Science Samachar (62)

(૧) ભારતની ઇંદ્રધનુષી વિરાટ ખિસકોલી

કેરળના મલબાર વિસ્તારના જંગલમાં એક અવૈતનિક ફોટોગ્રાફર વિજયન કશ્યપે રંગબેરંગી ખિસકોલીના ફોટા પાડ્યા છે. વીસ વર્ષ પહેલાં આ ખિસકોલીનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જાહેર કરાયું હતું પણ હવે એ મલબારનાં જંગલમાં ઘણી સંખ્યામાં જોવા મળે છે. એની વસ્તીમાં આઠ ટકાનો વધારો થયો છે. એ સામાન્ય રાખોડી રંગની ખિસકોલી જેવી જ છે પણ એ ત્રણ ફૂટ લાંબી છે અને એના પર જુદા જુદા રંગની રેખાઓ છે. દુનિયામાં આ પ્રકારની ખિસકોલી માત્ર ભારતમાં અને તે પણ માત્ર કેરળના પટનમતિટ્ટા જિલાના જંગલમાં જોવા મળે છે.

એ મોટા ભાગે તો ઝાડ પર જ રહે છે અને ભાગ્યે જ જમીન પર આવે છે. પરંતુ જમીન પર આવે ત્યારે પણ એ છ મીટર જેટલી છલાંગ લગાવીને ઝાડ પર ચડી જાય છે. એના આ ઇંદ્રધનુષી રંગનું કારણ શું તેના વિશે વૈજ્ઞાનિકો જુદાં જુદાં અનુમાનો કરે છે.

બધી તસવીરોનો કૉપીરાઇટ વિજયન કશ્યપ હસ્તક છે અને અહીં માત્ર જ્ઞાનપ્રસારના હેતુથી એ લેવામાં આવી છે.

સંદર્ભઃhttps://www.sciencealert.com/giant-squirrels-in-india-look-like-fuzzy-rainbows-and-omg-these-pics

000

(૨) ભારતીય સંશોધકોએ બૅક્ટેરિયાને મારવાની નવી રીત શોધી

સેંટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ એક એવો એંઝાઇમ શોધી કાઢ્યો છે કે જે બેક્ટેરિયાના કોશોની દીવાલને ભેદી નાખે છે. આ રીતે બેક્ટેરિયા ફેલાય છે. સંશોધકો આ એંઝાઇમને ‘કાતર’ કહે છે. હાલમાં જે ઍંટીબાયોટિક્સ અપાય છે તે આપવાની સાથે આ એંઝાઇમને કામ કરતાં રોકી દેવાય તો દવા વધારે અસરકારક નીવડશે.

ગયા મંગળવારે હૈદરાબાદમાં એક પત્રકાર પરિષદમાં CCMBના ડાયરેક્ટર રાકેશ મિશ્રા અને સીનિયર સાયન્ટિસ્ટ મંજુલા રેડ્ડીએ કહ્યું કે આજનાં ઍંટીબાયોટિક્સ મળે છે તેનો બેક્ટેરિયા દ્વારા પ્રતિકાર શા માટે થાય છે તે જાણવું જરૂરી છે. આખી દુનિયામાં વૈજ્ઞાનિકો બેક્ટેરિયા શી રીતે પ્રતિકાર કરી શકે છે તે જાણવામાં લાગ્યા છે.ડૉ. રેડ્ડી અને એમના રીસર્ચ સ્કૉલર પવન કુમાર ઈ-કોલીનાં બેક્ટેરિયા વિશે કામ કરતાં હતાં. એમણે એક નવો એંઝાઇમ જોયો જે કોશની દીવાલનું નિયંત્રણ કરે છે. એ કાતર ન ચાલે તો નવાં ઍંટીબાયોટિક્સ શોધી શકાય. હમણાં તો ઍંટીબાયોટિક્સ નવા કોશ બનવાના તબક્કે કામ કરે છે, પણ આ નવો એંઝાઇમની ભાળ મળવાથી બેક્ટેરિયાના કોશની દીવાલને તોડવાનું રોકી શકાશે, એટલે કોઈ રીતે બેક્ટેરિયા ફેલાઈ નહીં શકે.

સંદર્ભઃ https://www.thehindu.com/sci-tech/science/enzyme-to-arrest-bacteria-cell-growth-discovered/article26715075.ece

૦૦૦

(૩) ઉલ્કાપાતમાં ડાયનાસોર કેમ મર્યાં?

સાડા-છ કરોડ વર્ષ પહેલાં પ્રુથ્વી પર ઉલ્કાપાત થયો અને એમાં ડાયનાસોર નાશ પામ્યાં. એ વખતથી માંડીને આપણે ત્રણ લાખ વર્ષ પહેલાં આવ્યા તે વખત સુધીની એ સૌથી વધુ ગોઝારી કુદરતી હોનારત હતી. એનું સ્થાન મેક્સિકોમાં આજે યુકતાન પ્રદેશ તરીકે ઓળખાતી જગ્યાએ હતું. માત્ર ડાયનાસોર નહીં બીજા જીવો હતા તે કંઈ બચે નહીં જ. આવી એક માછલીનું અશ્મિ મળ્યું છે. જો કે ડાયનાસોરનું કોઈ અશ્મિ નથી મળ્યું, માત્ર એના કુલ્હાના હાડકાનો જર્જર ભાગ મળ્યો છે. આ શોધે દુનિયામાં વિવાદ પણસર્જ્યો છે તેમ છતાં એ બહુ રસપ્રદ શોધ છે. ડાયનાસોર કઈ રીતે નાશ પામ્યાં તે જાણવાની હવે શરૂઆત થઈ છે.

સંદર્ભઃ https://www.smithsonianmag.com/science-nature/fossil-site-captures-dinosaur-killing-impact-its-only-beginning-story-180971868/

૦૦૦

(૪) સ્ટીફન હૉકિંગનો હાઇપો થીસિસ ખોટો પડશે?

એક આંતરરાષ્ટ્રીય સંશોધક ટીમે ડાર્ક મૅટર બ્રહ્માંડની તદ્દન શરૂઆતની અવસ્થાનાં બ્લૅક હોલને કારણે બન્યું હોવાની સંભાવનાનો ઇનકાર કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ટીમમાં પુણેના ઇંટર-યુનિવર્સિટી સેંટર ફૉર ઍસ્ટ્રોનોમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સના બે વૈજ્ઞાનિકો સુહૃદ મોરે અને અનુપ્રીતા મોરે પણ છે.

પહેલાં તો એ સમજીએ કે ડાર્ક મૅટરનો ખ્યાલ કેમ આવ્યો? આપણી સૂર્યમાળામાં બુધનો ગ્રહ ૮૮ દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા કરી લે છે અને નૅપ્ચ્યૂનને ૧૬૫ વર્ષ લાગે છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ગેલેક્સીના કેન્દ્રની નજીકના તારા જલદી પરિભ્રમણ કરતા હોય, પરંતુ મોટા ભાગની ગેલેક્સીઓમાં કેન્દ્રની નજીકના અને એની ધાર પર આવેલા તારાઓની ગતિ લગભગ સરખી હોય છે. આનો અર્થ એ કે કોઈ બળ એમને ધક્કો આપે છે. પણ એ દેખાતું નથી. એને ‘ડાર્ક મૅટર’ નામ અપાયું. એમાં ગુરુત્વાકર્ષણ શક્તિ હોવાથી એને મૅટર માનવામાં આવે છે. એ ‘ડાર્ક’ છે, કારણ કે એમાંથી પ્રકાશ પ્રાપ્ત નથી થતો એટલે દેખાતું નથી. ૧૯૩૦થી આ કોયડો ઉકેલી શકાયો નથી.

સ્ટીફન હૉકિંગે ૧૯૭૧માં કહ્યું કે બ્રહ્માંડ બન્યું તે વખતે એ બહુ સૂક્ષ્મ બ્લૅક હોલ છે. એનું કદ એક મિલીગ્રામના એક હજારમા ભાગથી માંડીને એક હજાર સૂર્ય જેટલું હોઈ શકે છે. પરંતુ આ ટીમે હવાઈ ટાપુ પર જાપાનના સુબારુ ટેલિસ્કોપ ઓઅર હાઇપર સુપ્રાઇમ કૅમ (કેમેરા)નો ઉપયોગ કરીને જોયું તો પૃથ્વી અને ઍન્ડ્રોમેડા ગૅલેક્સી વચ્ચે બ્લૅક હોલ હોવાના સંકેતો ન મળ્યા.

સંદર્ભઃ https://www.downtoearth.org.in/news/science-technology/study-disproves-hawking-shows-tiny-black-holes-may-not-account-for-dark-matter-63822

%d bloggers like this: