Science Samachar (60)

() તમારા શરીરમાં ઇંટરનેટ છે, અને એને હવે કોઈ હૅક નહીં કરી શકે

તમારા શરીરમાં પેસમેકર કે ઇંસ્યુલીનનો પંપ ગોઠવેલો હોય તો કોઈ એને આંતરીને અને એનાં વાયરલેસ સિગ્નલોનું પૃથક્કરણ કરીને એને ખોરવી શકે અને તમને મૃત્યુના મોંમાં ધકેલી શકે છે. આવું જો કે, વાસ્તવિક જીવનમાં કદી બન્યું નથી, પણ વૈજ્ઞાનિકો આ શક્યતા પ્રત્યે સાવધાન હતા અને હવે પરડ્યૂ યુનિવર્સિટીના ભારતીય વૈજ્ઞાનિકોની ટીમે એના માટે ‘ફાયરવૉલ’ જેવી વ્યવસ્થા કરીને તમને વધારે સલામત બનાવી દીધા છે.

તમને ખબર પણ નહીં હોય કે આવું નેટવર્ક તમારી અંદર કામ કરે છે. સાયંટિફિક રિપોર્ટ્સ સામયિકમાં શ્રેયસ સેન, દેબયાન દાસ, શોભન મૈતી અને બિપ્લબ ચેટરજીનો અભ્યાસપત્ર પ્રકાશિત થયો છે. આમાંથી શ્રેયસ સેન સેંસિંગ અને કમ્યુનિકેશન ટેકનોલોજીના નિષ્ણાત છે. એમણે કહ્યું કે હવે આપણે આપણા શરીરના નેટવર્ક સાથે કેટલાંયે ઉપકરણો જોડીએ છીએ, જેમ કે, સ્માર્ટ ઘડિયાળો, ફિટનેસ ટ્રૅકરો, માથા પર વર્ચ્યુઅલ રિઆલિટી ડિસ્પ્લે વગેરે.

શરીરનાં પ્રવાહીઓ વીજળીક સિગ્નલોનું વહન કરે છે. આપણું ‘બોડી એરિયા નેટવર્ક’ બ્લૂટૂથનો ઉપયોગ કરીને શરીરમાં બધે ઠેકાણે આ સંકેતો મોકલે છે. દસ મીટરથી દૂરથી તો એને પકડી ન શકાય પણ દસ મીટરની અંદર એ જો બીજા કોઈ ઝીલી લે તો તમારા માટે એ ખતરાજનક છે. પરંતુ આ વૈજ્ઞાનિકોએ હવે એવું કર્યું છે કે આ સિગ્નલો શરીરથી એક સેંટીમીટરમાં પણ ન પકડાય અને તેમ છતાં બ્લૂટૂથ કરતાં એકસોમા ભાગની વીજળી જ વાપરે છે.. એમણે આ માટે ખાસ એક ઉપકરણ બનાવ્યું છે..

અહીં યૂ-ટ્યૂબનો વીડિયો આપ્યો છેઃ

સંદર્ભઃ https://www.purdue.edu/newsroom/releases/2019/Q1/your-body-has-internet–and-now-it-cant-be-hacked.html

૦૦૦૦

(૨) બ્રહ્માંડની બાલ્યાવસ્થાનાં ૮૩ બ્લૅક હોલ્સ

જાપાન, તાઇવાન અને અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લાગભગ તેર અબજ વર્ષ પહેલાં, બ્રહ્માંડ બિગબૅંગ પછી શૈશવાવસ્થામાં હતું એ વખતમાં ૮૩ અતિ વિરાટ – સુપર મૅસિવ – બ્લૅક હોલ્સ જોઈ શક્યા છે. શરૂઆતના બ્રહ્માંડમાં કેમ બ્લૅક હોલ્સ બન્યાં તે વૈજ્ઞાઅનિકો માટે હંમેશાં કોયડા જેવું રહ્યું છે. પહેલી જ વાર જાણી શકાયું કે એ વખતમાં બ્લૅક હોલ્સ બનવાનું બહુ સામાન્ય હતું. એમનાં સંશોધન પરથી એ પણ જાણી શકાય છે કે બિગ બૅંગ પછીનાં એક અબજ વર્ષમાં બ્લૅક હોલ્સની વાયુઓ પર શી અસર થતી હતી. વાયુ જ્યારે બ્લૅક હોલ્સમાં પ્રવેશે ત્યારે બ્લૅક હોલ્સ ચમકવા લાગે છે, જેને ક્વૉસર કહે છે. પહેલાં અતિ તેજસ્વી ક્વૉસર જ જોઈ શકાતાં હતાં પણ હવે મંદ પ્રકાશવાળાં ક્વૉસર પણ જોવા મળતાં સમજાયું છે કે બ્લૅક હોલ્સની સંખ્યા ધાર્યા કરતાં બહુ મોટી છે.

સંદર્ભઃ https://www.princeton.edu/news/2019/03/13/astronomers-discover-83-supermassive-black-holes-early-universe

૦૦૦૦

(૩) તમારો વાંક નથી – તમારું મગજ જ સ્વાર્થી છે!

કોઈ પાર્ટીમાં બધા ભેગા થયા હો અને તમે કોઈની સાથે વાતે વળ્ગ્યા હોય, ત્યારે કોઈક તમારું નામ બોલે, કે તરત વાત પડતી મૂકીને તમે અવાજની દિશામાં જોવા લાગો છો/ આ તે કેવું સામી વ્યક્તિ પ્રત્યે થોડાક વિનયવિવેક દેખાડો! એ છોદો, કોઈ ગ્રુપ ફોટો જોતા હશો તો સૌથી પહેલાં તો તમે પોતાને જ શોધતા હશો!

પરંતુ એમાં તમારો વાંક નથી. આપણું મગજ બન્યું જ એ રીતે છે કે આપણને સૌથી પહેલાં પોતાનો ખ્યાલ આવે. પણ એ વખતે શરીરની અંદર શું થાય છે? વૈજ્ઞાનિકોએ હવે એ શોધી કાઢ્યું છે. આપણિ એક ‘વર્કિંગ મેમરી’ હોય છે. એને ટૂંકી મેમરી પણ કહે છે. એ જ આપણને દુનિયા સાથે સંપર્ક સ્થાપવામાં મદદ કરે છે. એનું કામ થોડા વખત માટે સ્મૃતિને સંઘરી રાખવાનું છે. દાખલા તરીકે તમે આ વાક્ય વાંચો છો તેનો દરેક શબ્દ ક્ષણ પૂરતો આ મેમરીમાં સચવાય છે. એટલે જ તો તમે વાક્યના અંતે એનો અર્થ સમજી શકો છો.

અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટી, ઇંગ્લૅંડની બાથ યુનિવર્સિટી અને ચીનની સાઉથવેસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક કમ્પ્યુટર બનાવ્યું અને ૧૦૨ વ્યક્તિઓ પર અધ્યયન કર્યું. એમને એમણે ત્રણ રંગ આપ્યા – વાદળી, લીલો અને જાંબૂડી. તે ઉપરાંત ત્રણ લેબલ આપ્યાં – ‘મિત્ર’, ‘અજાણ્યો’ અને ‘હું પોતે’. પછી સ્ક્રીન પર કોઈ પણ બે રંગનાં ટપકાં દેખાય. પાંચ સેકન્ડ પછી એક કાળું ટપકું ચમકે. ભાગ લેનારે કહેવાનું હતું કે એ ટપકું જ્યાં પહેલાં રંગીન ટપકાં દેખાયાં હતાં ત્યાં જ ચમક્યું કે કેમ; અને એ જ્ગ્યાએ જેટપકું જોયું હતું તેને તમે મિત્ર, અજાણ્યો કે પોતે જ ગણૉ છો?

ભાગ લેનારાઓને જ્યાં ‘પોતે’ દેખાયેલો હતો તે જગ્યાને તરત ઓળખી લીધી! હવે આગળ એ જોવાનું છે કે તમે પોતાની જાતને પ્રથમ સ્થાને મૂકો છો કે કેમ! પ્રયોગ હજી ચાલે છે.

સંદર્ભઃ https://today.duke.edu/2019/03/its-not-your-fault-your-brain-self-centered

૦૦૦૦

(૪) …તો આપણે ‘ફ’ અને ‘વ’ ન બોલી શકતા હોત!

આપણે આજે પણ પહેલાંની જેમ જ સખત આહાર ખાતા હોત તો ‘ફ’ અને ‘વ’ બોલી શકતા નહોત. આજથી આઠ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોના ઉપરના આગલા, કાપવાના દાંત નિચલા કાપવાના દાંતને ઢાંકી દેતા હતા. કારણ કે એમને જે માંસ મળતું હતું તે કાચું જ કાપીને જલદી ખાઈ લેવા માટે એવા દાંત જરૂરી હતા. બાળકોનાં હાડપિંજરો મળ્યાં છે તેમાં આ જાતના દાંત બરાબર દેખાય છે પણ પુખ્ત વ્યક્તિના દાંત ઘસાઈ જવાથી એ દાંતની બાજુએથી આહારની ધાર કાપતો હોય એ શક્ય છે.

તે પછી, આજથી આઠ હજાર વર્ષથી ૨૧૦૦ વર્ષ પહેલાંનો ગાળો નવપાષાણયુગ તરીકે ઓળખાય છે. આ સમયમાં ખેતીની શોધ થઈ અને ઘેટાંબકરાં, ગાયભેંસ પાળવાની શરૂ થયું. આ પ્રાણીઓ દૂધ આપતાં, વળી માણસ અર્ધ ઘન અથવા ઘટ્ટ પ્રવાહી પદાર્થ લેતો થયો. ખેતીમાંથીમળતી વસ્તુઓ પણ ખાવામાં નરમ હતી.. માણસે એ વખતે ફૂડ ટેકનોલૉજી વિકસાવી એટલે એદહીં, પનીર પણ ખાતો થઈ ગયો. આ બધા પદાર્થો નરમ છે એટલે ઊપલા દાંત નીચલા દાંતને દબાવે એવી જરૂર ન રહી. આને કારણે ઊપલા દાંત નીચલા દાંત પર ગોઠવાઈ જવા લાગ્યા. જો ઊપલા જડબાના દાંત નિચલા જડબાના દાંતને દબાવી દેતા હોય તો હોઠ અને દાંતના પાછલા ભાગથી બનતા ધ્વનિઓ ઉચ્ચારવાનું અશક્ય છે. પરંતુ નરમ પદાર્થો ખાવથી ઉત્ક્રાંતિમાં હવે માત્ર સામસામા ગોઠવાય એવા દાંત બનવા લાગ્યા, આથી હોઠને જુદા જુદા આકારમાં વાળવાનું શક્ય બન્યું, પરિણામે ‘ફ’ અને ‘વ’ ધ્વનિ પણ પ્રગટ થઈ શક્યા. આમ આપણે આજે આ ઉચ્ચારો કરી શકીએ છીએ તે માટે દાંતમાં ઉત્ક્રાંતિને યશ આપવો જોઈએ.

સંદર્ભઃ https://www.smithsonianmag.com/science-nature/ability-pronounce-f-and-v-sounds-might-have-evolved-along-human-diet-180971710/

%d bloggers like this: