India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 21

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

 પ્રકરણ ૨૧૧૮૫૭કારણો ()

બળવો કે રાષ્ટ્રીય વિદ્રોહ?

૧૮૫૭નું વર્ષ હિન્દુસ્તાનમાં અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપની માટે જબ્બર પડકાર જેવું હતું. આપણા દેશના ઇતિહાસમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આગવું સ્થાન છે. પરંતુ એ વખતના કોઈ હિન્દુસ્તાનીએ એના વિશે કંઇ લખ્યું નથી; જે કંઈ લખાયું તે અંગ્રેજોની નજરે લખાયું. એક તો આપણને ઇતિહાસ લખવાની ટેવ જ નથી. બીજી બાજુ, સ્થિતિ એવી હતી કે અંગ્રેજોને પસંદ ન આવે તેવું, અલગ રીતે લખવાની કોઈની હિંમત નહોતી કારણ કે અંગ્રેજોનો લોકશાહી માટેનો પ્રેમ માત્ર બ્રિટનમાં જ હતો અને એની કૉલોનીઓમાં એમને આપખુદશાહી જ પસંદ હતી; એમની સત્તાને પડકારનારનું આવી બનતું. અંગ્રેજ સત્તાધારીઓને મન માણસને ક્રૂરતાથી મારી નાખવો એ પણ એક ખેલ હતો. આમ છતાં એ પણ ખરું કે ઘણાખરા આપણા વિદ્વાનોએ અંગ્રેજોનો દૃષ્ટિકોણ કશા જ દબાણ વિના સ્વીકારી લીધો હતો એટલે ભારતીય વિદ્વાનોનાં લખાણો પણ અંગ્રેજોએ લખ્યાં હોય તેવાં જ છે.

આના કારણે અંગ્રેજોએ ૧૮૫૭ની શૃંખલાબંધ ઘટનાઓને સિપાઈઓના બંડ (Mutiny) તરીકે ઓળખાવી. પરંતુ બળવો એટલો વ્યાપક હતો કે ગવર્નર જનરલ કૅનિંગને પોતાને જ વિમાસણ થઈ કે આ માત્ર સિપાઈઓનો બળવો હતો કે એનાથી કંઈક વિશેષ? બહુ તરત એણે એને Rebellion કે Revolt (વિદ્રોહ) તરીકે ઓળખાવવાનું શરૂ કરી દીધું.

કાર્લ માર્ક્સ એ વખતે ન્યૂયૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનમાં કૉલમ લખતો. ૧૮૫૩થી એનું ધ્યાન ભારત પર કેંદ્રિત થયું હતું અને એણે પોતાની કૉલમમાં સતત ભારત વિશે લખ્યું છે. ૧૮૫૭ના વિદ્રોહને માર્ક્સ National Revolt – રાષ્ટ્રીય વિદ્રોહ ગણાવે છે. નોંધવા જેવી વાત એ છે કે શરૂઆતમાં માર્ક્સે દેશનાં સ્વયંપૂર્ણ, સ્વાયત્ત ગામડાંઓની આર્થિક અને સામાજિક વ્યવસ્થા સમજાવીને ગ્રામસમાજોની સ્વતંત્રતાનો પણ વિગતે ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માનતો હતો કે આ વ્યવસ્થા બંધિયાર હતી અને તે ઉપરાંત જાતિવાદને કારણે એમાં ગુલામીનાં તત્ત્વો પણ હતાં. આવો સમાજ પ્રગતિ ન કરી શકે. માર્ક્સના મતે બ્રિટિશ હકુમત સારી હોય કે ખરાબ, એ મહત્ત્વનું નહોતું પણ એને કારણે વ્યવસ્થામાં ભારે પરિવર્તન થશે જે હિન્દુસ્તાન માટે ઉપકારક નીવડશે.

આર્થિક કારણો

પરંતુ ૧૮૫૭ આવતાં સુધીમાં માર્ક્સના વિચારો બદલાયા. હવે એ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓને આક્રમણખોર શોષક અને ભારતની જનતાને શોષિત માનતો હતો. માર્ક્સ જોઈ શક્યો કે વ્યવસ્થામાં પરિવર્તન કરવાની સરકારની દાનત જ નહોતી. ૧૮૫૭નો સંગ્રામ માર્ક્સની નજરે મૂડીવાદી સત્તા સામે સામાન્ય જનનો રાષ્ટ્રીય સ્તરનો વિદ્રોહ હતો. માર્ક્સ કહે છે કે એશિયામાં પુરાતન કાળથી જ સરકાર પાસે ત્રણ ખાતાં રહેતાં – એક તો, નાણા, (અથવા આંતરિક લૂંટ); બીજું યુદ્ધ, (અથવા રાજ્યની બહાર લૂંટ) અને જાહેર કામોનું ખાતું. પ્રદેશ બહુ વિશાળ અને પ્રમાણમાં સભ્યતા (લોકોની વસ્તીવાળા વિસ્તારો) બહુ ઓછા. આથી અપાર ખાલી જમીનો હતી. આમાં ખેતી માટે મધ્યસ્થ સરકારની જરૂર રહેતી. બ્રિટિશ સત્તાવાળાઓએ નાણાં અને યુદ્ધનાં ખાતાં તો પોતાની હસ્તક રાખ્યાં પણ ત્રીજું, લોકો માટેનું ખાતું છોડી દીધું. આથી ખેતી બરબાદ થઈ ગઈ. ગ્રામસમાજમાં વણકરો, સોનીઓ વગેરે પણ હતા. ભારત પર પહેલાં પણ ઘણાં આક્રમણ થયાં પણ એમણે આ વ્યવસ્થાને ન તોડી, જ્યારે બ્રિટિશ હુમલાખોરોએ આ વ્યવસ્થા પર જ હુમલો કર્યો અને હાથશાળ તેમ જ ચરખાના અર્થતંત્રનો નાશ કર્યો. ઇંગ્લૅંડે યુરોપનાં બજારોમાંથી હિન્દુસ્તાનના કાપડને હાંકી કાઢવાનું શરૂ કર્યું અને પોતાનો માલ ઠાલવવા માંડ્યો. ૧૮૧૮ અને ૧૮૩૬ વચ્ચે લંડનથી આવતા ટ્વિસ્ટ કાપડનું પ્રમાણ ૫,૨૦૦ ગણું વધ્યું અને મસ્લિનની આયાત ૧૦ લાખ વારથી વધીને ૬ કરોડ ૪૦ લાખ વાર સુધી પહોંચી. ઢાકા કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું; એની વસ્તી દોઢ લાખની હતી તે ઘટીને વીસ હજાર રહી ગઈ હતી. માર્ક્સની નજરે આ નિર્ભેળ શોષણ હતું.

ઈસ્ટ ઇંડિયા કંપનીના મૂળ ચાર્ટર પ્રમાણે તો એણે હિન્દુસ્તાન અને ઇંગ્લૅન્ડના તૈયાર માલની અદલાબદલી નહોતી કરવાની, માત્ર હિન્દુસ્તાન અને યુરોપના માલની હેરફેર કરવાની હતી. ૧૭૦૦ અને ૧૭૨૧માં બ્રિટને કાયદા બનાવીને હિન્દુસ્તાનથી આવેલાં ચાંદીનાં ઘરેણાં કે કપડાં પહેરવા પર ૨૦૦ પૌંડનો દંડ જાહેર કરતાં હિન્દુસ્તાનના માલની માંગ તદ્દન શૂન્ય પર પહોંચી ગઈ હતી.

ખેડૂતો, આદિવાસીઓ, નાના કારીગરો અને કસબીઓ ગરીબાઈમાં હડસેલાઈ ગયા હતા અને જંગલો, જમીનો લીલામ થવા લાગ્યાં હતાં. દેશમાં જમીનની ખાનગી માલિકી કદીયે નહોતી, ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજમાં એ શરૂ થઈ ગઈ હતી.

ધાર્મિક કારણો

તે ઉપરાંત, ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ શંકાનું કારણ બની ગઈ હતી. હિન્દુઓ અને મુસલમાનો, બન્નેને એમની વટાળ પ્રવૃત્તિ સામે સખત નારાજી હતી. સામાન્ય લોકોને લાગતું હતું કે કંપની રાજનો મૂળ હેતુ આખા હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનો છે. આ માત્ર શંકા નહોતી; ઇંગ્લૅંડમાં આ જ વિચાર ફેલાયેલો હતો.

બ્રિટનની આમસભામાં ઇસ્ટ ઇંડિયા કંપનીના ચેરમૅન મેંગલ્સે કહ્યું કે, “વિધાતાએ ઇંગ્લૅન્ડને હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય એટલા માટે સોંપ્યું છે કે જેથી હિન્દુસ્તાનના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પ્રભુ ઈસુની વિજયપતાકા લહેરાય. હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનું મહાન કાર્ય અવિરત ચાલુ રહે તેમાં ઢીલ ન કરવા માટે જણે જણે પોતાની તમામ તાકાત ખર્ચવાની છે.”

ખ્રિસ્તી મિશનરીઓએ પણ પોતાનું લક્ષ્ય છૂપું નહોતું રાખ્યું. એક રેવરંડ કેનેડીએ લખ્યું છે કે “હિન્દુસ્તાનમાં આપણું રાજ રહે ત્યાં સુધી આપણા પર કોઈ પણ મુસીબત આવે, આપણે એ નથી ભૂલવાનું કે આપણું મુખ્ય કાર્ય આખા દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું છે. જ્યાં સુધી કૅપ કૉમોરિનથી હિમાલય સુધી હિન્દુસ્તાન ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ન લે અને હિન્દુ અને મુસ્લિમોના ધર્મોને જાકારો ન આપે ત્યાં સુધી આપણા પ્રયાસો ચાલુ રહેવા જ જોઈએ.”

લોકો એમનો ઇરાદો જાણતા હતા. રેવરંડ કેનેડી પોતે જ લખે છે કે મરણ પથારીએ પડેલા એક મૌલવીને એણે અંતિમ ઇચ્છા પૂછી તો મૌલવીએ જવાબ આપ્યો કે ખરેખર તો મારી એક ઇચ્છા પૂરી ન થઈ તેનો મને ખેદ છે – આ હાથે હું બે ફિરંગીને પણ મારી ન શક્યો!

એક સારા કુટુંબના હિન્દુએ કેનેડીને કહ્યું કે તમે લોકો જાઓ અને અમારું જૂનું રાજ ફરી સ્થપાય એ જ અમારી ઇચ્છા છે. આમ ખ્રિસ્તી ધર્મના હુમલા સામે હિન્દુઓ અને મુસલમાનો એક થઈ ગયા હતા.

જુદાં જુદાં કારણો હોવા છતાં અંગ્રેજો પ્રત્યેનો રોષ આખા દેશમાં સૌને એકસૂત્રે બાંધતો હતો.

ડોક્ટ્રીન ઑફ લેપ્સ

કંપનીને ખબર હતી કે વિશાળ જનસમુદાયના અસંતોષને દબાવવાનું સહેલું નહોતું. આના માટે કંપની બધો રાજકારભાર પોતાના હાથમાં લઈ લે તે જરૂરી હતું એટલે એણે રાજાઓ પર દબાણ કરવાનું શરૂ કર્યું. આમ તો ટીપુના મૃત્યુ પછી જ વૅલેસ્લીએ આવું દબાણ શરૂ કરી દીધું હતું પણ ડલહૌઝી (૧૮૪૮-૧૮૫૬)એ એને વ્યવસ્થિત રૂપ આપીને કડક અમલ શરૂ કર્યો. કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી. વેલેસ્લી પણ એ જ કરતો હતો પરંતુ એ વખતે કોને છૂટ આપવી અને કોને નહીં, તે કંપની પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરતી હતી. ડલહૌઝીના આવ્યા પછી એનો કડક અમલ થવા લાગ્યો. દત્તક લઈ જ ન શકાય એ નિયમ બની ગયો. બિનવારસ રાજાનું રાજ અનિવાર્ય રીતે કંપની સંભાળી લેતી. આમ કંપનીએ જાણે વિદ્રોહનાં આમંત્રણ ચારે બાજુ મોકળા હાથે મોકલાવ્યાં!

રાષ્ટ્રીય વિદ્રોહ

આ વિદ્રોહ એવો હતો કે એમાં રાજા અને રંક બધા સામેલ થઈ ગયા. કર્નલ મેલસને ૧૮૫૭ના વિદ્રોહ પછી એક પુસ્તક લખ્યું અને આઠ વર્ષ પછી ફરી હિન્દુસ્તાનની મુલાકાત લીધી. એણે લખ્યું, “જે લોકો એક સદી સુધી આપણા સાચા અને સૌથી વધારે વફાદાર નોકર હતા એમના મનમાં આપણા માટે તિરસ્કાર – અંગત નહીં, પણ દેશવ્યાપી – ભરવા માટે ઘણાં બાહ્ય કારણો હતાં”

અવધમાં વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરવાની સાથે પ્રજાજનોનો ઊકળાટ બહાર આવી ગયો. મૅલિયોડ ઇન્નેસ લખે છે કે “અવધમા જે ઝપાઝપીઓ થઈ તે માત્ર વિદ્રોહ નહીં પણ રીતસરનું યુદ્ધ જ હતું.”

ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ

આ સંયોગોમાં બ્રિટિશ ફોજમાં નવાં કારતૂસ આવ્યાં જે દાંતથી ખોલવા પડે એવાં હતાં. એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી હતી અથવા એવી વાત ફેલાઈ. હિન્દુ અને મુસલમાન સિપાઈઓના ધર્મ પર આ સીધો હુમલો હતો અને ૧૮૫૭ના મે મહિનામી ૧૦મી તારીખે મેરઠમાં આગ ભડકી ઊઠી.

આ કથા હવે પછી.

૦૦૦

સંદર્ભઃ

(૧) Rebellion-1857 (Edited by P. C. Joshi. First National Book Trust publication, 2007. ESBN 978-81-237-4935-8. ( બે લેખઃ તાલ્મિઝ ખાલ્દુન અને પી. સી. જોશી).

(૨) કાર્લ માર્ક્સના ન્યૂ યૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનના લેખો – ૨૫ જૂન ૧૮૫૩, ૧૫ જુલાઈ ૧૮૫૭, ૧૬ સપ્ટેમ્બર ૧૮૫૭

%d bloggers like this: