India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 5

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૫: પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? ()

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ માનવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં ટીપુના મૃત્યુ પછી૧૮૦0-૧૮૦૧માં જે વિદ્રોહ થયો તેને કેટલાક વિદ્વાનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ માને છે. એમનો મત છે કે ૧૮૫૭નો સંગ્રામ બીજો હતો. સંગઠનની દૃષ્ટિએ દક્ષિણ ભારતનો આ સંગ્રામ વધારે વ્યવસ્થિત હતો અને યોજનાપૂર્વક થયો હતો. એટલું જ નહીં, એમાં કેરળ (મલબાર), કર્ણાટક (કન્નડનાડ) અને તમિળનાડુ જોડાયેલાં હતાં એમાં સામાન્ય માણસોએ વીરતાપૂર્વક પોતાના પ્રાણ હોમી દીધા. આપણે આ વીરગાથાથી પરિચિત નથી એ દુઃખની વાત છે. ખરેખર તો, જ્યાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું ત્યાં પ્રજામાં ઊગ્ર વિરોધ હતો.

૧૭૯૫થી ૧૭૯૯

બંગાળ પર અંગ્રેજોનો કબજો થઈ જ ગયો હતો, જો કે અઢારમી સદીના અંત સુધી એમને સંન્યાસીઓ, ફકીરો અને ચુઆડોના જબ્બર વિદ્રોહનો સામનો કરવો પડ્યો. આમ જોઈએ તો આજના કર્ણાટકના ઘણા પ્રદેશો એમના કબજામાં હતા. દક્ષિણમાં એમને મુખ્ય ટક્કર તો મૈસૂરનાન શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન તરફથી મળી. ૧૭૯૯માં ટીપુના મૃત્યુ પછી તરત જ ૧૮૦0-૧૮૦૧માં જ અંગ્રેજોને લોકવિદ્રોહનો સામનો કરવો પડ્યો, એ મોટી વાત છે. પરંતુ સંગઠિત વિરોધ તો ૧૭૯૫થી જ શરૂ થઈ ગયો હતો.

ત્યાંના કેટલાક પ્રદેશો, જેમ કે કનારા અને સુંદા (આજના દક્ષિણ કન્નડા અને ઉત્તર કન્નડા જિલ્લાઓ)માં રાજાની દરમિયાનગીરી ઓછી હતી અને જમીન પર વારસા હક હતો. આના કારણે ત્યાં સમાજમાં સુખ સમૃદ્ધિનાં દર્શન થતાં હતાં. શાસન વ્યવસ્થા પણ સારી હતી. અહીં પોલીગાર (પલયક્કરાર) પદ્ધતિ હતી. રાજ્યને લશ્કરી સેવા આપવા બદલ એમને અમુક ગામો આપવામાં આવતાં. એટલે કે પોલીગાર જાગીરદારો હતા. એ રાજા અને પ્રજાની વચ્ચેના સ્તરના હતા પણ સામાન્ય રીતે એમનું માન હતું કારણ કે પરંપરાઓ જ કાયદો હતી અને પોલીગાર એમાં વચ્ચે ન પડતા. પરંતુ આ વ્યવસ્થા મોગલ શાસકોએ કરેલી હતી. મોગલો નબળા પડતાં દક્ષિણમાં મૈસુર અને કર્ણાટક, હૈદરાબાદમાં નિઝામ અને ઉત્તર ભારતમાં અવધ સ્વાધીન થવા લાગ્યાં હતાં. પોલીગારો લોકોના અંદરોઅંદરના કે રાજ્યના અધિકારીઓ સાથેના વિવાદમાં ઉદારતાથી લોકોની તરફેણ કરતા. કોઈ સ્થળે તો એવા પોલીગાર હતા કે જે રાજ્યને આપવાનું હોય તેટલું જ મહેસૂલ વસૂલ કરતા અને પોતાનો જીવનનિર્વાહ પોતાની જમીનની ઉપજમાંથી કરતા. આમ ઉત્તર ભારતના જાગીરદારો કરતાં એ જુદા પડતા હતા. જો કે કેટલાક શોષણખોર પણ હતા અને એ પડતીની નિશાની હતી. વળી ગ્રામસમાજ વધારે વ્યવસ્થિત હતો અને ‘પટેલ’ એનો મુખ્ય માણસ હતો. સામાન્ય લોકોની સુખાકારી સાચવવી એ એનું કામ હતું. ‘કવળકાર’ મારફતે પટેલ અજાણ્યા માણસોની હિલચાલ પર ધ્યાન રાખતો અને ચોરી જેવા ગુના પકડવા વગેરે એનાં કામો હતાં. આમ, રાજા, પોલીગાર અને પટેલ ત્રણ સ્તરની સત્તા હતી. પરંતુ એ બંધારણ બનાવીને ઊભાં કરાયેલાં સત્તાતંત્રો નહોતાં, આમ છતાં રાજા પોલીગારો કે જનતા પર અથવા પોલીગાર જનતા પર કંઈ ઠોકી બેસાડે એવું નહોતું બનતું કારણ કે ત્રણેય પાંખને ડર રહેતો કે એના સ્તરે ખોટું થશે તો બીજી બે પાંખો વિરોધ કરશે.

રાજાઓ અને નવાબોનો સ્વાર્થી વ્યવહાર

કર્ણાટક, મૈસૂર, તાંજોર (તંજાવ્વુર) કે હૈદરાબાદના શાસકો તો બહારથી આવ્યા હતા એટલે વ્યવસ્થા જાળવી રાખવામાં પોલીગારો મહત્ત્વનો ભાગ ભજવતા. આ શાસકોની અંદરોઅંદરની લડાઈઓએ જ બ્રિટિશ સત્તાનો વિસ્તાર કરવાની તક મળી. કોઈ પણ શાસક મદદ માગવા કંપની પાસે ચાલ્યો જતો. ત્રાવણકોર, પુદુકોટ્ટૈ, તંજાવ્વુર, મૈસુર, આર્કોટ, પુણે, હૈદરાબાદ વગેરેના શાસકોને અંગ્રેજોની મદદ લેતાં પહેલાં બે વાર વિચાર કરવાની જરૂર નહોતી લાગતી.

ત્રાવણકોરના ધર્મ રાજાએ કંપનીને લખ્યું કે ઈશ્વર જાણે છે કે અંગ્રેજ કંપની સાથે મારી મૈત્રી અને લાગણી આખી દુનિયામાં જાણીતી છે. ઈશ્વરના નામે હું કહું છું કે હું એમના ટેકા પર બહુ આધાર રાખું છું.” એણે રૈયતની પરવા કર્યા વિના જ રાજ્યમાં આવેલી બ્રિટિશ સૈનિક ટુકડીનું સ્વાગત કર્યું! આ ટુકડી ખરેખર તો એના પર કાબૂ મેળવવા આવી હતી! મૈસૂર અને તમિળનાડુના પોલીગારો સામે અંગ્રેજોની લડાઈમાં એણે કંપનીને મદદ આપી.

પુદુકોટ્ટૈના તોંડૈમનને તો લાગતું હતું કે અંગ્રેજો માટે જે સારું હોય તે જ એના માટે પણ સારું હોય. ટીપુ સુલતાન ૧૭૯૯માં એની છેલ્લી લડાઈ લડતો હતો ત્યારે તોંડૈમને પોતાનું લાવ લશ્કર, સાધનસામગ્રી, બધું અંગ્રેજોની સેવામાં હાજર કરી દીધું.

આર્કોટના મહંમદ અલીએ તો ચંદાસાહેબ સામેની લડાઈમાં અંગ્રેજોની સીધી મદદ લીધી. અને મૈસુર સામે અંગ્રેજોએ લડાઈ જાહેર કરી ત્યારે એમણે કર્ણાટકના મહેસૂલ ખાતાનો કબજો લઈ લીધો. કર્ણાટકના નવાબે બહુ માથાં પછાડ્યાં પણ અંગ્રેજોએ પરવા જ ન કરી. ૧૭૯૨માં એમને ફરી મહેસૂલનો વહીવટ નવાબને પાછો સોંપ્યો પણ તે સાથે એક નવો કરાર કર્યો કે અંગ્રેજો પૂર્વ કિનારે જ્યાં પણ આક્રમક કે બચાવ માટેની લડાઈ લડે ત્યારે કર્ણાટકનો મહેસૂલી વહીવટ પોતાના હસ્તક લઈ લેશે. નવાબે આવી શરમજનક શરત માનીને પોતાની ગાદી બચાવી.

કર્ણાટકના નવાબ મહંમદ અલી પાસેથી કંપનીએ ૩૫ લાખ રૂપિયા લાંચમાં લીધા અને બદલામાં રાજા તુલજાજીનું તંજાવ્વુર એને અપાવી દીધું. ત્રણ વર્ષ પછી કંપની ફરી ગઈ. રાજાને તંજાવ્વુર ફરી સોંપ્યું પણ કરાર કર્યો કે અંગ્રેજો એના રક્ષક બને અને રાજા દર વર્ષે એમને ૧૨ લાખ રૂપિયા ચૂકવે. અને ટીપુ સામે એમને પેશવા અને નિઝામ મદદ કરતા જ હતા.

અંગ્રેજો સાથે શાસકોના સ્વાર્થી સંબંધોની અસર એ થઈ કે રાજા-પોલીગાર્‌-પ્રજા વચ્ચેની સમતુલા તૂટી ગઈ. અંગ્રેજો ધન અને પ્રદેશ માટે સતત મોઢું ફાડતા જ જતા હતા સ્વાર્થી, અલ્પદૃષ્ટિવાળા શાસકો જે કંઈ હાથે ચડ્યું તે આ હોમતા ગયા. ૧૭૮૭માં કર્ણાટકમાં ૮૪ ટકા પાઅક મહેસૂલ તરીકે રાજ્યે લઈ લીધો. આ અસહ્ય હતું. આમાં સમાજમાં જે સામાન્ય સંબંધો હતા તેના પર અસર પડી. પહેલી વાર પ્રજાજીવનમાં રાજ્યની દરમિયાનગીરી વધી ગઈ અને જુલમો પણ વધી ગયા. અંતે જનતાનો રોષ પોતાના શાસકો અને એમનો દોરીસંચાર કરનાર ઈસ્ટ ઇંડિયા કંપની સામે વધતો ગયો.

૧૭૯૯ સુધીમાં અંગ્રેજોએ આંધ્રના કાંઠાના પ્રદેશો, તમિળનાડુમાં ચેંગલપટ્ટુ, તંજાવ્વુર, ડિંડિગળ, રામનાડ, કોયંબત્તુર, સેલમ, સેરિંગપટનમ (ટીપુના મૃત્યુ પછી), કનારા અને કેરળમાં મલબાર પર કબજો કરી લીધો હતો અને એમના વર્ચસ્વ હેઠળનો વિસ્તાર કન્યાકુમારી સુધી પહોંચ્યો હતો.

૧૭૫૧થી પોલીગારો વિરુદ્ધ પગલાં

પરંતુ એમને આંખના કણાની જેમ ખૂંચતી હતી તે પોલીગાર પદ્ધતિ હતી કારણ કે એ રાજ્યના શોષણની વિરુદ્ધ રૈયત માટે કામ કરતા હતા. અંગ્રેજોની નજરે આ નાફરમાની હતી એટલે એમણે સૌથી પહેલાં તો પોલીગારોને દબાવવાનાં પગલાં લીધાં. આમ તો ૧૭૫૧થી જ એમણે પોલીગારો સામે લડવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પોલીગારો પણ ગાજ્યા જાય તેમ નહોતા. પંજલમકુરિચિ અને ઍટ્ટાયાપુરમના પોલીગારો અંગ્રેજોના પહેલા હુમલામાં સફળ રહ્યા અને અંગ્રેજોએ ભાગવું પડ્યું પણ તે પછી અંગ્રેજોનાં ચડિયાતાં શસ્ત્રો અને સંખ્યા સામે એ હાર્યા. એ જ રીતે, તિરુનેલવેલીનો પોલીગાર પુલી તેવર એની બહાદુરી માટે જાણીતો હતો. અંગ્રેજોએ એના પર હુમલો કર્યો ત્યારે એની નાની સેનાએ એવો મરણિયો હુમલો કર્યો કે અંગ્રેજી ફોજ પોતાની શિસ્ત ભૂલી ગઈ અને ભાગી નીકળી. અંગ્રેજી ફોજ તિરુચિરાપલ્લી પહોંચી ત્યારે કલ્લણોએ રહ્યુંસહ્યું પુરું કરી દીધું.

પોલીગારો અઠંગ લડવૈયા હતા. સામ, દામ, દંડ અને ભેદ – બધું લાગુ કરતાં એ અચકાતા નહીં. સૌના સમાન દુશ્મન સામે એ એકઠા થતા, અંગ્રેજોના પક્ષે જેમને ફોડી શકાય એમને લાંચ પણ આપતા, લડાઈમાં ઢીલા પડે તો સમજૂતી કરી લેતા અને પાછા જઈને સમજૂતીઓને ઠોકરે ચડાવતા. પરંતુ આ તો ૧૭૫૬ સુધીની વાત. તે પછી પણ પોલીગારોનો વિદ્રોહ ચાલુ રહ્યો પરંતુ હવે અંગ્રેજોની સત્તા વિરાટ બની ચૂકી હતી. હજી આપણે હવે પછીનાં પ્રકરણોમાં પણ દક્ષિણ ભારતના આ સંગ્રામની ચર્ચા ચાલુ રાખીશું.

0-0-0-

સંદર્ભઃ

South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: