India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 25

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨૫: ૧૮૫૭: ૧૦ મી મેમેરઠના વિદ્રોહીઓ દિલ્હીમાં ()

આપણે મેરઠના વિદ્રોહીઓને ત્યાંથી અદૃશ્ય થઈ જવાનું ૨૩મા પ્રકરણમાં વાંચ્યું. હવે આ પ્રકરણમાં આપણે એમનું દિલ્હી પરનું આક્રમણ જોઈએ. દિલ્હી. મોગલ સલતનતનો હોલવાતો દીવો બહાદુર શાહ ઝફરના રૂપે ટમટમતો હતો. એની સત્તા માત્ર લાલ કિલ્લા અને એની બહાર પોતાના મહેરૌલીના મહેલ અથવા તો બેગમોના મહેલ પૂરતી રહી ગઈ હતી. શાહ આલમના મૃત્યુ પછી એ બાસઠ વર્ષની વયે ૧૮૩૭માં ગાદીએ આવ્યો હતો અને ૧૮૫૭માં એ ૮૨ વર્ષનો થઈ ચૂક્યો હતો.

દિલ્હીની વાત આપણે ત્રણ નજરે જોનારાઓના શબ્દોમાં જ સાંભળશું. આમાં એક છે, ઝહીર દહેલવી. એ બાદશાહના મહેલમાં બહુ નાની વયે ઊંચા અને જવાબદારીભર્યા હોદ્દે પહોંચ્યો હતો.એ ઉત્સાહી પણ શિખાઉ શાયર પણ હતો અને ઝૌક જેવા મહાન શાયરો સાથે એનો સંપર્ક હતો. મોઇનુદ્દીન હંસન ખાન. એ અંગ્રેજોને વફાદાર શહેરનો પોલીસ ઊપરી હતો. પછી એ વિદ્રોહીઓ સાથે મળી ગયો. ત્રીજો છે, મુનશી જીવનલાલ. ત્રણેય જણે પોતપોતાની રીતે ડાયરી લખી છે, એમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધીની વાતો નોંધી લીધી છે. મોઇનુદ્દીન અને જીવનલાલની ડાયરીઓ વિદ્રોહના સમયના બ્રિટિશ એજન્ટ જ્હોન મેટકાફના બીજા પુત્ર ચાર્લ્સ મેટકાફે લઈ લીધી, મોઈનુદ્દીન કહી ગયો હતો કે એ જીવતો રહે ત્યાં સુધી ડાયરી પ્રકાશિત ન કરવી. એનું ૧૮૮૫માં મૃત્યુ થયા પછી ચાર્લ્સે એનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો અને ૧૮૯૩માં અંતિમ રૂપ આપ્યું પણ એનું મૃત્યુ થયા પછી ૧૮૯૮માં એની પત્નીએ એ પુસ્તક પ્રકાશિત કર્યું. આપણે આ ત્રણેયનાં આત્મકથનો જોઈએ.

ઝહીર દહેલવીનાં સંસ્મરણ

ઝહીર દહેલવી જેઠના બળબળતા વાયરા અને મુહર્રમના રોઝાના એ કઠોર દિવસો હતા ત્યારે સમાચાર મળ્યા કે મેરઠમાં સિપાઈઓએ બળવો કર્યો છે. બાદશાહ સલામત હઝરત ઝિલ-એ- સુબ્હાની ખલિફા-ઉર-રહેમાની અબૂ ઝફર સિરાજુદ્દીન મહંમદ બહાદુર શાહ સવારની નમાઝ પછી ઝૈર-એ-ઝરોખા (ઝરુખામાંથી દર્શન આપવા) માટે બેઠા છે. સમન બુર્જ નીચે ૨૦૦ ચુનંદા સૈનિકો અને ૩૦ હબસીઓ ખડેપગે છે. કિલ્લાની ઉપરથી ચોકિયાતે બૂમ પાડી. અમીર ફતેહ અલી દારોગા દૂર મીર બાહરીની જકાતચોકી નજીક નદીના પુલ તરફ આંગળી ચીંધી. ત્યાં આગ ભડકે બળતી હતી અને તિખારા ઊંચે સુધી ઊડતા હતાં. નદીકાંઠે ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. એણે નીચે હાક મારીને બે ઘોડેસવારોને પુલ તરફ દોડાવ્યા. બન્ને નદી સુધી પહોંચે તે પહેલાં જ એમને એક ટોળું મળ્યું અને ખબર આપ્યા કે ફોજ ઘૂસી આવી છે, અને મીર બાહરીને મારી નાખ્યો, જકાત ચોકીની તિજોરી લૂંટી લીધી અને ચોકીને આગ ચાંપી દીધી. અસવારો તરત પાછા વળ્યા અને સમાચાર આપ્યા. બાદશાહે તે જ ઘડીએ ફતેહ અલી અને હામિદ ખાનને તાબડતોબ પુલ તોડી નાખવા માટે હુકમ આપ્યો અને બધા દરવાજા બંધ કરી દેવા શહેર કોટવાળને ફરમાન કર્યું.

પરંતુ પુલ તોડવા ગયેલી ટુકડી ત્યાં પહોંચે તે પહેલાં જ સામેથી કેટલાયે અસવારો પુલ વટાવીને આવી ગયા હતા. એટલે પુલ તોડવા ગયા તે તરત પાછા ફર્યા. એમની વાત સાંભળીને બાદશાહ તો શાંત રહ્યો પણ જનાનખાનામાં રોકકળ મચી ગઈ.

એટલાં બળવખોર અસવારો ઝરૂખાની નીચે આવી પહોંચ્યા. તરત કિલ્લાનો કલકત્તા દરવાજો બંધ કરી દેવાયો. નિગમબોધ ઘાટ તરફનો દરવાજો પણ બંધ કરી દેવાયો, ત્યાં ઘાટ પર પૂજાપાઠ કરવા ગયેલાં સ્ત્રી-પુરુષો હાંફળાંફાંફળાં કિલ્લાની અંદર દાખલ થઈ ગયાં.

આ બાજુ વિદ્રોહીઓના સરદારે બાદશાહ સામે લળીલળીને સલામ કરી અને આખી વીતક કહી સંભળાવી. બાદશાહે કહ્યું કે હું તો સૂફી છું. બાદશાહત તો મારા વડવાઓ સાથે ગઈ. હું બસ, મધ્યસ્થી કરી શકું. તે પછી એણે અંગ્રેજ રેસિડન્ટ ફ્રેઝરને બોલાવ્યો અને એને કહ્યું કે આ સિપાઈઓ તમારા છે. આજે તમારી સેવા કરતાં એમના ધર્મ પર આંચ આવી છે. ધાર્મિક અત્યાચાર અને કટ્ટરતા બહુ ખરાબ વાત છે. એને કારણે ઘણી રાજસત્તાઓ ડૂલ થઈ ગઈ છે અને કોણ જાણે કેટલાયનાં લોહી રેડાયાં છે (ઝફર પૃ. ૫૯-૬૦).બાહદુરશા બાદશાહે ફ્રેઝરને ઠપકો આપ્યો કે આટલું બધું થાય છે અને તમને ખબર પણ નથી પડી!

ફ્રેઝરે કહ્યું કે “આ ગુલામ”ને રાતે અગિયાર વાગ્યે પત્ર મળ્યો હતો પણ મને બહુ ઊંઘ આવતી હતી આને પત્ર સામાન્ય હશે એમ માનીને વાંચ્યા વગર જ સૂઈ ગયો. સવારે તમારા માણસોએ આવીને મને સમાચાર આપ્યા.

તે પછી ફ્રેઝર કિલ્લાના જુદા જુદા દરવાજા તપાસવા ગયો. એક જગ્યાએ એને પાંચ વિદ્રોહી મળ્યા. ફ્રેઝરે પોતાની બગ્ઘી પૂરપાટ દોડાવી. પાછળ અસવારો ખુલ્લી તલવારે ધસતા હતા. એક દરવાજાની નાની બારી ખુલ્લી હતી તેમાંથી એ અને કિલ્લેદાર અંદર ઘૂસી ગયા. અંદર જતાં જ એણે સંત્રીઓને પૂછ્યું કે દરવાજો શા માટે ખુલ્લો રાખ્યો છે? તમે આ લોકો સાથે છો કે ધર્મ સાથે?” સંત્રીઓએ જવાબ આપ્યો કે ધર્મ સાથે.” ફ્રેઝરે કંઈ બોલે તે પહેલાં એમણે આખો દરવાજો ખોલી નાખ્યો! ફ્રેઝર ઉપર ભાગ્યો. પાછળ વિદ્રોહીઓ અંદર ઘુસી આવ્યા અને ફ્રેઝર વિશે પૂછ્યું. સંત્રીઓએ ઊંચે આંગળી ચીંધી. વિદ્રોહીઓ ઉપર ચડી ગયા. ફ્રેઝર દેખાયો. એક ગોળી ભેગી એની લાશ ઢળી ગઈ. વિદ્રોહીઓ પછી બહાર નીકળી ગયા અને ક્યાંય પણ કોઈ ગોરી ચામડી કે દેશી ખ્રિસ્તી નજરે ચડ્યો, ઝાટકે દેવા માંડ્યા.

જીવનલાલની ડાયરી

મુનશી જીવનલાલ ઔરંગઝેબના દીવાન કાયસ્થ ગિરધારીલાલના કુટુંબમાં જન્મ્યો હતો. વિદ્રોહથી પહેલાં એણે પણ ઘણાં વર્ષ બાદશાહની નોકરી કરી. તે પછી એ ડૅવિડ ઑક્ટરલૉની અને ચાર્લ્સ મૅટ્કાફ સાથે રહ્યો. એ બહાદુર શાહ અને કંપની સરકાર વચ્ચે પેન્શનો વિશેની વાતચીતોમાં પણ સંદેશવાહક અને પ્રતિનિધિ હતો. એણે તારીખવાર ડાયરી લખી છે અને પછી ચાર્લ્સ મૅટ્કાફને સોંપી દીધી, એણે એ પ્રકાશિત કરી.

જીવનલાલ લખે છે કે એ સવારે દસ વાગ્યે કોર્ટમાં જવાની તૈયારી કરતો હતો ત્યારે કોર્ટના કેટલાક કારકૂનો આવ્યા અને કહ્યું કે બહાર રમખાણ ચાલે છે અને જઈ શકાય તેવું નથી. જીવનલાલે એના એક નોકરને તપાસ કરવા મોકલ્યો. એણે આવીને ખબર આપ્યા કે મહેલના દરવાજા બંધ છે અને બહાર સિપાઈઓ ઊભા છે. શહેરમાં ઘણા ગોરાઓ માર્યા ગયા છે, બૅન્ક પણ લુંટાઈ ગઈ છે. બૅન્કના મેનેજરનું ખૂન થઈ ગયું છે. ત્યાં એને સમાચાર મળ્યા કે “બદમાશો”એ એના જ ઘરને ઘેરી લીધું છે. ઘરનાં માણસો તો ભંડકિયામાં જતા રહ્યા. તે પછી જીવનલાલને લાગ્યું કે એણે અંગ્રેજોનું લૂણ ખાધું છે એટલે એમને મદદ કરવી જૂઈએ. એણે સમ્દેશો મોકલીને દરિયાગંજ અને કાશ્મીરી દરવાજા પાસે રહેતા અંગ્રેજ પરિવારોને બચાવવા માટે પોતાના ઘરે બોલાવી લીધાં. આખો દિવસ અને રાત શહેરમાં ચારે બાજુથી અંગ્રેજોની કતલના સમાચાર આવતા રહ્યા.

મોઇનુદ્દીન હસન ખાનનું બયાન

મોઇનુદ્દીન અંગ્રેજોની સેવામાં હતો અને પછી બળવાખોરો સાથે ભળી ગયો અને કેટલાયે ગોરાઓનાં ખૂનમાં એનો હાથ હતો. બળવો નિષ્ફળ થયો તે પછી એ મુંબઈ ભાગી ગયો પણ વર્ષો પછી એ દિલ્હી આવ્યો અને ચાર્લ્સ મૅટ્કાફને મળ્યો. મૅટ્કાફે એને ખાતરી આપી કે સરકારે વિદ્રોહીઓ સામે કંઈ પગલાં ન ભરવાનું નક્કી કર્યું છે એટલે એ જે કંઈ લખશે તે ખાનગી રહેશે. મોઇનુદ્દીને પોતાના મૃત્યુ સુધી કંઈ પ્રકાશિત ન કરવાનું વચન માગ્યું અને ચાર્લ્સ મૅટ્કાફે એને ખાતરી આપી કે એનું લખાણ એ પ્રકાસ્શિત નહીં કરે.

મોઇનુદ્દીને પોતાના બયાનમાં બહુ તટસ્થતાથી લખ્યું છે. એ કહે છે કે અંગ્રેજો પોતાને જે માનવું હોય તે માને પણ દેશી લોકો એમને ઘૂસણખોર જ માનતા હતા અને અંગ્રેજ સરકારે એમના ધર્મ પર હુમલો કર્યો એટલે સિપાઈઓ ભડક્યા. ૧૧મીની સવારે એને મેરઠમાં બળવો થયાના સિપાઈઓ દિલ્હીમાં આવીને અંગ્રેજોની કતલ કરતા હોવાના સમાચાર મળ્યા. એ જ વખતે મૅજિસ્ટ્રેટ હચિન્સને આવીને એને તરત કોટવાળ (મુખ્ય પોલીસ અધિકારી) પાસે જઈને સાવધાન કરવાનો હુકમ આપ્યો. પણ કોટવાળે તો કહ્યું કે શહેરમાં તો શાંતિ છે. પછી બન્ને બહાર નીકળ્યા ત્યારે રાજઘાટ બાજુના કિલ્લાના દરવાજા તરફથી એક માણસે ભાગતો આવ્યો અને સમાચાર આપ્યા કે મેરઠથી સિપાઈઓ આવ્યા છે અને ભારે ધાંધલ છે.

મોઇનુદ્દીન હચિન્સનને આ સમાચાર આપવા ગયો અને ત્યાંથી પહાડગંજ પાછો ફર્યો. એ જ વખતે જૉઇંટ મૅજિસ્ટ્રેટ થિઓપોલિસ મેટ્કાફ ઘોડા પર ત્યાં આવ્યો એણે પૂરતાં કપડાં પણ નહોતાં પહેર્યાં. એણે મોઇનુદ્દીન પાસેથે કપડાં લીધાં આને ઘર તરફ જવા લાગ્યો. મોઇનુદ્દીને એને રોક્યો પણ એણે કહ્યું કે એ બેડરૂમમાં ૧૩,૦૦૦ રૂપિયા મૂકીને આવ્યો છે. પરંતુ અંતે એણે બે વિશ્વાસુ માણસોને મૂક્યા. થિઓપોલિસના કહેવા પ્રમાણે એ કોર્ટમાં મોડો પહોંચ્યો હતો, પણ ત્યાં એને ખબર પડી કે મેરઠથી સિપાઈઓ આવ્યા છે. થિઓપોલિસ ત્યાંથી નીકળીને બગ્ઘીમાં દરિયાગંજ તરફ ગયો ત્યાં એના પર હુમલો થયો પણ એ બચી ગયો. આ બાજુ મૅજિસ્ટ્રેટ હચિન્સનને વિદ્રોહીઓએ મારી નાખ્યો હતો.

પછી મોઇનુદ્દીન અને થિઓપોલિસ ફરાશખાનાવાળા પુલ પરથી આગળ વધ્યા ત્યારે લાહોરી દરવાજેથી આવતા વિદ્રોહીઓની મોટી ભીડ જોઈ. પછી એ થિઓપોલિસને શહેરથી દૂર એક સલામત જગ્યાએ છોડી આવ્યો. એ લખે છે કે ઘરમાં સૌ હેમખેમ છે કે નહીં તે જોવા એ નીકળ્યો ત્યારે એણે મોટાં ટોળાં ફિરંગીઓનાં ઘરોમાં લૂંટફાટ કરતાં જોયાં. પણ વિદ્રોહીઓએ દારુગોળાનો ભંડાર લૂંટવાની કોશિશ કરી ત્યારે એના અફસરે તોપનો ઉપયોગ કર્યો. આમાં પચીસેક વિદ્રોહીઓ માર્યા ગયા પણ બીજા ચારસો જણ તમાશો જોવા એકઠા થયા હતા તે સાફ થઈ ગયા. પરંતુ હજી ટ્રેઝરી પર હુમલો નહોતો થયો.

મોઇનુદ્દીન છેક મધરાત સુધી ફરતો રહ્યો. ઠેકઠેકાણે દુકાનો અને ઘરો ભડકે બળતાં હતાં અને રસ્તા પર લાશો રઝળતી હતી.

આગળ શું થયું તે જાણવા માટે હજી આપણે દિલ્હીમાં જ રહેશું.

૦૦૦

સંદર્ભઃ (1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

(2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: