India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 26

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨૬: દિલ્હીમાં અરાજકતા (૬)

ઝહીર દહેલવી જ્યારે બળવાના સમાચાર જાણીને છોટા દરીબાંના દરવાજેથી બહાર નીકળ્યો ત્યારે એણે બે ઘોડેસવારોને જોયા. સામેથી મહોલ્લાનો ગુંડો, પહેલવાન ગામી નાહરવાલા આવતો હતો, એની પાછળ પચાસેકનું ટોળું હતું. એ બધા લૂંટફાટ માટે નીકળ્યા હતા. ઝહીર કોટવાલી અને ખૂની દરવાજાના માર્ગે કિલ્લે પહોંચ્યો. ત્યાં અસવારોની ભીડ હતી. એને એક તદ્દન નાગો માણસ મળ્યો. એના હાથમાં કોઈ અંગ્રેજનો બૂટ હતો, ચારે બાજુ કાગળ વેરાયેલા હતા અને એ કાગળો પર ભયંકર ગાળો સાથે બૂટ વીંઝતો હતો. (ઝહીર દહેલવી વિદ્રોહીઓની વિરુદ્ધ છે એ નોંધવું જોઈએ).

દહેલવી, મોઇનુદ્દીન અને જીવનલાલ – ત્રણેયનાં વિવરણમાં થોડોઘણો ફરક મળે છે પણ તે શક્ય છે, કારણ કે એમનો પરસ્પર સંપર્ક પણ નથી અને દરેકે પોતાની વાત લખી છે. આમ છતાં ઘટનાઓની નોંધ એકસરખી છે, એમના પ્રત્યાઘાત જુદા પડે છે. દહેલવીને આ વાતોથી દહેશત લાગે છે, મોઇનુદ્દીન અંગ્રેજોની નોકરી કરે છે અને જીવનલાલ તદ્દન તટસ્થ ભાવે નોંધ રાખે છે. સવારે નવ વાગ્યાના સુમારે ભારે વિસ્ફોટ થયો. તે પછી અંગ્રેજ કમાંડરે પોતાની ફોજને એકઠી કરવાની કોશિશ કરી પણ એમાંયે હિંદુસ્તાની સિપાઈઓ હતા. એમણે લડાઈ માટે જવાની અનિચ્છા પ્રગટ કરી. જીવનલાલ લખે છે કે અંગ્રેજી ફોજમાં હિન્દુસ્તાની સિપાઈઓ હતા એમણે પોતાના વિદ્રોહી ભાઈઓ પર ગોળીઓ છોડવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એમના અને વિદ્રોહીઓ વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા, એ બધા એકબીજા સાથે હાથ મિલાવતા હતા!

વિદ્રોહીઓ મેની ૧૧મીએ દિલ્હી આવ્યા તે જ દિવસે સાંજના ચાર વાગ્યે એમણે કાશ્મીરી દરવાજા પાસેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો. ચારે બાજુથી એને ઘેરી લીધો અને તોપના ગોળા છોડીને એની દીવાલ તોડી પાડી. પરંતુ એ લોકો શસ્ત્રાગારમાં ઘૂસી શકે તે પહેલાં જ શસ્ત્રાગારના સંત્રીઓએ પોતે જ એને ઉડાડી દીધો. આમાં તમાશો જોવા એકઠા થયેલા ઘણા લોકો માર્યા ગયા.

હવે વિદ્રોહીઓને દિલ્હીમાં સંપૂર્ણ સફળતા મળી ચૂકી હતી. તે પછી એમણે વહીવટ પર ધ્યાન આપ્યું. શહેનશાહ બહાદુર શાહ ઝફરને નામે એમણે કારભાર શરૂ કરી દીધો. જો કે, બહાદુર શાહના હુકમો માનવા માટે વિદ્રોહીઓ બહુ તત્પર નહોતા. ઝહીરના શબ્દોમાં “અંધેર નગરી, ચૌપટ રાજા” જેવો તાલ હતો. ઝહીર લખે છે કે વિદ્રોહીઓએ અંગ્રેજોને લૂંટીને ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હતી.

આપણા બીજા નજરે જોનાર સાક્ષી અને અંગ્રેજોનો નોકર મોઇનુદ્દીન હસન ખાન પોતે કે વિદ્રોહીઓ સાથે ભળી ગયો તે લખે છે. ૧૧મીએ થિઓફિલસ મૅટકાફને પોતાને ઘરેથી ભાગવું પડ્યું હતું અને એ મોઇનુદ્દીન ખાન પાસે જ આવ્યો હતો. તે પછી બીજા દિવસની સવારે એ પોતાના વિશ્વાસુ માણસની સાથે મેટકાફને મળવા નીકળ્યો પણ એને વહેમ પડ્યો કે એની પાછળ બે જાસૂસો આવે છે. ક્યાંક રોકાઈને એણે જાસૂસોને તો હાથતાળી આપી દીધી પણ એને પોતાના કુટુંબના જાનમાલ પર જોખમ હોવાનું સમજાઈ ગયું. એક-બે દિવસ પછી એણે અંગ્રેજોનો સાથ છોડી દીધો.

જીવનલાલ લખે છે કે ૧૧મીની બપોર સુધીમાં જેલ સુધી સમાચાર પહોંચી ગયા હતા કે અંગ્રેજો સામે સિપાઈઓએ જીત મેળવી લીધી છે. કેદીઓએ ઉત્સાહમાં બૂમરાણ મચાવી દીધી પણ જેલર લાલા ઠાકુર દાસે શિસ્ત જાળવી રાખી. સાંજ થતાં સુધીમાં તો સંત્રીઓએ પણ સ્પષ્ટ દેખાડી દીધું કે તેઓ વિદ્રોહીઓના પક્ષમાં છે. જીવનલાલ લખે છે કે એમની ફરિયાદ એ હતી કે આખા શહેરમાં લોકો લૂંટફાટની મઝા લે છે અને અમે અહીં ભરાઈ પડ્યા છીએ. કેદીઓ અને સંત્રીઓને કાબુમાં રાખવા માટે જેલરને આશા હતી કે એને અંગ્રેજ હકુમત કુમક મોકલશે, પણ છેવટે સાંજે પાંચ વાગ્યે એ બધું જેમનું તેમ છોડીને ઘરે ચાલ્યો ગયો.

બીજા દિવસે, ૧૨મીની સવારે અંગ્રેજોની ફોજના બધા દેશી અફસરો બાદશાહ સમક્ષ હાજર થયા, નજરાણું ધર્યું અને કહ્યું કે તેઓ બાદશાહના હુકમનું પાલન કરશે. બાદશાહના સલાહકારોને પુરબિયા સિપાઈઓ પર ભરોસો બેસતો નહોતો પરંતુ શહેરમાં વ્યવસ્થા તો જાળવવી જ પડે તેમ હતું. આથી એમણે એક કાઉંસિલની રચના કરી. એમણે પતિયાળા, જજ્જર, બલ્લભગઢ, બહાદુરગડઃ અને એલોરેના રાજાઓને પત્રો મોકલીને અંગ્રેજોના હુમલાને ખાળવા માટે લશ્કરો સાથે આવીને દિલ્હીની ફોજમાં સામેલ થઈ જવાના હુકમો કર્યા.

આખો દિવસ લાલ કિલ્લો સિપાઈઓથી ધમધમતો રહ્યો. કાઉંસિલે દુકાનો તો ખોલાવી પણ દુકાનો ખાલી થઈ ગઈ હતી. સિપાઈઓનો આગ્રહ હતો કે બાદશાહ જાતે શહેરમાં ફરે અને લોકોને પોતાનાં કામકાજ રાબેતા મુજબ શરૂ કરવા સમજાવે. બહાદુર શાહ બાદશાહે એમની વાત માનીને હાથી પર બજારોમાં ફરીને લોકોને સમજાવ્યા. કોઈએ દુકાનો ખોલી પણ પાછી બંધ કરી દીધી અને મોટા ભાગનાએ તો બાદશાહની વાત સાંભળી, ન સાંભળી કરી નાખી.

બાદશાહ પાછો ફર્યો ત્યારે દીવાન-એ-ખાસ પાસે એણે ઘોડેસવાર સિપાઈઓનું ટોળું જોયું. બાદશાહને જોતાં જ એ બધાએ બૂમરાણ મચાવી દીધી કે આજે સવારે જે રેજિમેન્ટ બળવામાં જોડાઈ તેણે તિજોરી પર કબજો કરી લીધો છે પણ એમાંથી મેરઠથી આવેલા બળવાખોરોને ભાગ નથી આપતા. બાદશાહે જેટલા શાહજાદાઓને રેજિમેન્ટોની સરદારી સોંપી હતી તે બધાને બળવાખોરોને દિલ્હીની બહાર હાંકી કાઢવાઅ હુકમ કર્યો. પછી શહેરના રક્ષણ માટે એણે બે રેજિમેન્ટોને રાખી અને બીજી રેજિમેન્ટોને અજમેરી દરવાજા, દિલ્હી દરવાજા અને કાશ્મીરી દરવાજા પર ગોઠવી દીધી.

બાદશાહ બહાદુરશાહના હાથમાં વિદ્રોહનું સુકાન એની મરજી વિરુદ્ધ આવી ગયું હતું. હવે ચારે બાજુથી એને ફરિયાદો મળતી હતી તેનો નિકાલ કરવાનું એના શિરે આવ્યું હતું. શાયર બાદશાહે ફારસીમાં બધા સુબેદારોને બોલાવીને યાદ આપ્યું કે મહાન મોગલ સલ્તનતને બધા રાજાઓ લળીલળીને સલામ કરતા હોય છે એટલે મોગલ હકુમતમાં કોઈ જાતની અંધાધૂંધી ન ચાલવી જોઈએ. એનો આવો સખત આદેશ સાંજ સુધીમાં ભુલાઈ ગયો અને સિપાઈઓએ એને ઘેરી લીધો. જે દીવાન-એ-ખાસમાં કોઈ માણસ પગરખાં પહેરીને શસ્ત્રો સાથે નહોતો આવ્યો, ત્યાં અસહાય બાદશાહ સિપાઈઓથી ઘેરાયેલો બેઠો હતો. કોઈ કહેતો હતો, “અરે, બાદશાહ, અહીં જો…” તો કોઈ એનું ધ્યાન દોરવા એની બ્યાસી વર્ષની જઈફ દાઢી પકડીને કહેતો હતો, “અરે બુઢ્ઢા…”

બીજી બાજુ, મોઇનુદ્દીન હસન ખાન લખે છે કે બળવાખોર સિપાઈઓ લશ્કરી અફસર સિવાય બીજા કોઈની સત્તા માનવા તૈયાર નહોતા અને એમાં કાઉંસિલના આગળપડતા સભ્યો પણ એમના હુમલાનો ભોગ બન્યા. હકીમ અહેસાનુલ્લાહ ખાન બાદશાહનો ખાસ માણસ હતો અને કાઉંસિલમાં પણ હતો. એણે કેટલાક અંગ્રેજ પરિવારોને આશરો આપ્યો હતો, પણ હવે એ બધા આશ્રિતોને કિલ્લાની અંદર લઈ આવ્યો અને એમને દીવાન-એ-આમમાં બેસાડ્યા. ત્યાં જ એક બળવાખોર સિપાઈ આવ્યો અને કાર્બાઇન ચલાવીને બધાંને મારી નાખ્યાં.

૧૩મી અને ૧૪મી તારીખે પણ શહેરમાં અંધાધૂંધી ચાલુ રહી અને બાદશાહ વ્યવસ્થા સ્થાપવાના નિષ્ફળ પ્રયત્નો કરતો રહ્યો. ૧૫મી તારીખે બાદશાહે શહેરમાં શાંતિ જાળવવા માટે એકસો સિપાઈઓની ટુકડી ઊભી કરી. સિપાઈઓએ ખાસ કરીને અનાજ માટે શ્રીમંત શેઠો અને શરાફોને નિશાન બનાવ્યા અને એમને મજૂરોની જેમ કામ કરવાની ફરજ પાડી. જીવનલાલ લખે છે કે એ લોકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે અંગ્રેજોની ફોજ જલદી પહોંચી આવે.

આ બાજુ, સમાચાર મળ્યા કે ગોરખા રેજિમેન્ટે કંપની બહાદુરની સરકારની પડખે રહેવાનું નક્કી કર્યું છે અને અંગ્રેજો અને ગોરખાઓની સંયુક્ત ફોજ શિમલાથી દિલ્હી આવવા નીકળી પડી છે. પતિયાળાના મહારાજાને બાદશાહની ફોજમાં જોડાવા માટે બાદશાહના નામે પત્ર ગયો હતો પણ એ અંગ્રેજો સાથે જોડાયો અને એના લશ્કરે અંબાલા પાસે બળવાખોરો પર આક્રમણ કર્યું. આમાં વિદ્રોહીઓ હાર્યા.

મે મહિનાની વીસમીએ અંગ્રેજ ફોજ આવતી હોવાના પાકા સમાચાર મળતાં બાદશાહના લશ્કરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. તેમાં કોઈ મુસલમાન સરદારે જેહાદનું નામ આપીને હિન્દુઓ સામે લડવાનું એલાન કર્યું. બાદશાહ બહાદુર શાહ પાસે આ વાત પહોંચતાં એણે કહ્યું કે આ હિન્દુઓ વિરુદ્ધની લડાઈ નથી અને બળવાખોરો સિપાઈઓમાં મોટા ભાગના હિન્દુઓ છે. એ જ દિવસે બાદશાહે શાહજાદા મિર્ઝા મોગલની આગેવાની હેઠળ એક રેજિમેન્ટ અંગ્રેજી ફોજનો મુકાબલો કરવા માટે મેરઠ તરફ મોકલી.

આ ત્રણેયનાં વિવરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે એમની સહાનુભૂતિ બળવાખોરો પ્રત્યે નહોતી. વિદ્રોહીઓએ બહાદુર શાહ પર શહેનશાહત લાદી દીધી અને એના માટે એ તૈયાર નહોતો પરંતુ એક વાર સ્વીકારી લીધા પછી એ મને કે કમને ભારતના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય હતો. આપણી સમક્ષ એવું ચિત્ર રજૂ થતું હોય છે કે એ માત્ર નામનો જ હતો, પરંતુ એ સંપૂર્ણ સાચું નથી. એની સત્તા મર્યાદિત હતી તેમ છતાં એ સતત અંગ્રેજો વિરુદ્ધની લડાઈને વ્યવસ્થિત રૂપ આપવાની કોશિશો પણ કરતો રહ્યો. બીજી બાજુ, બળવાખોરોની અરાજકતાને પણ કાબૂમાં લેવાના એના પ્રયત્નોને પણ ધ્યાનમાં લેવા પડે તેમ છે.

હજી આપણે દિલ્હીની યુગપ્રવર્તક ઘટનાઓની વચ્ચે જ રહેશું.

૦૦૦૦

સંદર્ભઃ

(1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.

()()()()()

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: