Science Samachar (63)

(૧) બ્લૅક હોલની તસવીર લેવામાં કામ આવ્યો ૨૦૦ વર્ષ જૂનો પ્રયોગ

આ તસવીરથી આજે ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ૧૦મી તારીખે ભારતીય સમય પ્રમાણે સાંજના સાડા છ વાગ્યે ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપની ટીમે બ્લૅક હોલની સૌ પહેલી તસવીર દુનિયાને દેખાડી. આજે આપણે એના વિશે જાણીએ છીએ પણ આ તસવીરનું સંકલન કરીને સમગ્ર દૃશ્ય ઉપજાવવામાં વૈજ્ઞાનિકોને બે વર્ષ લાગી ગયાં. એમાં અસંખ્ય ટેલિસ્કોપોનો ઉપયોગ થયો હતો. આ ટેલિસ્કોપ શી રીતે કામ કરતાં હતાં તે જાણીએ. બ્લૅક હોલમાંથી કશું જ બહાર નીકળી ન શકે, પ્રકાશ પણ નહીં. એટલે એની ફરતે જે ચક્ર બને છે જે બ્લૅક હોલથી સલામત અંતરે હોય છે. એને ઇવેન્ટ હોરાઇઝન કહે છે, જે બ્લૅક હોલની સરહદ છે. અહીં વચ્ચે કાળું ધાબું દેખાય છે તે બ્લૅક હોલ છે અને બાકી ઇવેંટ હોરાઇઝન છે. આ બ્લૅક હોલ સેજિટેરિયસ Aમાં આવેલું છે એ દએવડું મોટું છે કે એમાં ૩૫-૪૦ લાખ સૂર્ય સમાઈ જાય. આપણા કરતાં એ ૨૬ હજાર પ્રકાશવર્ષ દૂર છે. ટેલિસ્કોપોની શ્રેણીએ જે કામ કર્યું તેનો સિદ્ધાંત બસ્સો વર્ષ જૂના એક પ્રયોગ દ્વારા નક્કી થયો છે.

૧૮૦૧માં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. એણે એક તકતી લઈને એમાં બે ઊભા કાપા કર્યા. એમાંથી પ્રકાશ પસાર કર્યો. એની સામે રાખેલા પરદા પર જુદી જુદી જાતના પટ્ટા બન્યા. ન્યૂટન માનતો હતો કે પ્રકાશ કણનો બનેલો છે, પણ આ પ્રયોગથી સાબિત થયું કે પ્રકાશ તરંગના રૂપમાં હોય છે. જ્યાં તરંગની ટેકરીઓ મળી ત્યાં ઘટ્ટ પ્રકાશ મળ્યો, જ્યાં બે ખાડા મળ્યા ત્યાં ઝાંખો પ્રકાશ મળ્યો. જ્યાં ખાડો અને ટેકરી મળ્યાં ત્યાં બન્નેએ એકબીજાને શિથિલ કરી નાખ્યાં.

બ્લૅક હોલનું દૃશ્ય પણ આ જ સિદ્ધાંત પ્રમાણે ઝિલાયું. એમાં VLBI નો ઉપયોગ થયો. VLBI એટલે very-long-baseline interferometry. એમાં ટેલિસ્કોપનું નેટવર્ક આકાશના પદાર્થોનો હાઇ-રેઝોલ્યૂશન ફોટો લેવા માટે કામમાં લેવાય છે. એ લગભગ મૂળ પિંડની જેવી જ ‘સચોટ તસવીર આપે છે. યંગના પ્રયોગમાં બે કાપાનો પ્રકાશ અનેક જાતની ‘શાર્પનેસ’ આપે છે. તેવું જ આમાં થાય છે, તે પછી શાર્પનેસ પ્રમાને તસવીરોનું સંકલન કરાય છે.

સંદર્ભઃ https://thewire.in/the-sciences/how-a-200-year-old-experiment-is-helping-us-see-a-black-holes-shadow

૦૦૦

(૨) ભારતમાં શિશુ અવસ્થાનું કુપોષણ જીવનભર શીખવાની ક્ષમતાને અસર કરે છે.

લૅકેસ્ટર યુનિવર્સિટી અને ગોવાની BITS પિલાનીના સંશોધકોની ટીમે એક લાંબા ગાળાનો અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું છે કે પાંચ વર્ષની વય પહેલાં જે કુપોષણ ઘર કરી જાય છે તે આગળ જતાં નવું શીખવામાં આડે આવે છે. એમણે ૧૨ વર્ષની વયનાં ૨૦૦૦ બાળકોની શીખવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. એમણે જોયું કે ૪૭ ટકા બાળકોને પાંચ વર્ષની વય પહેલાં કુપોષણનો શિકાર બનવું પડે છે. એમને ખાતરીબંધ ભોજન નથી મળતું, જે મળે છે તે જરૂર કરતાં ઓછું હોય છે અને ક્યારેક એમને ટંક ટાળવાનો વારો પણ આવે છે. એમનું શબ્દભંડોળ કંગાળ હોય છે, ગણિત કાચું રહે છે અને સડેડાટ વાંચી નથી શકતાં. ટીમે પાંચ, આઠ અને બાર વર્ષનાં બાળકોનો અભ્યાસ કરતાં શિશુ વયનાં કુપોષણ સાથે એમની શીખવાની ઓછી ક્ષમતા સાથે સીધો સંબંધ દેખાયો. જે બાળકોને સતત ખાવાનાં સાંસાં રહ્યાં હતાં એમને સૌથી ઓછા માર્ક્સ મળ્યા.

ટીમે આના માટે નીતિવિષયક સૂચનો કર્યાં છેઃ

· આહાર અને શિક્ષણને સાંકળી લો (મધ્યાહ્ન ભોજનયોજના). ગરીબ કુટુંબોને ઘરે લઈ જવા માટે ખાદ્ય સામગ્રી આપો.

· જે ભોજન અપાય તેમાં પૌષ્ટિક તત્ત્વો વધારે હોવાં જોઈએ.

· શિક્ષણનાં શરૂઆતનાં વર્ષોમાં એકંદર સમાનતા સ્થાપો.

હાલમાં ચૂંટણી ચાલે છે તો કોઈ ઉમેદવાર સુધી આ સંશોધનનો રિપોર્ટ પહોંચે તો સારું!

1. સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2019/04/190409135823.htm

૦૦૦

(૩) ભારતનાં પહેલાં મહિલા ‘ફેલો ઑફ ધી રોયલ સોસાઇટી

ભારતનાં વિખ્યાત બાયોલોજિસ્ટ ગગનદીપ કાંગને લંડનની રૉયલ સોસાઇટીએ ફેલો (FRS) બનાવ્યાં છે. ભારતમાંથી કોઈ મહિલા વૈજ્ઞાનિકને આ સન્માન પહેલી વાર મળ્યું છે. ગગનદીપ કાંગે રોટાવાઇરસ અને ટાઇફોઇડની રસી બનાવવામાં નેતૃત્વ પૂરું પાડ્યું છે. ત્રીસ વર્ષ પહેલાં એમણે રોટાવાઇરસ સામે રક્ષણની રસી વિકસાવી. આ વાઇરસ ઝાડાની બીમારી માટે જવાબદાર છે. ટાઇફોઇડની રસી હજી લોકોના ઉપયોગ માટે મંજૂર નથી થઈ.

સુશ્રી કાંગ વેલ્લોરની ક્રિશ્ચિયન મૅડિકલ કૉલેજનાં પ્રોફેસર છે અને ત્યાંથી રજા લઈને હાલમાં ફરીદાબાદની ટ્રાંસલેશનલ હેલ્થ સાયન્સિઝ ઍન્ડ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટનાં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. રૉયલ સોસાઇટીના ૧૬૦૦ જીવિત ફેલોમાંથી માત્ર ૧૩૩ સ્ત્રીઓ છે.

સુશ્રી કાંગ કહે છે કે “આપણને વધારે મહિલા વૈજ્ઞાનિકો જોવા મળતી નથી અને નેતૃત્વની ભૂમિકામાં તો ગણીગાંઠી સ્ત્રીઓ છે. પણ એનું કારણ એ નથી કે એમનામાં ક્ષમતા નથી, પણ મૂળ કારણ એ છે કે વિજ્ઞાનનું વહીવટીતંત્ર એમને કામના સમયમાં લવચિકતા એટલે કે શિફ્ટમાં કામ કરવાની સગવડ નથી આપતું નથી.”

સંદર્ભઃ https://www.deccanherald.com/science-and-environment/gagandeep-kang-is-first-indian-woman-to-be-a-frs-729394.html

૦૦૦

(૪) નવું પ્રોબાયોટિક આંતરડાની બીમારીમાં વધારે સફળ

આંતરડામાં અમુક સારાં બૅક્ટેરિયા પણ હોય છે. આ સારાં બૅક્ટેરિયા ઘટી જાય ત્યારે પાચનતંત્રની તકલીફ થતી હોય છે. આમાં ઍંટીબાયોટિક્સ ઇલાજ તરીકે અપાતાં પણ એ સારાં બૅક્ટેરિયાને પણ નુકસાન કરેછ્હે એટલે હવે ‘ઍંટીઃ નહીં પણ ‘પ્રોબાયોટિક’ અપાય છે. હવે પ્રોબાયોટિકનો એક

નવો ગુણધર્મ પણ જાણવા મળ્યો છે. આંતરડામાં માઇક્રોબનો આખો સંઘ રહી શકે એવી બાયોફિલ્મ હોય છે. હવે ખબર પડી છે કે આ બાયોફિલ્મ પર પણ પ્રોબાયોટિક હુમલો કરી શકે છે.અમુક ચોક્કસ પ્રોબાયોટિકનું મિશ્રણ આપવાથી નુકસાનજનક બાયોફિલ્મનું નિર્માણ અટકી જાય છે. અમુક બાયોફિલ્મ તો ઍંટીબાયોટિક સામે પણ ટકી શકે એવી હોય છે.

અમેરિકન સોસાઇટી ફૉર માઇક્રોબાયોલૉજીના સામયિક mBio માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી અને યુનિવર્સિટી હૉસ્પિટલ, ક્લીવલૅન્ડ મૅડીકલ સેંટરના સંશોધકોએ યીસ્ટ અને એસ્કેરિયા કોલી તેમ જ સેરાશિયા માર્સેસેંસ બૅક્ટેરિયાનું બાયોફ્લિમમાં રૂપાંતર કર્યું અને તેના પર અમુક પ્રોબાયોટિકના મિશ્રણનો પ્રયોગ કર્યો.. આથી બાયો ફિલ્મ બનતી અટકી ગઈ. આ પ્રોબાયોટિક એને ભેદી નાખે છે. એના પ્રભાવ નીચે યીસ્ટ પોતાનું પ્રજનન તંત્ર વિકસાવી શકતી નથી. પરિણામે આંતરડાના વ્યાધિમાં આ નવું પ્રોબાયોટિક બહુ અસરકારક નીવડે તેમ છે.

હજી એની ક્લિનિકલ ટ્રાયલ બાકી છે.

સંદર્ભઃ https://case.edu/medicine/node/5126

૦૦૦

2 thoughts on “Science Samachar (63)”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: