Science Samachar (59)

() પુરુષનું મગજ સ્ત્રીના મગજ કરતાં જલદી ઘસાય છે!

સ્ત્રીઓ અને પુરુષોના મગજ પર સમયની અસર એકસરખી નથી થતી. પુરુષનું મગાજ સ્ત્રીના માગજ કરાતાં વધારે જલદી સંકોચાય છે. મગજની ચયાપચય પ્રક્રિયા તો ઉંમર વધતાં ધીમી પડતી જાય છે, પણ પુરુષમાં આ ફેરફાર વધારે તીવ્ર હોય છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં આ જોવા મળ્યું છે. સ્ત્રીઓ મોટી ઉંમરે પુરુષો કરતાં વધારે ચપળ, ચકોર રહેતી હોય છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીના મૅલિનક્રોફ્ટ ઇંસ્ટીટ્યૂટ ઑફ રૅડિયોલૉજીના આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. મનુ ગોયલ કહે છે કે મગજની વૃદ્ધાવસ્થા ને લિંગના આધારે સમજવાની આ તો માત્ર શરૂઆત છે.

મગજને કામ માટે સાકરની જરૂર પડે છે. એ મગજનું ઈંધણ છે. બાળકોનું મગજ પોતાના વિકાસ માટે મોટા ભાગની ખાંડનો ઉપયોગ કરે છે. એ જ રીતે કિશોરો અને પુખ્ત વ્યક્તિઓ પણ મગજના વિકાસમાં ખાંડનો ઉપયોગ કરે છે, પણ અમુક ખાંડ વિચારવા અને વ્યવહાર માટે બચાવી લે છે. જેમ ઉંમર વધતી જાય તેમ આ અલગ જથ્થામાં ટીપેટીપે ઘટાડો થાય છે. ૬૦ વર્ષની ઉંમર થતાં સુધીમાં એનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય છે.

પરંતુ સ્ત્રીઓમાં આ ઘટાડો શા માટે ધીમો રહે છે તે બહુ સમજી શકાયું નથી. આથી ડૉ ગોયલ આને એમની ટીમે ૨૦૫ વ્યક્તિઓનો અભ્યાસ કર્યો અને. એમનાં મગજ ખાંડનો ઉપયોગ શી રીતે કરે છે તે જાણવાની કોશિશ કરી. આમાં ૨૦થી ૮૨ વર્ષની વ્યક્તિઓ – ૧૨૧ સ્ત્રીઓ અને ૮૪ પુરુષો – નો સમાવેશ કર્યો. અભ્યાસ પછી એવું જણાયું કે સ્ત્રી અને પુરુષની સરખી ઉંમરે સ્ત્રીઓનાં મગજ ૩ વર્ષ અને ૮ મહિના જેટલાં પુરુષ કરતાં યુવાન રહે છે. પરંતુ પ્રયોગમાં એ પણ જોવા મળ્યું કે ૨૦ વર્ષની ઉંમરનાં છોકરા-છોકરીઓમાં પણ છોકરીઓનાં મગજ વધારે યુવાન હોય છે.

આમ “સ્ત્રીની બુદ્ધિ પાનીએ” એમ બોલતાં પહેલાં ચેતવું સારું!

સંદર્ભઃ https://medicine.wustl.edu/news/womens-brains-appear-three-years-younger-than-mens/

૦૦૦

() મળમાંથી ઈંટ

આપણા શરીરમાંથી નીકળેલા મળમાંથી ઈંટો બનાવીને આપણું ઘર બનાવીએ તો? એમાં રહેવાનો વિચાર સૂગ ચડે તેવો છે એ ખરું પણ આ ઈંટો સામાન્ય ઈંટો જેવી જ હોય – મજબુતાઈમાં, દેખાવમાં, ગંધમાં – તો શો વાંધો હોઈ શકે?

ઑસ્ટ્રેલિયાની ટેકનોલૉજી યુનિવર્સિટીના રૉયલ મેલ્બર્ન ઇંસ્ટીટ્યૂટના સિવિલ એન્જીનિયર અબ્બાસ મોહાજિરાનીએ ગટરના પાણીની માવજત કર્યા પછી વધેલા પદાર્થ (બાયોસોલિડ્સ)નો ઉપયોગ કરીને આવી ઈંટો બનાવી છે. એમનું કહેવું છે કે આવી ઈંટો સ્થાનિકે બનાવી શકાય અને એનાથી જમીન અને ઊર્જાની બચત થશે અને કાર્બન છૂટો પડવાનું પ્રમાણ પણ ઘટશે.

આખી દુનિયામાં માનવ-મળ બહુ જ મોટા પ્રમાણમાં પેદા થાય છે. અસંખ્ય ટ્રકો ભરાય એટલો આ નકામો પદાર્થ આપણે સમુદ્રમાં કે લૅન્ડ્ફિલમાં નાખીએ છીએ. હવે, જો કે, ૬૦થી ૭૦ ટકા તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે વપરાય છે, તો પણ હજી બહુ મોટો જથ્થો બચે છે. આમાંથી માત્ર અર્ધો જથ્થો, એટલે કે કુલ માત્ર ૧૫ ટકાનો ઉપયોગ ઈંટોમાં થાય તો પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ મદદ મળે તેમ છે. ડૉ. મોહાજિરાનીએ આ પહેલાં સિગરેટનાં ઠૂંઠાંમાંથી પણ ઈંટો બનાવી છે.

સંદર્ભઃhttps://www.rmit.edu.au/news/media-releases-and-expert-comments/2019/jan/recycling-biosolids-sustainable-bricks

૦૦૦

() હૉસ્પિટલોનાં શૌચાલયોમાં ઊછરે છે ખતરનાક બૅક્ટેરિયા

અમેરિકામાં વિસ્કોન્સિનની એક હૉસ્પિટલમાં કરાયેલી મોજણીમાં જોવા મળ્યું છે કે દરદીના રૂમમાં બાથરૂમની અંદર ગોઠવેલા સિંકની મોરીમાં નામના બેક્ટેરિયા Klebsiella pneumoniaecarbapenemase (ક્લેબેસિએલા ન્યૂમોનિકાર્બાપેનીમેઝ સંક્ષેપમાંKPC)ની મોટી વસાહત હોય છે.

American Journal of Infection Control (AJIC)માં પ્રકાશિત આ રિપોર્ટ જણાવે છે કે રૂમના દરવાજા પાસેના સિંકમાં ૨૧.૭ ટકા જેટલાં KPC હતાં પણ રૂમની અંદર બાથરૂમના સિંકની મોરીમાં એનું પ્રમાણ ૮૭ ટકા હતું. ક્લેબેસિએલા બેક્ટેરિયા ન્યૂમોનિયા, લોહીના પ્રવાહના ચેપ, જખમમાં ચેપ કે ઓપરેશન પછીના ડ્રેસિંગમાં ચેપ માટે જવાબદાર હોય છે. આ બેક્ટેરિયાએ કાર્બાપેનેમ્સ નામના ઍન્ટી-બાયોટિક્સ સામે પ્રતિરોધ શક્તિ વિકસાવી લીધી છે.

અમેરિકામાં હૉસ્પિટલોના રૂમોમાં આ સ્થિતિ હોય તો ભારતમાં શું હશે તેની તો કલ્પના જ કરવી રહી.

સંદર્ભઃhttps://www.ajicjournal.org/article/S0196-6553(18)30739-9/fulltext (Download pdf)

www.sciencedaily.com/releases/2019/02/190205115416.htm

000

() ઇંસ્યુલિન ઉત્પન્ન કરવા માટે માનવ કોશમાં પરિવર્તન

શરીરમાં સાકરને નિયંત્રણમાં રાખવા માટે પૅનક્રિયાસમાં ઇંસ્યુલિન બને છે. પરંતુ ઘણી વાર ઇંસ્યુલિન બનતું નથી. આના ઉપાય તરીકે ડાયાબિટીસવાળા ઉંદરના કોશમાં ફેરફાર કરતાં ઇંસ્યુલિન બનવા લાગ્યું છે. પૅનક્રિયાસમાં એક પ્રકારના કોશ ઇંસ્યુલિન બનાવે છે પણ એ કોશ મરી જાય તો ડઆબિટિસ્સ થાય છે, પણ આ અભ્યાસ દ્વારા જાણી શકાયું છે કે બીજા કોઈ કોશોમાં ફેરફાર કરીને એમના મારફતે ઇંસ્યુલિન બનાવી શકાય છે. આ પરિવર્તિત કોશોને ઉંદરના શરીરમાં ગોઠવતાં ઇંસ્યુલિન બનવા લાગ્યું. આ પ્રયોગ ઉંદર પર થયો પણ ઉપયોગમાં માનવકોશ લેવાયા હતા, પરંતુ હજી માનવ પર આ પ્રયોગ થયો નથી. પરંતુ જો એવો પ્રયોગ સફળ નીવડશે તો ડાયાબિટીસને તિલાંજલિ આપી શકાશે.

સંદર્ભઃ doi: 10.1038/d41586-019-00578-z અને https://www.nature.com/articles/d41586-019-00578-z

૦૦૦૦

%d bloggers like this: