India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 23

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૨: ૧૮૫૭ – મેરઠ આગેવાની લે છે ()

રાષ્ટ્રીય વિદ્રોહની આગેવાની મેરઠે લીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મેરઠમાં પણ શરૂઆત તો સિપાઈઓએ જ કરી પણ એ માત્ર કારતૂસોનો વિરોધ નહોતો. સિપાઈઓએ એનાથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો અને અંગ્રેજોથી નારાજ હતા તે બધા જ એમાં જોડાઈ ગયા અને ખરેખર જ ૧૮૫૭નો સંગ્રામ રાષ્ટ્રીય વિદ્રોહ બની ગયો.

મેરઠ (Meerut)ની પાંચ માઇલમાં ફેલાયેલી છાવણીમાં કેટલીયે રેજિમેન્ટો હતી. આમાંથી થર્ડ રેજિમેન્ટના કર્નલ કારમાઇકલ સ્મિથ (Carmichael Smyth)ની વર્તણૂકને ઉદ્દંડ મેરઠના સિપાઈ વિદ્રોહી માટે જવાબદાર ગણી શકાય. એ પ્રામાણિક તો હતો પણ ઉદ્દંડ હતો અને એનામાં દૂરંદેશીનો અભાવ હતો. કારતૂસોનો વિરોધ એટલો ઊગ્ર હતો કે અંગ્રેજ ફોજની ટોચેથી હુકમ આવી ગયો હતો કે સિપાઈઓએ એ કારતૂસો દાંતેથી ખોલવાની જરૂર નહોતી. આમ છતાં સ્મિથે એ કારતૂસોમાં કંઈ વાંધાજનક નથી એ દેખાડવા માટે ૨૩મી ઍપ્રિલે ખાસ પરેડ રાખી અને સિપાઈઓને એ ખોલવા કહ્યું. કમાંડર હ્યુઇટે સ્મિથને ચેતવણી આપી હતી કે એણે કંઈ ન કર્યું હોત તો એકાદ મહિનામાં બધું થાળે પડી ગયું હોત.

પરેડમાં એક મુસલમાન સિપાઈએ કહ્યું કે જોવામાં તો એ પહેલાં હતાં એવાં કારતૂસો જેવાં જ લાગે છે પણ એમાં ડુક્કરની ચરબી નથી વપરાઈ તેની કેમ ખબર પડે? તે પછી સ્મિથે એક હિન્દુ સિપાઈને બોલાવ્યો. આ સિપાઈ માત્ર યુરોપિયન અફસરોનાં ઘરોમાં કામ કરતો હતો અને બધા એને ખુશામતખોર માનતા હતા. એ શખ્સે અંગ્રેજી અફસરને રાજી કરવા માટે કારતૂસ દાંતેથી ખોલી દેખાડ્યું. દેખાડ્યા છતાં સિપાઈઓ તૈયાર ન થયા અને એમાંથી આગળપડતા ૮૫ જણને કોર્ટ માર્શલ કરવાનો સ્મિથે હુકમ આપ્યો. ૬ઠ્ઠી મેના રોજ કોર્ટ માર્શલમાં બધાને દસ વર્ષની કેદની સજા થઈ. સિપાઈઓનો વિરોધ તો, જો કે, બીજા જ દિવસથી, ૨૪મી એપ્રિલથીશરૂ થઈ ગયો હતો. અંગ્રેજ અફસરોને રોજ ક્યાંક ને ક્યાંક આગ લાગવાના, ગોળીઓ ફૂટવાના સમાચાર મળતા હતા.

૯મી મે, શનિવારની પરેડમાં કોર્ટ માર્શલ થયેલાઓને લાઇનમાંથી બહાર આવવાનો હુકમ અપાયો. એમના બિલ્લા, યુનિફૉર્મ વગેરે લઈ લેવાયાં, બેડી-ડસકલાંમાં ઝકડીને એમને જેલમાં મોકલી દેવાયા. આનાથી સિપાઈઓમાં ક્રોધનો ચરુ ઊકળવા લાગ્યો.

વિલિયમ કૅય લખે છે કે “અંગ્રેજી આંખો જોઈ શકી હોય, અથવા અંગ્રેજી મગજ સમજી શક્યાં હોય તો એટલું જ, કે દિવસ શાંતિથી પૂરો થયો!” પરંતુ સિપાઈઓની સજાની અસર બજારોમાં અને ગલીગલીમાં શું હતી તે જાણવાનો એમણે પ્રયાસ ન કર્યો. અફવાઓ ફેલાઈ ગઈ હતી કે હવે બધા સિપાઈઓને કાઢી મૂકશે, અંગ્રેજો શહેરનો કબજો લઈ લેશે અને લૂંટફાટ મચાવશે. લોકો સ્વબચાવમાં હથિયારો વાપરવાની તૈયારી કરવા લાગ્યા.

સાંજ પડતાં અંગ્રેજ અફસરો મેસમાં મોજમસ્તી અને ડિનર માટે એકઠા થયા તેમાં કમિશનર અને ‘ઇલેવંથ સિપોય’નો કમાંડર પણ હતા. શહેરમાં લાગેલાં પોસ્ટરો વિશે વાત નીકળી પણ બન્નેએ હસી કાઢ્યું. ૧૦મી મે, રવિવારની સવારે બધા અંગ્રેજો ચર્ચમાં જવાની તૈયારી કરતા હતા.

આમ છતાં સંકેતો સ્પષ્ટ હતા. એ દિવસે અંગ્રેજી અફસરોના ઘરે કામ કરવા કોઈ શહેરમાંથી ન ગયું. એકસામટા બધા જ ન આવ્યા તો પણ અફસરોને કંઈક ગરબડ હોવાનું ન લાગ્યું. સાંજની પ્રાર્થના વખતે બધા ફરી ચર્ચમાં જવા નીકળ્યા ત્યારે લાગ્યું કે વાતાવરણ તંગ છે. એક વાત ચોખ્ખી દેખાઈ આવતી હતી કે હિન્દી સિપાઈઓએ બળવો કર્યો છે.

થર્ડ કૅવલરી (ઘોડેસવાર) દળના ૮૫ સિપાઈઓને આગલે દિવસે જેલમાં નાખી દેવાયા હતા. હવે રવિવારની સાંજે હળવો જાપ્તો હતો તેનો લાભ લઈને એના ઘોડેસવાર સિપાઈઓ સાંજે જેલ તરફ ધસ્યા. જેલની દીવાલ સુધી પહોંચ્યા પણ ક્યાંય અંગ્રેજ સૈનિકોને ગોઠવેલા નહોતા એટલે એમને વિરોધનો સામનો ન કરવો પડ્યો. એમને તરત જ દીવાલમાં ગાબડું પાડ્યું અને બધા જ સિપાઈઓને છોડાવીને પાછા ફર્યા. (એક રિપોર્ટ પ્રમાણે એમને દીવાલ ન તોડી પણ બહારથી દીવાલની નીચેથી સુરંગ બનાવી). એમને માત્ર પોતાના સાથીઓ છોડાવવા હતા. બીજા કેદીઓને બહાર નીકળવા ન દીધા, બિલ્ડિંગને આગ ન લગાડી કે જેલર અને એના પરિવારને પણ જફા ન પહોંચાડી.

દરમિયાન ૧૧મી અને ૨૦મી ઇન્ફન્ટ્રીએ ખુલ્લો બળવો કરી દીધો. ‘૧૧મી’નો કમાંડન્ટ ફિનિસ તરત એમને ઠપકો આપવા પહોંચ્યો. એ બોલતો હતો ત્યાં જ ‘૨૦મી’ના એક સિપાઈએ એના પર ગોળી છોડી, એ ઘોડા પરથી પડી ગયો, તરત ‘૨૦મી’માંથી ધાણી ફૂટે એમ ગોળીઓ વરસી અને ફિનિસ માર્યો ગયો. ફિનિસ ‘૧૧મી’નો કમાંડર હતો પણ ‘૨૦મી’એ એને માર્યો. સામાન્ય સંજોગોમાં ‘૧૧મી’ના સિપાઈઓએ આનો બદલો લીધો હોત પણ આ ૧૮૫૭ની ઐતિહાસિક ૧૦મી મે હતી. ‘૧૧મી’ને એમાં કંઈ ખોટું ન લાગ્યું. બન્ને ઇન્ફન્ટ્રીઓના સિપાઈઓ એક સાથે થઈ ગયા. ધર્મોનો ભેદ પણ ન રહ્યો. હિન્દુઓ અને મુસલમાનોનું એક જ લક્ષ્ય હતું: જ્યાં ગોરો દેખાય, ઝાટકી નાખો! બજારોમાં અને ગામેગામ અંગ્રેજો સામેનો રોષ બહાર આવવા લાગ્યો. એક જ દિવસમાં મેરઠ આખું અંગ્રેજવિરોધી છાવણી બની ગયું. લોકો જેલ પર ત્રાટક્યા અને બધા કેદીઓને છોડાવી લીધા. હવે પોલીસ દળના માણસો પણ એમની સાથે જોડાયા. આમ છતાં ખજાનાના રક્ષણ માટે ગોઠવાયેલા સિપાઈઓ વફાદાર રહ્યા અને જાણે કંઈ ન બન્યું હોય તેમ પોતાની ફરજ બજાવતા રહ્યા. પરિણામે ખજાનો લૂંટવાના લોકોના પ્રયાસ નિષ્ફળ રહ્યા.

અંગ્રેજ ફોજે હવે સામનો કરવાની તૈયારી કરી લીધી. કૅય લખે છે કે પ્રબળ આસ્થાવાન અંગ્રેજ મહિલાઓને ખાતરી હતી કે અંતે તો ખ્રિસ્તી ધર્મનો વિજય નિર્મિત છે અને બિચારા સિપાઈઓનું નિકંદન નીકળી જવાનું છે. પરંતુ અંગ્રેજ સૈનિકોની તૈયારીઓ નકામી નીવડી અને એમની પત્નીઓની ખ્રિસ્તી ધર્મ માટેની આસ્થા પણ ઠગારી સાબીત થઈ. અંગ્રેજ કમાંડરોની કાયરતા વિશે કૅય લખે છે કે જ્યારે કોઈ રેજિમેન્ટ વિદ્રોહ કરે ત્યારે એના નેતાનું સ્થાન એની રેજિમેન્ટની વચ્ચે હોય; પછી એ જીવે કે મરે. પણ કારમાઇકલ સ્મિથ, જેણે ખાસ પરેડ ગોઠવીને ભારેલા અગ્નિ પર ફૂંક મારીને એની રાખ ઉડાડી હતી તે, કમિશનર પાસે ગયો, જનરલ પાસે ગયો, બ્રિગેડિયર પાસે ગયો પણ પોતાની રેજિમેન્ટમાં ન ગયો.

બીજા બ્રિગેડિયર વિલિયમને આવી સ્થિતિમાં કેમ કામ કરવું તેનો અનુભવ નહોતો. એણે ગોરા સૈનિકોને પરેડ ગ્રાઉંડમાં એકઠા તો કર્યા પણ રાઇફલો માટે કારતૂસ ન આવ્યાં. એણે ધાર્યું કે બળવાખોરો ખજાના પર હુમલો કરવાના હશે. એણે ત્યાં સૈનિકો મોકલ્યા, પણ ત્યાં એક પણ વિદ્રોહી ન મળ્યો. પછી એણે બરાકોમાં દળ મોકલ્યું પણ બરાકો ખાલી જોઈ. વિદ્રોહીઓ ક્યાં લડે છે, કેટલા અંગ્રેજોની કતલ કરી તેનો એને કોઈ જાતનો ખ્યાલ જ નહોતો. કદાચ યુરોપિયનોનાં ક્વાર્ટરો પર હુમલો કરતા હશે! ક્વાર્ટરો ભડકે બળતાં હતાં. સેનાની ટુકડીને ક્વાર્ટરો પાછળ મોકલવામાં આવી પણ ત્યાં એમને બળતાં ઘરોમાંથી જે મળે તે લૂંટી લેવા આવેલા ગણ્યાગાંઠ્યા ચોરો જ મળ્યા.

દરમિયાન અંગ્રેજ સ્ત્રી-બાળકો બળતાં ઘરો છોડીને પરેડ ગ્રાઉંડમાં એકઠાં થઈ ગયાં હતાં. વિલિયમ કૅયનો દાવો છે કે બળવાખોરોએ સ્ત્રીઓ અને બાળકોને પણ તલવારની ધારે અને બંદૂકોને નાળચે ચડાવ્યાં. આખી રાત ફિરંગીઓએ ભયંકર ઓથારમાં ગાળી કારણ કે હવે કેન્ટોનમેન્ટમાં લૂંટફાટ કરાનારાઓનાં ધાડાં ત્રાટક્યાં હતાં, ગોરી ચામડી દેખાઈ કે ગોળી છૂટી કે છરો ભોંકાયો. આખી રાત ગોરાઓ બીકથી ફફડતા રહ્યા.

મેરઠ આઝાદ થઈ ગયું હતું, પણ આખો દેશ હજી ગુલામ હતો.

તો વિદ્રોહીઓ ક્યાં ગયા? દિલ્હી તરફ ધસમસતા એમના ઘોડાઓના ડાબલા હજી પણ ઇતિહાસમાં પડઘાય છે!

x-x-x-x

મંગલ પાંડેની શહાદતના ૩૨મા દિવસે મેરઠે જે કરી દેખાડ્યું તે ખાસ નોંધ માગી લે છે. મંગલ પાંડે એકલવીર હતો. એની હાકલ પર એના સાથીઓ પણ બહાર ન નીકળ્યા. મેરઠમાં સિપાઈઓનો નેતા કોણ હતો? ઇતિહાસ એનું નામ નથી જાણતો. એ સમૂહનો, સામાન્ય માણસનો વિદ્રોહ હતો. એની શરૂઆત પણ કારતૂસોથી થઈ, પણ એમણે મેરઠમાં વિદ્રોહ કર્યા પછી દિલ્હી જવાનું નક્કી કર્યું અને એમના ધાર્મિક વિદ્રોહને રાષ્ટ્રીય વિદ્રોહ બનાવી દીધો. આ કથા આપણે આગળ જોઈશું પણ હજી સિપાઈઓ દિલ્હી પહોંચીને બહાદુર શાહ ઝફરને શહેનશાહ-એ-હિન્દ બનીને વિદ્રોહનું નેતૃત્વ સંભાળવા વિનંતિ કરે ત્યાં સુધી જમુનાના કિનારે એમની રાહ જોઈએ અને વચ્ચેથી આવતા અંકમાં ડલહૌઝીના ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ની અસરોની ચર્ચા કરી લઈએ કારણ કે ૧૮૫૭ના નેતાઓને આ ડૉક્ટ્રીને જ જન્મ આપ્યો.

૦૦૦

સંદર્ભઃ A History of the Sepoy War in India – 1857-1858 Vol.II, by William Kaye (વિલિયમ કૅય) 1916.

%d bloggers like this: