India: Slavery and struggle for freedom :: Part 2::: Struggle for Freedom – Chapter 8

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : ડિંડીગળનો વિદ્રોહી સંઘ

વિરૂપાત્ચી (વિરૂપાક્ષી)નો પોલીગાર ગોપાલ નાયક એક સારો ડિપ્લોમૅટ અને લડાયક હતો. ૧૭૮૩માં જ એણેકર્નલ ફુલરટનની બ્રિટિશ ફોજને લલકારી હતી, જો કે એ સફળ ન થયો. ૧૭૯૨માં કંપનીએ ડિંડીગળ જિલ્લાને મૈસૂરથી અલગ કરી લીધો હતો. ગોપાલ નાયકે કંપનીના કરવેરા ચુકવવામાં કદીયે ગલ્લાંતલ્લાં ન કર્યાં પણ ખાનગી રીતે એ બીજા અસંતુષ્ટોને મળતો રહ્યો અને કંપની વિરુદ્ધ એમને તૈયાર કર્યા. ડિંડીગળ ઉપરાંત મનાપરૈ, કલ્લારનાડુ, કોયંબત્તુર અને સેલમના પોલીગારોએ ગોપાલ નાયકના પ્રયાસોથી ૧૭૯૭માં બ્રિટિશ વિરોધી સંઘ બનાવ્યો. એમાં પછી આસપાસના બીજા પોલીગારો પણ જોડાયા. સંઘનું જોર વધતું જતું હતું અને ટીપુ સુલતાને પણ પોતાના માણસોને મોકલીને એમને ભેટો આપી. આમ છતાં આ સંઘ ટીપુના આશ્રિત તરીકે રહેવા નહોતો માગતો. બીજી બાજુ, જ્યારે ૧૭૯૯માં ટીપુ માર્યો ગયો તે લડાઈમાં અંગ્રેજોએ સંઘની મદદ માગી પણ એમણે ચોખ્ખી ના પાડી, એટલું જ નહીં, એમણે કંપનીના લશ્કર માટેનો સરસામાન પણ લૂંટી લીધો.

બ્રિટિશ શાસકોએ એમની સામે પગલાં ભર્યાં પણ બહુ સફળતા ન મળી. એનું કારણ એ કે સંઘનું કામકાજ એટલું ગુપ્તતાથી ચાલતું હતું કે અંગ્રેજ કલેક્ટરની તમામ કોશિશો છતાં એને બરાબર માહિતી નહોતી મળતી. પરંતુ પોલીગારો અંગ્રેજોની વિરુદ્ધ છે એમ તો એમને સમજાઈ ગયું હતું. ઑક્ટોબર ૧૭૯૯માં કલેક્ટરે ગોપાલ નાયકને હાજર થવા હુકમ કર્યો પણ એણે આ હુકમને ઠેબે ચડાવ્યો. હવે કંપની સામે સવાલ એ હતો કે હુકમનું પાલન કરાવવા માટે બળ વાપરવું કે હુકમમાં જ થોડી બાંધછોડ કરવી. નવેમ્બરમાં કલેક્ટરે બીજો સમન મોકલ્યો પણ ગોપાલ નાયકે એની પણ પરવા ન કરી.

તિરુનેલવેલી, રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો કલ્લારનાડુના જંગલમાં મળતા. આમાંથી ઘણાખરા તો પહેલાં મરુદુ ભાઈઓ અને કટ્ટબોમ્મન સાથે પણ હતા અને અંગ્રેજો સામે એમની શત્રુતા નવી નહોતી.

મલબાર-કોયંબત્તુરનો સંઘ

દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તમિળનાડુમાં વિદ્રોહના નેતાઓ સંઘોની રચના કરવામાં લાગ્યા હતા એ જ અરસામાં કેરળમાં મલબારમાંથી પણ વિદ્રોહનો સૂર પ્રગટ્યો.

પરંતુ આ સંઘ અને કર્ણાટક કે તમિળનાડુમાં બનેલા સમ્ગો વચ્ચે એક તફાવત છે. કર્ણાટક આને તમિળનાડુના સંઘો બ્રિટિશ સત્તા સામે લડવાના ઇરાદાથી બન્યા, જ્યારે મલબાર અને કોયમબત્તુરની અંગેજો સામે લડાઈ ચાલતી જ હતી, પરિણામે એ સંગઠિત્ત થયાં. શરૂઆતમાં એમનું લક્ષ્ય નાનું હતું પણ જેમ જેમ લડાઈ ચાલતી રહી તેમ એમની સામે બ્રિટિશ સત્તાનું ખરું રૂપ પ્રગટ થતું ગયું અને બીજા સંઘો સાથે પણ એમની વૈચારિક એકતા સ્થપાઈ.

આનો થોડો ઇતિહાસ જોઈએ. ૧૭૮૭ના અરસામાં ટીપુની તલવાર ચાલતી હતી અને મલબાર એનાથી બચવા માગતું હતું. આથી મલબારના બધા રાજાઓ ત્રાવણકોર રાજ્યને શરણે ગયા. આમાં કોટ્ટયટ્ટુનો રાજા પણ હતો. રાજાએ ત્રાવણકોર જતાં પહેલાં પોતાના સૌથી નાના રાજકુમાર કેરલા વર્માને બોલાવીને દેશની રક્ષાનો ભાર સોંપ્યો.

કેરલા વર્માએ આખું નગર ખાલી કરાવ્યું અને જંગલમાં ચાલ્યો ગયો અને નગરવાસીઓને એમનું નવું વતન બનાવવામાં મદ્દદ કરી. ટીપુની આણ પ્રવર્તતી હતી પણ કેરલા વર્મા એની પરવા કર્યા વિના એ એના સાથીઓને આસપાસનાં ગામોમાં મોકલતો અને ફંડફાળો વસૂલ કરતો. મૈસૂર સાથેની લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું ત્યારે ત્રાવણકોર ભાગી છૂટેલા રાજાઓ પાછા આવ્યા અને કંપનીને વિનંતિ કરતાં એમના હાથમાં એમના તામરાસ્સેરી અને કુરુંબારાનો વહીવટ ફરી સોંપાયો. બદલામાં એમણે કંપનીને પાંચમા ભાગની આવક આપવાની હતી. કેરલા વર્માને લાગ્યું કે આમાં એની સાથે છેતરપીંડી થઈ છે. કારણ કે ટીપુ સામે બહાદુરીથી ટકી રહેનારોતો એ એકલો હતો, બાકી બીજા બધા તો ત્રાવણકોર ભાગી છૂટઆ હતા. આથી એનામાં અંગ્રેજો વિરુદ્ધ ખુન્નસ વધ્યું. એણે કંપનીની સત્તાની વિરુદ્ધ લડવાનું ચાલુ રાખ્યું.

લોકોએ પણ એને સાથ આપ્યો અને કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી. અંગ્રેજોએ હવે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અખત્યાર કરી. ૧૭૯૪માં એમણે કુરંબરાના રાજા અને કેરલા વર્માના એક કુટુંબી સાથે સમજૂતી કરી લીધી અને કોટાયટ્ટુ અને વાયનાડમાંથી મહેસૂલ લેવાનો અધિકાર આપી દીધો. પરંતુ કેરલા વર્માએ બન્નેને પછાડ્યા અને બન્ને જિલ્લાઓ પર કબજો કરી લીધો. અંતે ૧૭૯૬ના ઍપ્રિલમાં કંપનીએ કેરલા વર્માના પાટનગર પળાશી પર હુમલો કર્યો આને એનો ૧૭,૦૦૦ રૂપિયાનો ખજાનો લૂંટી લીધો.

એ જંગલમાં ભાગી ગયો અને ત્યાંથી કંપનીને પત્ર લખીને પોતાની વફાદારી જાહેર કરી. બધા પોલીગારો એમ જ કરતા અને ફરી સજ્જ થવાનો સમય મેળવી લેતા. આમ કેરલા વર્મા પળાશી પાછો આવ્યો પણ હજી એના મનમાં કંપનીએ ખજાનો લૂંટી લીધો તેનો ખટકો હતો,

એણે ફરી લોકોને સંગઠિત કર્યા અને પહેલાં એ જે જંગલમાં રહેતો ત્યાં તૈયારી કરવા લાગ્યો. પરંતુ હવે મલબારમાં કંપની પણ સાવચેત હતી, કંપનીએ લોકોને કુરુંબરાના રાજા હેઠળ જવા કહ્યું પણ એમણે જોયું કે કુરુંબારાની રૈયત પણ કેરલા વર્માને વફાદાર હતી. કંપનીએ વિદ્રોહીઓને મોતની સજા અને મિલકત જપ્ત કરવાની ધમકી આપી પણ લોકો ડર્યા નહીં, પહાડોમાં મોરચાબંધી કરી લીધી અને કરવેરા ચુકવવાની ના પાડી દીધી. કંપની પોતાને વફાદાર રાજાઓ સાથે સંપર્ક કરતી તે બધા રસ્તા પણ એમણે બંધ કરી દીધા.

કેરલા વર્માએ તાડપત્રો પર લોકોને સંદેશ મોકલ્યા કે એમની તકલીફોનું કારણ કંપની રાજ છે. હવે કુરુંબરાનાડનો રાજા પણ એની સાથે મળી ગયો. ૧૭૯૭ આવતાં સુધી તો કેરળમાં ઠેરઠેર વિદ્રોહનું વાતાવરણ ઊભું થઈ ગયું.

મોપલા વિદ્રોહ

સામાન્ય રીતે તો આ સંઘો ટીપુની સામે લડતા હતા એટલે મોપલાઓ એમની વિરુદ્ધ રહ્યા હતા. પરંતુ ટીપુ અને આ સંઘોનું નિશાન એક જ હતું – કંપની રાજ. આ સંયોગોમાં મોપલાઓ ક્યાં સુધી સંઘોની વિરુદ્ધ રહી શકે તેમ હતા? કંપનીનું શાસન એમને પણ કઠતું હતું. મોપલા આગેવાનો અતૂન ગુરક્કળ, ચેંપેન પોકર અને ઉન્નીમોતા પહાડોમાં જઈને વિદ્રોહીઓને મળ્યા અને એકસંપ થઈને કંપની સામે લડવાની સમજૂતી કરી. હવે ડિડીગળના સંઘે ટીપુ સાથે પણ સમજૂતી કરી અને કંપની વિરુદ્ધ એની મદદ માગી. વાયનાડ કોના કબજામાં છે, એ વિશે વિવાઅદ હતો એટલે ત્યાં ટીપુ અથવા કંપની – કોઈનું ચાલતું નહોતું. એટલે વાયનાડ કેરલા વર્માને ફાવી ગયું. એણે અહીંથી ટીપુ સાથે વાટાઘાટો શરૂ કરી અને ટીપુના કિલ્લેદારને પણ મળ્યો.

પરંતુ કૂર્ગનો રાજા અંગ્રેજોનો મળતિયો હતો. એણે બધી બાતમી કંપનીને પહોંચાડી દીધી. કેરલા વર્મા અને બીજાઓએ ટીપુ પ્રત્યે વફાદારીના સોગંદ લીધા. કંપનીએ પણ વાયનાડમાંથી ખસી જવાનું યોગ્ય માન્યું. આમ વાયનાડ ટીપુના હાથમાં આવ્યું પણ એણેય પોતાની મરજી ન ચલાવી અને વિદ્રોહી સંઘને છૂટો દોર આપ્યો. આમ વાયનાડ વિદ્રોહનું કેન્દ્ર બની ગયું. જાન્યુઆરી ૧૭૯૭માં કંપનીના દળે વિદ્રોહીઓ પર હુમલો કર્યો પણ ૬૬ માણસોનો ભોગ આપીને પીછેહઠ કરી.

આ બાજુ, એરનાડ અને મલ્લાપુરમમાં મોપલાઓનો ધૂંધવાટ આગ બનીને પ્રગટ્યો. જાન્યુઆરી ૧૭૯૭માં એમણે બ્રિટિશ દળને ઘેરવા છટકું ગોઠવ્યું અને કૅપ્ટન બોમૅનની આખી ટુકડીને રહેંસી નાખી. આ દારુણ હાલતનો રિપોર્ટ આપવા માટે માત્ર એક માણસ બચ્યો.

૧૭૯૯નું વર્ષ ટીપુના પરાજય અને મોતનું સાક્ષી બન્યું, તેમ વિદ્રોહીઓ માટે પણ સારું ન રહ્યું કંપનીએ એક પછી એક બધાં વિદ્રોહી કેન્દ્રોને કચડી નાખ્યાં. આપણે જોઈ ગયા તેમ, કટ્ટબોમ્મનને ફાંસી આપી દેવાઈ તે સાથે તિરુનેલવેલ્લીનો સંઘ તૂટી પડ્યો. કેરલા વર્મા જીવતો પકડાયો અને એને પેન્શન આપીને દૂર મોકલી દીધો. ટીપુ મરાયો. એક માત્ર મરુદુ પાંડ્યન ટકી રહ્યો. એના પ્રયાસોથી રામનાડ અને ડિંડીગળના વિદ્રોહી સંઘો ટકી રહ્યા. દક્ષિણ કન્નડનો રાજા કૃષ્ણપ્પા નાયક પણ ઝૂઝતો રહ્યો. મોપલાઓ પણ દબાઈ નહોતા ગયા. શિમોગાનો ધૂંડાજી વાઘ પણ મૈસૂર પર અંગ્રેજોના કબજાથી ધૂંધવાતો હતો. એણે ટીપુના સૈનિકોને એકઠા કર્યા અને મૈસૂરને અંગ્રેજોના હાથમાંથી છોડાવવાની કોશિશ કરી પણ અંતે ફાવ્યો નહીં.

જાણે અઢારમી અને ઓગણીસમી સદી વિધાતાએ અંગ્રેજો માટે જ બનાવી હોય તેમ અંગ્રેજો જીતતા રહ્યા. એની સામે જે કોઈ પડે તેણે હારવાનું જ હતું, પરંતુ, આ શ્રેણી હારની નથી, હાર ન માનવાની છે.


સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

%d bloggers like this: