India: Slavery and struggle for freedom : Part 2 : Struggle for Freedom – Chapter 27

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨૭: બહાદુર શાહનો અંત

દરરોજ કોઈને કોઈ સ્થળેથી અંગ્રેજો સામે લશ્કરમાં વિદ્રોહ થવાના સમાચાર પણ મળતા હતા. નીમચમાં આવા બળવામાં બસ્સોના જાન ગયા. નસીરાબાદમાં સિપાઈઓએ એમના અંગ્રેજ અફસરોને મારી નાખ્યા. જજ્જરનો નવાબ ખાનગી રીતે અંગ્રેજોની તરફદારી કરતો હતો, તેની સામે એની ફોજે આઠમી જૂને બળવો કર્યો અને મોગલ બાદશાહ પ્રત્યે વફાદારી જાહેર કરી, એ જ રીતે, લાહોરમાં પણ અંગ્રેજી ફોજના હિન્દી સિપાઈઓ અને અંગ્રેજ સોલ્જરો વચ્ચે ધીંગાણું થયું. જયપુર અંગ્રેજો સાથે રહ્યું અને કાશ્મીરનો રાજા ગુલાબ સિંહ પણ અંગ્રેજોની મદદે આવ્યો, તો જલંધર મોગલ બાદશાહ તરફ ઢળ્યું; એટલું જ નહીં, ત્યાંથી ત્રણ બટાલિયનો પણ દિલ્હી આવી. દરમિયાન સમાચાર મળ્યા કે બળવાને દબાવી દેવા રાણી વિક્ટોરિયાએ ચોવીસ હજાર સૈનિકો મોકલવાનો આદેશ આપી દીધો હતો.

તે પછી નવમી જૂને અંગ્રેજો સતત હુમલો કરતા રહ્યા અને બળવાખોરો મહાત થતા રહ્યા.

બાદશાહનાં દળોનો જુસ્સો તૂટવા લાગ્યો હતો, એટલે નવેસરથી કંઈક કરવાની જરૂર હતી. બાદશાહે સમદ ખાનને નવો સિપહસાલાર બનાવી દેતાં વળી અંગ્રેજોનો મુકાબલો કરવાનું જોશ આવ્યું. સમદ ખાન ૧૮૦ સિપાઈઓ અને તોપદળ સાથે અંગ્રેજો સામે કાશ્મીરી દરવાજે ગોઠવાઈ ગયો. પહેલાં તો એણે અંગ્રેજોને કહ્યું કે જજ્જરથી દળકટક સાથે અંગ્રેજોની મદદ માટે આવ્યો છે, પણ અંગ્રેજી ફોજે એને મળવાની ના પાડતાં બપોરે બે વાગ્યે લડાઈ શરૂ થઈ ગઈ. સમદ ખાને એવો જબ્બર હુમલો કર્યો કે અંગ્રેજોના હોશ ઊડી ગયા. એ દિવસ અંગ્રેજી ફોજ માટે નામોશીનો દિવસ હતો.

પરંતુ ૧૫મી જૂને અંગ્રેજોનો હુમલો જોરદાર હતો; સાત તોપગોળા તો મહેલ પાસે જ પડ્યા. બાદશાહે ગુસ્સામાં બધાં વિદ્રોહી દળોને શહેરની બહાર હાંકી કાઢવા હુકમ કર્યો. તે પછી દસ હજાર સિપાઈઓ અને બાદશાહના સૈનિકો શહેરની બહાર અંગ્રેજો સામે ગોઠવાયા. અંગ્રેજોનો હુમલો એટલો બધો હતો કે મોટા ભાગના માર્યા ગયા અને બચી ગયા તે શહેરમાં પાછા આવી ગયા.

તે પછીના દિવસોમાં કાનપુરમાં સિપાઈઓએ બળવો કરીને પોતાના અંગ્રેજ અફસરોને મારી નાખ્યા. કાનપુર પાછું નાનાસાહેબના હાથમાં આવી ગયું હતું. નસીરાબાદના લશ્કરી અધિકારીઓ પણ બહાદુરશાહને મળ્યા અને અંગ્રેજો સામે બાદશાહને સાથ આપવા સંમત થયા. તે દિવસે દિલ્હીના પહાડી ધીરજ ઇલાકામાં અંગ્રેજોના તોપમારામાં ઘણા લોકો માર્યા ગયા.

હવે બાદશાહે શાહજહાંના જમાનામાં બનાવેલી તોપ બહાર કાઢવાનો હુકમ આપ્યો. પહેલાં તો તોપનું ‘મૂરત’ કરવા માટે નાળચે બકરો બાંધ્યો અને ૨૫ શેર મીઠાઈ મંગાવી. બાદશાહે બ્રાહ્મણોને એમનાં પંચાંગો જોઈને ભવિષ્ય ભાખવા કહ્યું. બ્રાહ્મણોએ બળવાખોરો જીતશે કે કેમ તે ન કહ્યું પણ એટલી જ ભવિષ્યવાણી કરી કે આખું વરસ આવું જ અજંપાનું રહેશે, અસંખ્ય લોકો મરાશે પણ પછીના વરસમાં શાંતિ સ્થપાશે.

દરમિયાન બન્ને પક્ષે નવી કુમકો પહોંચવા લાગી. બીજી બાજુ, અંગ્રેજોની ફોજ આગરામાં સંગઠિત થતી હતી પણ બહાદુરશાહે મહંમદ બખ્ત ખાનની આગેવાની નીચે મોકલેલા લશ્કરે એમને ત્યાંથી તગેડી મેલ્યા. જુલાઈની અધવચ સુધીમાં અંગ્રેજોને દિલ્હીનાં દળો સતત હરાવતાં રહ્યાં અને અંગ્રેજો ફરી દિલ્હી પર આવે તેવાં લક્ષણો નહોતાં અને બહાદુર શાહ પણ સક્રિય બનીને વિદ્રોહનું સંચાલન કરતો હતો એ પણ સ્પષ્ટ થાય છે.બીજી બાજુ મેરઠમાં અંગ્રેજો જોરમાં હતા. એ જ દિવસે એમણે ચોંસઠ વિદ્રોહીઓને પકડીને ફાંસીએ ચડાવી દીધા હતા.

ઑગસ્ટ શરૂ થતાં બાદશાહની મદદે ઘણી ફોજો આવવા તૈયાર હતી પરંતુ હવે તિજોરીનાં તળિયાં ખાલી થવા લાગ્યાં હતાં. બાદશાહ અંગ્રેજ ફોજને ઉત્તરની ગિરિમાળાની પાર ભગાડી દેવા માગતો હતો.  પરંતુ એ શક્ય બનતું નહોતું. આ બાજુ નસીરાબાદ પર અંગ્રેજોએ ફરી કબજો જમાવી લીધો હતો. ત્યાંથી છ હજાર જેહાદીઓ દિલ્હી આવવા તૈયાર હતા પણ બાદશાહે એમને સંદેશ મોકલાવ્યો કે દિલ્હીમાં સાઠ હજારની ફોજ છે પણ હજી એ રિજ પર કબજો નથી કરી શકી તો તમે વધારાના છ હજાર આવશો તેથી કંઈ ફેર નથી પડવાનો.

આ બાજુ ઝહીર દહેલવી લખે છે કે સાતમી ઑગસ્ટે અંગ્રેજી ફોજે દિલ્હીની પશ્ચિમે નજફગઢ પર કબજો કરી લીધો અને હવે એ આગળ વધવા લાગી હતી. એ જ દિવસે બીજો પણ એક ખરાબ બનાવ બન્યો. ચાંદની ચોકમાં બેગમ સમરુની હવેલીમાં વિદ્રોહીઓ માટે દારુગોળો બનાવાતો. આ કારખાનામાં જ દારુગોળો ફાટ્યો અને મોટા ધડાકામાં સાતસોથી વધારે માણસોના જાન ગયા. (બેગમ સમરુ મૂળ કાશ્મીરી હતી અને એ લક્ઝમ્બર્ગના વૉલ્ટર રીઇન્હાર્ટ સોમ્બરને પરણી હતી. સોમ્બરનું સમરુ થઈ ગયું. એ એક ભાડૂતી સૈન્યની સરદાર હતી, મેરઠ પાસે સરધાનાની એ રાણી હતી. ૧૮૫૭ના વિદ્રોહથી વીસેક વર્ષ પહેલાં એ મૃત્યુ પામી હતી).

વિદ્રોહીઓનું નાણાકીય સંકટ ઘેરાતું જતું હતું અને એમનામાં શિસ્તનો પણ અભાવ હતો. જીવનલાલ એક પ્રસંગ ટાંકે છે, જેમાં એમણે બધા વેપારીઓ અને મોટા માણસોને એકઠા કર્યા અને જીવનલાલ જેવા ક્લાર્કો સહિત બધાની પીઠમાં બંદૂકો તાકીને પૈસા માગ્યા. જો કે અંતે, ક્લાર્કોને માફ કરવામાં આવ્યા. આમ બાદશાહનાં દળો અને વિદ્રોહી સિપાઈઓ વચ્ચે પણ અવિશ્વાસ હતો. બાદશાહની મદદે જે આવતા હતા તે બધા પૈસા માગતા હતા, બાદશાહ એના ખંડિયા રાજાઓ પાસેથી પૈસા કઢાવતો હતો પણ એ માગે તેટલા પૈસા નહોતા મળતા.

૨૦મી ઑગસ્ટે અંગ્રેજી ફોજે દિલ્હી પર મેટકાફ હાઉસમાંથી તોપમારો કર્યો. જો કે બાદશાહે એનો સખત સામનો કરવાના હુકમ આપ્યા તે પછી એક બાજુથી તોપમારો બંધ થઈ ગયો પણ કાશ્મીરી દરવાજા પર હુમલો ચાલુ રહ્યો. સૈનિકો બહાદુર શાહને કહેતા રહ્યા કે કંઈ ખતરો નથી પણ બહાદુર શાહનો જવાબ એ હતો કે એ વાત તો હું પહેલા દિવસથી સાંભળું છું, પણ અંગ્રેજો પાછા હટવાને બદલે દિવસોદિવસ દિલ્હીની નજીક આવતા જાય છે.

બીજી બાજુ, અંગ્રેજી ફોજનો એક શીખ કેદી બાદશાહના શાહજાદાની ફોજના હાથે કેદ પકડાયો, એણે કહ્યું કે બાદશાહનો સિપહસાલાર બખ્ત્ખાન અંગ્રેજો સાથે ખાનગી રીતે વાતચીત કરે છે,એણે પહેલાં તો આ વાત ન માની પણ પછી નીમચથી આવેલા સૈનિકોએ પણ એવી જ ફરિયાદ કરી ત્યારે બાદશાહે બખ્તખાનને મહેલમાં ન આવવા દેવાનો હુકમ આપ્યો. આના પછી એણે જુદાં જુદાં રાજ્યોની ફોજની મનમરજી પર કાબુ મૂક્યો અને અંગ્રેજો સામે લડવા બાર સભ્યોની કાઉંસિલ નીમી.

૨૫મી ઑગસ્ટે બાદશાહને સમાચાર મળ્યા કે બાગપત પાસે એક રસાલો અંગ્રેજી ફોજ માટે દોઢ લાખ રૂપિયા લઈને જાય છે. બાદશાહે એના પર હુમલો કરવા શાહજાદા મિર્ઝા મોગલને હુકમ કર્યો પણ એ માન્યો નહીં. એટલે સૈનિકોએ પગાર માગ્યો. બાદશાહ પોતે જ ઊઠીને પોતાના અંગત નિવાસમાં ગયો અને ઝરઝવેરાત લઈ આવ્યો અને આપ્યાં. સૈનિકો પર આની સારી અસર થઈ અને એમણે એ લેવાની ના પાડી અને કહ્યું કે બાદશાહે આટલું કર્યું તે જ દેખાડે છે કે એ સૈનિકોની કેટલી સંભાળ લેવા તૈયાર છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં અંગ્રેજોએ કાશ્મીરી દરવાજા અને કુદ્સિયા બાગ પાસે મોરચાબંધી કરી લીધી હતી અને દિલ્હી પર આખરી નિર્ણાયક હુમલાની તૈયારી કરતા હતા. ૧૧મીએ અંગ્રેજોના હુમલામાં કાશ્મીરી દરવાજાના વિસ્તારમાં ભારે નુકસાન થયું. એ જ દિવસે બાદશાહે જાતે જ મોરચો સંભાળી લેવાની જાહેરાત કરી. આથી લોકોમાં નવું જોશ આવ્યું. બે દિવસ પછી એમને કાશ્મીરી દરવાજાની દીવાલમાં છીંડું પાડવામાં સફળતા મળી.

૧૪મી સપ્ટેમ્બરે અંગ્રેજોએ કાશ્મીરી દરવાજા અને અલી બુર્જ પર કબજો કરી લીધો. અંગ્રેજ, શીખ અને બીજા ભાડૂતી સૈનિકો જુમ્મા મસ્જિદ (જામા મસ્જિદ) સુધી પહોંચી ગયા. જામા મસ્જિદમાં એકઠા થયેલા હજારો મુસલમાનોએ એમનો સખત મુકાબલો કરીને પીછેહઠ કરવા ફરજ પાડી, બેગમ બાગની ઝપાઝપીમાં ચારસોનાં મોત થયાં પણ બપોર સુધીમાં લોકોનો વિરોધ ઠંડો પડવા લાગ્યો. જીવનલાલ લખે છે કે મુસલમાનો હિન્દુઓના ઘરોમાં આશરો લેવા લાગ્યા પણ હિન્દુઓને લડાઈમાં સાથ ન આપવા માટે ભાંડતા રહેતા હતા અને એમને કુટુંબ સહિત મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જીવનલાલની ટિપ્પણી છે કે એમણે અંગ્રેજો સામે લડવાનું હતું ત્યારે એ હિન્દુઓ પર પોતાનો ગુસ્સો ઠાલવતા હતા.

પરંતુ બાદશાહ બહાદુરશાહે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને અંદરો અંદરની લડાઈ રોકવા જાહેર કર્યું કે પોતે બીજા દિવસે તમામ હિન્દુઓ અને મુસલમાનોનાં લશ્કરોની સરદારી લઈને મેદાનમાં ઊતરશે.

બહાદુરશાહ જાણતો હતો કે એના દિવસો પૂરા થઈ ગયા છે અને ઇતિહાસ એની ભૂમિકાની નોંધ લેશે.

બસ, ઝહીર દહેલવી, હસન મોઈન ખાન અને જીવનલાલે અહીં જ એમનાં વિવરણોનો અંત આણી દીધો છે. બહાદુરશાહનું અને એના શાહજાદાઓનું શું થયું? આપણે જે જાણીએ છીએ તે આ ત્રણ લેખકોએ કદાચ બાદશાહ પ્રત્યે સન્માન ખાતર અથવા તો અંગ્રેજોને પસંદ ન આવે તે બીકે આ આઘાતજનક ઘટનાઓ વિશે લખવાનું યોગ્ય ન માન્યું હોય તે બની શકે છે.

૦૦૦૦

સંદર્ભઃ (1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.

()()()()()

%d bloggers like this: