Science Samachar (57)

) કિરયાતું ડેંગીના વાઇરસને મારી નાખે છે, ચિકનગુન્યાથી બચાવે છે

તમિળનાડુમાં સિદ્ધ પદ્ધતિનાં ઓસડોના પ્રયોગ દ્વારા પરીક્ષણમાં જોવા મળ્યું છે કે કિરયાતું ડેંગી (ડેંગૂ કે ડેંગ્યૂ)ના વાઇરસને મારી નાખે છે અને ચિકનગુન્યા સામે અસરકારક રક્ષણ આપે છે. દિલ્હીના ઇંટરનૅશનલ સેંટર ફોર જેનેટિક એંજીનિયરિંગ ઍન્ડ બાયોટેકનોલૉજીના સંશોધકોની એક ટીમે કહ્યું છે કે કિરયાતું બન્ને પર અસર કરે છે પણ જુદી જુદી રીતે. સંશોધકોએ ડેંગી માટે મોનોસાઇટ્સ અને મૅક્રોફેજ પર અને ચિકનગુન્યા માટે કિડનીની અંદરની પાતળી દીવાલના કોશો પર અખતરો કર્યો. એમને જોવા મળ્યું કે ડેંગીના કેસમાં કિરયાતું વાઇરસ પર અસર કરે છે અને ચિકનગુન્યાના કેસમાં રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.

પરંતુ કિરયાતું વધારે હોય તો એ ટૉક્સિક (ઝેરી) બની જાય છે. એટલે એક મિલીલીટર પ્રવાહીમાં એ ૧.૮ મિલીગ્રામથી વધારે ન હોવું જોઈએ. એમનાં આ તારણો Journal of Ayurveda and Integrative Medicineમાં પ્રકાશિત થયાં છે.

૦૦૦

સંદર્ભઃhttps://www.thehindu.com/sci-tech/science/article26161732.ece

() વિચાર સીધો જ સંવાદ બને!

કોલંબિયા યુનિવર્સિટીના ન્યૂરોએન્જીનિયરોએ એક એવું મશીન બનાવ્યું છે કે જે મગજમાં ચાલતા વિચારોનું વાણીમાં પરિવર્તન કરી શકે છે. સ્ટીફન હૉકિંગ સ્પીચ સિન્થેસાઇઝર વાપરતા પરંતુ આ મશીન વધારે સ્પષ્ટતાથી મગજના સંકેતોને શ્રાવ્ય શબ્દમાં પરિવર્તિત કરે છે. એમાં સ્પીચ સિંથેસાઇઝર અને આર્ટીફિશિયલ ઇંટેલિજંસ (AI)નો ઉપયોગ થયો છે. આ મશીનને કારણે કમ્પ્યુટર હવે સીધા જ મગજ સાથે જોડાઈ શકશે. આ અધ્યયનપત્ર અહીં જોઈ શકશો.- Scientific Reports.

મૉર્ટિમોર બી. ઝુકરમન માઇંડ્બ્રેન બિહેવિયર ઇંસ્ટીટ્યૂટની ટીમના મુખ્ય સંશોધક અને અભ્યાસપત્રના સીનિયર લેખક નિમા મેસગરાની કહે છે કે આપણે મિત્રો અને આખી દુનિયા સાથે અવાજના માધ્યમ દ્વારા જ સંપર્કમાં રહીએ છીએ અને અવાજ બંધ પડી જાય તે આપણા માટે ભયંકર દુઃખ જેવું છે. હવે આ શક્તિ પાછી મળે છે.

દાયકાઓનાં સંશોધનો પછી સમજાયું છે કે આપણે બોલીએ, કે બોલવાની માત્ર કલ્પનાકરીએ ત્યારે, અને કોઈને બોલતાં સાંભળીએ ત્યારે મગજમાં ખાસ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. સંશોધકોએ ‘વોકોડર’ને મગજની હિલચાલને સમજતાં શીખવવા માટે નૉર્થવેલના ન્યૂરોસાયન્સ ઇંટીટ્યૂટના ડૉ. આશીષ દિનેશ મહેતાની મદદ લીધી. ડૉ. મહેતા ઍપિલેપ્સીની સારવાર કરે છે. અમુક દરદીઓની સર્જરી પણ કરવી પડે છે. સંશોધક ટીમે ઍપિલેપ્સીના દરદીઓની સર્જરી ચાલતી હતી ત્યારે એમને જુદા જુદા લોકો બોલતા હોય તે વાક્યો સાંભળવા કહ્યું. આ દરમિયાન વોકોડરમાં મગજની પ્રક્રિયા નોંધાઈ ગઈ. તે પછી એ લોકોને સંભળાવતાં ૭૫ ટકા શબ્દો બરાબર સમજી શકાય તેમ સંભળાયા.

હવે તેઓ વધારે જટિલ શબ્દો અને વાક્યોનો પ્રયોગ કરવા માગે છે. એટલે હવે ‘મને પાણી આપો’ એવો વિચાર આવતાં એનો ધ્વનિમાં અનુવાદ થઈ શકશે અને સામી વ્યક્તિ આ વિચાર સાંભળી શકશે.

૦૦૦

સંદર્ભઃengineers-translate-brain-signals-directly-speech

() મરતા તારાનો અંતિમ ઝળહળાટ !

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી (ESO)ના ‘વેરી લાર્જ ટેલીસ્કોપે (VLTએ) એક મરતા તારાનો અંતિમ શ્વાસનું દૃશ્ય ઝડપ્યું છે. અહીં દૃશ્યમાં વચ્ચે જે ચમકારો છે તે બુઝાતો દીવાના છેલ્લા પ્રકાશ જેવો છે. એ ઝબકારો માત્ર દસ હજાર વર્ષ જેટલો છે, ખગોળના ગણિત પ્રમાણે એ માત્ર આંખનો એક પલકારો છે. એ અયનીભૂત ગૅસ છે. એની આસપાસ લાલ અને વાદળી રંગનું ગૅસનું વાદળ છે. એ ખરેખર તો દેખાય એવી તરંગ લંબાઈ છે. આ છેલ્લો ચમકારો છે. તે પછી એ ઝાંખો પડતો જશે અને અંતે દેખાતો બંધ થઈ જશે. એનું બંધ થવું લાલ તારાના મૃત્યુનું સૂચક હશે. VLT માં FORS2 નામનું એક શક્તિશાળી ઉપકરણ છે, જેના દ્વારા મધ્યમાં તેજસ્વી તારા Abell 36 અને આસપાસ વાયુના વાદળનું દૃશ્ય ઝડપાયું છે.

000

સંદર્ભઃ https://scitechdaily.com/esos-very-large-telescope-captures-a-fleeting-moment-in-time/

() ગુરુના ગ્રહ પર આઠ હજાર કિલોમીટરનું વિસ્તૃત તોફાન

નાસાના જૂનો (JUNO) સ્પેસક્રાફ્ટે ગુરુના ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં આઠ હજાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા તોફાનની તસવીરો ઝડપી છે. એની ઉપર ગ્રેટ રેડ સ્પૉટ પર પણ આ તોફાન ઘડિયાળના કાંટા ઉલટા ફરે તેમ ફરતું દેખાય છે આ ગતિને Oval BA કહે છે.. ૨૧મી ડિસેંબરે લેવાયેલી જુદી જુદી નવ તસવીરોનું સંયોજન કરીને આ તસવીર બનાવેલી છે.

જૂનો વિશે વધારે માહિતી અહીંથી મળી શકશેઃ http://www.nasa.gov/juno અને http://missionjuno.swri.edu.

સંદર્ભઃhttps://scitechdaily.com/juno-spacecraft-views-5000-mile-wide-storm-in-jupiters-southern-hemisphere/

૦૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: