India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 20

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ 

પ્રકરણ ૨૦: ૧૮૫૭ અને ગુજરાત (૨)

દિલ્હી વિદ્રોહીઓના હાથમાં પડ્યું, તે જ દિવસે, ૨૮મી સપ્ટેંબરે રાધનપુરના નવાબના મૌક દસ્તાવેજો અંગ્રેજ સરકારને હાથે ચડી ગયા. નવાબે દિલ્હીમાં બાદશાહને સોનામહોર નજરાણામાં મોકલીને અમદાવાદ અને ડીસામાં અંગ્રેજોનાં મથકો પર હુમલા કરવાની રજા માગી હતી. નવાબ પોલિટિકલ ઍજન્ટનો બહુ સારો મિત્ર હતો એટલે એની સામે કોઈ કાર્યવાહી ન કરવાનું મુંબઈ સરકારે નક્કી કર્યું. એ જ રીતે, ૧૮૫૭ના ઑક્ટોબરમાં ડીસા પાસેના સમડાના ઠાકોર અને સેકંડ કેવલરી અને ૧૨ મી નૅટિવ ઇન્ફન્ટરીના કેટલાક દેશી અફસરોએ ડીસામાં છાવણી ઉપર હુમલો કરીને ત્યાંના મોટા અફસરોને મારી નાખવા અને શસ્ત્રો વગેરે લૂંટવાની યોજના બનાવી હતી પણ એ લોકો કંઈ કરી શકે તે પહેલાં સરકારને બાતમી મળી ગઈ અને એમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. સ્થાનિકના પોલિટિકલ ઍજન્ટ વગેરેએ એમને સજા કરી હોત પણ તે પહેલાં સરકારે આમ-માફી જાહેર કરતાં બધા છૂટી ગયા.

ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ

વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી. મહારાવના પિતાની બીજી પત્નીનો પુત્ર એટલે કે મહારાવનો અર્ધ-ભાઈ ગોવિંદરાવ અથવા બાપુ ગાયકવાડ વદોદરાથી તરીપાર થયેલો હતો. મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદલ એને વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો. બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. વડોદરા, અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું. બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું. દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા. બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો. એને ખેડા જિલ્લો સોંપાયો હતો. એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ. એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ તૈયાર કરવાનું હતું. એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી. ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય. કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો, એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું. મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું. એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા. ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી. સામે પક્ષે અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા.

સરકારને આ યોજનાની કંઈ જ ખબર ન પડી. છેક ૧૫મી ઑક્ટોબરે ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો. અફસોસની વાત એ છે કે વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા. નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા. આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી.

બીજી બાજુ, અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર લોદરા તરફ કોળીઓની ટુકડી લઈને નીકળ્યો. થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યો પણ થોડા દિવસમાં પકડાઈ ગયો. એને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા, બીજા ત્રણને ફાંસી અપાઈ.

મલ્હારરાવ ગાયકવાડ અને ભોંસલે રાજાને વડોદરાના મહારાજાએ વચ્ચે પડીને બચાવી લીધા. મને વડોદરા મોકલી દેવાયા. મહારાજાએ એમને જેલની સજા કરવાનું વચન આપ્યું પણ ક્રોનિકલર, અને આ ઘટનાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અંગ્રેજ અફસર, ઍશબર્નર કહે છે કે મહારાજાએ આ વચન પાળ્યું જ નહીં.

આના પછી અંગ્રેજ સરકારે ગુજરાતમાંથી બધાં હથિયારો કબજે કરી લેવાનો નિર્ણય કર્યો. ૧૮૫૮ના જાન્યુઆરીમાં ઍશબર્નરે અંગ્રેજી બટાલિયનોની મદદથી આ કામ શરૂ કર્યું ગામેગામથી લડાયક જાતિના દરેક પુખ્ત વયની વ્યક્તિએ ઓછામાં ઓછું એક હથિયાર સોંપવાનું હતું. અમદાવાદ શહેરમાંથી પહેલા બે જ દિવસમાં વીસ હજાર હથિયારો અંગ્રેજી રેજિમેન્ટને મળ્યાં. મહારાજા ગાયકવાડે ફરી હથિયારો કઢાવવામાં સાથ આપવાનું વચન આપ્યું, અને ફરી ન પાળ્યું. પરંતુ આ પગલાને કારણે ભારે અસંતોષ ફેલાયો અને હથિયારો કબજે કરવાનું બંધ કરી દેવું પડ્યું.

૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા. અસંખ્ય લાઅશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી. કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં. પંચમહાલ ૧૮૫૭ના વિપ્લવના સમયથી જ અંગ્રેજી સત્તાને પડકારવામાં આગળ રહ્યું. મધ્ય ભારતની નજીક હોવાથી વિદ્રોહીઓ માટે પંચમહાલ મહત્ત્વનું બની રહ્યું. દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું ખાનપુર ગામ બળવામાં મોખરે રહ્યાં.. ભીલો, આરબો, મકરાણીઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા.

નાયકડા ભીલોનો વિદ્રોહ

૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી. પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો. નાયકડા ભીલો પંચમહાલના વાસી. નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો. આમ પણ, પ્રા. એ. જી. ઠાકોર (સંતરામપુર) કહે છે કે “ ભીલ નાયકડા અને કોળીઓ ઉદ્દામવાદી અને સ્વાતંત્ર્ય પ્રિય જાતિઓ હતી. ઇતિહાસના સમયપટ પર અનેક રાજકીય પરિવર્તનો થવા છતાં આદિવાસીઓએ પોતાની પરંપરાઓ અને સ્વાયત્તતા જાળવી રાખી હતી. આદિવાસીઓ પોતાની જમીનોના માલિકો હતા. મહીકાંઠા અને રેવાકાંઠા વિસ્તારોમાં આદિવાસીઓની નાની નાની ઠકરાતો હતી.”(સંદર્ભ ૨).

જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું. રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી. રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો. રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો. બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું. ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો. મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા. જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી.

તાંત્યા ટોપે ગુજરાતમાં

૧૮૫૮માં ગ્વાલિયર પાસે તાંત્યા ટોપેનો પરાજય થયો. તે પછી એ ભાગીને પંચમહાલ આવ્યો. નાયકડાઓને અંગ્રેજો વિરુદ્ધ ઊભા કરવામાં પણ એની મહત્ત્વની ભૂમિકા રહી. એના ફોજીઓ પણ નાયકડાઓના બળવામાં જોડાયા હતા. તાંત્યાની યોજના તો દખ્ખણમાં જવાની હતી. એત્યાં પહોંચ્યો હોત તો આખી મરાઠા કોમ ફરી અંગ્રેજોની સામે ઊભી થઈ ગઈ હોત એટલે અંગ્રેજ સરકાર એને કોઈ પણ રીતે દખ્ખણમાં આવવા દેવા નહોતી માગતી. ચારે બાજુથી બહુ દબાણ હોવાથી તાંત્યા ફરી નર્મદા પાર કરીને ચીખલડા આવ્યો અને વડોદરા તરફ આગળ વધવા માગતો હતો. પરંતુ સરકારને તાંત્યા ગુજરાતમાં આવ્યો હોવાની ખબર પડી ગઈ હતી. તાંત્યા સાથે બેંગાલ રેજિમેંટના વિદ્રોહી સિપાઈઓનું મોટું દળ પણ હતું. વિલાયતીઓ (આરબો, મકરાણીઓ વગેરે) અને રાજપૂતો પણ મોટી સંખ્યામાં તાંત્યાને આવી મળ્યા હતા. છોટા ઉદેપુરના રાજાએ પણ પોતાનું લશ્કર તાંત્યાને આપ્યું હતું. તાંત્યાએ છોટા ઉદેપુરનો તો સહેલાઈથી કબજો કરી લીધો પરંતુ ૧૮૫૮ના ડિસેંબરની પહેલી તારીખે કૅપ્ટન કૉલિયરે એના પર હુમલો કર્યો. તાંત્યા ત્યાંથી ભાગ્યો. એની ફોજ પણ વેરવીખેર થઈ ગઈ. એમાંથી એક ટુકડીએ કેપ્ટન પાર્કની ફોજ પર પાછળથી હુમલો કરીને એનો બધો સામાન લૂંટી લીધો અને પાર્ક છોટા ઉદેપુરમાં લાચાર બનીને બેસી રહ્યો. પરંતુ અંતે જનરલ સમરસેટના સૈન્યને તાંત્યાના સૈનિકો અને આસપાસના એના સમર્થકોને દબાવી દેવામાં સફળતા મળી.

ગુજરાતમાં બળવાને અંગ્રેજોએ સખત હાથે દબાવીને ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું.

સંદર્ભઃ

(૧) Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).

(૨) http://www.dietsantrampur.org/images/m-march.pdf (પૃષ્ઠ ૯)

%d bloggers like this: