India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 7

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૭: પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? ()

આપણે વીર પાંડ્ય કટ્ટબોમ્મન સાથે કલેક્ટર જૅક્સને કરેલા ખરાબ વર્તાવથી વાત શરૂ કરીએ કારણ કે એનું મહત્ત્વ છે. રામનાડના કલેક્ટર કૉલિન જૅક્સનને પોલીગારો પાસેથી ખંડણી વસૂલવાની જવાબદારી સોંપાઈ હતી. ૧૭૯૮ના સપ્ટેમ્બરમાં ક્ટ્ટબોમ્મનના પંજાલમકુરિચિમાંથી ખંડણીની રકમ ઓછી આવી. એણે કટ્ટબોમ્મનને બહુ સખત શબ્દોમાં પત્ર લખીને ઉઘરાણી કરી. દુકાળને કારણે કંઈ વસુલાત થઈ શકી નહોતી પણ અંગ્રેજી શાસનમાં મહેસૂલ માફ થવાનો તો સવાલ્જ નહોતો. કલેક્ટરે રેવેન્યુ બોર્ડને પત્ર લખીને આવા પોલી ગારોને સખત સજા કરાવાનો અધિકાર માગ્યો. બોર્ડે એના પર વિચાર કરીને મંજૂરી ન આપી. આનું કારણ એ કે મૈસુરની લડાઈ માટે કંપનીએ તિરુનેલવેલીમાંથી સૈન્ય હટાવી લીધું હતું. એને બધી તાકત ટીપુ સામે વાપરવી હતી, એટલે નવો મોરચો ખોલવાનું કંપનીને જરૂરી ન લાગ્યું. જૅક્સને ફરી લખ્યું અને ફરિયાદ કરી કે વીર પાંડ્ય એની સત્તાને કંઈ સમજતો નથી. આથી બોર્ડૅ એને કટ્ટબોમ્મનને બોલાવવાની છૂટ આપી. જેક્સને કટ્ટબોમ્મનને ૧૫ દિવસમાં પોતાની ઑફિસે આવવાનો હુકમ મોકલ્યો. આ વાંચીને એ ગુસ્સે તો થયો પણ આ તબક્કે કંઈ ન કરવું એમ વિચારીને વીર પાંડ્ય કટ્ટબોમ્મન ત્યાં પહોંચ્યો પણ કલેક્ટર તિરુનેલવેલી જિલ્લાના પ્રવાસે નીકળી ગયો હતો. વીર પાંડ્ય જ્યાં કલેક્ટર હોય તે ગામે પહોંચતો પણ જૅક્સન એને બીજા ગામે આવવાનું કહી દે. આમ કરતાં છેલ્લે રામનાડમાં જ મળવા કહ્યું. કટ્ટબોમ્મને ધીરજ રાખી હતી. પણ એ ઑફિસે આવે તો એને કેદ કરી લેવાની જૅક્સનની મુરાદ હતી. કટ્ટબોમ્મન પોતાના વકીલ સાથે કલેક્ટરને મળવા આવ્યો ત્યારે એણે બન્નેને બેસવાની છૂટ ન આપી. ત્રણ કલાક ઊભા રહીને એને કેસ સમજાવ્યો ત્યારે નક્કી થયું કે ખંડણીની રકમ બહુ બાકી નથી. પરંતુ જૅક્સને એને કિલ્લો ન છોડવાનો હુકમ કર્યો. કટ્ટબોમ્મનનો એક મૂંગોબહેરો ભાઈ દૂરથી આ બધું જોતો હતો અને સમજી ગયો કે કટ્ટબોમ્મન જોખમમાં છે. એણે ઈશારા કરીને લોકોને એકઠા કરી લીધા. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ તેમાં કટ્ટબોમ્મન તો બહાર આવી ગયો પણ એનો એક સાથી ઘાયલ થયો હતો તે પકડાઈ ગયો. કંપનીનો એક લેફ્ટેનન્ટ પણ માર્યો ગયો.

આટલું થયા પછી પણ પોલીગારો ઉશ્કેરાયા નહીં. એમણે ગવર્નરને પત્ર લખીને વફાદારી જાહેર કરી અને જે કંઈ બન્યું તેના માટે જૅક્સનને જવાબદાર ઠરાવ્યો અને કંપનીની કેદમાં પડેલા એમના સાથીને છોડવાની વિનંતિ કરી. ગવર્નરે જૅક્સનને સસ્પેંડ કર્યો, કટ્ટબોમ્મનના સાથીને પણ કેદમાંથી મુક્ત કર્યો અને કટ્ટબોમ્મનને તપાસ સમિતિ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો.

એ હાજર થયો અને સમિતિએ એને નિર્દોષ ઠરાવ્યો પણ માર્યા ગયેલા લેફ્ટેનન્ટના પરિવારનો ખર્ચ એના માથે નાખ્યો. કટ્ટબોમ્મન માની ગયો.

દક્ષિણ ભારતના વિદ્રોહીઓની કામ કરવાની આ રીત હતી. મગજ પરથી કાબૂ ન ગુમાવવો, યોજના કરી હોય તેમાં આઘાપાછા ન થવું અને શત્રુ સબળ હોય ત્યાં સુધી લડાઈ ન કરવી. કટ્ટબોમ્મન શરતો પાળવા નહોતો માગતો પણ અંગ્રેજોની અવજ્ઞા કરવા માટે સમય કાઢવાનો હતો.

સંઘનો વિસ્તાર અને કટ્ટબોમ્મનનું બલિદાન

કટ્ટબોમ્મને બીજા પાંચ જાગીરોના પોલીગારો સાથે મળીને સંઘ તો બનાવી જ લીધો હતો. હવે એણે બીજા પોલીગારોનો પણ સંપર્ક કર્યો અને કંપનીની હિલચાલ પર રાખવા પોતાના જાસૂસોને મદ્રાસ મોકલ્યા! જો કે, સામાન્ય લોકોને સાથે લેવામાં એ નિષ્ફળ રહ્યો કારણ કે પરાપૂર્વથી ચાલ્યા આવતા કર કરતાં એ ઊંચા દરે કર વસૂલ કરતો હતો અને માત્ર પોલીગારોને સંગઠિત કરવા પર જ એ ધ્યાન આપતો હતો.

હવે વિદ્રોહીઓએ શિવગિરિ (કેરળ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજાલમકુરિચિ ખુલ્લા મેદાનમાં હતું અને શિવગિરિ પર્વતની તળેટીમાં હતું એટલે અહીં અંગ્રેજો હુમલો કરે તો મુકાબલો કરવાનું વધારે અનુકૂળ થાય એમ હતું. શિવગિરિના પોલીગારે તો સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો પણ એનો પુત્ર સામેલ થયો.

આમ તો ૧૭૯૨માં કંપનીએ આર્કોટના નવાબ સાથે સમજૂતી કરીને શિવગિરિ એને સોંપ્યું હતું, એના પ્રમાણે શિવગિરિનો શાસક કંપનીને પણ નજરાણું ધરતો. આમ શિવગિરિમાં કટ્ટબોમ્મન સામે કંઈ પગલું લેવું હોય તો એ અધિકાર આર્કોટના નવાબનો હતો, અંગ્રેજોએ સીધું કંઈ કરવાનું નહોતું. આમ છતાં કંપનીએ આર્કોટના સાર્વભૌમત્વની પરવા કર્યા વિના જ કટ્ટબોમ્મન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી.

૧૭૯૯ના મે મહિનામાં અંગ્રેજી ફોજે ચારે બાજુથી તિરુનેલવેલી પર હુમલો કર્યો. ૧૭૯૯ની ૧ સપ્ટેમ્બરે કંપનીના મેજરે કટ્ટબોમ્મનને સંદેશો મોકલીને હાજર થવાનું કહ્યું. કટ્ટબોમ્મને બહાનું કાઢી દીધું કે અત્યારે સારા દિવસ નથી એટલે શુભ દિવસો આવશે કે તરત એ હાજર થઈ જશે.

મેજર બૅનરમેન સમજી ગયો. પાંચમી તારીખે સૂરજ નીકળી તે પહેલાં અંગ્રેજી ફોજે કિલ્લાને ઘેરી લીધો. કિલ્લો આમ પણ કાચો હતો. હવે બૅનરમેને થોડા હથિયારધારીઓ સાથે એક રામલિંગમ મુદલિયારને કિલ્લામાં મોકલ્યો. એણે ત્યાં જઈને પોલીગારોને તાબે થઈ જવા કહ્યું પણ પોલીગારોએ ઘસીને ના પાડી દીધી. પરંતુ મુદલિયારે એમની એક નબળી કડી જોઈ લીધી. કિલ્લાના મુખ્ય દરવાજાની અંદરના બીજા દરવાજા પર વિદ્રોહીઓએ સંરક્ષણની કોઈ વ્યવસ્થા ગોઠવી નહોતી. વળી કિલ્લામાં માત્ર હજાર-બારસોથી વધારે માણસ નહોતા. એણે બૅનરમેનને આ સમાચાર આપ્યા. એણે લડાઈનો વ્યૂહ ગોઠવી દીધો. એક નાકું તોપથી ઉડાવી દીધું અને સૈનિકો અંદર ઘૂસી ગયા. પણ વિદ્રોહીઓએ એવો મરણિયો સામનો કર્યો કે અંગ્રેજી ફોજને પીછેહઠ કરવાની ફરજ પડી. એમણે બીજો પ્રયત્ન કર્યો પણ તેમાંય માર ખાધી. હવે એમણે વધારે કુમક મંગાવી.

આ બાજુ વિદ્રોહીઓએ જોયું કે કિલ્લો તૂટે છે, એટલે એમણે એ છોડી દીધો. આગળ જતાં કોલારપટ્ટી પાસે અંગ્રેજી ફોજ એમને સામે મળી. કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. વીર પાંડ્યનો નજીકનો સાથી શિવનારાયણ પિલ્લૈ પકડાઈ ગયો પણ કટ્ટબોમ્મન અને બીજાઓ નાસી છૂટ્યા અને કાલાપુરના જંગલમાં ભરાઈ ગયા.

પરંતુ અંગ્રેજોના મિત્ર પુદુકોટ્ટૈના રાજા તોંડૈમને ચારે બાજુ પોતાના માણસો વિદ્રોહીઓને પકડવા ગોઠવી દીધા હતા. એમણે વીર પાંડ્યને પકડી લીધો અને તોંડૈમને એને અંગ્રેજોને હવાલે કરી દીધો.

મુકદમાનું ફારસ ભજવાયું અને બધાને મોતની સજા કરવામાં આવી. કટ્ટબોમ્મને પોતાનો ‘અપરાધ’ કબૂલ કર્યો અને કહ્યું કે એણે જ અંગ્રેજો વિરુદ્ધ લોકોને તૈયાર કર્યા હતા. શિવનારાયણ પિલ્લૈનું માથું કાપીને ગઢના કાંગરે લટકાવી દીધું. વીર પાંડ્યને બીજી એકાંત જગ્યાએ લઈ ગયા. કહે છે કે એને જ્યાં લટકાવવાના હતા તે ઝાડ નીચે એણે બસ, પોતાના મૂંગા-બહેરા ભાઈની ચિંતા દેખાડી અને એક જ અફસોસ કર્યો કે કિલ્લો છોડ્યો એ ભૂલ હતી; કિલ્લામાં લડતાં લડતાં મોત આવ્યું હોત તો સારું થયું હોત. તે પછી એ શાંતિથી ગાળિયામાં ઝૂલી ગયો.

એનાં બધાં કુટુંબીજનો જીવનભર જેલમાં જ સબડતાં રહ્યાં અને એમની માલમિલકત અંગ્રેજોના વફાદાર પોલીગારોના હાથમાં ગઈ.

દક્ષિણ ભારતના આ સંગ્રામની ગાથા આપણે હજી આગળ વધારશું.

0-0-0-

સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

3. http://www.sivagangaiseemai.com/maruthupandiyar/maruthu-pandiyar-history.html

4. http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: