Science Samachar (61)

(૧) મચ્છર પરસેવાની ગંધથી તમને ઓળખી લે છે.

મચ્છર મૅલેરિયા, ડેંગી અને પીળા તાવ જેવી બીમારીઓનો વાહક છે. આ બીમારીઓ દુનિયામાં રોજના ૭.૨૫,૦૦૦ લોકોના જાન લે છે. મચ્છરને મારવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ પણ પૃથ્વીને ન-મચ્છરી કરી શકાઈ નથી. એટલે વૈજ્ઞાનિકો મચ્છર કરડે શા માટે છે તે સમજવામાં લાગ્યા છે. હવે ઍંડીસ ઈજિપ્ટીમાં જોવા મળ્યું છે કે મચ્છરમાં કાર્બન ડાયોક્સાઇડને ઓળખી લે તેવા રિસેપ્ટર છે. એને કારણે એને ૩૦ ફુટના અંતરેથી ખબર પડી જાય છે કે કોઈ સસ્તન પ્રાણી નજીકમાં છે. એ ઉપરાંત અમુક રસાયણોને ગ્રહણ કરવાનો ઘટક Ir8a છે જે મચ્છરને દૂરથી જ કહી દે છે કે સામે જે સસ્તન પ્રાણી છે તે માણસ છે. “માણસ ગંધાય, માણસ ખાઉં!”

પછી મચ્છર નજીક આવે છે ત્યારે એના બીજા રિસેપ્ટરો શરીરની ગરમીને અનુભવે છે અને સમજાવી દે છે કે માણસ જીવે છે અને ગરમાગરમ લોહીનું ભોજન મળશે. એ તમારા પર બેસે ત્યારે તો પગની અંદરના રિસેપ્ટર એને કહે છે કે “ભોંક તારી સોય ને લે મઝા.” ફ્લૉરિડા ઇંટરનેશનલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે એ વખતે મચ્છરને ચારેબાજુથી સંદેશા મળે છે. એ લગભગ નશા જેવી સ્થિતિ હોવી જોઈએ. એ ત્રાટકે અને તમે એને ઝાપટમાં લઈને મારી નાખો, પણ એણે તે પહેલાં પોતાના જીવનનું અંતિમ ભોજન તો લઈ જ લીધું હોય છે!

સંદર્ભઃ https://www.smithsonianmag.com

૦૦૦૦

(૨) પ્રાચીન પ્રાણીઓનો રંગ કેવો હતો?

સૃષ્ટિમાં જ્યાં નજર નાખશો ત્યાં રંગ જોવા મળશે. વનસ્પતિ જગત અને પ્રાણીજગત પણ રંગબેરંગી છે. પણ સંસાર નાશવંત છે એટલે આપણે ભૂતકાળની સૃષ્ટીના રંગો જાણી શકતા નથી. લુપ્ત થયેલી જીવ સૃષ્ટિમાં રંગો હતા? રંગ એટલે બીજું કંઈ નહીં પણ દૃશ્યમાન પ્રકાશ. લીલા દેખાતા જીવાના પિગમેંટ બીજી તરંગલંબાઈના રંગો શોષી લે અને માત્ર લીલા રંગને પરાવર્તિત કરે, એટલે આપણે કહીએ કે પાંદડું લીલું છે. પ્રાચીન પ્રાણીઓના અશ્મિ પરથી એમનો રંગ જાણી શકાય? એકાદ દાયકા પહેલાં વૈજ્ઞાનિકોને અશ્મિઓ પરથી દેખાયું કે એમાં રંગનાં લક્ષણો છે,

આયર્લૅંડમાં કૉર્કની યુનિવર્સિટી કૉલેજની મારીઆ મૅક્નામારા કહે છે કે અશ્મિનો વિચાર કરીએ ત્યારે આપણી આંખ સામે લુપ્ત થયેલા પ્રાણીનાં જડબાં અને હાડકાં પણ આવે છે પણ એની અંદર નરમ પેશીઓ પણ હતી. એણે નાના જીવોનો અભ્યાસ શરૂ કર્યો છે, જેના આધારે એ શોધવા માગે છે કે એમની પેશીઓના અવશેષ અશ્મિમાં મળે છે કે કેમ? પરંતુ રંગને શોષી છે જે અમુક તરંગ લંબાઈને શોષી લેવા કે પરાવર્તિત કરવા માટે જ બની છે. આ સંરચનામાં એકની ઉપર બીજો, એવા કેટલાયે થર છે જે પરાવર્તક તરીકે કામ કરે છે. આવી સંરચનાઓ આજના જીવોમાં છે. એના પરથી અનુમાન કર્યું કે પહેલાં પણ આવી સંરચના હોવી જોઈએ અને અશ્મિઓમાં એ જોવા મળી છે.

સંદર્ભઃhttps://www.smithsonianmag.com/science-nature/how-do-scientists-determine-colors-prehistoric-animals-180971807/

૦૦૦૦

(૩) ૨૦૨૦માં મંગળ તરફ જશે નાસાનું હેલીકોપ્ટર!

નાસાએ મંગળ પર ઊતરી શકે એવું હેલિકોપ્ટર બનાવ્યું છે. જાન્યુઆરીમાં એના ફ્લાઇટ મૉડેલનું પરીક્ષણ થઈ ગયું છે (ફ્લાઇટ મૉડેલ એટલે મંગળ પર ખરેખર જનારું હેલીકોપ્ટર). પરીક્ષણનો હેતુ મંગળ પર હેલીકોપ્ટર કેમ કામ કરશે. મંગળની રાતમાં તાપમાન શૂન્યની નીચે ૯૦ ડિગ્રી સેલ્શિયસ સુધી નીચે જાય છે. આવી ઠંડીમાં હેલીકોપ્ટર ટકી શકે કે કેમ તે પણ તપાસવાનું હતું. આ હેલીકોપ્ટરને ૨૦૨૦માં મંગળ તરફ મોકલાશે અને ફેબ્રુઆરી ૨૦૨૧માં એ મંગળ પર ઊતરશે અને પૃથ્વી પરના હેલીકોપ્ટરની જેમ ઉડાન ભરશે.

હવે આ હેલીકોપ્ટરની રસપ્રદ ખાસિયતો જાણીએ. એના માટે વૈજ્ઞાનિકોએ ૭.૬૨ મીટર પહોળી વૅક્યૂમ ચૅમ્બર બનાવી એની અંદર આ હેલીકોપ્ટરનું પરીક્ષણ કરાયું. કારણ કે પૃથ્વીના વાતાવરણની ઘનતાના લગભગ એકસોમા ભાગની ઘનતા મંગળના વાતાવરણમાં છે, જે પરીક્ષણ સામેનો મોટો પડકાર હતો વૈજ્ઞાનિકોએ ચૅમ્બરમાં શૂન્યાવકાશ પેદા કરવા માટે એમાંથી ઑક્સીજન અને નાઇટ્રોજન કાઢી નાખ્યાં અને મંગળના વાતાવરણને અનુકૂળ બનાવવા માટે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભર્યો..

હેલીકોપ્ટરનું વજન માત્ર ૧.૮ કિલોગ્રામ છે અને એ બનાવવામાં વિમાન માટેનું એલ્યુમિનિયમ, સિલિકોન, તાંબું, ફૉઇલ અને ફૉમ વપરાયાં છે. પરીક્ષણ બે વાર થયું – કુલ એક મિનિટ! અને એ સપાટીથી ઊમ્ચે ચડ્યું, પાં…ચ સેંટીમીટર! વૈજ્ઞાનિકો કહે છે કે પરીક્ષણ સફળ રહ્યું છે અને યોજના પ્રમાણે એને મંગળ પર મોકલી શકાશે અને એ બરાબર કામ પણ કરશે!

સંદર્ભઃ https://www.jpl.nasa.gov/news/news.php?feature=7361

૦૦૦૦

(૪) ભૌતિકવિજ્ઞાનીઓ કહે છે કે શૂન્યાવકાશમાંથી પ્રકાશને નીચોવીને કાઢી શકાશે!

ભૌતિકવિજ્ઞાનીઓ કહે છે કે વીજચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારવાળા કણોનો મારો કરવાથી વીજળી પેદા થઈ શકે છે. આ તો થયો સિદ્ધાંત; પણ એની ચકાસણી માટે લેઝરો અને આજે છે તેના કરતાં બહુ મોટાં પાર્ટિકલ ઍક્સીલરેટરોની જરૂર પડશે. ભૌતિકશાસ્ત્રીઓ તો જાણે જ છે કે વીજભારવાળા કણો પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશ છોડે છે. શૂન્યાવકાશમાં પ્રકાશની જે ગતિ હોય છે તેના કરતાં એ માધ્યમમાંથી પસાર થાય ત્યારે એની ગતિ ઓછી હોય છે, આથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા કણ પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ પ્રવાસ કરે છે. આને કારણે ઇલેક્ટ્રોમૅગ્નેટિક શૉક પેદા થાય છે. જેમ સુપરસોનિક વિમાન અવાજની સીમાને ભેદે ત્યારે કડાકો બોલે છે, એ ધ્વનિનો વિસ્ફોટ કહે છે, એના જેમ આ ઇલેક્ટ્રોમૅગ્નેટિક વિસ્ફોટ છે પણ એમાં અવાજ નહીં, પણ પ્રકાશ પેદા થાય છે (એ ચેરેન્કોવ રેડિએશન તરીકે ઓળખાય છે).

આ ક્વૉન્ટમ મિકેનિક્સનો વિષય છે. અહીં સમાચાર તરીકે એની વિગતો ન આપી શકાય એટલે લિંક જરૂર જોશો.

સંદર્ભઃhttps://www.primetimes.in/technology/324743/physicists-predict-a-way-to-squeeze-light-from-the-vacuum-of-empty-space/

૦૦૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: