India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom :: Chapter 18

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૮: ૧૮૯૯નો સંથાલ વિદ્રોહ

ભારતના ઇતિહાસમાં આમઆદમીએ અંગ્રેજી હકુમત સામે પ્રગટાવેલી મશાલ બુઝાવાનું નામ નહોતી લેતી. ૧૮૫૫ના સંથાલ બળવા પછી – અને ૧૮૫૭ના સંગ્રામ પછી – ઝારખંડના છોટા નાગપુર (આજના રાંચી સહિતનો પ્રદેશ)માં આદિવાસીઓના રોષનો ઉકળતો ચરૂ શાંત નહોતો પડ્યો. એવામાં મિશનરીઓ પણ આદિવાસીઓને એમના પરંપરાગત ધર્મમાંથી વટલાવીને ખ્રિસ્તી બનાવવા છોટા નાગપુરમાં ઠેરઠેર પહોંચી ગયા હતા. એમનું કામ અંગ્રેજોને વફાદાર રહે તેવી આદિવાસી જમાત એકઠી કરવાનું હતું પરંતુ મિશનરી સ્કૂલોમાં ભણનાર આદિવાસીનો જમીનનો પ્રશ્ન તો ખ્રિસ્તી બની જવાથી ઉકેલાતો નહોતો.

સાહેબ-સાહેબ એક ટોપી!

૧૮૭૪માં અંગ્રેજોએ જમીનો આંચકી લેવાના નવા કાયદા બનાવ્યા તે પછી ૧૮૭૫ના નવેંબરની ૧૫મીએ બિરસા મુંડાનો જન્મ થયો. છ વર્ષના બિરસાને ગામમાં છોડીને માબાપ બીજે મજૂરી માટે નીકળી ગયાં. ત્યાંથી બિરસા એના મામાને ઘરે પહોંચ્યો અને પછી માસી પરણી ત્યારે એ એને પોતાની સાથે ચાઇબાસા લેતી ગઈ. અહીં એ જયપાલ નાગ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો. એણે બિરસાને પોતાની સ્કૂલમાં લઈ લીધો. બિરસા ભણવામાં હોશિયાર હતો એટલે નાગે એને જર્મન મિશનરી સ્કૂલમાં દાખલ કરાવી દીધો.

બિરસાને અહીં ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે બિરસા ડૅવિડ હતો. એક દિવસ ક્લાસમાં એક મિશનરી ટીચર ડૉ. નૉર્કોટ મુંડાઓ માટે ઘસાતું બોલ્યો. એક છોકરો ઊભો થયો અને બહાર નીકળી ગયો. બાર-તેર વર્ષના બિરસાનું એ પહેલું વિદ્રોહી કૃત્ય હતું. ગોરી ચામડીનો ધર્મ એના મુંડા તરીકેના અભિમાનને દબાવી નહોતો શક્યો.

એણે ડૉ. નૉર્કોટ અને બીજા મિશનરીઓને ખૂબ ભાંડ્યા. તે પછી એને સ્કૂલમાં પાછો લેવાનો તો સવાલ જ નહોતો. બિરસાએ કહ્યું – “સાહેબ-સાહેબ એક ટોપી.” હાકેમ હોય કે પાદરી, ગોરા બધા એક જ.

એ વખતે આદિવાસી સરદારો પણ અંગ્રેજો સામે પડ્યા હતા. બિરસા પર કદાચ એની અસર પણ હોય, પરંતુ એ પોતાની જાણ બહાર સરદારોએ અંગ્રેજ હકુમતની જંગલ નીતિ અને ધર્મપરિવર્તનની ચાલબાજીઓ વિરુદ્ધ શરૂ કરેલા આંદોલનમાં ખેંચાઈ ગયો. ૧૮૯૦માં એણે ચાઇબાસા છોડ્યું અને તરત જ જર્મન મિશને ઓઢાડેલો ખ્રિસ્તી ધર્મનો અંચળો ફેંકી દીધો. જો કે થોડો વખત કૅથલિક રહ્યો પણ છેવટે પોતાનાં દેવી દેવતાઓને શરણે પાછો ગયો.

૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો. તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો. જનોઈ ધારણ કરતો થયો એની આસપાસ ઘણી કથાઓ વણાયેલી છે. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે ચોરીચકારી. લૂંટમાર, ખૂન અને ભીખ માગવાની મનાઈ ફરમાવી.

બિરસા હવે મિશનરીઓને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો. ગમે તેમ કરીને બિરસાને પકડવાની કાર્યવાહી શરૂ થઈ અને એક રાતે એ સૂતો હતો ત્યારે પોલીસ ટુકડીના હાથે ચડી ગયો. એને બે વર્ષની સજા કરવામાં આવી.

સજા ભોગવ્યા પછી બિરસાએ ઉલગુલાન (મહા આંદોલન) માટે એલાન કર્યું. બે વર્ષમાં એણે બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા. ૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયો હતો પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે બિરસા મુંડા પણ પકડાઈ ગયો.

એના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી અને બિરસા ૧૯૦૦ની ૯મી જૂને કૉલેરાને કારણે રાંચીની જેલમાં મૃત્યુ થયું.આ સાથે અંગ્રેજ હકુમત સામે આદિવાસીઓના સંઘર્ષનું છેલ્લું પ્રકરણ સમાપ્ત થયું.

બિરસા મુંડાનું આંદોલન ૧૮૫૭ પછીનું છે. એ વખતે ગદર પાર્ટી ભારતની બહાર વિદ્રોહની તૈયારી કરતી હતી. કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી. લૉર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું તે હજી ઇતિહાસના ગર્ભમાં પાંચ વર્ષ વીતે તેની રાહ જોતું હતું. અનુશીલન અને જુગાંતરના સશસ્ત્ર આંદોલનો પણ વિધિએ નક્કી કરેલા સમયની પ્રતીક્ષામાં હતાં. પ્રફુલ્લ ચાકી કે ખુદીરામ બોઝનો હજી જન્મ થવાનો હતો.પણ બિરસાનું બલિદાન ઇતિહાસમાં બધા વિદ્રોહીઓના અવિરત સંઘર્ષના પ્રથમ મશાલચી તરીકે અંકિત થઈ ગયું છે.

પરંતુ આપણે ૧૮૫૭ના મહા સંગ્રામની ચર્ચા સમજીવિચારીને છોડી છે. આવતા પ્રકરણથી ૧૮૫૭ આપણો વિષય હશે, પરંતુ, ૧૮૫૭માં દેશમાં દાવાનળ લાગ્યો હતો ત્યારે ગુજરાત શું કરતું હતું? ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ મેદાનમાં જતાં પહેલાં આપણે ગુજરાતની અંદર ડોકિયું કરશું.

સંદર્ભઃ

http://archive.li/chUs9

http://en.banglapedia.org/index.php?title=Munda_Rebellion

%d bloggers like this: