India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 29

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨૯: ૧૮૫૭: અવધમાં વિદ્રોહ ()

ફૈઝાબાદનો મૌલવી અહમદુલ્લાહ શાહ અને ચિનહાટમાં અંગ્રેજોના ભૂંડા હાલ

વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરીને કલકતા મોકલી દેવાયા પછી ફૈઝાબાદ અને લખનઉની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી હતી. પ્રજાજનો વિસ્ફોટ માટે તલપાપડ હતા. દિલ્હીમાં અંગ્રેજોની હારના સમાચાર મળતા હતા અને લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ રોષ વધતો જતો હતો. આ સ્થિતિમાં ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહે જે ભાગ ભજવ્યો તે બહુ નોંધપાત્ર છે. એણે અંગ્રેજોના હાથમાંથી ફૈઝાબાદને મુક્ત કરાવ્યું એટલું જ નહીં, આખા અવધમાં બળવો ફેલાવવામાં ફૈઝાબાદમાં મૌલવીની મસ્જિદ કેન્દ્ર જેવી બની રહી. એના પ્રતિરોધને કારણે ૧૮૫૮ની પાંચમી જૂને એનું અવસાન થયું ત્યાં સુધી ફૈઝાબાદમાં અંગ્રેજો માટે પગ મૂકવાની જગ્યા નહોતી. અવધમાં લખનઉ સિવાયના બધા જ તાલુકાઓ અંગ્રેજ મુક્ત થઈ ગયા હતા. કાનપુરના નાનાસાહેબ, આરાના કુંવર સિંહ ૧૮૫૭ના વિદ્રોહમાં મૌલવીના ગાઢ સાથી હતા.

૧૮૫૭ની ૩૦મી જૂને કંપની બહાદુરની સરકારે એના ૧૮૫૭ના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી અને કદી ન ભુલાય તેવી છક્કડ ખાધી. મૌલવી અહમદુલ્લાહની ૨૨મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની આગેવાનીસુબેદાર ઘમંડી સિંહ અને સુબેદાર ઉમરાવ સિંહના હાથમાં હતી. લખનઉ પાસે ઇસ્માઇલગંજના ગામ ચિનહટની લડાઈમાં આ રેજિમેન્ટે અંગ્રેજી ફોજને ધોળે દિવસે તારા દેખાડી દીધા.

મૌલવી હજી પણ ફોજ ઊભી કરવામાં લાગ્યો હતો. એણે પાવાયનના જમીનદાર જગન્નાથ સિંહની મદદ માગી. જમીનદારે એને મળવા બોલાવ્યો. મૌલવી એના કિલ્લામાં પહોંચ્યો ત્યારે એની સાથે દગો થયો. એ કિલ્લામાં આવ્યો કે તરત જગન્નાથ સિંહના ભાઈઓએ એના પર ગોળીઓની રમઝટ બોલાવી દીધી. તે પછી જગન્નાથ સિંહે એનું માથું કાપી લીધું અને રક્ત ટપકતું માથું શાહજહાંપુરના અંગ્રેજ કલેક્ટરને ભેટ ધર્યું. બદલામાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ લઈ આવ્યો.

ચિનહટની લડાઈમાં અંગ્રેજો લોટમાં લીટાં માનીને આગળ વધ્યા હતા. અવધના ચીફ કમિશનર સર હેનરી લૉરેન્સને એવા સમાચાર મળ્યા કે ક્રાન્તિકારીઓ પાસે છ હજારની ફોજ છે પણ ૧૮૫૭ની ૩૦મી જૂને અંગ્રેજ ફોજ લડાઈના મેદાનમાં પહોંચી ત્યારે એનો સામનો કરવા વિદ્રોહીઓની પંદર હજારની ફોજ હાજર હતી. એમાં અંગ્રેજોનો કચ્ચરઘાણ નીકળી ગયો. અંગ્રેજી ફોજના કેટલાયે મોટા અફસરો માર્યા ગયા. હેનરી લૉરેન્સ પણ ઘાયલ થયો અને બે દિવસ પછી એનું મૃત્યુ થયું. અંગ્રેજી ફોજ પાછી લખનઉમાં રેસીડન્સી તરફ પાછી હટી ગઈ.

આ બાજુ વિદ્રોહીઓએ સુલતાનપુરના મુખિયા અને ચિનહટની લડાઈમાં વિદ્રોહીઓની ફોજના કમાંડર બરકત અહમદની આગેવાની હેઠળ પંચાયતની રચના કરી, જેમાં મૌલવી અહમદુલ્લાહ શાહના સરદારો ઉમરાવ સિંહ અને ઘમંડી સિંહ ઉપ્રાંત, જયપાલ સિંહ, રઘુનાથ સિંહ અને શહાબુદ્દીન હતા.

બેગમ હઝરત મહલ

૧૮૫૭ના ઇતિહાસમાં વાજિદ અલી શાહની બેગમ હઝરત મહલને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ નથી મળી, તેમ છતાં પણ અવધમાં અંગ્રેજો સામેના વિદ્રોહમાં એની ભૂમિકાને કારણે એનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે. ચિનહટની લડાઈમાં ફતેહ મેળવ્યા પછી સાતમી જુલાઈએ પંચાયતે વાજિદ અલી શાહના સગીર વયના પુત્ર બિરજિસ કદ્રને ગાદીએ બેસાડ્યો અને બેગમ હઝરત મહલના હાથમાં વહીવટ અને જંગનું સુકાન સોંપ્યું.

બેગમ હઝરત મહલનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો અને એને નવાબ વાજિદ અલી શાહના હરમની બાંદી તરીકે માબાપે વેચી નાખી હતી. અહીં એના પર વાજિદ અલી શાહની નજર પડી. તે પછી એને ‘ખવાસિન’ (ચાકર)બનાવી દેવાઈ. એ રીતે એ નવાબના સંપર્કમાં આવી. નવાબે એને ‘પરી’ જાહેર કરી અને એની સાથે લગ્ન કર્યાં. તે પછી એને પુત્ર જન્મ્યો ત્યારે એ અવધની બેગમ બની અને એને હઝરત મહલ નામ મળ્યું.

બિરજિસ કદ્ર નવાબ બન્યો તે પછી દસ મહિના સુધી એણે કારભાર સંભાળ્યો. પરંતુ કંપનીએ અવધને આંચકી લેવાનો મનસૂબો કર્યો હતો એટલે બ્રિટનની રાણી વિક્ટોરિયાએ જાહેરનામું બહાર પાદ્યું પણ બેગમ મચક આપવા તૈયાર ન થઈ. એણે જવાબી જાહેરનામું બહાર પાડ્યું અને પોતાને રાજમાતા ઠરાવી.

એને સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અંગ્રેજોનો મુકાબલો કરવા માટે જાતિ અને ધર્મના ભેદભાવ દબાવી દીધા અને પ્રજાને લડવા માટે પ્રોત્સાહિત કરી. જો કે અંગ્રેજી ફોજે લખનઉને ઘેરો ઘાલ્યો. તે સાથે જ બળવાખોરોમાં શિસ્તનો અભાવ હતો. ખુદ હઝરત મહલના હુકમોનો અનાદર થત્તો હતો. પરિણામે અંગ્રેજો જીતી ગયા અને બેગમે અવધ છોડવું પડ્યું. એ નેપાલ ચાલી ગઈ. અંગ્રેજ હકુમતે એને પેન્શન આપવાનું નક્કી કર્યું પણ આ સ્વાભિમાની વીરાંગનાએ એની ના પાડી દીધી. ૧૮૭૯માં એનું કાઠમંડુમાં મૃત્યુ થયું.

તસવીરમાં એનો મકબરો જોવા મળે છે.

૦૦૦૦

સંદર્ભઃ

(૧)The Indian war of Independence V. D. Savarkar (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(૨) https://thewire.in/history/the-revolt-of-1857-maulavi-ahmadullah-shah-the-rebel-saint-of-faizabad

(૩)https://www.jagran.com/uttar-pradesh/lucknow-city-untold-story-about-battle-of-chinhat-18308287.html

(૪) https://en.wikipedia.org/wiki/Barkat_Ahmad

()()()()()

%d bloggers like this: