ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ
પ્રકરણ ૩૫: ૧૮૫૭: જગદીશપુરના બાબુ કુંવરસિંહ (૨)
બાબુ કુંવરસિંહ જગદીશપુરના જમીનદાર હતા. ૨૫-૨૬ જુલાઈના દાનાપુરના વિદ્રોહ પછી સૌ એમને નેતા માનીને જ ચાલતા હતા, જો કે પોતે હજી એના માટે તૈયાર નહોતા. આમ પણ પોતે એંસી વર્ષના થઈ ગયા હતા. પરંતુ વિદ્રોહમાં જોડાવામાં એમને ઉંમર નહોતી નડતી, બીજાં જ કારણો હતાં. આમ છતાં, એક વાર એ મેદાનમાં આવ્યા તે પછી એમણે જે વ્યૂહ રચના કરી અને યુદ્ધમાં જાતે જ ઊતરીને લોકોને પ્રોત્સાહન આપ્યું તે અજોડ બની રહ્યું. એમનિ સૌથી નાનો ભાઈ અમરસિંહ અને એનો સેનાપતિ હરેકૃષ્ણ વિદ્રોહમાં કુંવરસિંહના અનન્ય સાથી બની રહ્યા.
આમ તો કુંવરસિંહ વગેરે ચાર ભાઈ હતા. ભાઈઓ સાથે મિલકતના ઝઘડા ચાલ્યા કરતા હતા. વળી હાથ બહુ છૂટો હતો એટલે હંમેશમાં દેવાના ભાર નીચે રહેતા. અંગ્રેજ અધિકારીઓ સાથે એમને સારા સંબંધો હતા, એટલું જ નહીં એ લોકો પણ એમના પ્રત્યે આદર દેખાડતા. તે ઉપરાંત, કુંવરસિંહને સરકાર પાસેથી મોટી લોન પણ લેવી હતી. ખરેખર તો બળવો થયો ત્યારે એ લોન માટે અંગ્રેજોની કચેરીઓના આંટાફેરા પણ કરતા હતા. એમનું જીવન વિલાસી હતું, કેટલીયે રખાતો હતી. બીજી બાજુ રાજા તરીકે લોકચાહના મેળવી હતી કારણ કે એમણે ધર્મના ભેદભાવ રહેવા દીધા નહોતા. લોકો હળીમળીને રહેતા. ખેડૂતોને લૂંટતા પણ નહોતા. એમને જંગલો બહુ પસંદ હતાં એટલે એમણે જંગલોનો બહુ વિકાસ કર્યો. એમની નજર નીચે જંગલો જે રીતે ફૂલ્યાંફાલ્યાં તે પાછળથી વિદ્રોહીઓ માટે આશરા રૂપ બની રહ્યાં.
દાનાપુરમાં બળવો કરીને સિપાઈઓએ પોતાની હાક જમાવી દીધી અને તરત આરા તરફ કૂચ કરી ગયા. ત્યાં ૨૬મીએ પહોંચ્યા કે તરત કુંવરસિંહે બળવાની સરદારી હાથમાં લઈ લીધી. કંપનીને એમના વિશે સમાચાર મળતા રહેતા હતા કે એ કદાચ બળવામાં જોડાશે. પરંતુ કમિશનર ટેઇલર એમનો મિત્ર હતો. એણે હજી બે દિવસ પહેલાં જ પત્ર લખીને સરકારને કહ્યું હતું કે કુંવરસિંહને હું અંગત રીતે જાણું છું અને એ બળવામાં નહીં જોડાય. જો કે, ટેઇલરના અનુગામી સૅમ્યૂઅલ્સે લખ્યું કે કુંવરસિંહ સાથે ટેઇલરનો વ્યવહાર સારો નહોતો એટલે એમણે બળવો કર્યો હોય તો તે માટે ટેઇલર જવાબદાર છે. આમ કુંવરસિંહે બળવામાં ઝંપલાવ્યું તેથી કંપની સરકાર ગોટાળે ચડી ગઈ. બીજી બાજુ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ અને બીજા એક જાગીરદાર નિશાન સિંહ અડીખમ રહ્યા. નિશાનસિંહ વિશે પણ કંપનીના અધિકારીઓની ધારણા અવળી નીકળી. એ વખતે નિશાન સિંહ સાઠ વર્ષની વય પાર કરી ચૂક્યા હતા.
આ દેખાડે છે કે બિહારમાં જેમને અંગ્રેજો સાથે સારા સંબંધો હતા તે પણ તક મળે તો એમની સામે લડવા તત્પર હતા. રાજા કુંવરસિંહે લખનઉના નવા નવાબ બિર્જિસ કદ્રની માતા હઝરત બેગમ અને બીજા ઘણા નાનામોટા રાજાઓની પણ મદદ માગી.
જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શાહાબાદ અંગ્રેજો માટે ઝંઝાવાત જેવું રહ્યું. ૨૬મીએ આરામાં વસતા બધા યુરોપિયનોએ એક એંજીનિયરના બેમાળી મકાનમાં આશરો લીધો અને બચાવની પણ તૈયારી કરી લીધી. આ બાજુ કુંવરસિંહ અને દાનાપુરના વિદ્રોહીઓએ અંગ્રેજ ગૅરિસનને ઘેરી લીધી. અંગ્ર્જોના ચોકિયાત દળે પણ વિદ્રોહ કર્યો. અંગ્રેજ અફસરોને એની કલ્પના પણ નહોતી. આરાનો સેશંસ જજ લખે છે કે ગાર્ડોનો ઉપરી અધિકારી મને મળવા આવ્યો ત્યારે મેં એને તિજોરીની રખેવાળી કરવાનો હુકમ આપ્યો. મેં એને કહ્યું કે વિદ્રોહીઓની સંખ્યા બહુ ન હોય તો જ સામનો કરવો, એ વખતે હું શીખોની ટુકડી લઈને મદદે આવીશ પણ વિદ્રોહીઓ બહુ ઘણા હોય તો પીછેહઠ કરી લેવી. પણ મેં જોયું કે વિદ્રોહીઓ તિજોરીએ પહોંચ્યા ત્યારે ગાર્ડોએ સામનો ન કર્યો, એટલું જ નહીં, એમના તરફ ગયા, જાણે સ્વાગત કરતા હોય!
અહીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજને મારી નાખ્યો હોય એવું ન બન્યું, એટલું જ નહીં, જે લોકો કુંવરસિંહના માણસોના હાથે ઝડપાયા એમની સાથે સારો વર્તાવ કરવામાં આવ્યો.
ગૅરિસન પરનો ઘેરો ભેદવા પાંચસો શીખોની ફોજી ટુકડી કૅપ્ટન ડનબારની આગેવાની હેઠળ આવી પણ ૨૯ અને ૩૦મી જુલાઈની ખૂનખાર લડાઈ પછી અંગ્રેજી ફોજની સજ્જડ હાર થઈ, કૅપ્ટન ડનબાર અને બીજા બ્રિટિશ લશ્કરી અફસરોએ જાન ગુમાવ્યા.
શાહાબાદમાં કુંવરસિંહનું શાસન
શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધા પછી કુંવરસિંહે ત્યાં તરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી. કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થા એમણ એજોઈ હતી એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી. એમણે મૅજિસ્ટ્રેટ, ત્રણ-ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા.
પરાજય
ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું. બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી. એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા. આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી. આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો. જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા, જગદીશપુર પર કબજો કરી લીધો, લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી. મેજર આયર લખે છે કે કુંવરસિંહને આ મંદિરના “બ્રાહ્મણોએ ચડાવ્યા” તેથી જ વિદ્રોહીઓ સાથે ભળ્યા હતા એટલે એણે સજા રૂપે એ મંદિર ધ્વસ્ત કરી દીધું. એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં.
પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા. ગયા અને મુઝફ્ફરપુરના મૅજિસ્ટ્રેટોને કમિશનર ટેઇલરે પટના પાછા આવી જવા લખ્યું. એનું કહેવું હતું કે એ બધા લોકોના જાન જોખમમાં મૂકવાનો અર્થ નથી. મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા નાગપુર, માનભૂમ. સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા. જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી.
હાથ જાતે કાપી નાખ્યો
૨૫મી ઑગસ્ટે નેપાલના રાણાએ મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો. અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું.
કુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં. આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર. બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા. પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં, એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે. અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું. ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી. એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો!
૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા. બે જ મહિના પછી ૧૯મી જૂને રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું. વિદ્રોહીઓ પોતાનાં ઝળહળતાં રત્નો ખોતા જતા હતા.
અમરસિંહ અને હરેકૃષ્ણ
કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા. પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે અમરસિંહે કહી દીધું કે એ બધા મદદ કરી શકે તેમ નથી. પરંતુ તે પછી કુંવરસિંહના સમજાવ્યાથી એ ભાઈની પડખે ઊભા રહ્યા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં, કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું. કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી.એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો. હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે. છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ.
૦૦૦
સંદર્ભઃ
1. Biography of Kunwar Singh and Amar Singh, Dr. K. K. Datta 1957
2. 1857: बिहार और झारखण्ड में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)
(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)
3. https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm