India: Slavery and struggle for freedom : Part 2 :: Struggle for Freedom – Chapter 28

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

 પ્રકરણ ૨૮: ૧૮૫૭: અવધમાં વિદ્રોહ (૧)

દિલ્હીની ઘટનાઓ અને બહાદુરશાહ ઝફરની કેદ સાથે દિલ્હી પર ફરી કંપનીનું રાજ સ્થપાયું. મોગલ સલ્તનત નામ પૂરતી હતી, હવે તેનો રીતસર અંત આવ્યો. આમ છતાં મેરઠના સિપાઈઓ દિલ્હી ન આવ્યા હોત તો દિલ્હીમાં શું થયું હોત? આ રીતે જોઈએ તો દિલ્હીમાં વિદ્રોહ બહારથી પહોંચ્યો. પરંતુ અવધમાં વિદ્રોહ થવાનાં પોતાનાં સ્વતંત્ર કારણો હતાં, જો કે, ત્યાં બંગાલ આર્મીની ૧૯મી અને ૩૪મી રેજિમેંટ વચ્ચે ડ્યૂટી બદલતી હતી તે વખતે બન્ને રેજિમેંટોના સિપાઈઓ વિશે બ્રિટીશ ફોજમાં કારતૂસોને કારણે થયેલા વિદ્રોહ વિશેની વાતો પહોંચી હતી, પણ આ વાતોએ બળતામાં ઘી રેડ્યું; બળતું તો પહેલાંથી જ હતું. અવધના વિદ્રોહમાં બેગમ હઝરત મહલે સીધો ભાગ લીધો એટલું જ નહીં, એણે પ્રેરણા પણ આપી.

૧૮૫૬માં ડલહૌઝીએ અવધ રાજ્યને ખાલસા કરી લીધું અને શાયરદિલ નવાબ વાજિદ અલી શાહને સાલિયાણું આપીને કલકત્તામાં મટિયાબુર્જમાં રહેવા માટે મોકલી દીધો. પ્રજા આ સ્વીકારવા તૈયાર નહોતી. એટલે આખા દેશમાં ખૂણેખૂણે બળવાની આગ લાગી હતી, પરંતુ અવધમાં અંગ્રેજો પ્રત્યેની નફરત ચરમ સીમાએ પહોંચી હતી.

વાજિદ અલી શાહથી પહેલાં

આપણે આ શ્રેણીના પહેલા ભાગના ૨૪મા પ્રકરણની કેટલીક વિગતો તાજી કરી લઈએ: ૧૭૫૭માં પ્લાસીમાં જીત મેળવ્યા પછી મીર જાફરને ક્લાઈવે ગાદીએ બેસાડ્યો. પરંતુ મીર જાફર ઇચ્છતો હતો કે અંગ્રેજોએ જે શરતો મૂકી હતી તે માફ કરે, કારણ કે સિરાજુદ્દૌલાના ખજાના વિશે મળેલી માહિતી ખોટી હતી અને મીર જાફર આ શરતો પૂરી કરી શકે તેમ નહોતો. બંગાળના ગવર્નર હેનરી વેંસીટાર્ટને મીર જાફર પસંદ નહોતો એટલે એણે એને હટાવવાની ચાલ શરૂ કરી. મીર જાફરના દીકરા મીરાનનું પણ મૃત્યુ થઈ ગયું હતું એટલે એના પછી કોણ, એ સવાલ હતો. એના જમાઈ મીર કાસિમને વેંસીટાર્ટે લાલચ આપી. મીર જાફરને પદ છોડવાની ફરજ પડી. ધીમે ધીમે મીર કાસિમ પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયો અને એણે મોગલ બાદશાહ, અવધના શૂજાઉદ્દૌલાને સાથે લઈને ૧૭૬૪માં લડાઈ કરી. આ બક્સરની લડાઈ કહેવાય છે.

આ લડાઈ પછી કંપનીએ મરાઠાઓ વિરુદ્ધ અવધને ‘બફર’ રાજ્ય તરીકે ટકાવી રાખવાનું નક્કી કર્યું. ૧૮૦૧માં વેલેસ્લીએ અવધના નવાબ સાથે સંધિ કરી તે પછી અવધ કંપનીના તાબાનું રાજ્ય બની ગયું. આંતરિક વહીવટ તો નવાબના હાથમાં રહ્યો અને અમુક રકમના બદલામાં કંપનીની ફોજ નવાબને રક્ષણ આપવાની હતી.

પરંતુ, કંપનીનો ઇરાદો તો બહુ શરૂઆતથી સ્પષ્ટ હતો. ૧૮૩૧માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે લખ્યું કે બ્રિટિશ સરકારે અવધના સંરક્ષક અને ટ્રસ્ટી તરીકે આંતરિક વહીવટ સુધારવો જોઈએ. આવા જ બીજા અભિપ્રાયો પણ હતા, પરંતુ ડલહૌઝીનું કહેવું હતું કે અવધમાં સુધારા થઈ શકે તેમ જ નહોતું એટલે એના નવાબને હટાવીને કંપનીએ સીધું શાસન પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.

અમજદ શાહના અવસાન પછી વાજિદ અલી શાહ ગાદીએ આવ્યો હતો. એને પ્રજા પ્રત્યે કૂણી લાગણી હતી. પ્રજા પણ એને ચાહતી હતી. એ ઉદાર અને સારો વહીવટકાર પણ હતો અને એમાં લોકોને અન્યાય ન થાય એનું ધ્યાન રાખતો. એને સંગીત નૃત્યમાં વધારે રસ હતો. દાદરા, ઠુમરી, કથક નૃત્યનાટક ‘રહસ’ અને કૃષ્ણ અને ગોપીઓના રાસની રચનાઓ એણે જ કરી. કલાવિધાઓને એણે બહુ પ્રોત્સાહન આપ્યું. પોતે પણ કવિ હતો અને સમારંભોમાં જાતે જ નાચગાનમાં ભાગ લેતો. લખનઉની આગવી સાંસ્કૃતિક પિછાણ છે તેનો બધો જ યશ વાજિદ અલી શાહને નામે ચડે છે. કંપનીનું કહેવું હતું કે નવાબને નાચગાનમાં જેટલો રસ હતો તેટલો રસ વહીવટમાં નહોતો, એ કારણે રાજ્યનો વહીવટ રસાતાળે પહોંચ્યો હતો. આ બહાનું જ હતું.

મોઇનુદ્દીન ખાન દેખાડે છે તસવીરની બીજી બાજુ

દિલ્હીની ડાયરી લખનાર મોઇનુદ્દીન ખાન જુદું ચિત્ર ખેંચે છે. એણે વાજિદ અલી શાહની બીજી બાજુ દેખાડી છે, જેનાથી આપણે પરિચિત નથી કારણ કે આપણી ઇતિહાસની સમજનો આધાર અંગ્રેજોએ લખેલાં પુસ્તકો છે.

મોઇનુદ્દીન લખે છે કે ૧૮૪૭માં વાજિદ અલી શાહ નવાબ બન્યો તે પછી તરત જ એણે ફોજને સંગઠિત કરવાનું શરૂ કર્યું. એણે લખનઉમાં સવારની નમાઝ પછી બધા લશ્કરી માણસોને પરેડ માટે આવવાનો આદેશ આપ્યો. સવારે પાંચ વાગ્યે સૈનિકો એકઠા થતા ત્યારે વાજિદ અલી શાહ પણ કમાંડરના યુનિફૉર્મમાં હાજર રહેતો. એ દરરોજ ચાર-પાંચ કલાક ડ્રિલ કરાવતો. મોડા આવનારી રેજિમેંટ પર દંડ લાગુ થતો અને આખો દિવસ એ રેજિમેંટ શસ્ત્રો ધારણ ન કરી શકતી. પોતે જ મોડો પડે તો પોતાને જ બે હજાર રૂપિયાનો દંડ કરતો અને એની રકમ બધી ટુકડીઓને વહેંચી દેવાતી.

અંગ્રેજોને આમાં શંકા પડી કે એનું બહારના દુશ્મન સામે રક્ષણ કરવાની જવાબદારી કંપનીની હતી, તો વાજિદ અલી શાહ શા માટે પોતાની ફોજ તૈયાર કરે છે? દરબારીઓ સુધી આ વાત પહોંચી તો એમણે પણ નવાબ પર દબાણ કર્યું કે અંગ્રેજોને શંકા પડે એવું કંઈ પણ ન કરવું જોઈએ.

નવાબ હતાશ થઈ ગયો. તે પછી એ મનને મનાવવા માટે બીજી બાજુ વળી ગયો અને નાચગાનમાં લીન રહેવા લાગ્યો. એનો એવો ખ્યાલ પણ હતો કે અંગ્રેજોએ ભલે ને આંતરિક વહીવટ હાથમાં ન લીધો હોય પણ એની આડમાં એ લોકોમાં અસંતોષ ફેલાવતાં ચૂકતા નથી. પ્રજા દુઃખી ન હોવા છતાં એને કંપની તરફથી સંદેશા મળતા રહેતા હતા.

વાજિદ અલી શાહે શાસન ચલાવવામાં બેદરકારી દેખાડવાનું શરૂ કર્યું તેની અસર સમાજના સંબંધો પર ખરાબ પડી. મોઇનુદ્દીન એક મહત્ત્વનો કિસ્સો ટાંકે છે, જેનો લાભ કંપની બહાદુરની સરકારે લીધો. આ ઘટના આ પ્રમાણે છેઃ

એક દુર્શોમ સિંહ (નામ બરાબર નથી લાગતું) નામના રાજા (જાગીરદાર)ના એક પુત્ર દુર્શિન સિંહે (નામ બરબર નથી લાગતું) ફૈઝાબાદ નજીક હનુમાન ગઢીની આસપાસ ઘણી બધી જગ્યા લઈ લીધી. એમાં એક મસ્જિદ પણ હતી. દુર્શિન સિંહે એ પણ પોતાના કબજામાં લઈ લીધી. એના બે દીકરાઓએ મસ્જિદમાં અઝાન પોકારવાની મનાઈ કરી દીધી. થોડા દિવસ પછી ત્યાં એક મૌલવી ફકીર હુસેન શાહ મસ્જિદમાં આવ્યો. એને ખબર નહોતી એટલે એણે અઝાન પોકારતાં આસપાસનાં મંદિરોના બ્રાહ્મણ પુજારીઓએ વાંધો લીધો અને મૌલવી સાથે મારપીટ કરી અને કુરાન ફેંકી દીધું. મૌલવી ત્યાંથી લખનઉ ગયો અને બજારમાં આ વાત ફેલાવી. એ જગ્યાએ ચાર ભાઈ રહેતા હતા. બધા ફોજી હતા. એ મૌલવીને મદદ કરવા અને કુરાનના અપમાનનો બદલો લેવા બે ભાઈ તૈયાર થઈ ગયા.

બીજા દિવસે મૌલવી અને બે ભાઈઓ પાછા હનુમાનગઢી પાસેની મસ્જિદમાં બાંગ પોકારી. વળી બ્રાહ્મણો બહાર આવી ગયા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં બે સૈનિક માર્યા ગયા. મૌલવી ફરી લખનઉ પહોંચ્યો અને એક કોર્ટમાં ફોજદારી દાવો માંડ્યો. જજને થયું કે કેસ એવો છે કે કંઈક ખરાબ બનશે, એટલે એણે કેસ ચડત રાખી દીધો.

મૌલવી તે પછી એક સૈયદ અમીર અલી નામના માણસને મળ્યો. ને મસ્જિદમાં મુસલમાનોની મીટિંગ બોલાવી. અમીર અલીના કહેવાથી એક ફતવો જારી કરીને કુરાનના અપમાનનો બદલો લેવા હાકલ કરી અમીર અલી પોતે જ લખનઉમાં ચોરે ને ચૌટે જેહાદ માટે ભડકાવતો હતો. હવે કંપનીનો રેસિડન્ટ કમિશનર વાજિદ અલી શાહને મળ્યો અને સુલેહશાંતિ માટે કંઈક કરવા વિનંતિ કરી. વાજિદ અલી શાહે ફરી માણસો મોકલ્યા અને મૌલવીને સમજાવીને પાછો લાવવા પ્રયત્ન કર્યો પણ મૌલવી લડવા માગતો હતો. એણે બ્રાહ્મણોને મસ્જિદ પાસેથી હાંકી કાઢવા અને સજા કરવાની માગણી કરી.

હવે કર્નલ બાર્લોની સરદારી હેઠળ વાજિદ અલી શાહે પોતાની એક રેજિમેંટ મોકલી. એમાં માત્ર હિન્દુ સિપાઈઓને જ લેવાનો હુકમ આપ્યો. એનો હુકમ હતો કે મૌલવીને પકડી લેવો પણ જો એ ન માને તો તોપને નાળચે બાંધીને ઉડાવી દેવો. બાર્લોની ટૂકડીએ અમીર અલીના કૅમ્પને ઘેરી લીધો. સામસામી લડાઈમાં અમીર અલીના ૧૧૧ સૈનિકો માર્યા ગયા.

રેસિડન્ટને ઘણી અરજીઓ મળી તેના પરથી એણે તારણ કાઢ્યું કે નવાબને ગાદીએથી ઉતારી નાખવો અને કંપની બધો કારભાર સંભાળી લે. ડલહૌઝી તો એના માટે તૈયાર જ હતો.

લોકોની તકલીફો અને ફરિયાદોને નામે ૧૮૫૬ની ૧૧મી ફેબ્રુઆરીએ જનરલ ઑટ્રૅમે વાજિદ અલી શાહને તખ્ત પરથી ઉતારીને અવધ પર કંપનીનું વર્ચસ્વ સ્થાપી દીધું. વાજિદ અલી શાહને કલક્તા લઈ ગયા. લખનઉની પ્રજા એને યાદ કરતી હતી. ૧૮૫૭નો બળવો શરૂ થયો ત્યારે એના એક પુત્ર બિર્જિસ કાદરને લોકોએ ગાદીએ બેસાડ્યો અને એની માતા બેગમ હઝરત મહલે અંગ્રેજો સામે મોરચો માંડ્યો. એ વખતે નવાબને ફોર્ટ વિલિયમમાં કેદ કરી લેવાયો. એને લખનઉ પાછા આવવું હતું પણ બળવા પછી મનની મનમાં જ રહી ગઈ.

બહાદુર શાહ ઝફરે રંગૂનની કેદમાં ગાયું –

કિતના હૈ બદનસીન ‘ઝફર’ દફ્ન કે લિયે
દો ગઝ ઝમીં ભી ના મિલી કૂઅ-એ-યાર મેં

એ જ રીતે,નવાબ વાજિદ અલી શાહના હૈયામાંથી હિજરાતા શબ્દો ઠુમરી બનીને નીકળ્યા…

બાબુલ મોરા, નૈહર છૂટો રી જાય….

૦૦૦૦

સંદર્ભઃ

૧.The Last Days of the Company (1818-1858): Vol. I –‘The Expansion of British India’

By G. Anderson and M. Subedar(Published in 1918) ( ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. Two Native Narratives of Mutiny in Delhi. Charles Theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) (મોઇનુદ્દીન ખાનના અવલોકન માટે – પૃષ્ઠ ૩૨થી ૩૯)

%d bloggers like this: