India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom : Chapter 14

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૪: જોગીદાસ ખુમાણ અને કંપની

અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ
ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ !

             [અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને(પેટા જાતોને) તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા]

ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા (ભાગ-૨)માં જોગીદાસ ખુમાણની કથા આલેખી છે, તેમાં આ દૂહો છે. કદાચ આપણું કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે જોગીદાસ ખુમાણની કથામાં અંગ્રેજ ક્યાંથી આવ્યા? છેલ્લાં ચાર પ્રકરણમાં આપણે કચ્છના વિદ્રોહ અને અંતે અંગ્રેજોન સાથે ભારમલજીની સંધિની વાત વાંચી. કચ્છમાં અંગ્રેજોને આવવાનું જરૂરી એટલા માટે હતું કે ૧૭૮૪થી જ અંગ્રેજો સૌરાષ્ટ્રમાં આવી ગયા હતા અને કચ્છ એમના વિરોધમાં રહે તે એમને પોસાય તેમ નહોતું. આ બાજુ સૌરાષ્ટ્રના નાનામોટા ઠાકોરોએ અંગ્રેજોની આણ માની લીધી હતી. એક તો, સૌરાષ્ટ્રમાં પણ મુંબઈની કંપની સરકારે બંગાળ જેવા જ જમીનના કાયદા લાગુ કર્યા હતા, પણ સંધિ કરનાર ઠાકોરોને અંગ્રેજોની હૂંફ પણ મળતી હતી. આથી જમીનો આંચકી લેવાની એમની હિંમત વધી ગઈ હતી. મેઘાણીજીના એ જ પુસ્તકમાં એક લાંબું કથાગીત આપ્યું છે, તેમાં અંગ્રેજોનો ઉલ્લેખ સ્પષ્ટ આવે છે. તેના અમુક દોહા અર્થ સાથે જોઈએઃ

વેળા સમે ન શકિયા વરતી ફરતી ફોજ ફરે ફરંગાણ,
ભાયું થીયા જેતપર ભેળા ખાચર ને વાળા ખુમાણ. ૫

            [કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયા. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.]

હેક વચન સાંભળ તણ-હાદા ! નર માદા થઈ દીયો નમી !
પડખા માંય
કુંપની પેઠી, જાવા બેઠી હવે જમી. ૮

             [હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.]

મુળુ ચેલો બેય મળીને અરજ કરી અંગરેજ અગાં,
વજો લે આવ્યો સેન વલાતી જાતી કણ વધ રહે જગ્યા ! ૨૦

              [મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે ?)

અંગરેજે દીયો એમ ઉતર સૂતર ચાલો છોડ સ્વભાવ,

આશ કરો જો ગરાસ ઉગરે જોગીદાસ લે આવો જાવ. ૨૧

              [અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો, ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો !]

જોગીદાસે મનમાં જાણ્યું તાણ્યું વેર ન આવે તાલ,
આવ્યો શરણે વજો ઉગારે મારે તોય ધણી વજમાલ. ૨૩               

               [જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ. એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે.]

અવગણ તાજી લીયા ગણ અધપત મહે૫ત બાધા એમ મણે,
જોગીદાસ
વલ્યાતે જાતો તે દિ રાખ્યો વખત તણે. ૨૭

               [અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.]

જોગીદાસ ખુમાણને લાગ્યું કે અંગ્રેજોના હાથમાં ચડવા કરતાં દેશી રાજા સારો. આ લોકજીભે ચડેલી વાતમાં માત્ર જોગીદાસ ખુમાણના સંત સ્વભાવની અને ઠાકોર વજેસંગની દાનાઈની વાત છે. પરંતુ મેઘાણીજીએ પોતે જ કૅપ્ટન બેલના પુસ્તક (History of Kathiawad)માંથી અમુક ભાગ ટાંક્યો છે. આપણે એના કેટલાક અંશ જોઈએ કે જેથી ઈસ્ટ ઇંડિયા કંપની કેટલી પ્રભાવશાળી બની ગઈ હતી તેની ખબર પડે છેઃ

પાનું ૧૯૯ : … આવી જાતના પરાજય અને નુકશાનોથી રોષે ભરાયેલા બહારવટીયા ફરી પાછા વધુને વધુ હઠીલાઈથી તેમજ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લુંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી તો મુસીબત વધી કે ઈ. સ. ૧૮૨૨માં કેપ્ટન બાર્નવેલ નામનો પોલીટીકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો, અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોસી રાજાઓને મળવા તેડાવ્યા. બહારવટીઆનો નાશ કરવા માટે તેઓનો સહકાર માગ્યો, અને સુલેહ જાળવવામાં તથા ગુન્હેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું.

આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા, ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળા કાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા.

….એણે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટાંમાં સામેલગીરી હોવાની સાબીતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેએાને તેડાવીને કૅ. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટીયાઓને પકડીને વજેસંગજીને સોંપવા.

* * *

તેઓએ બહારવટીયાનો પીછો લઈ જોગીદાસ તથા તેના છ સગાએ કે જે એ બહારવટામાં સરદારો (ring leaders) હતા તેઓને પકડ્યા. કૅ. બાર્નવેલે એ બધાને કેદમાં નાખ્યા.

એમાંથી બે જણા કેદમાંજ મરી ગયા. બાકીના બધાને, જસદણના ચેલો ખાચર, ભડલી ભાણ ખાચર, બગસરા હરસુરવાળા, ડેડાણનો દંતો કોટિલો વગેરે કાઠી રાજાઓ કે જેને બાર્નવેલે જેતપુરના હામી તરીકે અટકાવેલા તે સહુના હાથમાં સોંપવામાં આવ્યા. તેઓ આ બહારવટીયાઓને ૧૮૨૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી. પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા.

૧૮૨૭ : ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા…આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.

કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, છરા, વીજપડી, ભીમોદરા, મીતીઆળાનો અમૂક હિસ્સો, પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબાઈ સરકારને પેાલી. એજન્ટ મી. બ્લેર્ને મોકલ્યા. અને તે મંજૂર થયા.

આમ, ઠાકોર વજેસંગ પણ કંપની સરકારને પૂછ્યા વિના જમીનનો (ગરાસનો) મોં-બદલો નહોતા કરી શકતા.

જોધા માણેક અને મૂળુ માણેકની કથામાં પણ કંપની હાજર છે. ઓખામંડળ પર ખરેખર તો સાર્વભૌમત્વ વડોદરાના ગાયકવાડનું હતું પણ ત્યાં ગાયકવાડના વહીવટદારો જ હતા. આટલે દૂરથી ઓખા પર કાબૂ રાખી શકાય તેમ પણ નહોતું, અને તે ઉપરાંત ગાયકવાડી રાજ્ય સાથેની સમજૂતી પ્રમાણે અંગ્રેજ પોલિટિકલ ઍજંટો પણ હતા. વાઘેરો ગાયકવાડી રાજ્ય તરફથી મળતી માસિક રકમ પર જીવતા હતા. હાલત એ હતી કે ગાયકવાડના સૈનિકો પણ વાઘેરણોની છેડતી કરતા. વાઘેરોમાં અસંતોષ હતો અને એમણે જ્યારે બળવો કર્યો ત્યારે એમની સામે લડવા માટે ઊતરી હતી, અંગ્રેજી ફોજ. આમ ખરો કબજો તો અંગ્રેજોનો હતો.

કાદુ મકરાણીની કથા પણ એ જ દેખાડે છે. ઈણાજ પર તો ઠાકોરે હુમલો કર્યો અને તે પછી કાદુના નિશાન પર તો સ્કૉટ હતો. આવા વિદ્રોહો ૧૮૫૭ના નિષ્ફળ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી પણ છેક વીસમી સદીના પહેલા દાયકા સુધી ચાલુ રહ્યા.

અંગ્રેજોએ જમીનના કાયદા બદલીને અને ઠાકોરો કે રાજાઓને પોતાના હાથમાં લઈને સોરઠની ધરા પર કેર વર્તાવ્યો હતો. સામાન્ય માણસ માટે તો હવે પોતાનો રાજા પણ પોતાનો નહોતો રહ્યો. બહારવટિયા આ અસંતોષનાં સંતાન હતા.

‘સોરઠી બહારવટિયા’ની કથાઓ સંકલિત કરવામાં આપણા રાષ્ટ્રશાયરે બધી વાતની કાળજી લીધી છે. એમણે શૂરવીરોનાં શૌર્યનાં બયાન તો કર્યાં જ છે, જ્યાં એમને કથા મળી છે પણ આધાર નથી મળ્યો, તો તે પણ જણાવ્યું છે, અને એક જ ઘટના બે અલગ રૂપમાં મળી તો તેય જેમની તેમ રાખી છે. એમણે કૅપ્ટન બેલ અને કિનકેઇડનાં પુસ્તકોનો પણ આધાર લીધો છે પરંતુ આ પુસ્તકોમાં પણ બધી વિગતો નથી અને જે કંઈ છે તે અંગ્રેજોની નજરે લખાયેલું છે. મેઘાણીજીએ કેટલાક ફકરા સીધા જ ટાંક્યા છે. ‘સોરઠી બહારવટિયા’ (ત્રણ ભાગ) હવે ફરી વાંચવાની ઇચ્છા થાય તો સોરઠની નીતિમતા, અને શૌર્યની કથાઓ સાથે અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીની ભૂમિકાને પણ ધ્યાનમાં રાખશો.

000૦

સંદર્ભઃ સોરઠી બહારવટિયા (ત્રણ ભાગ) ઝવેરચંદ મેઘાણી- (વિકીસ્રોત પર). એમણે જ બે પુસ્તકોનો હવાલો આપ્યો છે એટલે અલગ નથી દર્શાવ્યાં. તે www.archive.org પર મળશે.


લેખકની નોંધઅહીં જે શબ્દો/ શબ્દસમૂહો જૂદા રંગમાં જોવા મળે છે તે એવા અંગેજી / બ્રિટીશ શબ્દો / શબ્દો સમૂહો છે જે એ સમયનાં લોકસાહિત્યમાં વણાઈ ચૂક્યા છે, જેમ બ્રિટિશ શાસનની તે સમયનાં સમાજ જીવન પર પડેલી ઊંડી અસરો દર્શાવે છે. કોઇપણ શાસક સમાજ પર બળપૂર્વક જે કંઈ લાદવા પ્રયાસ કરે તે એ સમાજમાં ઉતરી ગયું દેખાય , પણ ભળી જઈને સ્વીકાર્ય બન્યું છે કે તે તો અમુક સમય પછી, જ્યારે કોઈ ખાસ ઘટનાઓ બને ત્યારે જ ખબર પડે. ૧૮૫૭ના સંગ્રામમાં કારતુસ પર લગાવાતી ડુક્કર કે ગાયનાં માંસની ચરબી આવી જ એક ઘટના હતી.

%d bloggers like this: