India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 19

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : ૧૮૫૭ અને ગુજરાત ()

૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં તરત દેખાવા લાગી. જેમ ઉત્તર ભારતમાં ગાય અને ડુક્કરની ચરબી ચડાવેલી કારતૂસોની કથા ગામેગામ પહોંચી તેમ ગુજરાતમાં પણ એવી જ એક કથા કાનોકાન ફેલાઈ. કચ્છના રણમાંથી ગૂણો ભરીને મીઠું લાદીને રાજપુતાના લઈ જવાતું હતું, એમાંથી એક ગૂણ પર સિંદૂરનો મોટો ડાઘ દેખાયો. મજુરો સમજ્યા કે એ ગાયનું લોહી છે. વાત બધે ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકાર એમને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા માગે છે.

ઉત્તર ભારતમાં રોટી અને કમળ ફરતાં હતાં તેમ પંચમહાલનાં બધાં ગામે લોકો એક ભટકતા કૂતરાને લઈ ગયા. કૂતરાને કોણે મોકલ્યો કે ક્યાંથી આવ્યો તે તો કોઈ જાણતું નહોતું, પણ કૂતરો મધ્ય ભારતમાંથી આવ્યો હતો. એ આવ્યો ત્યારે એના ગળામાં ખાવાપીવાના સામાનની ટોકરી બાંધી હતી. એ ગામના કૂતરાઓને ખવડાવીને લોકો ફરીથી રોટલા ટોકરીમાં ભરીને કૂતરાને ગળે બાંધી દેતા અને એને બીજા ગામની સીમમાં મોકલી દેતા. આ વિદ્રોહનો સંદેશ હતો, એમ તો ન કહી શકાય પણ એટલું ખરું, કે લોકો એમ માનવા લાગ્યા હતા કે કૂતરાનું આમ આવવું એ અપશુકન હતાં, અને મોટી આફતનો એ સંકેત હતો. ગામેથી કૂતરાને વિદાય કરીને લોકો પનોતીને વિદાય કરતા હતા.

આમ તો મુંબઈ સરકારને મળતા રિપોર્ટોમાં કંઈ ચોંકવા જેવું નહોતું પણ અંદરખાને લોકોએ સોનાની ખરીદી વધારી દીધી હતી. એમાં કેટલાક જાણકારો સંકેત વાંચતા હતા કે લોકોના મનમાં અજંપો હતો. સોનાની મોટી ખરીદીમાંથી લોકોના મનની અનિશ્ચિતતાનો અણસાર મળતો હતો.

ગુજરાતનાં છાપાં આમ પણ અંગ્રેજ સરકારને વફાદાર નહોતાં, હવે ખુલ્લંખુલ્લા ટીકા કરવા લાગ્યાં હતાં. સિપાઈઓના બળવાની વાતો એમાં વિગતે છપાતી, જે અંગ્રેજી સરકારની નજરે અતિશયોક્તિભરી હતી. માત્ર છાપાંઓ જ નહીં, અમદાવાદની લગભગ બધી મસ્જિદોમાં નમાઝ પછી ખુત્બા પઢાતા તેમાં મૌલવીઓ બેધડક અંગ્રેજી રાજના આખરી દિવસો હતા એવી આગાહીઓ કરતા. આમાં અમદાવાદની જામા મસ્જિદમાં મૌલવી સિરાજુદ્દીને ઘોડેસવાર દળ (ગુજરાત હૉર્સ)ના સવારો અને અમદાવાદના કેન્ટોનમેન્ટના દેશી અફસરો સમક્ષ આવું જ ભાષણ કર્યું તે પછી એને અમદાવાદમાંથી તરીપાર કરવામાં આવ્યો. એ વડોદરા પહોંચ્યો અને ત્યાં પોલીસે એને પકડી લીધો.

ગુજરાતની સ્થિતિ

ગુજરાતમાં અસંતોષનાં કારણો અંગ્રેજ ઇતિહાસકાર (અથવા ક્રોનિકલર એટલે કે ઘટનાક્રમની નોંધ રાખનાર) એલ. આર.. ઍશબર્નરની નજરે આ હતાં: લોકો એમ માનતા હતા કે મુઠ્ઠીભર માણસો રાજ ચલાવે છે અને એમને કચડી નાખતાં વાર લાગે તેમ નથી. પરંતુ લોકો ભૂલી જતા હતા કે આ મુઠ્ઠીભર માણસોની પાછળ એમનો આખો દેશ હતો.

ઍશબર્નર લખે છે કે અંગ્રેજોના વહીવટમાં ન્યાય સ્થપાયો હતો એટલે સમાનતા આવી હતી. વહીવટમાં ઘણા ફેરફાર થયા હતા અને નવા કાયદા અને નિયમો લાગુ પડતાં પેશવાઈના જમાનામાં અણઘટતો લાભ લેનારાઓની જમીનો અને મિલકતો વેપારી વર્ગના હાથમાં જવા લાગી હતી. બ્રાહ્મણોને દાનમાં મળેલી જમીનો પણ હવે કશા ભેદભાવ વિના કર વ્યવસ્થામાં આવી ગઈ હતી. પેશવાઈ પડી ભાંગી હતી અને એમાં પહેલાં ઊંચાં પદો ભોગવનારા હવે નાખુશ હતા એટલે અંગ્રેજ સરકાર વિરુદ્ધ હિલચાલ કરવાની રાહ જોતા હતા.

શરૂઆતનાં વર્ષોથી જ અંગ્રેજ અધિકારીઓ સ્થાનિકના લોકોની પરંપરાઓને માન આપતા હતા, પણ પછી ઇંગ્લૅંન્ડ સાથે સરકારનો સંપર્ક વધતાં કેટલાક નવા વિચારોને સ્થાન મળ્યું, જેમ કે, હવે મોટું જનાનખાનું રાખ્યું હોય તો એને અનૈતિક નહીં તો પણ અસભ્ય મનાતું. આવું થવાથી અંગ્રેજો અને દેશીઓના સંબંધોમાં કડવાશ વધવા લાગી હતી..

આ જ અરસામાં દેશમાં ઘણા નવા વકીલો પેદા થયા. પરંતુ સિવિલ સર્વિસ પર અંગ્રેજોનો ઇજારો હતો, એટલે આ વકીલોને વાંધો પડ્યો કે જે લોકોને ન્યાય કે કાયદાની ખબર જ નહોતી, તે લોકોના હાથમાં ન્યાય છે. અને સિવિલ સર્વિસમાં ખરેખર એવા લોકો પણ હતા કે જેમને કાયદાની બરાબર સમજ નહોતી એટલે કોઈ પણ કેસનો ચુકાદો આપતાં પહેલાં એ મહેનત કરીને ઇંગ્લૅન્ડમાં આવો કોઈ કેસ બન્યો હોય તે શોધી કાઢતા અને એના જેવો જ ચુકાદો આપી દેતા. વકીલોએ છાપાંવાળાઓને આની વિરુદ્ધ ખૂબ જ ભડકાવ્યા.

ગુજરાત હૉર્સનો બળવો

આમ છતાં, ઍશબર્નર લખે છે કે, લશ્કરની અંદર બળવો ન થયો હોત તો કંઈ ન થયું હોત. મુંબઈના લશ્કરમાં ઘણી જુદી જુદી જાતિઓના સિપાઈઓ હતા, અને તેમાંથી મોટા ભાગના ઉત્તર-પશ્ચિમ ભારતના હતા. આથી ઉત્તર-પશ્ચિમના વિદ્રોહી બળવાખોરો મુંબઈના સિપાઈઓ સાથે સીધા સંપર્કમાં હતા. એમની બળવાખોરીની હવા મુંબઈ સરકાર હસ્તકના સિપાઈઓને પણ સ્પર્શી ગઈ હતી.

૧૮૫૭ની ૧ જુલાઈએ બંગાળ રેજિમેન્ટમાં બળવો થયો અને મ્હઉમાં સિપાઈઓએ કર્નલ પ્લેટ, કૅપ્ટન ફૅગન અને કૅપ્ટન હૅરિસ તેમ જ બીજા કેટલાયે યુરોપિયન અફસરોને મારી નાખ્યા. એ પછી તરત, ૯મી જુલાઈએ ‘ગુજરાત હૉર્સ’ના સાત સવારોએ યુરોપિયનો વિરુદ્ધ બળવાનો લીલો ઝંડો ઉપાડ્યો. એમણે દારુખાનું કબજે કરવાની કોશિશ કરી પણ એના સંત્રીઓએ એમનો મુકાબલો કર્યો, તે પછી આ સાત ઘોડેસવારો સરખેજ તરફ ચાલ્યા ગયા. લેફ્ટેનન્ટ પિમે બાર સવારો સાથે એમનો પીછો કર્યો. રસ્તામાં કૅપ્ટન ટેલર કોળીઓની ટુકડીના ત્રણ કોળીઓ સાથે એમને મળ્યો. પિમ અને ટેલર સાત વિદ્રોહીઓની પાછળ ગયા. એ તાજપુર પાસે વિદ્રોહીઓની નજીક પહોંચી ગયા. ત્યાં સામસામે ધીંગાણું થયું. પરંતુ પિમની સાથે ગયેલા ઘોડેસવારોએ પોતાના સાથીઓ પર ગોળી ચલાવવાની સાફ ન પાડી દીધી. તે પછી ટેલરે વાટાઘાટનો રસ્તો લીધો. એ વિદ્રોહીઓ પાસે ગયો અને એમની વાતચીત ચાલતી હતી તે જ વખતે વિદ્રોહીઓએ ગોળીઓ છોડી જેમાં ટેલર ગંભીર રીતે ઘાયલ થયો, જો કે પાછળથી એ બચી ગયો. તે પછી કોળીઓએ મોરચો સંભાળ્યો, એમાં બે સવારોનાં મોત થયાં અને બીજા પાંચ શરણે થઈ ગયા. એમને કેદ કરી લેવાયા અને ફાંસી આપી દેવાઈ.

ગુજરાત હૉર્સમાં આ ફાંસીઓ પછી શાંતિ થઈ ગઈ, પણ આ વિદ્રોહ ફરી ક્યારે ભડકી ઊઠે તે કોઈ જાણતું નહોતું. આના પછી મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિન્સ્ટને સલામતીની કડક વ્યવસ્થા કરી.

પરંતુ, જુલાઈ ૧૮૫૭માં મધ્ય પ્રદેશના ભોપાવર અને અમઝેરામાં વિદ્રોહ થયો. આને પગલે પંચમહાલમાં પણ જમીનદારો ઊઠ્યા અને દાહોદના કિલ્લાને ઘેરો ઘાલ્યો. વિદ્રોહીઓ ખેડા જિલ્લામાં ત્રાટકવાની તૈયારી કરતા હતા પણ રેવા કાંઠાનો પોલિટિકલ ઍજન્ટ કૅપ્ટન બકલ એમનો સામનો કરવા વડોદરાથી નીકળ્યો તે પછી વિદ્રોહીઓ હટી ગયા. આ બાજુ મધ્યપ્રદેશના ભોપાવરમાં પણ કૅપ્ટન હચિન્સને કોળીઓની લશ્કરી ટુકડીની મદદથી ફરી બ્રિટિશ સત્તાની આણ સ્થાપી અને અમઝેરાના રાજાને પકડીને ફાંસીએ ચડાવી દીધો. પાંચમી ઑગસ્ટે આબુમાં ગોઠવાયેલા સિપાઈઓએ બળવો પોકાર્યો. એ જ રીતે એરિનપુરના સિપાઈઓએ લેફ્ટેનન્ટ કૉનૉલીને બંદી બનાવીને ખજાનો લૂંટ્યો.

અમદાવાદમાં બળવાનો મોટો પ્રયાસ નિષ્ફળ

સપ્ટેમ્બરમાં અમદાવાદમાં એક બનાવ બન્યો જેની અસર આખા ઘટનાચક્ર પર પડી. અમદાવાદમાં દેશી સૈનિકોની બે બટાલિયનો હતી – ગ્રેનેડિયરોની બીજી રેજિમેન્ટ અને સાતમી નૅટિવ ઇન્ફન્ટ્રી. આ બન્ને વચ્ચે સારા સંબંધ નહોતા. એક રાતે ગ્રેનેડિયરોની રેજિમેન્ટનો કૅપ્ટન મ્યૂટર ચોકી પહેરાની ડ્યૂટી પર હતો. એ સાતમી ઇન્ફ્ન્ટ્રીના ભંડાર (ક્વાર્ટર ગાર્ડ) પાસે પહોંચ્યો ત્યારે સંત્રીએ એની પાસે પાસવર્ડ માગ્યો. મ્યૂટર પાસવર્ડ જાણતો નહોતો એટલે એ વખતે તો એ પાછો ચાલ્યો ગયો પણ ગ્રેનેડિયરોની એક ટુકડી સાથે પાછો આવ્યો અને સંત્રીને કેદ કર્યો. બીજા દિવસે જનરલ રૉબર્ટ્સ પાસે આ વાત પહોંચી કે તરત એણે મ્યૂટરની ધરપકડ કરી અને સંત્રીને છોડી મૂક્યો. આ ઘટનાને કારણે બન્ને દળો વચ્ચે શત્રુતાની ભાવાના વધારે સતેજ થઈ.

બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને ગોલંદાજ આર્ટિલરી સાથે મળીને બળવો કરે. પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો. આર્ટિલરીના દેશી અફસરોએ નક્કી કર્યું કે એમણે એવું દેખાડવું કે એમને વધારે મોટા દળે દબાવી દીધા અને પોતે એનો સામનો કરે છે. સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા. તોપો પણ બહાર લઈ આવ્યા. ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું, એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી. આથી ગ્રેનેડિયર અફસર પાછો વળી ગયો. એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા. આ બાજુ, પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા. પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી. આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા. એમને મોતની સજા કરાઈ પણ દેશી સિપાઈઓ આ સજાનો અમલ કરવા નહીં દે એવી બીક હોવાથી બીજી ટુકડી આવી જાય ત્યાં સુધી સજા ન અપાઈ, તે પછી બધાની હાજરીમાં એમને ફાંસીએ લટકાવી દેવાયા. એ લોકોએ વીરોને છાજે એવી રીતે મોતને વધાવી લીધું. ત્યાં હાજર બધાએ એમના સાહસને દાદ દીધી.

ગુજરાતમાં ૧૮૫૭માં શું થયું તેના વિશે વધુ આવતા અંકમાં

૦૦૦

સંદર્ભઃ Gazetteer of Bombay 1896 Vol 1 Part 1- History of Gujarat (page 475 onward – Gujarat disturbances, 1857-1859, L. R. Ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ).

%d bloggers like this: