમેંટ ઑફ ઇંડિયા બિલ’ને રાણીની મંજૂરી મળી ગઈ અને એને કાયદાનું રૂપ મળ્યું. હિન્દુસ્તાનને લગતી બાબતો માટે એક પ્રધાન નિમાયો, એની મદદમાં એક કાઉંસિલ બનાવવાની હતી જેના સાત સભ્યોની નીમણૂક ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરો કરવાના હતા અને આઠ સભ્યોની નીમણૂક રાણીએ (એટલે કે સરકારે રાણીની મંજૂરી મેળવીને) કરવાની હતી. હિન્દ માટેના પ્રધાનને ગુપ્ત બાબતો માટે એક સમિતિ નીમવાનો પણ અધિકાર પણ હતો અને ભારતમાં સરકારના નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ નિયમિત રીતે પાર્લામેન્ટમાં પણ રજૂ કરવાનો હતો.

ભારત હવે સીધું જ બ્રિટીશ તાજ હેઠળ મુકાયું.

સંદર્ભઃ https://www.jstor.org/stable/175428?read-now=1&seq=2#page_scan_tab_contents

%d bloggers like this: